સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને 2025 સુધીમાં ટીબી નાબૂદી માટેના પડકારો અને તકો અંગે ચર્ચા કરવા માટે વિકાસ ભાગીદારો સાથે બેઠક યોજી; આગામી લક્ષ્યો માટે રૂપરેખા નક્કી કરી


કોવિડને અત્યારે સૌથી વધુ પ્રાથમિકતા આપવાનો સમય છે તેવી સ્થિતિમાં, 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાના લક્ષ્ય પરથી આપણું ધ્યાન ખસવું જોઇએ નહીં. હિમાયત કરવી અને સંકળાયેલા રહેવું એ આગળનો રસ્તો બતાવશે "

“ટીબી સામેની લડાઇ જન આંદોલન દ્વારા લડવી જરૂરી છે”

લાંછન સંબંધિત પ્રશ્નો ઉકેલવા પણ મહત્વપૂર્ણ છે: ડૉ. હર્ષવર્ધન

Posted On: 25 NOV 2020 5:56PM by PIB Ahmedabad

“ટીબી સામેની લડાઇ એક જન આંદોલનમાં પરિવર્તિત થાય તે આવશ્યક છે.” એક એવા અસરકારક સંકલનની વ્યૂહનીતિ ઘડવાની જરૂર છે જેમાં મહત્તમ જનસમુદાય સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય; ટીબી વ્યવસ્થાપનના નિવારાત્મક, નિદાનાત્મક અને સંભાળના પરિબળો સાથે પૂરક બનવું જરૂરી છે; માંગ ઉભી કરવાની દિશામાં કામ કરો; નિયમિત ધોરણે વિશાળ મીડિયા કવરેજમાં ઉચ્ચ દૃશ્યતા સુનિશ્ચિત કરવી; અને સામુદાયિક માલિકી અને ગતિશિલતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું.

આ શબ્દો છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનના. ભારતમાં ટીબી (ક્ષય રોગ)ની સારવાર અને વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કામ કરી રહેલા વિવિધ વિકાસ ભાગીદારો સાથે તેમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન તેમણે આ શબ્દો કહ્યાં હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એવો સંયુક્ત સહકારી મંચ તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો જ્યાં તમામ ભાગીદારો એકબીજા સાથે હાથમાં હાથ મિલાવીને 2025 સુધીમાં ભારતમાંથી ટીબીની બીમારીને નાબૂદ કરવા માટે સાથે મળીને બળ આપે. આ બેઠકે એવા મુખ્ય ક્ષેત્રો પર પ્રકાશ પાડવા માટે પણ મંચ પૂરો પાડ્યો હતો જેમાં, ટીબી સામેની લડાઇમાં દેશને તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા સમર્થનથી મદદ મળી શકે.

તેમણે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની પ્રબળ રાજકીય અને પ્રશાસનિક કટિબદ્ધતાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટાંક્યું હતું કે, “ભાગીદારો સ્થાનિક સ્તરે વિવિધ રાજકીય નેતાઓ પાસેથી રાજકીય કટિબદ્ધતાને વધુ આગળ ધપાવવામાં નેતૃત્ત્વ કરી શકે છે.”

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આ બીમારી સંબંધિત લાંછનની લાગણીનો પણ ખૂબ જ મોટા સ્તર પર ઉકેલ લાવવો જરૂરી છે કારણ કે આ સમસ્યા લોકોને આ બીમારીની જાણ કરવા તેમજ તેની સારવાર લેવા માટે આગળ આવતા રોકવામાં સૌથી મોટો અવરોધ છે અને લોકોને આ બીમારી જાહેર કરવાથી દૂર રાખે છે.

મંત્રીશ્રીએ તમામ વિકાસ ભાગીદારોને અનુરોધ કર્યો હતો કે, તેઓ આ બાબતે નિપુણ બને અને પાયાના સ્તરે પડકારો અંગેની વાસ્તવિક સમયની માહિતી મેળવવા માટે સામુદાયિક નેતૃત્ત્વ સાથેની દેખરેખમાં પણ તેઓ સામેલ થાય અને કયા પગલાં કામ કરે છે અને કયા પગલાં કામ નથી કરતા તે અંગે લોકો પાસેથી પ્રતિભાવો મેળવવામાં પણ ભાગ લે.

ડૉ. હર્ષવર્ધને વિવિધ જાહેર આરોગ્ય પ્રયાસોમાં વિકાસ ભાગીદારોના સખત પરિશ્રમ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રયાસોમાં પોલિયો અને ટ્યૂબરક્યૂલોસિસ (ક્ષય રોગ) સંબંધિત પ્રયાસો પણ સામેલ છે. પોલિયોની નાબૂદી અંગેના પોતાના અનુભવને યાદ કરતા, તેમણે જણાવ્યું હતું કે, “દરેક પડકાર તેની સાથે એક તક લઇને આવે છે. ભારત જેવા વિશાળ જનસમુદાય ધરાવતા દેશમાંથી પોલિયોની બીમારી નાબૂદ કરવી એ કોઇ સહેલું કામ નહોતું. પરંતુ તમામ હિતધારકોના મક્કમ નિર્ધાર સાથે, ભારત સફળતાપૂર્વક આ બીમારીને નાબૂદ કરી શક્યું છે અને પોલિયો નાબૂદીકરણ કાર્યક્રમ અન્ય દેશોને અનુસરવા માટેનું એક મોડલ બની ગયો છે.”

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “દેશમાંથી ક્ષય રોગની નાબૂદી માટે દરેક ભાગીદારોનો સહકાર મળે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશ છેલ્લા 11 મહિનાથી મહામારી સાથે અવિરત લડી રહ્યો છે. હાલમાં કોવિડ સામેની લડતને પ્રાથમિકતા આવી ખૂબ જ જરૂરી હોવા છતાં પણ, 2025 સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાના લક્ષ્ય પરથી આપણું ધ્યાન ખસવું ના જોઇએ. ક્ષય રોગની નાબૂદી પર સતત આપણું ધ્યાન કેન્દ્રિત છે અને કોવિડ સંબંધિત પ્રત્યેક બેઠકમાં ટીબી પણ તેના એજન્ડામાં સમાવિષ્ટ હોય છે.”

દેશમાંથી 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાના લક્ષ્ય પર વધુ તીવ્ર રીતે ધ્યાન કેન્દ્રિત કરીને ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “આપણે સમયથી સામા વહેણમાં ચાલી રહ્યાં છીએ. સમર્થન અને સંકળાયેલા રહેવું તે જ આગળ વધવાની રીત છે.” તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં દેશે "ટીબી હારેગા, દેશ જીતેગા” અભિયાન અંતર્ગત ખૂબ જ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ અભિયાન અંતર્ગત 2025 સુધીમાં એટલે કે 2030 સુધીના વૈશ્વિક લક્ષ્ય કરતાં પાંચ વર્ષ પહેલાં જ દેશમાંથી ટીબી નાબૂદી સંબંધિત દીર્ઘકાલિન વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.”

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2018 અને 2019માં રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ અંતર્ગત અનુક્રમે કેસ નોંધવાની સંખ્યામાં 18% અન 12%ની પ્રગતિ જોવા મળી હતી. ટીબી નિદાનની જાણ બાબતે ખાનગી ક્ષેત્રએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. 2017માં ખાનગી ક્ષેત્રમાં 3.8 લાખ કેસોના નિદાનની સૂચના પ્રાપ્ત થઇ હતી જ્યારે 2019માં તે વધીને 6.8 લાખ નોંધાઇ હતી. 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવા માટે 2018 અને 2019માં 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કટિબદ્ધતા પ્રાપ્ત થઇ હતી. કોવિડના કારણે આવેલી પડતીની સ્થિતિમાં ટીબી નાબૂદીના કેટલાંક પગલાંના અમલીકરણ પર અસર પડી.

આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે નોંધ્યું હતું કે, મૂળ ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો, NGO અને અન્ય તમામ ભાગીદારોના સહયોગનો લાભ ઉઠાવીને આ બીમારીને નાબૂદ કરવાની દિશામાં સહિયારા પ્રયાસો કરવાનો છે. તમામ ભાગીદારોએ વર્તમાન નિદાનાત્મક સુવિધાઓ અને લેબોરેટરીની ક્ષમતાઓ, સારવારની સુવિધાઓ, દર્દીઓના સમર્થન માટેની પ્રણાલીઓ અને આ સમગ્ર વ્યૂહનીતિને કેન્દ્ર સ્થાને રાખીને જરૂરી સંદેશાવ્યવહારને મજબૂત કરવાની દિશામાં સહયોગ આપવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, અભિકેન્દ્રિત પ્રયાસો સાથે કરેલી કામગીરીથી આ લક્ષ્ય પ્રાપ્ત થઇ શકશે.

આ બેઠકના અંતે ડૉ. હર્ષવર્ધને તમામ હિતધારકોને ટીબી નાબૂદી કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો જેથી આ દિશામાં તેમના પ્રયાસો વધારી શકાય અને આ બીમારીને નાબૂદ કરવાના સૌના સપનાંને સાર્થક કરી શકાય. તેમણે કહ્યું હતું કે, “આપણે ભાગદારીઓમાં તાલમેલ વિકસાવવાની જરૂર છે અને એવું વ્યવસ્થાતંત્ર બનાવવાની જરૂર છે જ્યાં એકબીજાના પ્રયાસોમાં ક્યાંય પુનરાવર્તન ના થાય.

MoHFWના અધિક સચિવ શ્રી વિકાસ શીલ, વિશ્વ આરોગ્ય સંગઠન, બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF), એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), UNICEF, UNAIDS, ટીબી અને ફેફસાની બીમારી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંગઠન (સંઘ), ડબ્લ્યુ. જે. ક્લિન્ટન ફાઉન્ડેશન, IQVIA, FIND ઇન્ડિયા, વિશ્વ આરોગ્ય ભાગીદારો (WHP), કર્ણાટક આરોગ્ય પ્રોત્સાહન ટ્રસ્ટ (KHPT), ભારતમાં HIV સંક્રમણ સામે વૈશ્વિક આરોગ્ય વ્યૂહનીતિ, એકતા અને ક્રિયા (SAATHII), ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સિસ, વૈશ્વિક ટીબી કાર્યકર ગઠબંધન (GCTA), વૈશ્વિક ટીબી વિરોધી ગઢબંધન (GCAT), વૈશ્વિક ટીબી મંડળ, ટાટા ટ્રસ્ટ્સ/ ભારત આરોગ્ય ભંડોળ (IHF), ભારતીય HIV ગઠબંધન, CARE, ભારતીય ચિકિત્સા સંગઠન, ભારતીય પિડિયાટ્રિક્સ એકેડેમી, પોપ્યૂલેશન સર્વિસિસ ઇન્ટરનેશનલ (PSI), જ્હોન સ્નો ઇન્ક (JSI), FHI 360, JHPIEGO, ભારતીય સ્વૈચ્છિક આરોગ્ય સંગઠન (VHAI), એબ્ટ એસોસિએટ્સ, IPE ગ્લોબલ, હુમાના પીપલ ટુ પીપલ ઇન્ડિયા, REACH, એલર્ટ ઇન્ડિયા, વર્લ્ડ વિઝન ઇન્ડિયા, અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજન (AAPI), પિરામલ ફાઉન્ડેશન, હિન્દુસ્તાન લેટેક્સ ફેમિલિ પ્લાનિંગ પ્રમોશન ટ્રસ્ટ (HLFPPT), પ્લાન ઇન્ડિયા, મેદાંતા હોસ્પિટલ્સના પ્રતિનિધીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

SD/GP/BT


(Release ID: 1676028) Visitor Counter : 859