વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોરોનાવાયરસ વિશે આપણે કેટલું જાણીએ છીએ અને આપણે શું-શું જાણવું જરૂરી છે!

Posted On: 01 APR 2020 1:30PM by PIB Ahmedabad

નોવેલ કોરોનાવાયરસ વિશે ઘણા પ્રકારની જાણકારીઓ સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ અને ઇન્ટરનેટના માધ્યમથી ફેલાઈ રહી છે. એમાં કેટલીક સાચી છે, તો ઘણી બધી બાબતો બિલકુલ નિરાધાર કે પાયાવિહોણી છે. જ્યારે દુનિયાભરમાં હજારો લોકોએ કોરોનાવાયરસની મહામારીને કારણે જીવ ગુમાવ્યાં છે, ત્યારે હાલના કટોકટીના સમયમાં એની સાથે સંબંધિત કેટલાંક અનિવાર્ય પાસાઓ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. વિવિધ સંશોધનો તારણો પર આધારિત વિજ્ઞાન પ્રસારમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ટી વી વેંકટેશ્વરનો આ લેખ અહીં પ્રસ્તુત છેઃ

ચેપઃ વાયરસ ગળા અને ફેંફસાની બહારના સ્તરની પેશીઓને ચેપ લગાવે છે. SARS-CoV-2 માનવ કોશિકાઓના સંપર્કમાં આવવાથી ACE2 રિસેપ્ટર્સથી બંધાઈ જાય છે, જે ઘણી વાર ગળા અને ફેંફસાઓમાં જોવા મળે છે. આ વાયરસ નાક, આંખો અને મુખ વાટે શરીરમાં પ્રવેશ કરે છે. આપણા હાથ એનું મુખ્ય સાધન બની શકે છે, જે આપણા મુખ, નાક અને આંખો સુધી વાયરસને પહોંચાડી શકે છે. જેટલી વાર શક્ય હોય, ત્યાં સુધી 20 સેકન્ડ સુધી સાબુવાળા પાણી સાથે હાથ ધોવાથી ચેપને રોકવામાં મદદ મળે છે.

ચેપી ડોઝઃ મેકાક વાંદરાને ચેપ લગાવવા માટે સાત લાખ પીએફક્યુ ડોઝની જરૂરી પડે છે. પીએફક્યુ (પ્લેક બનાવવાનો એકમ) નમૂનો ચેપ લગાવવાના માપનો એક એકમ છે. જોકે વાંદરામાં કોઈ નૈદાનિક લક્ષણ જોવામાં આવ્યાં નથી, નાક અને લાળના દ્રવ્યો કણોમાં વાયરલ હતો. મનુષ્યને આ વાયરસનો ચેપ લગાવવા માટે સાત લાખ પીએફક્યુથી વધારે ડોઝની જરૂર પડશે. ACE2 રિસેપ્ટર્સ ધરાવતા આનુવંશિક રીતે સંશોધિત ઉંદરો પર એક અભ્યાસથી જાણકારી મળે છે કે, તેને ફક્ત 240 પીએફક્યુ ડોઝથી SARSથી ચેપ લાગી શકે છે. એની સરખામણીમાં ઉંદરોને નવા કોરોનાવાયરસથી ચેપ લાગવા માટે 70,000 પીએફક્યુની જરૂર પડશે.

ચેપ લાગવાનો ગાળોઃ આ બાબતની હજુ સુધી જાણ નથી કે, કોઈ વ્યક્તિ કેટલા સમયમાં બીજી વ્યક્તિને ચેપ લગાવી શકે છે, પણ હજુ સુધી એવું જ માનવામાં આવે છે કે, આ ગાળો 14 દિવસનો હોય છે. ચેપ લાગવાનો ગાળો કૃત્રિમ રીતે ઘટાડવા સંપૂર્ણ સંચરણને ઓછું કરવા એક મહત્ત્વપૂર્ણ રીત હોઈ શકે છે. ચેપી વ્યક્તિને આઇસોલેશન રૂમમાં ભરતી કરવા, બીજા લોકોથી અલગ કરવા અને લોકડાઉન ચેપને ફેલાતો રોકવા અસરકારક બની શકે છે.

ચેપ કોણ લગાવી શકે છેઃ વાયરસથી ચેપી કોઈ પણ વ્યક્તિ લક્ષણ પ્રકટ થાય એ અગાઉ બીજાને ચેપ લગાવી શકે છે. ઉધરસ કે છીંક આવતા આપણા મુખ અને નાકને ઢાંકવા ચેપને ઘટાડવામાં મદદ મળી શકે છે. વાયરસ સંપૂર્ણપણે ચેપ લાગવાના ગાળામાં ચેપી વ્યક્તિની લાળ, થૂંક અને મળમાં રહે છે.

આપણને કેવી રીતે ચેપ લાગે છેઃ મોટા ભાગે ચેપ પ્રવાહી કણોના માધ્યમથી લાગે છે. આ માટે છ ફીટથી ઓછા નજીકના સંપર્કની જરૂર હોય છે. આ જ કારણે એવી ભલામણ કરવામાં આવે છે કે, આપણે જાહેર સ્થળો જેવા કે – શાકભાજીનું બજાર કે સુપરમાર્કેટમાં એકબીજાથી 1.5 મીટર દૂર રહીએ. હોંગકોંગમાં થયેલા એક અભ્યાસમાં જાણકારી મળી છે કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાથી 44 ટકા સુધી ચેપને ફેલાતો અટકાવી શકાય છે. ફોન, દરવાજાનો હાથો અને બીજી સપાટી વાયરસ ફેલાવાના સંભવિત સ્રોત હોઈ શકે છે, પણ આ વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી. દરવાજાનો હાથો, લિફ્ટનું બટન અને જાહેર સ્થળો પર કાઉન્ટરને સ્પર્શ કર્યા પછી હાથને સેનેટાઇઝ કરવો બચાવનો સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

આપણે કેટલા લોકોને ચેપ લગાવી શકીએઃ એક વિશિષ્ટ ચેપી વ્યક્તિ હોવાને કારણે અન્ય લોકોમાં ચેપ ફેલાવવાની સરેરાશ 2.2 થી 3.1 વચ્ચે છે. સરળ શબ્દોમાં કહીએ તો એક ચેપી વ્યક્તિ સરેરાશ 2.2 થી 3.1 વ્યક્તિઓને ચેપ લગાવે છે. એકબીજાથી અંતર જાળવવાથી આપણે વાસ્તવિક પ્રસાર ક્ષમતાને કૃત્રિમ રીતે ઓછી કરી શકીએ. આ રીતે ચેપ લાગવાનો દર ધીમો કરી શકીએ.

વાયરસ ક્યાંથી આવ્યોઃ આ ચામાચીડિયાનું સૂપ પીવાથી મનુષ્યનાં શરીરમાં પ્રવેશ્યો નથી. જ્યારે ખાદ્ય ઉત્પાદનોને ઉકાળવામાં આવે છે, ત્યારે વાયરસનો નાશ થઈ જાય છે. શરૂઆતમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, SARS-CoV-2 વાયરસ ચામાચીડિયામાંથી મનુષ્યોમાં પહોંચ્યો છે. પણ તાજેતરમાં થયેલા જીનોમ અભ્યાસથી જાણકારી મળી છે કે, મનુષ્યોમાં પહોંચાતા અગાઉ એને કોઈ મધ્યસ્થ પ્રજાતિ સુધી પહોંચવું જરૂરી હતું. એક અન્ય અભ્યાસમાંથી સંકેત મળ્યો છે કે, SARS-CoV-2 વાયરસનો એક વંશ બિમારીના પ્રસાર અગાઉ જ મનુષ્યોમાં હતો.

વાયરસનો વિકાસ કેવી રીતે થયોઃ મનુષ્યોમાં પહોંચતા અગાઉ SARS-CoV-2 કોઈ યજમાન જંતુમાં વાયરલ સ્વરૂપે કુદરતી પસંદગી કે પછી ઝૂનોટિક ટ્રાન્સમિશન પછી મનુષ્યોમાં વાયરલ સ્વરૂપે કુદરતી પસંદગી સ્વરૂપે વિકસ્યો છે. વધારે અભ્યાસ પરથી જ જાણી શકાશે કે બંનેમાંથી કઈ હકીકત સાચી છે. હજુ એ સ્પષ્ટ થયું નથી કે, SARS-CoV-2માં કયા પ્રકારનો ફેરફાર થયો, જેણે મનુષ્યમાં ચેપ અને પ્રસારને પ્રોત્સાહન આપ્યું છે.

SARS-CoV2 ક્યારે સામે આવ્યોઃ ડિસેમ્બર, 2019 અગાઉ SARS-CoV2 સાથે સંબંધિત કોઈ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નહોતા. જોકે પ્રારંભિક જિનોમિક વિશ્લેષણ જણાવે છે કે, SARS-CoV2ના સૌપ્રથમ માનવીય કેસ ઓક્ટોબરનાં મધ્યથી ડિસેમ્બર, 2019ની મધ્ય વચ્ચે સામે આવ્યા હતા. એનો અર્થ એ છે કે, પ્રાથમિક ઝૂનોટિક ઘટના અને મનુષ્યોમાં એનો રોગચાળો ફેલાવવા વચ્ચેના ગાળા વિશે જાણકારી ઉપલબ્ધ નથી.

શું આ ચેપ પશુઓને લાગી શકે છેઃ મોલીક્યુલર મોડલિંગથી જાણકારી મળી છે કે, SARS-CoV-2 મનુષ્ય ઉપરાંત ચામાચીડિયા, સીવેટ, વાંદરા અને સુવરની પેશીઓને અસર કરી શકે છે. જોકે એનાથી પાળતુ પશુઓને ચેપ લાગતો નથી. ઇંડા કે અન્ય પોલ્ટ્રી ઉત્પાદનોનું સેવન કરવાથી પણ SARS-CoV-2નો ચેપ લાગતો નથી.

શું કોઈ વ્યક્તિને બે વાર ચેપ લાગી શકે છેઃ એક વાર રસી શીતળા થયા પછી મોટા ભાગનાં લોકોમાં આજીવન આ બિમારી સામે પ્રતિરોધક ક્ષમતા વિકસે છે. ત્યારબાદ એને ભાગ્યે જ ફરી શીતળા નીકળે છે. આ જ રીતે મનુષ્યો પણ SARS-CoV-2માંથી એક વાર સાજાં થયા પછી ફરી એનો ચેપ લાગવાના પુરાવા મળતા નથી. જોકે આ પ્રતિરોધક ક્ષમતા ક્યાં સુધી ટકી શકે છે એ કહેવું મુશ્કેલ છે.

આ બિમારી કેટલી ગંભીર છેઃ કોવિડ-19 મૃત્યુદંડ નથી. એના મોટા ભાગનાં કેસ હળવા (81 ટકા) હોય છે, લગભગ 15 ટકા કેસમાં હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર લેવાની જરૂર હોય છે અને ફક્ત 5 ટકાને સતત દેખભાળ રાખવાની જરૂર હોય છે. મોટા ભાગના દર્દીઓને હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર લેવાની જરૂર હોતી નથી.

સૌથી વધુ સંવેદનશીલ કોણ છેઃ આ વાયરસ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હેલ્થકેર વર્કર્સ હોય છે. ઇટાલીના લોમ્બાર્ડીમાં લગભગ 20 ટકા હેલ્થ વર્કર્સ દર્દીઓને ચિકિત્સા સુવિધા પ્રદાન કરતા ચેપનો ભોગ બન્યાં છે. ખાસ કરીને 60 વર્ષથી વધારે વય ધરાવતા વૃદ્ધો, હૃદયરોગીઓ, હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકો, ડાયાબીટિસ અને શ્વાસોશ્વાસ સંબંધિત બિમારીઓ ધરાવતા લોકોમાં આ વાયરસનું જોખમ વધારે હોય છે.

મૃત્યુનું કારણ શું છેઃ મોટા ભાગના મૃત્યુ શ્વસનતંત્ર કામ કરતું બંધ થઈ જવાથી કે પછી શ્વસનતંત્ર સાથે સંબંધિત મુશ્કેલી અને હૃદય સંબંધિત સમસ્યાઓની સંયુક્ત અસરને કારણે થાય છે. ફેંફસાઓમાં પ્રવાહી ભરાઈ જાય છે, જે શ્વસનતંત્રની કામગીરીને અટકાવે છે અને બિમારીને વધારે છે. હાલ કોવિડ-19 માટે સારવારમાં મુખ્ય સ્વરૂપે સહાયક દેખભાળ છે. જો જરૂર પડે તો વેન્ટિલેશનનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે ઘણા તબીબી પરીક્ષણો ચાલુ છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે.

શું વાયરસ દૂધના પાઉચ કે અખબારો દ્વારા ફેલાય છેઃ SARS-CoV-2 પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર 3 દિવસ સુધી જળવાઈ રહે છે. જ્યારે વાયરલ લોડ 10,000 પીએફક્યુ હતો, ત્યારે ફક્ત 5 મિનિટ માટે અખબાર અને સુતરાઉ કાપડ પર રહી શકતો હતો. જોકે વાયરસને હટાવવા માટે દૂધના પાઉચને ધોવું પૂરતું છે.

શું આ વાયરસ હવામાં ફેલાઈ શકે છેઃ હવામાં વાયરસ ફક્ત 2.7 કલાક સુધી જીવિત રહી શકે છે. એટલે ઘરની બાલ્કની કે છત જેવી ખુલ્લી જગ્યાઓમાં એનાથી નુકસાન થવાનું જોખમ હોતું નથી.

શું કોઈ ઓછું નુકસાન કરે એવું સ્વરૂપ છેઃ આ વાયરસના વિવિધ પેટાપ્રકારોની ઓળખ થઈ રહી છે, પણ હજુ સુધી હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં કોઈ પણ રૂપાંતરણનો સંકેત મળ્યો નથી, જે પ્રસાર કે રોગની ગંભીરતા સાથે જોડાયેલો હોય.

શું ઉનાળા કે ચોમાસામાં રાહત મળી શકે છેઃ તાપમાન અને ભેજમાં વૃદ્ધિ સાથે પ્રસારમાં ઘટાડો થાય છે એવા કોઈ નક્કર પુરાવા મળ્યાં નથી.

 

GP/RP

*********



(Release ID: 1609992) Visitor Counter : 496