માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભની શોભા વધારી
શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક વિશ્વના સમુદાયના સક્ષમ નાગરિકો બનાવવા પ્રયાસ કરવો જોઈએઃ રાષ્ટ્રપતિ કોવિંદ
Posted On:
23 FEB 2021 8:51PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક દુનિયાના સમુદાયના નાગરિકો બનવા સક્ષમ બનાવવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે આજે (23 ફેબ્રુઆરી, 2021) ગાંધીનગરમાં ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ તેમજ યુનિવર્સિટીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત આપણા દેશને ‘નોલેજ સુપરપાવર’ બનાવવાના ઉદ્દેશ સાથે ભારતીય મૂલ્યો પર આધારિત આધુનિક જ્ઞાન-વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. નવી શિક્ષણ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ સતત પરિવર્તન પામતી દુનિયામાં વિદ્યાર્થીઓને તેમની ફરજો પ્રત્યે જાગૃત કરવાનો પણ છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક દુનિયાના સમુદાયના સક્ષમ નાગરિકો બનાવવા પ્રયાસ કરવો જોઈએ. વળી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જનહિત અને નૈતિકતાના મહત્વ પર પણ વિશેષ ભાર આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂલ્યો પર ખાસ ભાર મૂકીને જ આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને પશ્ચિમી વિચારો પર આધારિત વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફરક પેદા કરી શકીશું.
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી વૈશ્વિક વિચારસરણીનું હાર્દ છે – મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ. સ્થાનિક સંસાધનો, અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ સ્વનિર્ભરતા માટે કરવો પડશે. વિદ્યાર્થીઓ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવાની સાથે સંશોધન અને નવીનતા દ્વારા સ્થાનિક વિકાસને વેગ આપીને ખરાં અર્થમાં તેમના શિક્ષણને ઉપયોગી બનાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, આપણે હંમેશા યાદ રાખવું પડશે કે આપણા શિક્ષણથી વ્યક્તિગત લાભ ઉપરાંત આપણા સમાજ અને દેશને પણ ફાયદો થવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, વિકાસની સફરમાં પ્રમાણમાં પાછળ રહી ગયેલા લોકોના ઉત્થાન માટે પ્રયાસો કરીને વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં પ્રદાન કરી શકશે.
રાષ્ટ્રપતિએ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર આશરે 55 ટકા વિદ્યાર્થીઓ છોકરીઓ છે અને આજના પદવીદાન સમારંભમાં 21 મેડલમાંથી 13 મેડલ છોકરીઓએ મેળવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ યુનિવર્સિટીની મોટી સફળતા છે. આ આપણા સમાજમાં પરિવર્તનનો સંકેત છે અને નવા ભારતની ઝાંખી રજૂ કરે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 30 રાજ્યોના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, 85 ટકાથી વધારે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. તેમણે કહ્યું હતું કે, આ રીતે યુનિવર્સિટીનું કેમ્પસ મિનિ-ઇન્ડિયા જેવું છે અને આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. તેમણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ગુજરાતના લોકોમાંથી આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારી મેળવવાના ઉત્સાહમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એક વિઝન ડોક્યુમેન્ટ છે, જે શૈક્ષણિક વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયો ફક્ત શૈક્ષણિક સંસ્થાઓ હોવાની સાથે રાષ્ટ્રનિર્માણની પ્રયોગશાળાઓ પણ છે. ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સમન્વયના મહત્વ પર તેમણે ઉમેર્યું હતું કે, ઉદ્યોગની જરૂરિયાત અને શિક્ષણના વિષય વચ્ચે રહેલો ફરક સંશોધન અને નવીનતા દ્વારા પૂરી શકાશે. મંત્રીએ પદવીદાન સમારંભમાં પદવી લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આજે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ સરદાર પટેલના આદર્શોને અનુસરવા જોઈએ તથા સમાજ અને દેશના વિકાસમાં પ્રદાન કરવું જોઈએ.
પદવીદાન સમારંભમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને કુલ 244 ડિગ્રી એનાયત થઈ હતી. એમાંથી 73 વિદ્યાર્થીઓએ પીએચ.ડીની ડિગ્રી, 26 વિદ્યાર્થીઓએ એમ.ફિલની ડિગ્રી, 121 વિદ્યાર્થીઓએ પોસ્ટ-ગ્રેજ્યુએટની ડિગ્રી અને 24 વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત થઈ હતી. આ પ્રસંગે યુજી અને પીજી પ્રોગ્રામમાં સૌથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ 21 સીયુજી મેડલ પણ આપવામા આવ્યા હતા. ખાસ કરીને છ વિદ્યાર્થીઓ કુમારી નિકિતા ગયેલ (અંગ્રેજીમાં એમ.એ.), શ્રી પ્રાજ્નદિપ્તા પાંડા (લાઇફ સાયન્સિસમાં એમ.એસસી.), કુમારી અસ્મિતા નાંદી (કેમિકલ સાયન્સિસમાં એમ.એસસી.), શ્રી સૌમ્યદીપ બોરા (નેનોટેકનોલોજીમાં એમ.એસસી.), કુમારી મૈથુમા નરઝરી (ઇકોનોમિક્સમાં એમ.એ.) અને શ્રી વિજય આનંદ મિંજ (માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ)ને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે સીયુજી મેડલ એનાયત થયા હતા. રવિ પ્રાચી ઉમેશકુમાર (ઇકોનોમિક્સમાં એમ.એ.)ને પણ ઇકોનોમિક્સમાં એમ.એ. માટે ફાઇનલ સેમિસ્ટરની પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ મેડલ એનાયત થયો હતો.
SD/GP/BT
(Release ID: 1700306)
Visitor Counter : 204