આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
મંત્રીમંડળે 210 મેગાવોટના લુહરી સ્ટેજ-1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે રૂ. 1810 કરોડની રોકાણની દરખાસ્તને મંજૂરી આપી
Posted On:
04 NOV 2020 3:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ સતલજ નદીના કિનારે સ્થિત 210 મેગાવોટની ક્ષમતા ધરાવતા લુહરી સ્ટેજ-1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે રૂ. 1810.56 કરોડના રોકાણની મંજૂરી આપી છે, જે હિમાચલ પ્રદેશના શિમલા અને કુલ્લુ જિલ્લાઓમાં સ્થિત છે. આ પ્રોજેક્ટ દર વર્ષે 758.20 મિલિયન યુનિટ વીજળી પેદા કરશે.
આ પ્રોજેક્ટનો અમલ સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ (એસજેવીએનએલ) બિલ્ડ-ઑન-ઓપરેટ-મેઇન્ટેઇન (બીઓઓએમ)ના ધોરણે થઈ રહ્યો છે, જેને ભારત સરકાર અને રાજ્ય સરકારનો સક્રિય ટેકો પ્રાપ્ત છે. આ પ્રોજેક્ટના સમજૂતીકરાર (એમઓયુ) રાઇઝિંગ હિમાચલ, ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ દરમિયાન હિમાચલ પ્રદેશની સરકારે કર્યા હતા, જેનું ઉદ્ઘાટન 7 નવેમ્બર, 2019ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ભારત સરકારે પણ માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ. 66.19 કરોડની સહાય પ્રદાન કરીને આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે, જેનાથી વીજળીના દરમાં ઘટાડો કરવામાં મદદ મળી છે.
લુહરી સ્ટેજ-1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ 62 મહિનાના સમયગાળાની અંદર કાર્યરત થશે. પ્રોજેક્ટમાંથી પેદા થતી વીજળી ગ્રિડને સ્થિરતા પ્રદાન કરવામાં મદદરૂપ થશે અને વીજળીના પુરવઠાની સ્થિતિમાં સુધારો થશે. ગ્રિડમાં કિંમતી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉમેરા ઉપરાંત પ્રોજેક્ટ દર વર્ષે પર્યાવરણમાં 6.1 લાખ ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઘટાડવા તરફ દોરી જશે, જેથી હવાની ગુણવત્તામાં સુધારો થશે.
પ્રોજેક્ટના નિર્માણ સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ આશરે 2000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રદાન કરશે તથા રાજ્યના સંપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસમાં પ્રદાન કરશે. ઉપરાંત હિમાચલ પ્રદેશને પ્રોજેક્ટના 40 વર્ષના ચક્ર દરમિયાન લુહરી સ્ટેજ-1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી આશરે રૂ. 1140 કરોડની મફત વીજળીનો લાભ મળશે. આ પ્રોજેક્ટથી અસર પામતા પરિવારોને 10 વર્ષ માટે દર મહિને 100 યુનિટ વીજળી મફત પ્રદાન કરવામાં આવશે.
એસજેવીએનએ પુનઃપ્રાપ્ય ઊર્જા, પાવર ટ્રાન્સમિશન અને થર્મલ પાવર ઉત્પાદનના ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ તમામ સંસાધનોમાંથી વર્ષ 2023 સુધી 5000 મેગાવોટ, વર્ષ 2030 સુધી 12000 મેગાવોટ અને વર્ષ 2040 સુધી 25000 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતાના આંતરિક વૃદ્ધિના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે.
SD/GP/BT
(Release ID: 1670044)
Visitor Counter : 351
Read this release in:
Odia
,
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Telugu