ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આસામમાં સંખ્યાબંધ વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કર્યો

ગુવાહાટીમાં ન્યૂ મેડિકલ કોલેજ અને આસામના અલગ અલગ ભાગોમાં નિર્માણ પામનારી નવ કાયદા કોલેજોનો શિલાન્યાસ કર્યો

જે આસામ હથિયારો અને અશાંતિ માટે ઓળખાતું હતું તે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે

જે યુવાનો આંદોલનો કરતા હતા તે બધા હવે આસામના વિકાસ સાથે જોડાઇને આસામને ભારતના વિકાસનું એન્જિન બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યાં છે

આસામની સંસ્કૃતિ દેશનું આભૂષણ છે, અસમિયા સાહિત્ય અને કળા વગર ભારતનું સાહિત્ય અને કળા અધૂરા છે

મોદીજીએ રોયલ્ટીનો મુદ્દો ઉકેલીને આસામના વિકાસ માટે સંખ્યાબંધ સારા કાર્યો કર્યા છે

ગેંડા આસામનું ગૌરવ છે, તેનું રક્ષણ કરવા બદલ હું આસામ સરકારને અભિનંદન પાઠવું છુ

Posted On: 26 DEC 2020 10:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે આસામમાં વિકાસની સંખ્યાબંધ પરિયોજનાઓનો પ્રારંભ કર્યો હતો. શ્રી અમિત શાહે ગુવાહાટીમાં ન્યૂ મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો. અંદાજે રૂપિયા 850 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ ગુવાહાટીની બીજી મેડિકલ કોલેજ હશે. શ્રી શાહે આસામના અલગ અલગ ભાગોમાં નિર્માણ પામનારી નવ કાયદા કોલેજોનો પણ શિલાન્યાસ કર્યો હતો. સાથે જ તેમણે અહુમ દર્શન યોજના અંતર્ગત 8000 નામઘરોને (આસામના પરંપરાગત વૈષ્ણવી મઠ હેઠળ) આર્થિક અનુદાન પણ આપ્યું હતું. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલ અને મંત્રીમંડળમાં તેમના સહયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પોતાના સંબોધન દરમિયાન શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે આસામ એક સમયે હથિયારો અને અશાંતિના કારણે ઓળખાતું હતું તે આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. પૂર્વ ભારતમાં એક સમયે અલગ અલગ પ્રકારના આંદોલનો અને હિંસા થતા હતા. અલગ અલગ સમૂહના હાથમાં હથિયારો જોવા મળતા હતા તેઓ બધા જ આજે મુખ્યપ્રવાહમાં જોવા મળી રહ્યા છે અને જે યુવાનો આંદોલનો કરતા હતા તે બધા જ હવે આસામના વિકાસ સાથે જોડાઇને આસામને ભારતનું વિકાસનું એન્જિન બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં શાંતિ માટે બાંગ્લાદેશ એગ્રીમેન્ટ, બ્રૂ-રિયાંગ સમજૂતી સહિત અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. અનેક વર્ષોથી ચાલી રહેલા બોડો આંદોલનને એક સમજૂતી કરીને આસામની અંદર શાંતિનો પ્રારંભ કરવાનું કામ પણ શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હું તમામ બોડો સંગઠનો અને લોકોને અભિનંદન પાઠવવા માંગુ છુ કારણ કે, તેમણે મોદીજીના નેતૃત્ત્વમાં વિશ્વાસ મૂકીને સમજૂતી કરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, હાલના બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ચૂંટણીમાં NDAનો ભવ્ય વિજય આ વિશ્વાસનું પ્રતીક છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આસામમાં ચૂંટણી આવવાની છે અને ફરીથી ભાગલાવાદની ભાષા બોલનારા ચહેરાઓ, રંગરૂપ બદલીને લોકોને વચ્ચે આવશે, લોકોને ઉલટું-સીધું સમજાવશે. હું આજે તે બધાને સવાલ કરવા માંગુ છુ કે, તમે લોકોએ આંદોલનો કરીને આસામને શું આપ્યું હતું? તમે માત્રને માત્ર આસામના યુવકોને શહીદ કરવાનું કામ કર્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આસામની સંસ્કૃતિ દેશનું આભૂષણ છે. આસામ સંસ્કૃતિ, ભાષા અને સંગીત પ્રત્યે લાગણી રાખનારો પ્રદેશ છે. ભૂપેન હજારિકાજી માત્ર આસામ નહીં પરંતુ સમગ્ર પૂર્વોત્તરના સાહિત્ય અને કળાના પ્રતિક બનીને દેશમાં રહ્યા હતા. પરંતુ ભૂપેનજીને કોઇ સન્માન મળ્યું નહોતું. નરેન્દ્ર મોદીજીએ ભૂપેનજીને ભારત રત્ન આપીને આપણા સાહિત્ય અને કળાને આગળ વધારવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર હંમેશા રાજ્યોની ઓળખ, સંસ્કૃતિ, ભાષા અને કળાને બળ આપવામાં વિશ્વાસ રાખે છે. અમે માનીએ છીએ કે જ્યાં સુધી આપણા રાજ્યોની સંસ્કૃતિ અને ભાષાઓ મજબૂત નહીં થાય ત્યાં સુધી ભારત ક્યારેય પણ મહાન ના બની શકે. અસમિયા સાહિત્ય અને કળા વગર ભારતનું સાહિત્ય અને કળા અધુરાં છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના વિકાસ કાર્યોને સદૈવ પ્રાથમિકતા આપી છે. વર્ષોથી આસામ સરકારના ગેસ રોયલ્ટીના રૂપિયા 8000 કરોડ બાકી હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહ પોતે અહીંથી 18 વર્ષ સુધી સાંસદ રહ્યા પરંતુ રોયલ્ટીનો મુદ્દે ક્યારેય ઉકેલી શક્યા નહીં. મોદીજીએ આસામની સરકાર બનતા પહેલાં જ રોયલ્ટીનો મુદ્દે ઉકેલીને આસામના વિકાસ માટે સંખ્યાબંધ કાર્યો કર્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મોદીજીએ પોતે છ વર્ષની અંદર ત્રીસ વખત આસામની મુલાકાત લીધી છે અને દર વખતે કંઇક ભેટ લઇને આવ્યા છે. અરુણાચલ હોય કે પછી આસામ, વિકાસના માર્ગે બધા રાજ્યોને આગળ વધારવા, રેલવે માર્ગો સાથે જોડવા, જમીન માર્ગો સાથે જોડવા, એર કનેક્ટિવિટીને આગળ વધારવી, યુવાનોને તકો આપવી, આ બધા જ કાર્યોમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઇ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગેંડા આસામનું ગૌરવ છે અને તેના સંરક્ષણ માટે આસામ સરકારે કરેલા પ્રયાસો બદલ હું તેમને અભિનંદન પાઠવું છુ. ગેંડાનો શિકાર કરનારી ટોળકીઓ અગાઉની સરકારના સમયમાં રાજકીય આશ્રય સાથે આસામના ગૌરવને સમાપ્ત કરવા માટે આગળ વધી હતી. આજે કઠોરતાથી કામ કરીને આસામ સરકારે કાજીરંગાને ઘૂસણખોરોથી મુક્ત કરી દીધું છે.

SD/GP/BT(Release ID: 1683922) Visitor Counter : 38


Read this release in: English , Urdu , Hindi , Telugu