યુવા બાબતો અને રમત મંત્રાલય
ખેલ મંત્રાલય મેઘાલય અને અન્ય 5 રાજ્યોમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સ (KISCE) સ્થાપિત કરશે
દેશમાં રમતગમત ક્ષેત્રની ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં 6 નવા ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સ વધુ એક સોપાન છેઃ શ્રી કિરેન રિજિજુ
Posted On:
22 SEP 2020 6:26PM by PIB Ahmedabad
ખેલ મંત્રાલય મેઘાલય અને અન્ય પાંચ રાજ્યોમાં મંત્રાલયની મુખ્ય ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ (KISCE) સ્થાપિત કરશે. મેઘાલય ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને સિક્કિમની પસંદગી થઈ છે, જ્યાં બીજા તબક્કામાં આ સેન્ટર સ્થાપિત થશે.
આ KISCEs સ્થાપિત કરવાના નિર્ણય વિશે કેન્દ્રીય યુવા બાબત અને રમત મંત્રી શ્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, “આ 6 નવા ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ દેશમાં રમતગમત ક્ષેત્રમાં મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં વધુ એક સોપાન છે. આનાથી આગામી વર્ષોમાં ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ બનાવવામાં મદદ મળશે. અમે ખાતરી આપીએ છીએ કે, અમે વધુને વધુ અદ્યતન કેન્દ્રો ઊભા કરીશું, જે સુનિશ્ચિત કરશે કે રમતવીરો ચોક્કસ રમતમાં અસરકારક રમતનું પ્રદર્શન કરે. આ માટે તેમને આ કેન્દ્રોમાં ઉચ્ચ સ્તરીય તાલીમ મળી શકશે અને આ તાલીમ કેન્દ્રો દેશમાં શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરશે.”
ચાલુ વર્ષની શરૂઆતમાં મંત્રાલયે પ્રથમ તબક્કામાં કર્ણાટક, ઓડિશા, કેરળ, તેલંગાણા તથા અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડના પૂર્વોત્તર રાજ્યોમાં આઠ કેન્દ્રોની ઓળખ કરી હતી. આ રાજ્યોના હાલના કેન્દ્રોને ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ (KISCE) તરીકે અપગ્રેડ કરવામાં આવશે.
આ કેન્દ્રોની પસંદગીની તાલીમ સુવિધાઓને આધારે થઈ છે, જ્યાં પ્રાથમિકતા ધરાવતી રમતો, માળખાગત સુવિધાઓ અને કેન્દ્ર દ્વારા તૈયાર કરેલા ચેમ્પિયન્સ ઉપલબ્ધ છે. રમતગમતની આ સુવિધાઓની પસંદગી દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ હતી, જેમને તેમની પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ રમતગમત માળખાની ઓળખ કરવાનું અથવા કોઈ પણ લાયકાત ધરાવતી સંસ્થાઓની ઓળખ કરવાનું કહેવાયું હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધાઓ વિકસાવી શકશે.
હાલના કેન્દ્રને KISCEમાં અપગ્રેડ કરવા સરકાર કેન્દ્રમાં રમતગમતની શાખામાં પ્રેક્ટિસ કરવા માટે રમતગમત સાથે સંબંધિત વિજ્ઞાન અને ટેકનોલોજીનો ટેકો પૂરો પાડવા ‘વાયાબિલિટી ગેપ ફંડિંગ’ આપશે તથા રમતગમતના ઉપકરણ, નિષ્ણાત કોચ અને અતિ કુશળ મેનેજરોની જરૂરિયાત પૂર્ણ પણ કરશે. આ ટેકો કેન્દ્રદીઠ મહત્તમ 3 ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટે આપવામાં આવશે, છતાં કેન્દ્રમાં ચાલતી અન્ય રમતો સાથે સંબંધિત વિજ્ઞાન અને આનુષંગિક ક્ષેત્રોમાં આ ટેકો આપી શકાય છે.
આ છ કેન્દ્રોમાં નીચેના સામેલ છે:
આસામ – સ્ટેટ સ્પોર્ટ્સ એકેડેમી, સરજુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગુવાહાટી
દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ – ન્યૂ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિલ્વાસા
મહારાષ્ટ્ર – શ્રી શિવ છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાલેવાડી, પૂણે
મધ્યપ્રદેશ – એમપી એકેડમી, ભોપાલ
મેઘાલય – જેએનએસ કોમ્પ્લેક્સ, શિલોંગ
સિક્કિમ – પાલ્જોર સ્ટેડિયમ, ગંગટોક
SD/GP/BT
(Release ID: 1657890)
Visitor Counter : 196