ગૃહ મંત્રાલય
પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમ ગેસ ગળતર ઘટનાની સમીક્ષા કરી
સ્થળ પર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે
Posted On:
07 MAY 2020 5:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીની શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે વિશાખાપટ્ટનમમાં બનેલી ગેસ ગળતરની ઘટનામાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે અસરગ્રસ્ત લોકોની સલામતી માટે તેમજ આ આપત્તિના કારણે અસરગ્રસ્ત સ્થળની સુરક્ષા માટે લેવામાં આવેલા તમામ પગલાંની ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને શ્રી જી. કિશન રેડ્ડી તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દુર્ઘટના અંગે સવારે પ્રથમ માહિતી પ્રાપ્ત થતા જ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર તરફથી તમામ પ્રકારે પૂરતી સહાય કરવામાં આવશે. તેઓ આ સ્થિતિ પર ખૂબ જ નીકટથી અને સતત દેખરેખ રાખે છે.
બેઠક યોજાયા પછી, તાત્કાલિક કેબિનેટ સચિવે ગૃહ મંત્રાલય, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવો; રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA)ના સભ્યો અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF)ના મહાનિદેશક (DG); આરોગ્ય સેવાના મહાનિદેશક (DGHS) અને એઇમ્સના નિદેશક તેમજ અન્ય તબીબી નિષ્ણાતો સાથે વિગતવાર સમીક્ષા બેઠક યોજીને આ પરિસ્થિતિને પાયાના સ્તરેથી નિયંત્રણમાં લેવા અને તેના વ્યવસ્થાપનમાં સમર્થન આપવા માટે ચોક્કસ પગલાં નક્કી કરવા ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પૂણે NDRFના એકમ CBRN (રસાયણ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિઅર)ની ટીમ તેમજ નાગપુર ખાતેથી રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ સંશોધન ઇન્સ્ટિટ્યુટ (NEERI)ની ટીમ સાથે મળીને તાત્કાલિક વિશાખાપટ્ટનમ પહોંચીને તેઓ રાજ્ય સરકારને આ કટોકટી સામે પાયાના સ્તરે વ્યવસ્થાપન અને નિયંત્રણમાં મદદ કરશે અને આ ગેસ ગળતરની ટૂંકાગાળાની તેમજ લાંબાગાળાની અસરોના ઉકેલ માટે યોગ્ય પગલાં લેશે.
સ્ટ્રાઇન ગેસ ગળતરની ઘટના વિશાખાપટ્ટનમ જિલ્લામાં આવેલા ગોપાલપટ્ટનમ મંડલના RR વિશાખાપટ્ટનમ ગામમાં આવેલા એક રસાયણના પ્લાન્ટમાં વહેલી પરોઢે 3 વાગે બની હતી. તેના કારણે આસપાસમાં નરાવા, બી. સી. કોલોની, બાપુજી નગર, કમ્પાલાપાલેમ, ક્રિશ્નાનગર વગેરે ગામોમાં અસર થઇ છે. સ્ટ્રાઇન ગેસ એક ઝેરી ગેસ છે જેના કારણે ત્વચા અને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં સમસ્યા અને અન્ય તબીબી આડઅસરો થાય છે.
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF) સાથે CBRNની ટીમને તાત્કાલિક રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની મદદ માટે વિશાખાપટ્ટનમ ખાતે તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળની આસપાસમાં રહેતા લોકોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પૂણેના NDRFના વિશેષ CBRN એકમ અને નાગપુરના NEERIના નિષ્ણાતોની ટીમ વિશાખાપટ્ટનમ માટે રવાના થઇ ગઇ છે. આ ઉપરાંત, DGHS દ્વારા ઘટનાસ્થળ પર વિશેષ તબીબી સલાહ અને તબીબી પ્રેક્ટિશનરો પૂરા પાડવામાં આવશે.
ગળતર થયેલા સંયોજનના ગુણધર્મો, તેની અસરો, જેમના સંપર્કમાં આવ્યા હોય તે લોકોનામાં જોવા મળતા સામાન્ય લક્ષણો, પ્રાથમિક સારવારના પગલાં, સાવચેતી, શું કરવું અને શું ન કરવું અંગેની તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1621924)
Visitor Counter : 254