પ્રધાનમંત્રીનું કાર્યાલય

વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનો રેવાડી-મદાર વિભાગ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 JAN 2021 2:58PM by PIB Ahmedabad

નમસ્કાર જી,

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રજી, હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્યજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, ઉપ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલાજી, મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી પિયુષ ગોયલજી, રાજસ્થાનના શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, શ્રી કૈલાશ ચૌધરીજી, હરિયાણાના શ્રી રાવ ઇન્દ્રજીત સિંહજી, શ્રી રતન લાલ કટારિયાજી, શ્રી કૃષ્ણ પાલજી, સંસદના મારા અન્ય તમામ સહયોગીગણ, ધારાસભ્યો, ભારતમાં જાપાનના રાજદૂત મહાનુભાવ શ્રી સતોષી સૂજુકી જી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો,

ભાઈઓ અને બહેનો,

આપ સૌને પણ મારા તરફથી 2021ના આ નવ વર્ષની શુભકામનાઓ! દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવા માટે ચાલી રહેલા મહાયજ્ઞએ આજે એક નવી ગતિ પ્રાપ્ત કરી છે. માત્ર વિતેલા 10-12 દિવસોની જ વાત કરીએ તો આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરની મદદ વડે ખેડૂતોના ખાતામાં સીધા 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા, દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ કોમન મોબિલિટી કાર્ડની શરૂઆત થઈ, તે જ રીતે ડ્રાઇવરલેસ મેટ્રોનો પણ પ્રારંભ થયો. ગુજરાતનાં રાજકોટમાં એઇમ્સ તો ઓડિશાના સંબલપુરમાં આઇઆઇએમના સ્થાયી કેમ્પસનું કામ શરૂ થયું, દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની સાથે દેશના 6 શહેરોમાં 6 હજાર ઘરો બનાવવાનું કામ શરૂ થયું, નેશનલ એટમિક ટાઈમ સ્કેલ અને ‘ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી’ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી, દેશની સૌપ્રથમ નેશનલ એન્વાયર્મેન્ટલ સ્ટેન્ડર્ડ લેબોરેટરીનો શિલાન્યાસ થયો, 450 કિલોમીટર લાંબી કોચિ-મેંગ્લુરુ ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ થયું, મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર માટે 100મી કિસાન રેલ ચાલી, અને આ દરમિયાન જ વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યુ ભાઉપૂર – ન્યુ ખુરજા ફ્રેઇટ કોરિડોર રુટ પર સૌપ્રથમ માલગાડી દોડી અને હવે આજે વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનો 306 કિલોમીટર લાંબો કોરિડોર દેશને સમર્પિત થયો છે. જરા વિચારો, માત્ર 10-12 દિવસોમાં આટલું બધુ. જ્યારે નવા વર્ષમાં દેશની શરૂઆત સારી છે તો આવનારો સમય પણ સારો જ હશે. આટલા લોકાર્પણ, આટલા શિલાન્યાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતે આ બધુ કોરોનાના આ સંકટથી ભરેલા સમયગાળામાં કર્યું છે. કેટલાક જ દિવસો પહેલા ભારતે કોરોનાની બે મેઇડ ઇન ઈન્ડિયા વેક્સિન પણ મંજૂર કરી છે. ભારતની પોતાની રસી વડે દેશવાસીઓમાં નવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો છે. 2021ની શરૂઆતના સમયમાં પ્રારંભથી જ ભારતની આ ઝડપ, આત્મનિર્ભરતા માટે આ ગતિ, આ બધી વાતો જોઈને, સાંભળીને કયો હિન્દુસ્તાની એવો હશે, કયો મા ભારતીનો લાલ હશે, કોણ એવો ભારતને પ્રેમ કરનાર વ્યક્તિ હશે જેનું માથું ગર્વથી ઊંચું નહિ થઈ જાય? આજે પ્રત્યેક ભારતીયનું આહ્વાન છે – અમે ના તો રોકાઈશું, ના થાકીશું, અમે ભારતીયો સાથે મળીને હજી વધારે ઝડપથી આગળ વધીશું.

સાથીઓ,

ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના આ પ્રોજેક્ટને 21 મી સદીમાં ભારત માટે ગેમ ચેન્જરના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. છેલ્લા 5-6 વર્ષોની સખત મહેનત પછી આજે તેનો એક બહુ મોટો ભાગ હકીકત બની ચૂક્યો છે. કેટલાક દિવસો પહેલા જે ન્યુ ભાઉપુર – ન્યુ ખુરજા સેકશન શરૂ થયું છે ત્યાં માલગાડીઓની ગતિ 90 કિલોમીટર પ્રતિ કલાકથી ઉપર સુધી નોંધવામાં આવી છે. જે રસ્તામાં માલગાડીઓની સરેરાશ ગતિ માત્ર 25 કિલોમીટર રહી હોય, ત્યાં હવે પહેલા કરતાં લગભગ લગભગ 3 ગણી વધારે ઝડપવાળી માલગાડીઓ આવવા જવા લાગી છે. ભારતને પહેલાંની સરખામણીએ વિકાસની આ જ ગતિ જોઈએ છે અને દેશને પણ આવી જ પ્રગતિ જોઈએ છે.

સાથીઓ,

આજે હરિયાણાના ન્યુ અટેલીથી રાજસ્થાનના ન્યુ કિશનગઢ માટે સૌપ્રથમ ડબલ સ્ટેક કન્ટેનર માલગાડી રવાના કરવામાં આવી છે. એટલે કે ડબ્બાની ઉપર ડબ્બો, અને તે પણ દોઢ કિલોમીટર લાંબી માલગાડીમાં, તે પોતાનામાં જ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. ભારત આ સામર્થ્ય ધરાવતા દુનિયાના ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ થઈ ગયો છે. તેની પાછળ આપણાં એન્જિનિયરો, ટેક્નિશિયનો અને શ્રમિકોની બહુ મોટી મહેનત રહી છે. દેશને ગર્વ અપાવનારી સિદ્ધિ આપવા બદલ હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આજનો દિવસ એનસીઆર, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો, ઉદ્યમીઓ, વેપારીઓ, દરેકની માતે એક નવી આશા, નવા અવસરો લઈને આવ્યો છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, પછી તે ઈસ્ટર્ન હોય કે વેસ્ટર્ન, તે માત્ર આધુનિક માલગાડીઓની માટે આધુનિક રુટ માત્ર જ નથી. તે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર દેશના ઝડપી વિકાસનો કોરિડોર પણ છે. આ કોરિડોર, દેશના જુદા જુદા શહેરોમાં નવા વિકાસ કેન્દ્રો અને ગ્રોથ પોઈન્ટના વિકાસનો આધાર પણ બનશે.

ભાઈઓ અને બહેનો,

દેશના જુદા જુદા ભાગોના સામર્થ્યને આ કઈ રીતે વધારી રહ્યા છે, તે પૂર્વી ફ્રેઇટ કોરિડોરે દેખાડવાનું પણ શરૂ કરી દીધું છે. ન્યુ ભાઉપુર – ન્યુ ખુરજા સેકશન પર એક બાજુ પંજાબથી હજારો ટન અનાજની બોરીઓ લઈને ગાડી નીકળી, ત્યાં જ બીજી બાજુ ઝારખંડથી, મધ્ય પ્રદેશના સિંગરોલીથી હજારો ટન કોલસો લઈને માલગાડી એનસીઆર, પંજાબ અને હરિયાણા પહોંચી. આ જ કામ પશ્ચિમી ફ્રેઇટ કોરિડોર પણ યુપી, હરિયાણાથી લઈને રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કરશે. હરિયાણા અને રાજસ્થાનમાં ખેતી અને તેની સાથે જોડાયેલ વેપારને તો સરળ બનાવશે જ, સાથે-સાથે મહેન્દ્ર ગઢ, જયપુર, અજમેર, સીકર, એવા અનેક જિલ્લાઓમાં ઉદ્યોગોને નવી ઉર્જા પણ આપશે. આ રાજ્યોના ઉત્પાદન એકમો અને ઉદ્યમીઓ માટે ખાસ્સા ઓછા ખર્ચ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી ઝડપથી પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો સુધી ઝડપી અને સસ્તા સંપર્કો મળવાથી આ ક્ષેત્રમા રોકાણ માટેની નવી સંભાવનાઓને બળ મળશે.

સાથીઓ,

આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ, જેટલું જીવન માટે જરૂરી છે તેટલું જ કારોબાર માટે પણ જરૂરી છે અને દરેક નવી વ્યવસ્થાને આગળ વધારવા માટે પણ આમાંથી જ જન્મ મળે છે, તેની પાસેથી જ સામર્થ્ય મળે છે. તેની સાથે સંકળાયેલ કાર્ય, અર્થવ્યવસ્થાના અનેક એન્જિનોને ગતિ આપે છે. તેનાથી માત્ર ઉપસ્થિત અવસર પર જ રોજગાર નિર્માણ નથી થતું પરંતુ અન્ય ઉદ્યોગો જેવા કે સિમેન્ટ, સ્ટીલ, ટ્રાન્સપોર્ટ, એવા અનેક ક્ષેત્રોમાં પણ નવા રોજગારનું નિર્માણ થાય છે. જેમ કે આ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર વડે જ 9 રાજ્યોમાં 133 રેલવે સ્ટેશનો કવર થઈ જાય છે. આ સ્ટેશનો પર, તેમની સાથે નવા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક, ફ્રેઇટ ટર્મિનલ, કન્ટેનર ડિપો, કન્ટેનર ટર્મિનલ, પાર્સલ હબ જેવી અનેક વ્યવસ્થાઓ વિકસિત થશે. આ બધાનો લાભ ખેડૂતોને મળશે, નાના ઉદ્યોગોને થશે, કુટીર ઉદ્યોગોને મળશે, મોટા ઉત્પાદકોને મળશે.

સાથીઓ,

આજે આ રેલવેનો કાર્યક્રમ છે, પાટાઓની વાત સ્વાભાવિક છે એટલા માટે પાટાઓને જ આધાર બનાવીને એક બીજું ઉદાહરણ આપીશ. આજે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ બે પાટાઓ પર એક સાથે ચાલી રહ્યું છે. એક પાટો – વ્યક્તિગત – વ્યક્તિના વિકાસને આગળ વધારી રહ્યો છે, બીજા પાટા વડે દેશના ગ્રોથ એન્જિનને નવી ઉર્જા મળી રહી છે. જો વ્યક્તિના વિકાસની વાત કરીએ તો આજે દેશમાં સામાન્ય માનવી માતે ઘર, શૌચાલય, પાણી, વીજળી, ગેસ, માર્ગો, ઈન્ટરનેટ જેવી દરેક સુવિધાને ઉપલબ્ધ કરાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, સૌભાગ્ય, ઉજ્જવલા, પ્રધાનમંત્રી ગ્રામીણ માર્ગ યોજના, આવી અનેક યોજનાઓ દ્વારા કરોડો ભારતીયોનું જીવન સરળ બને, સહજ બને, આત્મવિશ્વાસથી ભરેલું હોય અને સન્માન સાથે જીવવાનો અવસર મળે તે માટે આ કલ્યાણના કામ પણ ઝડપથી ચાલી રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રકચરનો બીજા પાટાનો લાભ દેશના ગ્રોથ એન્જિન, આપણાં ઉદ્યમીઓ, આપણાં ઉદ્યોગોને થઈ રહ્યો છે. આજે હાઇવે, રેલવે, એર વે, વોટર વેનું જોડાણ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવી રહી છે અને ઝડપથી પહોંચાડવામાં આવી રહી છે. આપણાં બંદરોને, ટ્રાન્સપોર્ટના જુદા જુદા માધ્યમોને જોડવામાં આવી રહ્યા છે, મલ્ટી મોડલ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આજે આખા દેશમાં ફ્રેઇટ કોરિડોરની જેમ જ ઈકોનોમિક કોરિડોર, ડિફેન્સ કોરિડોર, ટેક ક્લસ્ટર્સ, ઉદ્યોગો માટે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી રહી છે. અને સાથીઓ, જ્યારે દુનિયા જુએ છે ને કે વ્યક્તિ માટે અને ઉદ્યોગો માટે સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતમાં બની રહ્યું છે, તો તેનો એક બીજો પણ હકારાત્મક પ્રભાવ પડે છે. આ પ્રભાવનું જ પરિણામ છે – ભારતમાં આવી રહેલ રેકોર્ડ એફડીઆઇ આ પ્રભાવનું જ પરિણામ છે – ભારતનો વધી રહેલ વિદેશી હુંડિયામણનો ભંડાર, આ પ્રભાવનું જ પરિણામ છે – દુનિયાનો ભારત ઉપર સતત વધી રહેલ ભરોસો. આ કાર્યક્રમમાં જાપાનના રાજદૂત શ્રી સુજુકી જી પણ સામેલ છે. જાપાન અને જાપાનના લોકો, ભારતની વિકાસ યાત્રામાં એક વિશ્વસનીય મિત્રની જેમ હંમેશા ભારતના સાથી રહ્યા છે. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના નિર્માણમાં પણ જાપાને આર્થિક સહયોગની સાથે જ ભરપૂર ટેકનોલોજી મદદ પણ આપી છે. હું જાપાન અને જાપાનના લોકોને અભિનંદન પાઠવું છું, વિશેષ આભાર પ્રગટ કરું છું.

સાથીઓ,

વ્યક્તિગત, ઉદ્યોગો અને રોકાણનો આ તાલમેલ ભારતીય રેલવેને પણ સતત આધુનિક બનાવી રહ્યો છે. કોણ ભૂલી શકે છે કે આપણે ત્યાં રેલવે યાત્રીઓને કેવા કેવા અનુભવો થતાં હતા? આપણે પણ તે મુશ્કેલીઓના સાક્ષી રહ્યા છીએ. બુકિંગથી લઈને યાત્રા પૂરી થાય ત્યાં સુધી ફરિયાદોનો પાર જ નહોતો આવતો. સાફ સફાઇ હોય, સમય પર ટ્રેન ચાલવાની વાત હોય, સર્વિસ હોય, સુવિધા હોય કે સુરક્ષા, માનવરહિત ફાટકોને બંધ કરવામાં આવે, દરેક સ્તર પર રેલવેમાં પરિવર્તન લાવવાની માંગણી થતી આવી છે. પરિવર્તનના આ કામોમાં વિતેલા વર્ષોમાં નવી ગતિ આપવામાં આવી છે. સ્ટેશનથી લઈને ડબ્બાઓની અંદર સુધી સાફ સફાઇ હોય કે પછી બાયો ડીગ્રેડેબલ ટોયલેટ્સ, ખાવા પીવાની સાથે જોડાયેલ વ્યવસ્થાઓમાં સુધારો હોય કે પછી ટિકિટ બુકિંગ માટે આધુનિક વ્યવસ્થા, તેજસ એક્સપ્રેસ હોય, વંદે ભારત એક્સપ્રેસ હોય કે પછી વિસ્ટા હોમ કોચનું નિર્માણ, ભારતીય રેલવે આધુનિક બની રહી છે, ઝડપથી થઈ રહી છે અને ભારતને ઝડપી ગતિએ આગળ લઈ જવા માટે થઈ રહી છે.

સાથીઓ,

વિતેલા 6 વર્ષોમાં નવી રેલવે લાઇન, રેલવે લાઈનોનું વિસ્તૃતિકરણ અને વીજળીકરણ પર જેટલું રોકાણ કરવામાં આવ્યું છે, તેટલું પહેલા ક્યારેય પણ નથી કરવામાં આવ્યું. રેલવે નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારતીય રેલવેની ગતિ પણ વધી છે અને તેનો વિસ્તાર પણ વધ્યો છે. તે દિવસો હવે દૂર નથી જ્યારે ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની રાજધાની રેલવે સાથે જોડાઈ જશે. આજે ભારતમાં સેમી હાઇ સ્પીડ ટ્રેન ચાલી રહી છે. હાઇ સ્પીડ ટ્રેન માટે પાટા પાથરવાથી લઈને સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી સુદ્ધાં માટે પણ ભારતમાં જ કામ થઈ રહ્યું છે. ભારતીય રેલવે આજે મેઇક ઇન ઈન્ડિયાથી લઈને સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગની પણ મિસાલ બની રહી છે. મને વિશ્વાસ છે કે રેલવેની આ ગતિ ભારતની પ્રગતિને નવી ઊંચાઈ આપતી રહેશે. ભારતીય રેલવે આ જ રીતે દેશની સેવા કરતી રહે, તેની માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ! કોરોના કાળમાં રેલવેના સાથીઓએ જે રીતે કામ કર્યું, શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા, તમને ઘણા બધા આશીર્વાદ મળ્યા છે. દેશના લોકોનો રેલવેના પ્રત્યેક કર્મચારી ઉપર સ્નેહ અને આશીર્વાદ દિન-પ્રતિદિન વધતો રહે, મારી આ જ કામના છે.

એક વાર ફરી દેશના લોકોને વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ખૂબ ખૂબ આભાર!

SD/GP/BT


(Release ID: 1687039) Visitor Counter : 254