શ્રમ અને રોજગાર મંત્રાલય

શ્રી ગંગવારે દેશમાં શ્રમ કલ્યાણકારી સુધારાનો પરિવર્તનકારી માર્ગ તૈયાર કરી શકે તેવી ત્રણ શ્રમ સંહિતાઓ લોકસભામાં રજૂ કરી

Posted On: 19 SEP 2020 5:11PM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી સંતોષ ગંગવારે આજે દેશમાં શ્રમ કલ્યાણકારી સુધારાના પરિવર્તનકારી માર્ગ તૈયાર કરી શકે તેવી ત્રણ શ્રમ સંહિતાઓ લોકસભામાં રજૂ કરી હતી. આ વિધયેકો (i) ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020 (ii) રોજગારલક્ષી સલામતી, આરોગ્ય અને કામકાજની સ્થિતિ સંહિતા વિધેયક, 2020 અને (iii) સામાજિક સુરક્ષા સંહિતા, 2020 છે. આ વિધેયકો ગૃહમાં રજૂ કરતી વખતે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વેતન સંબંધી સંહિતાને પહેલાંથી જ ઑગસ્ટ 2019માં સંસદ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને તે પહેલાંથી જ કાયદા તરીકે અમલમાં છે. આની સાથે-સાથે, આજે રજૂ કરવામાં આવેલા ત્રણ વિધેયકોથી શ્રમ કાયદાઓના સરળીકરણ, તેના અમલીકરણ માટે માર્ગ મોકળો થશે અને દેશમાં સંગઠિત તેમજ બિન-સંગઠિત બંને ક્ષેત્રોમાં 50 કરોડ કામદારો માટે પ્રબળ શ્રમ કલ્યાણ પગલાં લાવશે.

શ્રી સંતોષ કુમાર ગંગવારે એમ પણ જણાવ્યું હતું કે, હાલના કેટલાક શ્રમ કાયદાઓનું કેટલીક શ્રમ સંહિતાઓમાં વિલિનીકરણ કરી દેવું જોઈએ તેવી બીજા રાષ્ટ્રીય શ્રમ પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને, સરકારે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. શ્રી ગંગવારે ઉમેર્યું હતું કે, તમામ હિતધારકો સાથે 2014થી વિસ્તૃત કવાયત ચાલી રહી છે. તેના પરિણામે, 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને ઘટાડીને ચાર શ્રમ સંહિતામાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ સંહિતાઓ દેશમાં ઔદ્યોગિક શાંતિ અને સૌહાર્દ લાવશે જેનાથી દેશને જરૂરી આર્થિક વૃદ્ધિ કરવામાં અને રોજગારીનું સર્જન કરવામાં ખૂબ જ સારા પ્રમાણમાં મદદ મળી રહેશે.

મંત્રીશ્રીએ વધુમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, રજૂ કરવામાં આવેલા આ વિધેયકોથી નોકરીદાતાઓને પણ મદદ મળી રહેશે અને તેનાથી રોકાણ આવશે તેમજ દેશમાં સૌહાર્દપૂર્ણ ઔદ્યોગિક સંબંધો સ્થાપિત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સૌહાર્દપૂર્ણ ઔદ્યોગિક સંબંધોમાં મદદરૂપ થવા માટે, અમારે તમામ હિતધારકોના હિતોમાં સંતુલન જાળવવું જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા પછી 73 વર્ષે હવે અમે દેશમાં ખૂબ જ મોટાપાયે જરૂરી શ્રમ સુધારા લાવી રહ્યાં છીએ.

મંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે, આ સુધારાથી ખરેખર કામદારોના હિતોનું રક્ષણ થશે અને તેમને સામાજિક સુરક્ષા, સંરક્ષણ, સલામતી અને કામકાજ માટે યોગ્ય માહોલ તેમજ અસરકારક ઉકેલ અને જો કોઈ બાકી રહી જાય તો, તેમની ફરિયાદોના નિરાકરણ માટે વ્યવસ્થાતંત્ર પ્રાપ્ત થશે. તેમણે વધુમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ શ્રમ સંહિતાઓમાં, કામદારોના હિતો અને નોકરીદાતાઓના હિતો વચ્ચે એકદમ યોગ્ય રીતે સંતુલન જાળવી રાખવામાં આવ્યું છે કારણ કે, આમ કરવાથી જ ખરા અર્થમાં શ્રમ કલ્યાણ થઇ શકે છે.

આ તમામ વિધેયકો 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરીક્ષણ માટે સામાન્ય સંસદીય પ્રક્રિયા અનુસાર સંસદીય સ્ટેન્ડિંગ સમિતિ પાસે મોકલી આપવામાં આવ્યા હતા અને તમામ હિતધારકો સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી, સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ એક અહેવાલ આપ્યો હતો. શ્રી ગંગવારે જણાવ્યું હતું કે, શ્રમ અને રોજગાર મંત્રાલયે તમામ 233 ભલામણો પર ધ્યાન આપ્યું છે અને મને જણાવતા ઘણી ખુશી થાય છે કે, સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ કરેલી ભલામણોમાંથી લગભગ 74% ભલામણોને સરકારે સ્વીકારી લીધી છે.

સંગઠિત અને બિન સંગઠિત ક્ષેત્રોમાં તમામ કામદારોને લઘુતમ વેતન માટે અને તેમને સમયસર વેતન મળી રહે તે માટે કાનૂની અધિકાર તૈયાર કરવામાં આવ્યો છે. તે વર્તમાનમાં કાર્યબળના 30 ટકાની સરખામણીએ દેશમાં તમામ કામદારોને લઘુતમ વેતનના અધિકારનું વિસ્તરણ કરે છે. હાલમાં, મુખ્યત્વે ખાણકામ ક્ષેત્ર, બાગકામ, ડૉકના કામદારો, ભવન નિર્માણ અને બાંધકામના કામદારો, દેખરેખ અને પહેરેદારી, સફાઇ અને સ્વચ્છતા સાથે જોડાયેલા કામદારો, વિનિર્માણ ક્ષેત્રના કામદારોને લઘુતમ વેતન માટે આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તરણના કારણે, સંપૂર્ણ સેવા ક્ષેત્ર (આઇટી, આતિથ્ય, પરિવહન વગેરે), ઘરેલું કામદારો, બિન-સંગઠિત કામદારો, શિક્ષકો વગેરેને પણ આવરી લેવામાં આવશે.

  • લઘુતમ વેતન દર નિર્ધારિત કરવાની પદ્ધતિ સરળ કરવામાં આવી છે. ધ્યાનમાં લેવાના પરિબળોમાં કૌશલ્ય અને ભૌગોલિક સ્થાનોને સમાવવામાં આવ્યા છે જ્યારે હાલના વ્યવસ્થાતંત્રમાં કર્મચારી અનુસાર વેતન નિર્ધારિત કરવામાં આવે છે.
  • લઘુતમ વેતન દરની સંખ્યા સમગ્ર દેશમાં અંદાજે 200 હશે જ્યારે હાલમાં તે 10,000 છે.
  • કેન્દ્રીય હિસ્સામાં માત્ર 12 લઘુતમ વેતન દર રહેશે જ્યારે હાલમાં 542 છે.
  • દર 5 વર્ષે લઘુતમ વેતન દરમાં સુધારો કરવામાં આવશે.
  • મૂળભૂત વેતનની કાનૂની પરિકલ્પના લાવવામાં આવી છે.

SD/GP/BT



(Release ID: 1656819) Visitor Counter : 309