પ્રધાનમંત્રીનું કાર્યાલય

પશ્ચિમ બંગાળના હલ્દિયામાં મહત્વની માળખાગત પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 FEB 2021 8:42PM by PIB Ahmedabad

મંચ પર ઉપસ્થિત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, દેબાશ્રી ચૌધરીજી, સાંસદ દિબ્યેન્દુ અધિકારીજી, ધારાસભ્ય તાપસી મંડલજી, ભાઈઓ અને બહેનો!

આજે પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર પૂર્વી ભારત માટે એક બહુ મોટો મહત્વપૂર્ણ અવસર છે. પૂર્વી ભારતની કનેક્ટિવિટી અને સ્વચ્છ બળતણના મામલે આત્મનિર્ભરતા માટે આજે બહુ મોટો દિવસ છે. ખાસ કરીને આ સંપૂર્ણ ક્ષેત્રના ગેસના જોડાણોને સશક્ત કરનારા મોટા પ્રોજેક્ટ્સ આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યા છે. આજે જે 4 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેના વડે પશ્ચિમ બંગાળ સહિત પૂર્વી ભારતના અનેક રાજ્યોમાં જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતા બંને વધારે સારા બનશે. આ પ્રોજેક્ટ હલ્દિયાને દેશના આધુનિક અને મોટા આયાત નિકાસ કેન્દ્રના રૂપમાં વિકસિત કરવામાં પણ મદદગાર સાબિત થશે.

સાથીઓ,

ગેસ આધારિત અર્થવ્યવસ્થા આજે ભારતની જરૂરિયાત છે. વન નેશન વન ગેસ ગ્રીડ, આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટેનું એક મહત્વપૂર્ણ અભિયાન છે. તેની માટે પાઇપલાઇન નેટવર્કના વિસ્તરણની સાથે-સાથે કુદરતી ગેસની કિંમતો ઓછી કરવા ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિતેલા વર્ષોમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ઘણા મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે. આપણાં આ પ્રયાસોનું પરિણામ છે કે આજે ભારત આખા એશિયામાં ગેસનો સૌથી વધુ વપરાશ કરનાર દેશોમાં સામેલ થઈ ગયો છે. આ વર્ષે બજેટમાં દેશે સ્વચ્છ અને સસ્તી ઉર્જા માટે ‘હાઈડ્રોજન મિશન’ની પણ જાહેરાત કરી છે, કે જે સ્વચ્છ બળતણના અભિયાનને સશક્ત કરશે.

સાથીઓ,

6 વર્ષ પહેલા જ્યારે દેશે અમને અવસર આપ્યો હતો, તો વિકાસની યાત્રામાં પાછળ રહી ગયેલ પૂર્વ ભારતને વિકસિત કરવાનું એક પ્રણ લઈને અમે ચાલી નીકળ્યા હતા. પૂર્વ ભારતમાં જીવન અને કારોબાર માટે જે આધુનિક સુવિધાઓની જરૂર છે તેમના નિર્માણ માટે અમે એક પછી એક અનેક પગલાઓ ભર્યા. રેલવે હોય, રસ્તાઓ હોય, હવાઈ મથકો હોય, જળમાર્ગ હોય, કે બંદરો હોય, એવા દરેક ક્ષેત્રમાં કામ કરવામાં આવ્યું. આ ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા એ પરંપરાગત સંપર્કનો અભાવ તો હતો જ પરંતુ સાથે જ ગેસના જોડાણોની એક બહુ મોટી સમસ્યા હતી. ગેસના અભાવમાં પૂર્વ ભારતમાં નવા ઉદ્યોગ તો શું, જૂના ઉદ્યોગ પણ બંધ થઈ રહ્યા હતા. આ સમસ્યાને દૂર કરવા માટે પૂર્વ ભારતને, પૂર્વ બંદરો અને પશ્ચિમી બંદરો સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાથીઓ,

પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઇપલાઇન આ જ લક્ષ્યની સાથે આગળ વધી રહી છે. આજે આ જ પાઇપલાઇનનો બીજો એક ભાગ જનતાની સભામાં સમર્પિત થઈ ચૂક્યો છે. લગભગ 350 કિલોમીટરની ડોભી-દુર્ગાપુર પાઇપલાઇન બનવાથી પશ્ચિમ બંગાળની સાથે-સાથે બિહાર અને ઝારખંડના દસ જિલ્લાઓને સીધો લાભ થશે. આ પાઇપલાઇન બનાવતી વખતે આશરે 11 લાખ માનવીય કાર્ય દિવસોનો રોજગાર અહિયાના લોકોને મળ્યો છે. હવે જ્યારે તે પૂર્ણ થઈ ગઈ છે તો આ તમામ જિલ્લાઓના હજારો પરિવારોના રસોડામાં પાઇપ વડે સસ્તો ગેસ પહોંચી શકશે, સીએનજી આધારિત ઓછા પ્રદૂષણવાળી ગાડીઓ ચાલી શકશે. તેની સાથે-સાથે તેના વડે દુર્ગાપુર અને સીંદરી ખાતર કારખાના માટે પણ ગેસનો સતત પૂરવઠો શક્ય બની શકશે. આ બંને કારખાનાઓની શક્તિ વધવાથી રોજગારના નવા અવસરો ઊભા થશે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સસ્તું ખાતર મળી શકશે. મારો ગેલ અને પશ્ચિમ બંગાળ સરકારને આગ્રહ રહેશે કે જગદીશ પૂર હલ્દિયા અને બોકારો ધામરા પાઇપલાઇનના દુર્ગાપુર હલ્દિયા સેકશનને પણ જેટલું બને તેટલું જલ્દી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવે.

સાથીઓ,

કુદરતી ગેસની સાથે-સાથે આ ક્ષેત્રમા એલપીજી ગેસના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા માટે સતત કામ ચાલી રહ્યું છે. તે એટલા માટે જરૂરી છે કારણ કે પૂર્વી ભારતમાં ઉજ્જવલા યોજના પછી એલપીજી ગેસનું કવરેજ ખાસ્સું વધારે વધી ગયું છે, જેના કારણે માંગ પણ વધી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત પશ્ચિમ બંગાળમાં લગભગ લગભગ 90 લાખ બહેનો દીકરીઓને મફત ગેસના જોડાણો મળ્યા છે. તેમાંથી પણ 36 લાખ કરતાં વધારે એસસી/એસટી વર્ગની મહિલાઓ છે. વર્ષ 2014 માં પશ્ચિમ બંગાળમાં એલપીજી ગેસનું કવરેજ માત્ર 41 ટકા હતું. અમારી સરકારના સતત પ્રયાસો વડે હવે બંગાળમાં એલપીજી ગેસનું કવરેજ 99 ટકા કરતાં વધારે થઈ ગયું છે, ક્યાં 41 અને ક્યાં 99 કરતાં પણ વધારે. આ બજેટમાં તો દેશમાં ઉજ્જવલા યોજના અંતર્ગત 1 કરોડ બીજા મફત ગેસના જોડાણો ગરીબોને આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ વધતી માંગને પૂરી કરવામાં હલ્દિયામાં બનાવવામાં આવેલ એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ મહત્વની ભૂમિકા નિભાવશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, યુપી અને નોર્થ ઇસ્ટના કરોડો પરિવારોને તેનાથી સુવિધા મળશે. આ ક્ષેત્ર વડે બે કરોડ કરતાં વધારે લોકોને ગેસ પુરવઠો મળશે, તેમાંથી લગભગ 1 કરોડ ઉજ્જવલા યોજનાના જ લાભાર્થીઓ હશે. આ સાથે જ તેનાથી સેંકડો રોજગાર અહિયાના નવયુવાનોને મળશે.

સાથીઓ,

સ્વચ્છ ઉર્જાને લઈને અમારી પ્રતિબદ્ધતાને પૂરી કરવા માટે આજે અહીંયા બીએસ-6 ફ્યુઅલ બનાવનાર પ્લાન્ટની ક્ષમતાને વધારવા માટેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. હલ્દિયા રિફાઇનરીમાં આ બીજું કેટલિટિક ડીવેક્સિંગ યુનિટ (Catalytic Dewaxing Unit) જ્યારે તૈયાર થઈ જશે લ્યુબ આધારિત તેલ (lube base oils) માટે વિદેશો ઉપર આપણી નિર્ભરતા ઓછી થઈ જશે. તેનાથી દર વર્ષે દેશના કરોડો રૂપિયા બચી જશે. ઉપરથી આજે આપણે તે સ્થિતિની દિશામાં આગળ વધી રહ્યા છે જ્યારે નિકાસની ક્ષમતા તૈયાર કરી શકીએ.

સાથીઓ,

પશ્ચિમ બંગાળને ફરી એકવાર દેશના મહત્વના વેપાર અને ઔદ્યોગિક કેન્દ્રના રૂપમાં વિકસિત કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. તેમાં બંદર આધારિત વિકાસનું સર્વશ્રેષ્ઠ મોડલ છે. કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ટ્રસ્ટને આધુનિક બનાવવા માટે વિતેલા વર્ષોમાં અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. અહિયાં હલ્દિયાનું જે ડોક કોમ્પ્લેકસ છે, તેની ક્ષમતાને અને પાડોશી દેશો સાથે તેના જોડાણને સશક્ત કરવું પણ જરૂરી છે. આ જે નવો ફલાય ઓવર બન્યો છે, તેનાથી હવે અહીંનો સંપર્ક વધુ સારો બનશે. હવે હલ્દિયાથી બંદરો સુધી જનારા કાર્ગો ઓછા સમયમાં પહોંચશે, તેમને જામ અને મોડા પડવાથી મુક્તિ મળશે. આંતરિક જળમાર્ગ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, અહીંયા મલ્ટી મોડલ ટર્મિનલના નિર્માણની યોજના પર કામ કરી રહ્યું છે. આવી વ્યવસ્થાઓ વડે હલ્દિયા, આત્મનિર્ભર ભારતને ઉર્જા આપનાર કેન્દ્રના રૂપમાં બહાર આવશે. આ બધા જ કામો માટે અમારા સાથી મિત્ર ધર્મેન્દ્ર પ્રધાનજી અને તેમની આખી ટીમને હું હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ છે કે ઝડપી ગતિએ ઓછા સમયમાં સામાન્યથી સામાન્ય માનવીના દુ:ખને દૂર કરવાના આ કામને ખૂબ જ યશસ્વી રીતે આ ટીમ પૂરું કરી શકશે, એવો મને પૂરે પૂરો વિશ્વાસ છે. અંતમાં ફરી એકવાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના તમામ રાજ્યોને આ સુવિધાઓ માટે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, અનેક અનેક શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT



(Release ID: 1696138) Visitor Counter : 212