પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 SEP 2020 4:01PM by PIB Ahmedabad

અહીં હાજર રહેલા તમામને નમસ્કાર,

દેશના માટે, બિહાર માટે, ગામડાની જીંદગી આસાન બનાવવા માટે અને વ્યવસ્થા મજબૂત કરવા માટે. મત્સ્ય ઉત્પાદન, ડેરી, પશુપાલન અને કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ અને સંસોધન સાથે જોડાયેલી સેંકડો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવા આવ્યો છું, એટલા માટે બિહારના ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.  

બિહારના ગવર્નર ફાગુ ચૌહાણજી, મુખ્યમંત્રી શ્રીમાન નિતીશ કુમારજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી શ્રીમાન ગિરિરાજ સિંહજી, કૈલાસ ચૌધરીજી, પ્રતાપ ચંદ્ર સારંગીજી, સંજીવ બાલિયાનજી, બિહારના ઉપમુખ્યમંત્રી ભાઈ સુશીલજી, બિહાર વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન વિજય ચૌધરીજી, રાજ્યના મંત્રી મંડળના અન્ય સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને મારા પ્રિય સાથીઓ

સાથીઓ,

આજે જેટલી પણ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે તેની પાછળનો વિચાર એ છે કે આપણાં ગામ, 21મી સદીનું ભારત, આત્મનિર્ભર ભારતની તાકાત બને, ઉર્જા બને. કોશિષ તો એવી છે કે હવે આ સદીમાં બ્લૂ રિવોલ્યુશન એટલે કે મત્સ્ય પાલન સાથે જોડાયેલાં કામ, વ્હાઈટ રિવોલ્યુશન એટલે કે ડેરી સાથે જોડાયેલાં કામ, સ્વીટ રિવોલ્યુશન એટલે કે મધ સાથે જોડાયેલાં કામ, આપણાં ગામડાંને સમૃધ્ધ અને સશક્ત બનાવે. આ ધ્યેયને ખ્યાલમાં રાખીને પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના બનાવવામાં આવી છે. આજે દેશનાં 21 રાજ્યોમાં આ યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે. હવે પછીનાં 4 થી 5 વર્ષમાં આ યોજના માટે રૂ.20 હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે. એમાંથી આજે રૂ.1700 કરોડનાં કામ શરૂ થઈ ગયા છે. તેના જ હેઠળ, બિહારના પટના, પૂર્ણીયા, સીતામઢી, મધેપુરા, કિશનગંજ અને સમસ્તીપુરમાં અનેક સુવિધાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેનાથી માછલી ઉત્પાદકોને નવી માળખાગત સુવિધાઓ મળશે, આધુનિક સાધનો મળશે, નવાં બજારો પણ મળશે અને તેની સાથે-સાથે ખેતી સાથે જોડાયેલા અન્ય માધ્યમો દ્વારા પણ કમાણીની તકોમાં વધારો થશે.

સાથીઓ,

દેશના દરેક પ્રદેશમાં અને ખાસ કરીને સમુદ્ર અને નદીના કિનારે વસવાટ કરતા વિસ્તારોમાં માછલીના વેપારનો વ્યવસાયને ધ્યાનમાં રાખીને, સૌ પ્રથમ વખત દેશમાં આટલી મોટી વ્યાપક યોજના બનાવવામાં આવી છે. આઝાદી પછી એમાં જેટલુ મૂડી રોકાણ થયુ, તેનાથી પણ અનેક ગણુ વધારે મૂડીરોકાણ પ્રધાન મંત્રી મત્સય સંપદા યોજનામાં કરવામાં આવી રહ્યુ છે. હમણાં ગિરીરાજજી જણાવી રહ્યા હતા તે મુજબ કદાચ આ આંકડા સાંભળીને લોકોને પણ નવાઈ લાગશે, પણ જ્યારે તમને હકિકતની જાણકારી થશે ત્યારે તમને પણ લાગશે કે આ સરકાર એવા કેટલાક ક્ષેત્રોમાં, કેટલાક લોકોની ભલાઈ માટે કેટલાંક મોટાં કામોની યોજનાને આગળ ધપાવી રહી છે.

દેશમાં માછલી સાથે જોડાયેલા વેપાર અને વ્યવસાયનું ધ્યાન રાખવા માટે હવે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યુ છે અને તેમાં પણ આપણાં માછીમાર સાથીદારોને માછલીના ઉછેર અને વેપાર સાથે જોડાયેલા સાથીઓ માટે સગવડો ઉભી કરવામાં આવી રહી છે. એવું પણ છે કે આવનારા ત્રણ થી ચાર વર્ષમાં માછલીની નિકાસ બમણી કરી દેવામાં આવશે. તેનાથી માત્ર માછીમારી ક્ષેત્રમાં જ રોજગારીની તકો ઘણી વધી જવાની છે. મેં જ્યારે રાજ્યોનો વિશ્વાસ જોયો અને મને ભાઈ વ્રજેશજીએ જે વાત કરી, ભાઈ જ્યોતિ મંડળ સાથે જે વાત કરી અને બેટી મોનિકા સાથે વાત કરતાં જાણવા મળતાં એક વિશ્વાસ ઉભો થયો છે.

સાથીઓ, મત્સ્ય ઉછેર ખૂબ થોડા પાણીની ઉપલબ્ધિ પર આધાર રાખે છે. આ કામગીરીમાં ગંગાજીને સ્વચ્છ અને નિર્મળ બનાવવાના મિશનમાંથી પણ મદદ મળી રહી છે. ગંગાજીના આસપાસના વિસ્તારોમાં રિવર ટ્રાન્સપોર્ટ બાબતે પણ કામગીરી ચાલી રહી છે. તેનો લાભ પણ માછીમારી ક્ષેત્રને મળવાનો છે તે નિશ્ચિત છે. આ 15 ઓગષ્ટના રોજ જે મિશન ડોલ્ફીનની ઘોષણા કરવામાં આવી છે તેનો પણ માછીમારી ક્ષેત્રો પર પ્રભાવ પડશે તે સ્વાભાવિક છે. આનો અર્થ એ થયો કે એક પ્રકારે બાયો પ્રોડક્ટસને મદદ મળવાની છે. વધારાનો લાભ થવાનો છે. મને જાણકારી મળી છે કે આપણાં નીતિશ બાબુજી આ મિશન માટે થોડાંક વધુ ઉત્સાહિત છે અને એટલા માટે જ મને પાકો વિશ્વાસ છે કે જ્યારે ગંગા ડોલ્ફીનની સંખ્યામાં વધારો થશે તો તેનો લાભ ગંગાના કાંઠે વસતા લોકોને મોટા પ્રમાણમાં મળવાનો છે, તમામ લોકોને મળવાનો છે.

સાથીઓ, નીતિશજીના નેતૃત્વમાં બિહારમાં ગામડે ગામડે પાણી પહોંચાડવા માટેનું ખૂબ જ પ્રશંસનીય કામ થઈ રહ્યું છે. ચાર થી પાંચ વર્ષ પહેલાં બિહારમાં માત્ર બે ટકા જ ઘરમાં પીવાના શુધ્ધ પાણીનો પૂરવઠો મળી રહ્યો હતો. આજે આ આંકડો વધીને 70 ટકા કરતાં પણ આગળ નીકળી ગયો છે. આ સમય ગાળા દરમ્યાન લગભગ દોઢ કરોડ ઘરને પાણીના પૂરવઠા સાથે જોડવામાં આવ્યા છે. નીતિશજીના આ અભિયાનને કારણે હવે જળ જીવન મિશનને નવી તાકાત પ્રાપ્ત થઈ છે. મને એવું જણાવવામાં આવ્યું છે કે કોરોનાના આ સમયમાં પણ બિહારમાં લગભગ 60 લાખ ઘરને નળથી પાણી મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. આ સાચે જ એક ખૂબ મોટી ઉપલબ્ધિ છે અને તે એ બાબતનું પણ ઉદાહરણ છે કે હાલના સંકટકાળમાં જ્યારે તમામ બાબતો અટકી ગઈ હતી ત્યારે પણ આપણાં ગામડાંઓમાં કેવા પ્રકારના આત્મવિશ્વાસ સાથે કામ થઈ રહ્યું હતું. આપણા ગામડાંઓની એ તાકાત છે કે કોરોના હોવા છતાં પણ અનાજ હોય, ફળ હોય, શાકભાજી હોય, દૂધ હોય, જે કોઈપણ આવશ્યક ચીજો હતી તે બજાર સુધી, ડેરીઓ સુધી કોઈપણ પ્રકારની ટેકનિક વગર પહોંચી જતી હતી. લોકો સુધી પહોંચી રહી હતી.

સાથીઓ, આ ગાળા દરમ્યાન અનાજનું ઉત્પાદન હોય, ફળનું ઉત્પાદન હોય, દૂધનું ઉત્પાદન હોય, દરેક પ્રકારે વિક્રમ ઉત્પાદન થયું છે. અને એટલું જ નહીં સરકારોએ અને ડેરી ઉદ્યોગે પણ આ મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પણ વિક્રમ પ્રમાણમાં ખરીદી પણ કરી છે. કિસાન સન્માન નિધિ દ્વારા પણ દેશના 10 કરોડ કરતાં વધુ ખેડૂતોના બેંકના ખાતામાં પૈસા સીધા જમા કરાવવામાં આવ્યા છે. તેમાં લગભગ 75 લાખ ખેડૂતો આપણાં બિહારના પણ છે. સાથીઓ, આ યોજના જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધી આશરે રૂ.6000 કરોડ ખેડૂતોના બેંકના ખાતાઓમાં જમા થઈ ચૂક્યા છે. આવા જ અનેક પ્રયાસોને કારણે ગામડાં પણ વૈશ્વિક મહામારીનો પ્રભાવ ઓછો કરવામાં અમે સફળ થયા છીએ. આ કામ એટલા માટે પણ પ્રશંસનીય છે કે બિહારમાં કોરોનાની સાથે-સાથે પૂરની આફતનો પણ બહાદુરી સાથે સામનો કરવામાં આવ્યો હતો.

સાથીઓ, કોરોનાની સાથે-સાથે ભારે વરસાદ અને પૂરના કારણે બિહાર સહીત આસપાસના વિસ્તારોમાં જે સ્થિતિ ઉભી થઈ હતી તેનાથી તમે સારી રીતે પરિચીત છો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, બંનેનો પ્રયાસ એ રહ્યો છે કે રાહતના કામોને ઝડપી ગતિ સાથે પૂરા કરવામાં આવે. એ બાબત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે મફત રેશન આપવાની યોજના અને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો લાભ બિહારના જરૂરિયાત ધરાવતા દરેક સાથી સુધી પહોંચે. બહારથી ગામડામાં પાછા ફરેલા દરેક શ્રમિક પરિવાર સુધી પહોંચે. એટલા માટે જ મફત રેશન આપવાની યોજનાને જૂન પછી દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવવામાં આવી છે.

સાથીઓ, કોરોનાના સંકટને કારણે શહેરોમાંથી પાછા આવેલા જે શ્રમિક સાથીદારો છે તેમાંથી અનેક સાથીદારો પશુ પાલન તરફ આગળ વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને બિહાર સરકારની અનેક યોજનાઓને કારણે તેમને પ્રોત્સાહન મળી રહ્યું છે. હું આવા સાથીઓને કહીશ કે તમે આજે જે કદમ ઉઠાવી રહ્યા છો તેનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. મારા શબ્દો લખીને રાખો કે તમે જે કરી રહ્યા છો તેનું ભવિષ્ય ઉજળું છે. સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે દેશનું ડેરી ક્ષેત્ર વિસ્તરે, નવી પ્રોડક્ટસ બને, નવા ઈનોવેશન્સ થાય, જેનાથી ખેડૂતો તથા પશુપાલકોને વધુ આવક પ્રાપ્ત થાય. તેની સાથે-સાથે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે દેશમાં ઉત્તમ ઓલાદના પશુઓ તૈયાર થાય. તેમના આરોગ્ય માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવાય અને તેમની ખાણી- પીણી સ્વચ્છ અને પોષક હોય.

આ ધ્યેય સાથે આજે દેશમાં 50 કરોડ કરતાં વધુ પશુધનને ખરવાસા અને મોવાસા જેવી બિમારીઓથી મુક્ત કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પશુઓને બહેતર ચારો મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. દેશમાં બહેતર દેશી ઓલાદોના વિકાસ માટે મિશન ગોકુલ ચાલી રહ્યું છે. એક વર્ષ પહેલાં જ દેશ વ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો એક તબક્કો આજે પૂરો થયો છે.

સાથીઓ, બિહાર હવે ઉત્તમ દેશની ઓલાદોના નિકાસ માટે પણ દેશનું એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ હાલમાં પૂર્ણિયા, પટના અને બરોનીમાં જે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેનાથી ડેરી સેક્ટરમાં બિહારની સ્થિતિ વધુ મજબૂત બનવાની છે. પૂર્ણિયામાં જે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે તેનો સમાવેશ ભારતના સૌથી મોટા કેન્દ્રોમાંના એક તરીકે થાય છે. તેનાથી માત્ર બિહાર જ નહીં, પણ પૂર્વ ભારતના મોટા હિસ્સાને ખૂબ લાભ થવાનો છે. આ કેન્દ્રમાં બછૌર’ અને ‘રેડ પૂર્ણિયા’ જેવી બિહારની દેશી ઓલાદોના વિકાસ અને સંરક્ષણને પણ વધુ વિકાસ હાંસલ થવાનો છે.

સાથીઓ, એક ગાય સામાન્ય રીતે એક વર્ષમાં એક બચ્ચાંને જન્મ આપે છે, પરંતુ આઈ.વી.એફ. ટેકનિક વડે પ્રયોગશાળામાં એક ગાયની મદદથી એક જ વર્ષમાં અનેક બચ્ચાં પેદા કરી શકાય છે. અમારૂં ધ્યેય આ ટેકનિકને ગામે ગામ પહોંચાડવાનું છે.

સાથીઓ, પશુઓની સારી ઓલાદની સાથે સાથે તેની દેખરેખ અને તેના માટે સાચી વૈજ્ઞાનિક જાણકારી પણ એટલી જ જરૂરી બને છે. તેના માટે વિતેલા વર્ષોમાં નિરંતર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કડીમાં ઈ-ગોપાલા એપ શરૂ કરવામાં આવી છે. ઈ-ગોપાલા એપ એ એક એવું ઓનલાઈન ડિજીટલ માધ્યમ બની રહેશે કે જેની મારફતે પશુ પાલકોને સારૂં પશુ ધન પસંદ કરવામાં આસાની થશે. તેમને વચેટીયાઓથી મુક્તિ મળશે. આ એપ પશુ પાલકોને ઉત્પાદકતાથી માંડીને તેમના સ્વાસ્થ્ય અને આહાર સાથે જોડાયેલી તમામ જાણકારીઓ પૂરી પાડશે. તેનાથી ખેડૂતને એ બાબતની જાણકારી મળશે કે તેના પશુને ક્યારે શાની જરૂર પડશે. અને જો પશુ બિમાર પડશે તો તેના માટે પણ સસ્તી સારવાર ક્યાં મળશે, એટલું જ નહીં આ એપને પશુ આહાર સાથે પણ જોડવામાં આવી છે. જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે ઈ-ગોપાલા એપમાં પશુનો આધાર નંબર નાંખવાથી તે પશુ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ આસાનીથી મળી જશે. તેનાથી પશુ પાલકોને પશુ ખરીદવામાં અને વેચવામાં પણ એટલી જ આસાની જશે.

સાથીઓ, ખેતી હોય, પશુ પાલન હોય, મત્સ્ય ઉછેર હોય, આ બધાંનો વિકાસ વધુ ઝડપથી થઈ શકે તે માટે વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવીને ગામડાંઓમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી કરવાનું ખૂબ જ જરૂરી બની ગયું છે. બિહાર તો, આમ પણ ખેતી સાથે જોડાયેલા અભ્યાસ અને સંશોધનનું મહત્વનું કેન્દ્ર ગણાય છે. દિલ્હીમાં બધા લોકો પૂસા- પૂસા સાંભળતા રહે છે. ખૂબ ઓછા લોકોને જાણકારી છે કે અસલી પૂસા દિલ્હીમાં નહીં, પણ બિહારના સમસ્તીપુરમાં છે. અહિંયા જે છે તે એક રીત કહીએ તો તેનો જોડિયો ભાઈ છે.

સાથીઓ, ગુલામીના સમય ગાળામાં સમસ્તીપુરના પૂસામાં રાષ્ટ્રીય સ્તરનું એક ખેતી સંશોધન કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. આઝાદી પછી ડો. રાજેન્દ્ર પ્રસાદ અને જન નાયક કર્પૂરી ઠાકોર જેવા વિઝન ધરાવતા નેતાઓએ આ પરંપરા આગળ ધપાવી હતી. તેમના પ્રયાસોમાંથી પ્રેરણા લઈને ડો. રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વ વિદ્યાલયને વર્ષ 2016માં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય તરીકે માન્યતા આપવામાં આવી હતી. ત્યાર બાદ આ યુનિવર્સિટીમાં અને તેના નેજા હેઠળ ચાલતી કોલેજોમાં અભ્યાસક્રમોની અને અન્ય સુવિધાઓનો વ્યાપક વિસ્તાર કરવામાં આવ્યો છે. મોતીહારીમાં કૃષિ અને વન વિદ્યાની નવી કોલેજ હોય કે પછી પૂસામાં સ્કૂલ ઓફ એગ્રીબિઝનેસ અને રૂરલ મેનેજમેન્ટ હોય, બિહારમાં કૃષિ વિજ્ઞાન અને કૃષિ વ્યવસ્થાપનના અભ્યાસ માટે શિક્ષણ વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ કામગીરીને આગળ ધપાવતા રહીને સ્કૂલ ઓફ એગ્રીબિઝનેસ એન્ડ રૂરલ મેનેજમેન્ટના નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. સાથે સાથે નવી હોસ્ટેલ, સ્ટેડિયમ અને ગેસ્ટ હાઉસનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

સાથીઓ, કૃષિ ક્ષેત્રની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દેશમાં છેલ્લા 5 થી 6 વર્ષમાં એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. 6 વર્ષ પહેલાં દેશમાં માત્ર એક કેન્દ્રિય કૃષિ વિશ્વ વિદ્યાલય હતું, જ્યારે આજે દેશમાં ત્રણ- ત્રણ સેન્ટ્રલ કૃષિ યુનિવર્સિટીઓ છે. અહીં બિહારમાં દર વર્ષે પૂર આવતું હોવાના કારણે ખેતી અને ખેડૂતોને કેવી રીતે બચાવી શકાય તે માટે મહાત્મા ગાંધી સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તેવી જ રીત મોતીપુરમાં માછલી સાથે જોડાયેલા પ્રાદેશિક સંશોધન અને તાલિમ કેન્દ્ર, મોતીહારીમાં પશુપાલન સાથે જોડાયેલ ખેતી અને ડેરી વિકાસ કેન્દ્ર જેવી અનેક સંસ્થાઓ, ખેતીને વિજ્ઞાન અને ટેકનિક સાથે જોડવા માટે શરૂ કરવામાં આવી છે.

સાથીઓ, જ્યારે ભારત એવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે કે જેમાં ગામની પાસે એવા ક્લસ્ટર બનશે કે જ્યાં ફૂડ પ્રોસેસીંગ સાથે જોડાયેલા ઉદ્યોગ પણ સ્થપાશે અને તેની નજીકમાં જ તેની સાથે જોડાયેલા સંશોધન કેન્દ્રો પણ હશે. આનો અર્થ એ કે એક રીતે આપણે કહી શકીએ કે જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન. આ ત્રણેયની તાકાત જ્યારે એક સાથે મળીને કામ કરશે ત્યારે દેશના ગ્રામ્ય જીવનમાં ખૂબ મોટા ફેરફારો થશે તે નક્કી છે. બિહારમાં તો આ સિવાય પણ અનેક સંભાવનાઓ છે. અહિંના ફળ ભલે તે લીચી હોય, જરદાળુ હોય, આમળાં હોય, મખાના હોય કે પછી મધુબની પેઈન્ટીંગ્ઝ હોય. આવી અનેક પ્રોડક્ટસ બિહારના જીલ્લે જીલ્લામાં છે. આપણે આ સ્થાનિક ઉત્પાદનો માટે વધુ વૉકલ બનવું જરૂરી છે. આપણે લોકલ માટે જેટલા વૉકલ બનીશું તેટલું જ બિહાર આત્મનિર્ભર બનશે. તેટલો જ દેશ આત્મનિર્ભર બનશે.

સાથીઓ, મને આનંદ છે કે બિહારના યુવાનો અને ખાસ કરીને આપણી બહેનો અગાઉથી જ આ કામગીરીમાં પ્રશંસાપાત્ર યોગદાન આપી રહી છે. શ્રીવિધિ અનાજની ખેતી હોય, લીઝ ઉપર જમીન લઈને શાકભાજી ઉગાડવાનાં હોય, અજ્જોલા સહિત અન્ય જૈવિક ખાતરનો ઉપયોગ હોય, ખેત મશીનરી સાથે જોડાયેલા હાયરીંગ સેન્ટર હોય, બિહારની સ્ત્રી શક્તિ પણ આત્મનિર્ભર ભારત અભિયાનને તાકાત પૂરી પાડવામાં આગળ રહી છે. પૂર્ણિયા જીલ્લામાં મકાઈના વેપાર સાથે જોડાયેલ અરણ્યક FPO’ અને કૃષિ ક્ષેત્રમાં મહિલા ડેરી કૌશિકી મિલ્ક પ્રોડ્યુસર કંપનીજેવા અનેક જૂથ પ્રશંસનિય કામગીરી કરી રહ્યા છે. હવે તો આપણાં ઉત્સાહી યુવાનો અને બહેનો માટે કેન્દ્ર સરકારે એક વિશેષ ભંડોળની રચના કરી છે. એક લાખ કરોડ રૂપિયાથી આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેવા FPO કૃષિ ઉત્પાદક સંઘોને, સરકારી જૂથોને, ગામમાં સંગ્રહ વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજ અને અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે તેમાંથી આર્થિક મદદ આસાની મળી રહેશે. અને એટલું જ નહીં, આપણી બહેનોના જે સ્વસહાય જૂથો છે તેમને પણ ઘણી મદદ આપવામાં આવી રહી છે. આજે બિહારમાં સ્થિતિ એવી છે કે વર્ષ 2013-14ની સરખામણીમાં સ્વસહાય જૂથોને મળતા ધિરાણમાં 32 ગણો વધારો થયો છે. આ બાબત દર્શાવે છે કે દેશને, બેંકોને, આપણી બહેનોના સામર્થ્ય અને ઉદ્યમશીલતા પણ કેટલો ભરોસો છે.

સાથીઓ, બિહારના ગામડાંઓને આત્મનિર્ભર ભારતનું મહત્વનું કેન્દ્ર બનાવવા માટે આપણાં પ્રયાસો સતત વધતા જ રહેવાના છે. આવા પ્રયાસોને કારણે બિહારમાં શ્રમિક સાથીઓની ભૂમિકામાં પણ વધારો થયો છે અને તમારા માટે દેશને અનેક આશાઓ છે. બિહારના લોકો, દેશમાં હોય કે વિદેશ હોય, પોતાના પરિશ્રમથી, પોતાની પ્રતિભાથી, પોતાની વાત મનાવીને જ રહે છે. મને એવો વિશ્વાસ છે કે બિહારના લોકો હવે આત્મનિર્ભર બિહારનું સપનું સાકાર કરવા માટે સતત આ કામગીરી આગળ વધારતા રહેશે. વિકાસ યોજનાઓની શરૂઆત કરવા માટે હું ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી એક વખત હું મારી ભાવના વ્યક્ત કરીશ. તમારી પાસે મારી કેટલીક અપેક્ષાઓ છે તે જણાવીશ. મારી અપેક્ષા એ છે કે માસ્ક અને બે ગજના અંતરનો નિયમ તમે ચોક્કસપણે પાળતા રહો. સુરક્ષિત રહો, સ્વસ્થ રહો.

તમારા ઘરમાં મોટી ઉંમર ધરાવતા પરિવારના જે લોકો છે તેમની સંભાળ યોગ્ય રીત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાને હળવાશથી લેશો નહીં. દરેક નાગરિકને, કારણ કે આપણી પાસે વૈજ્ઞાનિકોએ બનાવેલી રસી જ્યારે આવે ત્યારે આવે, પરંતુ જે સામાજિક વેક્સીન છે તે છે કોરોનાથી બચવાનો ઉત્તમ ઉપાય છે. બચવાનો આ એક જ રસ્તો છે અને એટલા માટે જ બે ગજનું અંતર, માસ્ક, ક્યાંય થૂંકવું નહીં, વૃધ્ધ લોકોની કાળજી લેવી. આ બધા વિષયો અંગે હું તમને વારંવાર યાદ કરાવતો જ રહું છું. આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે ફરીથી યાદ કરાવું છું. મને વધુ એક વખત તમારી વચ્ચે આવવાની જે તક મળી છે તેના માટે રાજ્ય સરકારનો, અમારા ગિરીરાજજીનો, ખૂબ-ખૂબ આભાર માનું છું. સૌને ધન્યવાદ પાઠવું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ ! ! !

 

SD/GP/BT



(Release ID: 1653193) Visitor Counter : 252