ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય

ચાલો, અછતને પહોંચી વળવા માટે ઘરે જ માસ્ક બનાવીએ


સરળતાથી સામગ્રી મળે, સરળતાથી ઘરે બની જાય અને વારંવાર ઉપયોગમાં લઇ શકાય એવા માસ્ક બનાવતા શીખીએ

Posted On: 02 APR 2020 12:40PM by PIB Ahmedabad

શું તમને ચિંતા છે કે તમારા હાથમાં ફેસ માસ્ક ક્યારે આવશે? ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિકની કચેરીએ તમારા માટે એક નવીન ઉકેલ શોધી કાઢ્યો છે: આ ઉકેલ છે ઘરે બનાવેલા માસ્ક. સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની કચેરીના વરિષ્ઠ સલાહકાર શ્રી શૈલેજા વૈદ્ય ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ એવા લોકો માટે પ્રાથમિક ઉપાય છે જેઓ માસ્ક પહેરવા માગે છે પરંતુ તેમની પાસે તે ઉપલબ્ધ નથી. તેઓ ધોઇ શકાય અને ફરી ઉપયોગમાં લઇ શકાય તેવા માસ્ક ઘરે જ બનાવી શકે છે.”

ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની અછત એ વર્તમાન સમયની સંપૂર્ણ વાસ્તવિકતા છે. કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે, ચિંતામાં ઘેરાયેલા લોકોએ અવિચારી રીતે હાઇજિન ઉત્પાદનોની ખરીદી કરી લીધી જેમાં ખાસ કરીને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરના વિપુલ જથ્થાના ખરીદી થઇ, અને પૂરવઠો વધારવામાં આવ્યો હોવા છતાં અચાનક ફુટી નીકળેલી વિપુલ માગને પહોંચવું મુશ્કેલ છે.

ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા ઘરે બનાવેલા માસ્ક અંગે મેન્યુઅલ બહાર પાડવામાં આવ્યું છે: “SARS-CoV-2 કોરોના વાયરસનો ફેલાવો ખતમ કરવા માટે માસ્ક” જે ઘરે જ બની શકે છે. પ્રસ્તાવિત ડિઝાઇનમાં ખાસ કરીને સરળતાથી સામગ્રીની ઉપલબ્ધતા, ઘરે બનાવવામાં સરળતા અને ઉપયોગ તેમજ ફરી ઉપયોગમાં સરળતા તેવા મુખ્ય માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

દુકાનો અને સેવાઓ દ્વારા આગ્રહ કરવામાં આવે છે કે ગ્રાહકો ફેસ માસ્કનો ઉપયોગ કરે. કેટલીક દુકાનોમાં માસ્ક ન પહેરવા બદલ ગ્રાહકોને સેવા આપવાનો ઇનકાર પણ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરે બનાવેલા માસ્ક લોકોને મદદરૂપ થશે. સંખ્યાબંધ સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ સાર્વજનિક જગ્યાએ જતી વખતે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપે છે જેથી ચેપનો ફેલાવો થવાની શક્યતા ઘટાડી શકાય. પ્રસ્તાવિત માર્ગદર્શિકા માસ્ક બનાવવા, ઉપયોગમાં લેવા અને ફરી ઉપયોગ માટે સરળ માહિતી પર પ્રકાશ પાડે છે. આ મેન્યુઅલનો ઉપયોગ NGO અને વ્યક્તિગત લોકો પણ આવા માસ્ક જાતે તૈયાર કરવા માટે અને સમગ્ર ભારતમાં માસ્કના ઉપયોગને વ્યાપક રીતે અપનાવવા માટે કરી શકે છે.

સુરક્ષાત્મક માસ્ક હવામાં રહેલા ડ્રોપલેટ્સના માધ્યમથી આપણા શ્વસનતંત્રમાં કોરોના વાયરસને પ્રવેશવાની શક્યતાઓ ઘટાડે છે. પબ મેડ વિશ્લેષણમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દર્શાવ્યું છે કે, જો કુલ વસ્તીમાંથી 50% લોકો માસ્ક પહેરે તો, માત્ર 50% વસ્તીને વાયરસનો ચેપ લાગશે. પરંતુ જો 80% વસ્તી માસ્ક પહેરે તો, બીમારીનો ઉપદ્રવ નોંધપાત્ર રીતે રોકી શકાય છે. ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં રહેતા લોકોને માસ્ક પહેરવાની વિશેષ ભલામણ કરવામાં આવે છે.

ઇન્ડિયા સાયન્સ વાયર સાથે વાત કરતી વખતે ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં ગીચ વસ્તીની ઘણી જગ્યાઓ છે: આ માનવામાં ન આવે તેવી ગીચતા છે; દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લામાં પ્રત્યેક ચોરસ કિમીમાં 36,155 લોકોની વસ્તી ગીચતા છે, ભારત માટે મોડેલ અને નિયંત્રણ બિંદુઓ માપ બહારના છે! માસ્ક પહેરવાથી અને હાથ ધોવાથી મદદ મળશે અને તે સરળતાથી ઘરે બની શકે છે.”

19 માર્ચ 2020ના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની રચના કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર કે. વિજય રાઘવન આ સમિતિના અધ્યક્ષ છે અને વિજ્ઞાન એજન્સીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયામક સંગઠનો સાથે સંકલન માટે તેમજ Sars-Cov-2 વાયરસ અને કોવિડ-19 બીમારી સંબંધિત સંશોધન અને વિકાસના અમલીકરણ માટે ઝડપથી નિર્ણયો લેવા માટે આ સમિતિ જવાબદાર છે.

ઘરે બનાવેલા માસ્કના ઉપયોગ અને તે બનાવવા અંગે વિગતવાર મેન્યુઅલ આ લિંક પરથી ડાઉનલોડ કરો http://bit.ly/DIYMasksCorona

GP/RP

*****



(Release ID: 1610267) Visitor Counter : 209