મંત્રીમંડળ

અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારાઓની શરૂઆત


અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપવામાં આવી

Posted On: 24 JUN 2020 4:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી હતી. સુધારાઓનો ઉદ્દેશ અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. નિર્ણય પ્રધાનમંત્રીના ભારતની કાયાપલટ કરવાના તથા દેશને આત્મનિર્ભર અને ટેકનોલોજીકલ રીતે વિકસિત બનાવવાના લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

અંતરિક્ષ ક્ષેત્રમાં અદ્યતન ક્ષમતાઓ ધરાવતા દુનિયાના ગણ્યાંગાઠ્યાં દેશોમાં ભારત સામેલ છે. સુધારાઓ સાથે અંતરિક્ષ ક્ષેત્રને નવી ઊર્જા અને ગતિ મળશે, જેથી દેશને અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રવૃત્તિઓને આગામી તબક્કામાં લઈ જવા હરણફાળ ભરવામાં મદદ મળશે.

સુધારાઓથી અંતરિક્ષ ક્ષેત્રની વૃદ્ધિને વેગ મળશે તેમજ ભારતીય ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર બનવા સક્ષમ બનશે. સાથે ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે રોજગારીની તક ઊભી થશે અને ભારત આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનોલોજી  પાવરહાઉસ બનશે.

મુખ્ય ફાયદા :

ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિ કરવા અને આપણી ઔદ્યોગિક કામગીરીનું વિસ્તરણ કરવા અંતરિક્ષ ક્ષેત્ર મુખ્ય પ્રેરકબળ તરીકે ભૂમિકા ભજવી શકે છે. સૂચિત સુધારા અંતરિક્ષ અસ્કયામતો અને પ્રવૃત્તિઓનો સામાજિક-આર્થિક ઉપયોગ વધારશે, જેમાં અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત અસ્કયામતો, ડેટા અને સુવિધાઓની સુલભતામાં સુધારો સામેલ છે.

નવી રચાયેલી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe ઇન-સ્પેસ) ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવા ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓ જેટલી સુવિધા પ્રદાન કરશે. નીતિગત પ્રોત્સાહન અને અનુકૂળ નિયમનકારક વાતાવરણ દ્વારા અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત કામગીરીઓમાં ખાનગી ઉદ્યોગોને ટેકો, પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપશે.

સરકારી ક્ષેત્રનું સાહસ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) અંતરિક્ષ પ્રવૃત્તિઓને પુરવઠાલક્ષી મોડલમાંથી માગ સંચાલિત મોડલ તરફ દોરી જશે, જેથી આપણી અંતરિક્ષ ક્ષેત્રની અસ્કયામતોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત થશે.

સુધારા ઇસરોને સંશોધન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, નવી ટેકનોલોજીઓ, અભિયાનો હાથ ધરવા અને માનવસહિત અંતરિક્ષ ઉડાનના કાર્યક્રમ પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવાની સુવિધા આપશે. તકની જાહેરાતની વ્યવસ્થા દ્વારા ગ્રહનું સંશોધન કરવા કેટલાંક અભિયાનો ખાનગી ક્ષેત્ર માટે પણ ખોલશે.

 

GP/DS

 

 


(Release ID: 1633967) Visitor Counter : 284