સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષ વર્ધને નાગરિક સંગઠનો / સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી


કોવિડ-19ને મ્હાત આપવા સહુ સાથે મળીને કામ કરીએ અને 'સામાજિક અંતર'નું પાલન કરીએ ઃ
ડૉ. હર્ષ વર્ધન

Posted On: 30 APR 2020 5:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષ વર્ધને નીતિ આયોગના સીઈઓ શ્રી અમિતાભ કાંત સાથે મળીને આજે વીડિયો  કોન્ફરન્સ દ્વારા એનજીઓ દર્પણ ઉપર રજિસ્ટર્ડ હોય તેવા નાગરિક સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સાથે વાતચીત કરી હતી.

ડૉ. હર્ષ વર્ધને સમાજના વિવિધ વર્ગોમાં ખોરાક અને અન્ય આવશ્યકતાઓ પૂરી પાડવા માટે 92,000થી વધુ એનજીઓએ કરેલાં નિઃસ્વાર્થ કાર્ય બદલ પ્રધાન મંત્રી તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કોવિડ-19ના નિયંત્રણમાં સંસ્થાઓનું યોગદાન મહત્ત્વનું રહ્યું હોવાનું જણાવીને તેને બિરદાવ્યું હતું. તેમણે પણ નોંધ્યું કે સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલાં આવાં કાર્યોથી અન્ય લોકોને પણ આગળ આવીને પોતાનો ફાળો આપવાની પ્રેરણા મળી છે.

ડૉ. હર્ષ વર્ધને વીડિયો  કોન્ફરન્સમાં ભાગ લેનારાઓને કોવિડ-19ની સ્થિતિનો મુકાબલો કરવા માટે કરાયેલા પ્રયાસો વિશે ક્રમવાર વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું કે, કોવિડ-19નો સામનો કરવા માટે ડબલ્યુએચઓ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યૂહરચના તૈયાર કરનાર સૌપ્રથમ દેશોમાં ભારતનું સ્થાન છે. ભારત સરકારે અગાઉથી શક્તિશાળી અને સક્રિય પગલાં લીધાં છે અને પરિસ્થિતિ પ્રમાણે પ્રતિસાદ વધાર્યો છે.

ડૉ. હર્ષ વર્ધને પ્રધાનમંત્રી તેમજ કોવિડ-19ના નિયંત્રણ માટે ખાસ ઘડાયેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ - મંત્રીઓના જૂથના માર્ગદર્શન હેઠળ વિવિધ મંત્રાલયો દ્વારા લેવાયેલાં પગલાંની વિગતો રજૂ કરી હતી. પગલાંમાં રાજ્યોને અપાયેલી વિગતવાર માર્ગદર્શિકાઓ, સ્વાસ્થ્ય સંબંધિત માળખાકીય સુવિધાઓ અગાઉથી સજ્જ બનાવવી અને રક્ષણાત્મક સાધનો પૂરાં પાડવાં, તમામ બંદરોનાં પ્રવેશ ઉપર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ, સમુદાયની દેખરેખ, ઝીણવટભર્યું સંપર્ક ટ્રેસિંગ, ઝડપી પ્રતિસાદ આપનાર ટુકડીઓ વગેરે સામેલ છે. તેમણે કોવિડ-19 ફાટી નીકળતાં સર્જાયેલી મુસીબતોને હળવી કરવા માટે શરૂ કરાયેલી આરોગ્ય સેતુ એપ તેમજ વંચિત વર્ગો માટે શરૂ કરાયેલા આર્થિક પેકેજ - પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના જેવાં કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે પણ નોંધ્યું હતું કે ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓને પગલે પરપ્રાંતિય મજૂરોની સમસ્યા હળવી થતી જોવા મળી રહી છે.

પ્રધાનમંત્રીે કોવિડ-19નું પ્રસરણ અટકાવવા માટે જનતા કર્ફ્યુ દ્વારા લોકોને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવા અને તે પછી બદલાતી પરિસ્થિતિના ભાગરૂપે લોકડાઉન જાહેર કરવા બદલ ડૉ. હર્ષ વર્ધને તેમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કેદેશમાં કોરોનાના કેસ બમણા થવાનો દર નિયમિત રીતે સુધારો દર્શાવી રહ્યો છે અને ત્રણ દિવસના ગાળા માટે જોઈએ તો દર 12.5 દિવસનો, સાત દિવસ માટે 11.0 દિવસનો અને 14 દિવસ માટે 9.9 દિવસનો છે. સૂચકાંકોને દેશમાં લોકડાઉન તેમજ તેની સાથે સાથે અસરકારક ક્લસ્ટર મેનેજમેન્ટ અને નિયંત્રણની વ્યૂહરચનાઓની સકારાત્મક અસર તરીકે જોઈ શકાય.”

ડૉ. હર્ષ વર્ધને દેશભરમાં ફસાયેલા લોકોને પડતી મુસીબતોને હળવી કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાયેલા મદદના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના પ્રયત્નોમાં સંપૂર્ણ સંકલન અને ઉત્સાહને બિરદાવ્યાં હતાં. તેમણે કોવિડ-19 ફાટી નીકળવા દરમ્યાન જોવા મળેલી મુખ્ય સમસ્યાઓ, જેમાં એનજીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી, તેના વિશે પણ ચર્ચા કરી હતી. સમસ્યાઓમાં કોવિડ-19ના દર્દીઓને કલંક અને કોવિડ-19ના નિયંત્રણ માટે કાર્યરત તબીબી વ્યાવસાયિકોને થતી પજવણી તેમજ પરપ્રાંતિય શ્રમિકો તેમના ઘરે પરત ફરે ત્યારે તેમને પડનારી સંભવિત મુસીબતો જેવા મુદ્દા સામેલ હતા. તેમણે આપત્તિ સામેની લડતમાં એનજીઓએ તેમનાં ફિલ્ડ વર્ક દ્વારા ભજવેલી ક્રિયાશીલ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કામકાજ સુગમ રીતે ચલાવવામાં મદદરૂપ બનનાર નીતિ આયોગનો આભાર માન્યો હતો. ત્યારબાદ એનજીઓએ દવાઓની મર્યાદિત ઉપલબ્ધિ, ખાસ કરીને ચેપની વધુ સંભાવના ધરાવતા જિલ્લાઓમાં જેરિયાટ્રિક કેર માટેની સેવાઓનો અભાવ, મહિલાઓની સમસ્યાઓ, લોકડાઉન દરમ્યાન એનજીઓ કાર્યકર્તાઓને અવરજવર માટે પડતી તકલીફ, કુપોષણ અને ખાદ્યસુરક્ષાનો અભાવ, કેટલીક આજીવિકાઓ સાથે સંકળાયેલા અપયશ અને સ્થળાંતર કરનારાઓને ઘરે પરત ફરવા જાહેર પરિવહન સેવા મળવામાંની મુશ્કેલી સહિતની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્રીયસ્વાસ્થ્ય મંત્રીને પરંપરાગત જ્ઞાન દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા પ્રોત્સાહન આપવા, લોકોમાંથી ચેપી બીમારીઓ વિશેનો ભય દૂર કરવા તેમજ અર્થવ્યવસ્થાનાં ચક્રો ફરી ઘૂમવા લાગે તે પછી એમએસએમઈને નાણાકીય સહાય કરવા યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી.

ડૉ. હર્ષ વર્ધને એનજીઓના પ્રતિનિધિઓને મદદની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાઓને લાલ, નારંગી અને લીલા રંગના ઝોનમાં વર્ગીકૃત કરવાથી એનજીઓને તેમનાં કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવામાં મદદ મળશે. તેમણે એનજીઓને વિનંતી કરી હતી કે તેઓ કોવિડ-19ના વ્યવસ્થાપન બાબતે પોતાની સમસ્યાઓ પ્રત્યાયનની પ્રવર્તમાન ચેનલો ઉપરાંત @CovidIndiaSeva તરીકે સમર્પિત ટ્વિટર હેન્ડલ જેવાં સોશિયલ મીડિયા મારફતે સરકારને જણાવે.

તેમણે પ્રત્યેકને મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સરળ માર્ગદર્શિકાનું પાલન કરવા, હાથની સ્વચ્છતા જાળવવા, મુખ ઉપર આરક્ષણ વાપરવા, ઊંચું જોખમ ધરાવતા લોકોની સંભાળ લેવા, જ્યારે પણ શક્ય હોય ત્યારે ઘરેથી કામ કરવા અને લોકડાઉનને અનુસરીને  'સામાજિક અંતર'ની સભ્યતાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. ડૉ. હર્ષ વર્ધને ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે હજુ પણ કોવિડ-19ના નિયંત્રણ માટે સૌથી કારગર દવા  'સામાજિક અંતર' અને લોકડાઉન રહેશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે કોવિડ-19 સંબંધિત ટેકનિકલ મુદ્દાઓ, માર્ગદર્શનો તેમજ સલાહ સંબંધિત તમામ અધિકૃત અને છેલ્લી માહિતી મેળવવા માટે હંમેશા સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ https://www.mohfw.gov.in/ ઉપર લોગ ઓન કરવું જોઈએ, જે દિવસમાં ઓછામાં ઓછી બે વાર અપડેટ કરાય છે અને તેને સુવ્યવસ્થિત રખાય છે.

છેલ્લે, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ડૉ. હર્ષ વર્ધન, નાગરિક સમાજ સંસ્થાઓ તેમજ એનજીઓ અને તેમના પ્રતિનિધિઓનો સત્રમાં ઉપસ્થિત રહેવા બદલ અને મૂલ્યવાન સૂચનો આપવા બદલ આભાર માન્યો હતો.

 

 

GP/DS



(Release ID: 1619755) Visitor Counter : 264