કૃષિ મંત્રાલય

મંત્રીમંડળે વર્ષ 2020-21 માટે જમ્મુ અને કાશ્મીરમાં સફરજનની ખરીદી માટે માર્કેટ ઇન્ટરવેન્શન યોજનાને આગળ લંબાવવાની મંજૂરી આપી

Posted On: 21 OCT 2020 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી મંડળે પાછલી ઋતુ 2019-20 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં જે શરતો અને નિયમો લાગુ થયેલા હતા તે જ શરતો ઉપર ફરીથી વર્તમાન ઋતુ માટે પણ જમ્મુ અને કાશ્મીરમાં સફરજનની ખરીદી માટે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ (MIS) ને આગળ લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

સફરજનની ખરીદી કેન્દ્રીય ખરીદ સંસ્થા અર્થાત રાષ્ટ્રીય કૃષિ સહકાર બજાર સમિતિ લિમિટેડ (NAFED) દ્વારા કરવામાં આવશે. આ ખરીદી સીધી જમ્મુ અને કશ્મીરના ખેડૂતો પાસેથી સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સી અર્થાત ડાયરેક્ટરેટ ઓફ પ્લાનિંગ એન્ડ માર્કેટિંગ, બાગાયત અને જમ્મુ અને કાશ્મીર બાગાયત પ્રક્રિયા અને માર્કેટિંગ કોર્પોરેશન વિભાગ (JKHPMC)ના માધ્યમથી કરવામાં આવશે અને તેની નાણાકીય ચુકવણી સીધી સફરજનના ખેડૂતોના બેન્ક ખાતાઓમાં સીધા લાભ હસ્તાંતરણ (Direct Benefit Transfer - DBT)ના માધ્યમથી કરવામાં આવશે. આ યોજના હેઠળ 12 એલએમટી સફરજન પ્રાપ્ત કરી શકાય તેમ છે.

સરકારે NAFED ને આ કાર્ય માટે 2500 કરોડ રૂપિયાની સરકારી બાહેંધરીનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી દીધી છે. આ કાર્ય દરમિયાન, જો કોઈ નુકસાન થાય તો, તેને કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીરની કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા 50:50 ના આધાર પર વિભાજિત કરવામાં આવશે.

ગત ઋતુમાં બનાવવામાં આવેલ ડેઝિગ્નેટેડ પ્રાઇસ કમિટિ આ વર્ષે પણ જુદા-જુદા પ્રકારો અને ગુણવત્તાના સફરજનોની કિંમત નક્કી કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનું વહીવટી તંત્ર એ બાબતની ખાતરી કરશે કે નક્કી કરવામાં આવેલ બજારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ હોય.

ખરીદ પ્રક્રિયાનું સુગમ અને સતત અમલીકરણ થતું રહે તેની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કેન્દ્ર સ્તરે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ મોનીટરીંગ કમિટી અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તર પર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ અમલીકરણ અને સંકલન સમિતિ દ્વારા કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ આ જાહેરાત સફરજન પક્વતા ખેડૂતોને એક અસરકારક માર્કેટિંગ મંચ પૂરું પાડશે અને સ્થાનિક લોકો માટે રોજગાર પૂરો પાડવાની સુવિધા ઊભી કરશે. તે સફરજન માટે લાભદાયી કિંમતોની પણ ખાતરી કરશે જેના પરિણામ સ્વરૂપ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોની સમગ્રતયા આવકમાં પણ વધારો થશે.

SD/GP/BT



(Release ID: 1666409) Visitor Counter : 121