ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં પીએમ-જેએવાય સેહત (PM-JAY SEHAT) સ્વાસ્થ્ય યોજનાની શરૂઆતને જમ્મુ-કાશ્મીર માટે એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો


આજે જમ્મુ-કાશ્મીર માટે બહુ મહત્ત્વપૂર્ણ અને શુભ દિવસ છે – આજે એક ક્રાંતિકારી શરૂઆત થઈ રહી છે, જેનાથી જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા દૂર થશે

હું આ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજીને હાર્દિક અભિનંદન આપું છું

આ મહત્ત્વપૂર્ણ શરૂઆત આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરનાં આરોગ્ય ક્ષેત્રમાં પાયાનું પરિવર્તન લાવશે, લગભગ 15 લાખ કુટુંબોને 5 લાખ રૂપિયા સુધીની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ નિઃશુલ્ક મળશે

પ્રધાનમંત્રીજીનો જમ્મુ-કાશ્મીર માટે જે લગાવ છે આ એ જ પ્રયાસોનું પરિણામ છે અને એના પગલે આવતીકાલથી દરેક કાશ્મીરીને આ યોજનાનો લાભ મળશે

આ યોજનાથી જમ્મુ-કાશ્મીરના આરોગ્ય ક્ષેત્રમાં માળખાગત સુવિધાને પ્રોત્સાહન મળશે અને નવી ખાનગી તથા ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડતી હોસ્પિટલો ખુલશે, જે જમ્મુ-કાશ્મીરના નાગરિકોની સેવા કરશે

હવે એ દિવસ દૂર નથી, જ્યારે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને જટિલ અને ઊંચો ખર્ચ ધરાવતી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ મેળવવા માટે જમ્મુ-કાશ્મીરની બહાર નહીં જવું પડે

પ્રધાનમંત્રી જમ્મુ-કાશ્મીર માટે ત્રણ બાબતો પર વિશેષ ભાર મ

Posted On: 26 DEC 2020 7:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં પીએમ-જેએવાય સેહત સ્વાસ્થ્ય યોજનાની શરૂઆતને જમ્મુ-કાશ્મીર માટે એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સેહત સ્વાસ્થ્ય યોજનાની શરૂઆતમાં ભાગ લેતા શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે જમ્મુ-કાશ્મીર માટે બહુ મહત્ત્વપૂર્ણ અને શુભ દિવસ છે. આજે અહીં ક્રાંતિકારી યોજના શરૂ થઈ રહી છે, જેનાથી જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો અંત આવશે. તેમણે કહ્યું હતું કે, ગઇકાલે આદરણીય અટલજીની જન્મજયંતિ હતી. તેમની સ્મૃતિમાં ભારત સરકાર ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાને સુશાસન સપ્તાહ તરીકે ઉજવે છે. અટલજીને જમ્મુ-કાશ્મીર પર વિશેષ પ્રેમ હતો. સુશાસન સપ્તાહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના કરકમળોથી સેહત સ્કીમનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. હું આ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજીને અભિનંદન આપું છું.

Image

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ શરૂઆત આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પાયાનું પરિવર્તન લાવશે. લગભગ 15 લાખ કુટુંબોને 5 લાખ રૂપિયા સુધીની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ નિઃશુલ્ક મળવાની છે. શ્રી શાહે કહ્યું હતું કે, દેશભરમાં આ યોજના પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના નામથી લાગુ છે, પણ એનો લાભ ફક્ત ગરીબોને મળે છે. 60 કરોડ ગરીબો માટે આ યોજના લગભગ 2 વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ચમત્કારિક રીતે કામ કરી રહી છે અને અત્યાર સુધી 1.5 કરોડ લોકોએ હોસ્પિટલમાં ભરતી થઈને નાનામોટા ઓપરેશનથી લઈને મોટી સર્જરી કરાવી છે. તેમણે સ્વસ્થ થઈને ઘર પરત ફરવા સુધી તમામ સુવિધાઓ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અંતર્ગત આપવામાં આવે છે.

Image

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજનાની સાથે દરેક કાશ્મીરી ભાઈબહેનને જોડવામાં આવ્યાં છે અને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિક માટે આ યોજના આજે શરૂ થઈ રહી છે. કદાચ જમ્મુ-કાશ્મીર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં આ યોજનાનો લાભ દરેક નાગરિકને મળવાનો છે. પ્રધાનમંત્રીજીના જમ્મુ-કાશ્મીર પ્રત્યેના લગાવ અને ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજીએ જે પ્રકારે પ્રયાસ કર્યો છે –આ એના પ્રયાસોનું જ પરિણામ છે, જેના પગલે આવતીકાલથી દરેક કાશ્મીરીને આ યોજનાનો લાભ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની લગભગ 229 સરકારી અને 35 ખાનગી હોસ્પિટલ આ યોજના માટે સૂચીબદ્ધ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં જે પણ નાગરિક જશે, એનો જમ્મુ અને કાશ્મીરમાં 5 લાખ રૂપિયા સુધીના ખર્ચનું વહન ભારત સરકાર કરશે, જમ્મુ- કાશ્મીર વહીવટીતંત્ર ઉઠાવશે. તેમણે એ પણ કહ્યું હતું કે, આ યોજનાથી જમ્મુ-કાશ્મીરમાં આરોગ્યના ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન મળશે તથા નવી ખાનગી અને ઉત્કૃષ્ટ સુવિધાઓ આપતી હોસ્પિટલો ખુલશે, જે જમ્મુ-કાશ્મીરના નાગરિકોની સેવા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, હવે એ દિવસો દૂર નથી, જ્યારે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ઊંચો ખર્ચ ધરાવતી જટિલ સ્વાસ્થ્ય સેવાઓ મેળવવા માટે જમ્મુ-કાશ્મીરની બહાર જવું નહીં પડે.

Image

કોવિડ રોગચાળામાં કુશળતાપૂર્વક વહીવટ કરવા બદલ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાને અભિનંદન આપતા શ્રી અમિત શાહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર જેવા દુર્ગમ ભૌગોલિક વિસ્તારમાં પણ કોવિડ રોગચાળામાં જે રીતે કુશળતાપૂર્વક વહીવટ કરવામાં આવ્યો એના બળે જ અત્યારે જમ્મુ-કાશ્મીર બચ્યું છે. અત્યારે ત્યાં પ્રવાસન ક્ષેત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કોવિડથી જમ્મુ-કાશ્મીરને બચાવવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હું જમ્મુ-કાશ્મીરના ભાઈ-બહેનોને કહેવા ઇચ્છું છું કે, જ્યારે પણ પ્રધાનમંત્રીજી બેઠક કરે છે, ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીર માટે ત્રણ બાબતો પર વિશેષ ભાર મૂકે છે. એક વિકાસ – વિકાસના લાભ છેવડાના નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ, આપણા તમામના જીવનના સ્તરને ઉઠાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બે, લોકશાહી – લોકશાહીને પાયાના સ્તર સુધી પહોંચાડવી, જ્યારે જમ્હૂરિયત લોકશાહી પાયાના સ્તર સુધી પહોંચે છે, ત્યારે લોકશાહી સફળ થાય છે. અને ત્રણ – સુરક્ષા અને શાંતિના માધ્યમથી જ વિકાસ થઈ શકે છે. એટલે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા અને શાંતિ પણ જળવાઈ રહેવી જોઈએ. શ્રી શાહે કહ્યું હતું કે, આ ત્રણ બાબતોમાં 5 ઓગસ્ટ પછી બહુ મોટું પરિવર્તન આવ્યું છે. વિકાસની બાબતમાં વ્યક્તિગત યોજનાઓ હોય, માળખાગત સુવિધાનો વિકાસ હોય, ભારત સરકારે બનાવેલી યોજનાઓના અમલની શરૂઆત હોય – આ ત્રણ ક્ષેત્રોમાં 5 ઓગસ્ટ પછી જમ્મુ-કાશ્મીરમાં વહીવટતંત્રએ ચમત્કારિક ઝડપથી કામ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિગત યોજનાઓ અંતર્ગત લગભગ દરેક વિધવાને સહાયતા મળવી, દરેક વ્યક્તિને વૃદ્ધાવસ્થાનું પેન્શન મળવું, દરેક વિદ્યાર્થી સુધી સ્કોલરશીપનો લાભ પહોંચાડવો સહિત વ્યક્તિગત યોજનાઓના ફાયદા અને ભારત સરકારની તમામ યોજનાઓને જમ્મુ-કાશ્મીરમાં પહોંચાડવાનું કામ અતિ કુશળતાપૂર્વક અને ઝડપથી થયું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે લગભગ તમામ યોજનાઓ લગભગ પૂર્ણ થવાની નજીક છે. એનાથી જમ્મુ-કાશ્મીરની જનતાને મોટો ફાયદો થયો છે.

 

SD/GP/BT


(Release ID: 1683875) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu