પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોરોના વાયરસના જોખમને લઈને વારાણસીના લોકો સાથે થયેલ પ્રધાનમંત્રીના સંવાદનો મૂળ પાઠ

Posted On: 25 MAR 2020 9:34PM by PIB Ahmedabad

હર હર મહાદેવ !!

કાશીના તમામ બહેનો-ભાઈઓને મારા પ્રણામ.

આજે કાબુલમાં ગુરુદ્વારામાં થયેલા આતંકવાદી હુમલાથી મન ઘણું દુઃખી છે. હું હુમલામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

સાથીઓ,

આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વનો પહેલો દિવસ છે. આપ સૌ પૂજા અર્ચનામાં વ્યસ્ત હશો. તેની વચ્ચે તમે કાર્યક્રમની માટે સમય કાઢ્યો, હું તમારો ખૂબ ખૂબ આભારી છું.

સાથીઓ,

તમે જાણો છો, નવરાત્રીના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માં શૈલપુત્રી સ્નેહ, કરુણા અને મમતાનું સ્વરૂપ છે. તેમને પ્રકૃતિની દેવી પણ કહેવામાં આવે છે.

આજે દેશ જે સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યો છે, તેમાં આપણે સૌએ માં શૈલસુતેના આશીર્વાદની ખૂબ જરૂર છે. મારી માં શૈલપુત્રીને પ્રાર્થના છે, કામના છે કે કોરોના મહામારી વિરુદ્ધ જે યુદ્ધ દેશે શરુ કર્યું છે, તેમાં હિન્દુસ્તાનને, એકસો ત્રીસ કરોડ દેશવાસીઓને વિજય પ્રાપ્ત થાય.

કાશીનો સાંસદ હોવાના સંબંધે મારે આવા સમયે તમારી વચ્ચે હોવું જોઈતું હતું. પરંતુ તમે અહિયાં દિલ્હીમાં જે ગતિવિધિઓ થઇ રહી છે તેનાથી પણ પરિચિત છો. અહિયાંની વ્યસ્તતા હોવા છતાં, હું વારાણસીના વિષયમાં સતત મારા સાથીઓ પાસેથી અપડેટ લઇ રહ્યો છું.

સાથીઓ,

યાદ કરો, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું. આજે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ સમગ્ર દેશ લડી રહ્યો છે, તેમાં 21 દિવસ લાગવાના છે. અમારો પ્રયાસ છે કે તેને 21 દિવસમાં જીતી લેવામાં આવે.

મહાભારતના યુદ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણ મહારથી હતા, સારથી હતા. આજે 130 કરોડ મહારથીઓના જોરે, આપણે કોરોના વિરુદ્ધ લડાઈને જીતવાની છે. તેમાં કાશીવાસીઓની પણ બહુ મોટી ભૂમિકા છે.

કાશીના વિષયમાં કહેવામાં આવ્યું છે-

મુક્તિ જન્મ મહિ જાનિ, જ્ઞાન ખાની અઘ હાની કર

જહાં બસ શંભુ ભવાની, સો કાશી સેઈઅ કસ ?

એટલે કે જ્ઞાનની ખાણ છે, પાપ અને સંકટનો નાશ કરનારી છે.

સંકટની ઘડીમાં, કાશી સૌનું માર્ગદર્શન કરી શકે છે, સૌની માટે ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે.

કાશીનો અનુભવ શાશ્વત, સનાતન, સમયાતીત છે.

અને એટલા માટે આજે લોકડાઉનની પરિસ્થિતિમાં કાશી દેશને શીખવાડી શકે છે- સંયમ, સમન્વય અને સંવેદનશીલતા.

કાશી દેશને શીખવાડી શકે છે- સહયોગ, શાંતિ, સહનશીલતા.

કાશી દેશને શીખવાડી શકે છે- સાધના, સેવા, સમાધાન.

સાથીઓ,

કાશીનો તો અર્થ છે શિવ.

શિવ એટલે કે કલ્યાણ.

શિવની નગરીમાં, મહાકાલ મહાદેવની નગરીમાં સંકટ સામે ઝઝૂમવાનું, સૌને માર્ગ ચીંધવાનું સામર્થ્ય નહી હોય તો પછી કોની અંદર હશે?

સાથીઓ,

કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખતા દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પરંતુ આપણે બધાની માટે, મારી માટે પણ અને તમારી માટે પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે સામાજિક અંતર, ઘરોમાં બંધ રહેવું અત્યારના સમયમાં એકમાત્ર સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

મને અંદાજો છે કે આપ સૌના ઘણા બધા પ્રશ્નો હશે, કેટલીક ચિંતાઓ પણ હશે અને મારી માટે કેટલાક સૂચનો પણ હશે.

તો ચાલો, આપણે આપણા સંવાદની શરૂઆત કરીએ છીએ. તમે તમારા પ્રશ્નો પૂછશો, હું જરૂરથી મારી વાત રજૂ કરવાનો પ્રયત્ન કરીશ.

નમસ્કાર પ્રધાનમંત્રીજી,

નમસ્કાર.

પ્રશ્ન- હું પ્રોફેસર કૃષ્ણકાંત વાજપેયી છું. હું વારાણસીમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈનીંગ ટેકનોલોજીનો નિર્દેશક છું, સાથે બ્લોગર છું, લેખક છું અને વર્તમાનમાં જે તમે કોરોના વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે તેમાં એક સૈનિક છું અને સૈનિક હોવાના નાતે અમે લોકો કેટલાક દિવસોથી કામ કરી રહ્યા છીએ. જાગૃતતા પણ ફેલાવી રહ્યા છીએ. અને તેમાં ખબર પડે છે, જ્યારે ઘણા બધા લોકો સાથે વાત કરીએ છીએ, તો ઘણા લોકો એવું કહે છે કે બીમારી અમને ના થઇ શકે કારણ કે અમારી ખાણીપીણી જે રીતની છે, જેવો અમારો પરિવેશ છે, જે પ્રકારના અમારા રીત રીવાજો અને પરંપરાઓ છે અને વાતાવરણ પણ કે ગરમી આવવાની છે, વધુ ગરમી થઇ જશે તો વાયરસ નાબૂદ થઇ જશે, અમને લોકોને નથી થવાનો તો એટલા માટે ઘણી બધી ચીજવસ્તુઓને લઈને ઉદાસીનતા આવી જાય છે, તે અંગે માર્ગદર્શન આપો.

કૃષ્ણકાંતજી મને ખૂબ ગર્વ થાય છે જ્યારે તમારા જેવા બુદ્ધિજીવી નાગરિકોને પોતાના વ્યક્તિગત કાર્યો, પોતાના વ્યવસાયની સાથે લોકોને જાગૃત કરવાના મહત્વપૂર્ણ કામને કરતા જોઉં છું તો.

તમારો સેવાભાવ અને સમાજ પ્રત્યે સંવેદના જરૂર પરિણામ લાવશે, જરૂરથી આપણને કોરોના વિરુદ્ધ લડાઈમાં વિજય અપાવશે.

તમે જે વાત કરી તે સાચી છે કે કેટલાય લોકોને વિષયમાં કેટલીક ભ્રમણા છે. જુઓ મનુષ્યનો સ્વભાવ હોય છે કે જે કંઈ પણ સરળ હોય, પોતાને જરા ફાવતું હોય, અનુકુળ હોય, તેને બસ તરત સ્વિકાર કરી લે છે. કોઈ વાત તમને તમારી પસંદની લાગે છે, તમને શોભે છે તો તમે તેને તરત સાચી માની લો છો, એવામાં ઘણી વાર એવું બને છે કે કેટલીય મહત્વની વાતો જે પ્રમાણિક હોય છે અધિકૃત હોય છે તેની ઉપર લોકોનું ધ્યાન જતું નથી. આપણે ત્યાં પણ કેટલાક લોકોની સાથે આવું થઇ રહ્યું છે. મારો આવા લોકોને આગ્રહ છે કે જેટલી જલ્દી શક્ય હોય તેટલા તમારી ભ્રમણામાંથી બહાર નીકળો, સચ્ચાઈને સમજો, જુઓ બીમારીમાં જે વાતો સામે આવી છે તેમાં સૌથી મોટી વાસ્તવિકતા છે કે બીમારી કોઈની પણ સાથે ભેદભાવ નથી કરતી. સમૃદ્ધ દેશ ઉપર પણ કહેર વરસાવે છે અને ગરીબના ઘર ઉપર પણ કહેર વરસાવે છે. ત્યાં સુધી કે લોકો વ્યાયામ કરે છે, પોતાના સ્વાસ્થ્યનું ઘણું ધ્યાન રાખે છે, વાયરસ તેમને પણ પોતાની ઝપટમાં લઇ લે છે. એટલા માટે કોણ શું છે, ક્યાં છે, કયું કામ કરે છે, કયું નથી કરતું, તેનું કોઈ મહત્વ નથી. તે બધામાં મગજ દોડાવ્યા વિના બીમારી કેટલી ભયાનક છે કેટલી ખતરનાક છે તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, તે સમજવું જોઈએ. તમારી વાત પણ સાચી છે કે કેટલાક લોકો એવા છે જેઓ પોતાના કાનથી સાંભળે છે, પોતાની આંખોથી જુએ છે અને પોતાની બુદ્ધિ વડે સમજે છે પરંતુ અમલ નથી કરતા, તેમને જોખમોની જાણ નથી હોતી, તેઓ બેદરકાર હોય છે, શું સાવધાની રાખવાની છે તેમને પણ ખબર નથી પરંતુ તેઓ આનો ક્યારેય અમલ કરવા નથી માંગતા. ટીવી પર તમે કેટલીય વાર જોયું હશે કે સિગરેટ પીવાથી કેન્સર થાય છે, ગુટખા ખાવાથી કેન્સર થાય છે, કેટલીય વાર એવું બને છે કે લોકો સિગરેટ પીતા પીતા પ્રકારની જાહેરાતો જોતા રહેતા હોય છે પરંતુ તેની તેમના મન પર કોઈ અસર પડતી નથી. જે વાતો હું કહી રહ્યો છું લોકો કેટલીય વાર જાણી જોઇને પણ સાવધાની નથી રાખતા પરંતુ હા, નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ. આપણે સામાજિક અંતર પર ધ્યાન આપવું જોઈએ. આપણે ઘરમાં રહેવું જોઈએ અને પરસ્પર અંતર જાળવીને રાખવું જોઈએ. કોરોના જેવી મહામારીથી દૂર રહેવાનો અત્યારે એકમાત્ર ઉપાય છે. જો વ્યક્તિ સંયમથી રહે અને નિર્દેશોનું પાલન કરે તો તે વાયરસની ઝપટમાં આવવાની શક્યતા ઓછી થઇ જાય છે. તમે પણ ધ્યાન રાખજો કે કોરોનાથી ચેપગ્રસ્ત, ખૂબ મહત્વપૂર્ણ વાત છે કોરોનાથી ચેપગ્રસ્ત દુનિયામાં એક લાખથી વધુ લોકો સાજા પણ થઇ ગયા છે અને ભારતમાં પણ ડઝનબંધ લોકો કોરોનાની પકડમાંથી બહાર નીકળી શક્યા છે.

ગઈકાલે તો એક સમાચાર હું જોઈ રહ્યો હતો કે ઇટલીમાં 90 વર્ષથી વધુની ઉંમર ધરાવતી એક માતાજી પણ સ્વસ્થ થઇ છે.

હું તમને પણ જાણકારી આપવા માંગું છું કે કોરોના સાથે જોડાયેલ સાચી અને સચોટ જાણકારી માટે સરકારે વોટ્સએપની સાથે મળીને એક હેલ્પ ડેસ્ક પણ બનાવી છે. જો તમારી પાસે વોટ્સએપની સુવિધા હોય તો હું એક નંબર લખાવું છું, લખી લો, નંબર દરેક વ્યક્તિને કામમાં આવશે. જો તમે વોટ્સએપ પર છો તો તેનો ઉપયોગ કરો. નંબર હું લખાવું છું 9013 51 51 51 પર વોટ્સએપ કરીને તમે સેવા સાથે જોડાઈ શકો છો. જો તમે વોટ્સએપ પર નમસ્તે લખશો તો તરત તમને યોગ્ય જવાબ મળવાનું શરુ થઇ જશે.

સાથીઓ, જે પણ લોકો મને સાંભળી રહ્યા છે, આપણા કાશીના ભાઈ બહેનો અને હિન્દુસ્તાનના અન્ય જે પણ લોકો સાંભળી રહ્યા છે તો જરૂરથી તમે વોટ્સએપ પર નમસ્તે લખશો, અંગ્રેજીમાં અથવા તો હિન્દીમાં તો તમને તરત તમને તે પ્રતિભાવ આપશે. તો આવો હું કૃષ્ણકાંતજીનો આભાર પ્રગટ કરીને આગળ વધુ છું.

નમસ્કાર પ્રધાનમંત્રીજી,

નમસ્તે જી.

પ્રશ્નમારું નામ મોહિની ઝંવર છે, હું સામાજિક કાર્યકર્તા છું અને મહિલાઓ માટે કામ કરું છું. સાહેબ, સામાજિક અંતર વિષે તો બધા જાણે છે પરંતુ તેનાથી કેટલીક શંકાઓ પણ ઉત્પન્ન થઇ રહી છે જેમ કે મીડિયાથી ખબર પડી કે દેશની કેટલીક જગ્યાઓમાં ડોક્ટર અને દવાખાનામાં કામ કરનારા કર્મચારીઓ, એરલાઈનમાં કામ કરનારા કર્મચારીઓ તેમની સાથે કોરોનાની શંકા સહીતનો વ્યવહાર કરવામાં આવે છે. બધી વાતો ખબર પડવાથી અમને બહુ ઠેસ પહોંચે છે. બસ જાણવા માંગું છું કે સરકાર તેની માટે શું પગલાઓ ભરી રહી છે.

મોહિનીજી તમારી પીડા સાચી છે, મારી પણ પીડા છે. ગઈકાલે મેં નર્સીસની સાથે ડોક્ટર્સની સાથે, લેબ ટેકનીશીયનની સાથે વિષયો પર વિસ્તૃત રીતે વાત કરી છે. દેશના સામાન્ય માનવીનું મન જો આપણે સામાન્ય રીતે જોઈએ, હું એક સામાન્ય જીવનની વાત કરું છું તો યોગ્ય સમય પર યોગ્ય કામ કરવા અને જરૂરી પગલાઓ ભરવામાં બધા લોકો દેશના લોકો બહુ વિશ્વાસ ધરાવે છે. તમે જોયું હશે કે 22 માર્ચના રોજ કઈ રીતે સમગ્ર દેશે જનતા કરફ્યુમાં આગળ આવીને પોતાની ભાગીદારી નિભાવી અને દુનિયાને અચંબિત કરી નાખી અને પછી સાંજે બરાબર 5 વાગ્યે 5 મિનીટ સુધી કઈ રીતે દેશભરના લોકો અભિવાદનની માટે સામે આવ્યા. સાથે જુદી જુદી જગ્યાઓ પરથી એકસાથે, એક મન થઇને કોરોના વિરુદ્ધ આપણી જે નર્સો લડી રહી છે, ડોક્ટર્સ લડી રહ્યા છે, લેબ ટેકનીશીયન લડી રહ્યા છે, પેરામેડીકલ સ્ટાફ લડી રહ્યો છે, તે સૌની પ્રત્યે આભારનું એક અભૂતપૂર્વ દ્રશ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું છે, સમગ્ર દેશે કર્યું છે. સન્માનનું એક પ્રગટ રૂપ હતું પરંતુ ઘણા ઓછા લોકો વાતને સમજી શકે છે કે નાનકડા કાર્યક્રમ દ્વારા બીજું પણ કંઇક થયું છે. તેની અંદર એક અપ્રગટ વાત થઇ હતી અને તમે તો મોહિનીજી સમાજ સેવામાં લાગેલા છો, વાતને મોટી વાત સમજી શકો છો, સમાજના મનમાં બધાના મનની માટે આદર સન્માનનો ભાવ તો હોય છે, ડોક્ટર જિંદગી બચાવે છે, અને આપણે તેમનું ઋણ ક્યારેય ઉતારી શકીએ તેમ નથી. જે લોકોએ વુહાનમાં બચાવ કામગીરી કરી છે, મેં તેમને પત્ર લખ્યો, મારી માટે તે ક્ષણ ખૂબ લાગણીશીલ હતી. તે માત્ર લખવા ખાતર લખવામાં આવેલો પત્ર નહોતો. અત્યારે ઇટલીથી લોકોને લાવનારું એરઇન્ડિયાનું ક્રૂ જેમાં બધી મહિલાઓ હતી, મેં તેમનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર મુક્યો હતો કદાચ તમે લોકો જોયો પણ હશે. હા, કેટલીક જગ્યાઓ પરથી આવી ઘટનાઓની જાણકારી પણ મળી છે જેમાં હૃદયને ઊંડી ઠેસ પહોંચી છે, ખૂબ તકલીફ થાય છે, પીડા થાય છે, મારી તમામ નાગરિકોને વિનંતી છે કે જો કોઈપણ પ્રક્રિયા આવી ક્યાંય પણ જોવા મળી રહી છે, સેવામાં લાગેલા, મહામારીમાંથી બચાવવા માટે જેઓ આપણી માટે આપણા કામમાં લાગેલા છે ડોક્ટર્સ છે, નર્સીસ છે, મેડીકલના લોકો છે, સફાઈના લોકો છે, જો તેમની સાથે ખરાબ વર્તન થાય છે તો તમે પણ જો ત્યાં તે વિસ્તારના લોકોને ઓળખો છો તો તેમને ચેતવણી આપો, તેમને સમજાવો કે તમે ખોટું કરી રહ્યા છો, આવું ના કરી શકીએ અને જે લોકો પણ સેવા કરી રહ્યા છે તેમની આપણે મદદ કરવી જોઈએ અને કહેવું જોઈએ કે આવું ના થવું જોઈએ. અને હું તમને જણાવી દઉં કે જ્યારે ગઈકાલે બધા ડોક્ટર્સની સાથે વાત કરી રહ્યો હતો તો મને ખબર પડી, ભલે ઘટના ક્યાંક છૂટી છવાઈ થઇ હશે પરંતુ માટે માટે ગંભીર છે અને એટલા માટે મેં તરત ગૃહ વિભાગને, રાજ્યોના તમામ ડીજીપીને કડકાઈથી કામ કરવા માટે કહ્યું છે કે આવા કોઇપણ વ્યક્તિ, ડોક્ટર્સની સાથે, નર્સોની સાથે, સેવા કરનારા પેરા મેડીકલની સાથે, જો પ્રકારનું કંઈ પણ કરશે તો તો તેમને બહુ મોંઘુ પડશે અને સરકાર કડક પગલા લેશે. સંકટની ક્ષણમાં હું દેશવાસીઓનું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે ઘડીએ દવાખાનાઓમાં સફેદ કપડાઓમાં જોવા મળી રહેલા ડોક્ટર્સ અને નર્સ ઈશ્વરનું સ્વરૂપ છે. આજે તેઓ આપણને મૃત્યુમાંથી બચાવી રહ્યા છે, પોતાના જીવનને જોખમમાં નાખીને પણ લોકો આપણું જીવન બચાવી રહ્યા છે.

સાથીઓ, આપણા સમાજમાં સંસ્કાર દિવસે ને દિવસે પ્રબળ બનતા જઈ રહ્યા છે. આપણા સૌની ફરજ છે કે જે લોકો દેશની સેવા કરી રહ્યા છે, દેશની માટે પોતાની જાતને હોમી રહ્યા છે, તેમનું સાર્વજનિક સન્માન દરેક ક્ષણે થતા રહેવું જોઈએ, તમે જોયું હશે કે વીતેલા કેટલાક વર્ષોમાં એક પરંપરા આપણી સમક્ષ આવે છે, જોવા મળે છે, એરપોર્ટ પર જ્યારે સેનાના જવાનો નીકળે છે તો તેમના સન્માનમાં લોકો ઉભા રહી જાય છે, તાળીઓ પણ વગાડે છે, આભાર વ્યક્ત કરવાની એક રીત છે. આપણા સંસ્કારોમાં દિવસે ને દિવસે વધતું રહેવું જોઈએ. મોહિનીજી તમે તો ઘણા સેવાના કાર્યમાં લાગેલા છો. હાલના દિવસોમાં તમે પણ જરૂરથી કંઈ ને કંઈ કરતા રહેતા હશો. હું ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરું છું. આવો, કાશીના કોઈ અન્યની સાથે વાત કરવાનો અવસર મળશે.

પ્રશ્નપ્રણામ, હું અખિલેશ પ્રતાપ. હું કપડાનો વેપારી છું અને હું મારા કામની સાથે સાથે સમાજ સેવા પણ કરું છું. મારા મનમાં પ્રશ્ન હતો કે આજના દિવસોમાં જે લોકડાઉન થઇ ગયું છે તેના લીધે ઘણા બધા અમારા સાથી લોકો ઘર ઉપર અટકી ગયા છે તેમજ આપણા જે ગરીબ લોકો છે, પ્રતિદિન મહેનત કરીને કમાય છે, તે લોકોની સામે સમસ્યા આવી છે, જો આપણા બનારસ સહીત વારાણસીમાંથી આખા દેશમાં જે ગરીબ લોકો છે તેમની ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે તો હું તમને લોકોને વિનંતી કરું છું કે અમને લોકોને માર્ગદર્શન આપો, જે રાષ્ટ્રના યુવા અને સમાજના જે લોકો છે તેઓ કઈ રીતે સંકટની ઘડીમાં લોકોની મદદ કરી શકે છે.

કાશીમાં અને કપડાવાળા સાથે વાત ના થાય તો તો વાત અધુરી રહી જાય છે અને અખિલેશજી મને ખુશી છે કે તમે વેપારી છો પરંતુ તમે સવાલ ગરીબો વિષે પૂછ્યો. હું ખૂબ આભારી છું તમારો. કોરોનાને પરાજિત કરવા માટે એક રણનીતિ અંતર્ગત, નિષ્ણાતો પાસેથી મળેલા દિશાનિર્દેશો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિથી ઓછામાં ઓછું એક દોઢ મીટરનું અંતર જાળવીને રહે. કોરોના વિરુદ્ધ લડાઈની સૈન્ય નીતિ છે. હું તેને સૈન્ય નીતિ કહીશ.

સાથીઓ, આપણે વાત પર વિશ્વાસ કરનારા લોકો છીએ, જેઓ માને છે કે મનુષ્ય ઈશ્વરનો અંશ છે, વ્યક્તિ માત્રમાં ઈશ્વરનો વાસ છે, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. કોરોના વાયરસ તો આપણી સંસ્કૃતિને નાબૂદ કરી શકે છે અને ના તો આપણા સંસ્કારોને ખતમ કરી શકે છે અને એટલા માટે સંકટના સમયે આપણી સંવેદનાઓ વધુ જાગૃત થઇ જાય છે. કોરોનાને જવાબ આપવા માટેની બીજી એક શક્તિશાળી રીત છે અને તે રીત છે કરુણા. કોરોનાનો જવાબ કરુણા વડે છે. આપણે ગરીબોની પ્રત્યે જરૂરિયાતમંદો પ્રત્યે કરુણા દેખાડીને પણ કોરોનાને પરાજિત કરવાનું એક પગલું પણ ભરી શકીએ છીએ. આપણા સમાજમાં, આપણી પરંપરામાં અન્ય લોકોની મદદની એક સમૃદ્ધ પરિપાટી રહી છે. આપણે ત્યાં તો કહેવાય છે કે સાંઇ ઇતના દીજીએ, જામે કુટુંબ સમાય, મૈં ભી ભૂખા ના રહું, સાધુ ભી ના ભૂખા રહ જાએ.

અત્યારે નવરાત્રી શરુ થઇ છે, જો આપણે આવનારા 21 દિવસો સુધી અને હું વાત મારા કાશીના તમામ ભાઈ બહેનોને કહેવા માંગીશ કે જેમની પાસે જેટલી શક્તિ છે, દેશમાં પણ જેમની પાસે શક્તિ છે તેમને એટલું કહીશ કે નવરાત્રીનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે આગામી 21 દિવસ સુધી દરરોજ 9 ગરીબ પરિવારોની મદદ કરવાની પ્રતિજ્ઞા લો. 21 દિવસ સુધી 9 પરિવારોને તમે સંભાળો. હું માનું છું કે જો આટલું પણ આપણે કરી લઈએ તો, માંની આનાથી વધુ મોટી આરાધના બીજી કઈ હોઈ શકે છે. સાચી અને પાક્કી નવરાત્રી થઇ જશે. તે સિવાય તમારી આસપાસ જે પશુઓ છે તેમની પણ ચિંતા કરવાની છે. લોકડાઉનના કારણે અનેક પશુઓની સામે, જાનવરોની સમક્ષ પણ ભોજનનું સંકટ આવી ગયું છે. મારી લોકોને પ્રાર્થના છે કે તમારી આસપાસના પશુઓનું પણ ધ્યાન રાખો. અખિલેશજી જો હું કહું કે બધું બરાબર છે, બધું સારું છે તો હું માનું છું કે હું મારી જાત સાથે પણ છળ કરવાની વાત કરી રહ્યો છું.

અત્યારના સમયમાં કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, જેટલું વધુ શક્ય બની શકે, જેટલા સારી રીતે થઇ શકે તેની માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. મને રાજય સરકારોની ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તેઓ પોતાના રાજ્યોના પ્રત્યેક નાગરિકની ચિંતાઓને સમજીને સંપૂર્ણ સંવદેનશીલતા સાથે તેમની સારસંભાળ કરશે પરંતુ સાથીઓ આપણે પણ જાણીએ છીએ કે સામાન્ય પરિસ્થિતિમાં પણ ક્યારેક વીજળી જતી રહે છે, ક્યારેક પાણી આવવાનું બંધ થઇ જાય છે, ક્યારેક આપણી મદદ માટે આવનારા કર્મચારી છે તે અચાનક લાંબી રજાઓ ઉપર જતા રહે છે, બધા પ્રકારની તકલીફો છે, કહ્યા વિના કોઇપણ પૂર્વ સુચના વિના આપણા જીવનમાં આવતી રહેતી હોય છે, આપણા બધા હિન્દુસ્તાનીઓનો અનુભવ છે, એવામાં અને તે તો સંકટના સમયમાં નહી સામાન્ય સ્થિતિમાં પણ આવે છે. એવામાં જ્યારે દેશની સામે જ્યારે આટલું મોટું સંકટ હોય, આખા વિશ્વની સમક્ષ આટલો મોટો પડકાર હોય ત્યારે મુશ્કેલીઓ નહી આવે, બધું સારી રીતે થઇ જશે એમ કહેવું પોતાની જાત સાથે દગો કરવા જેવું હશે. હું માનું છું કે સવાલ ખૂબ મહત્વપૂર્ણ છે કે વ્યવસ્થા બરાબર છે કે નથી, બધું બરાબર રીતે થઇ રહ્યું છે કે નથી થઇ રહ્યું પરંતુ જરા પળભર વિચારો, તેના કરતા પણ વધુ મહત્વપૂર્ણ સવાલ છે કે કોરોના જેવા સંકટમાં આપણે મુશ્કેલીઓ સહન કરીને પણ આપણે વિજયી બનવાનું છે કે નથી બનવાનું, જે મુશ્કેલીઓ આપણે આજે ઉપાડી રહ્યા છીએ, જે તકલીફો આજે પડી રહી છે તેની ઉંમર અત્યારે તો 21 દિવસની છે પરંતુ કોરોનાનું સંકટ જો ખતમ ના થયું તો આનો પ્રસાર ના અટક્યો તો પછી સંકટ તકલીફો કેટલું મોટું નુકસાન થઇ શકે છે તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી. આવા કપરા સમયમાં વહીવટ દ્વારા નાગરિકો દ્વારા સિવિલ સોસાયટી દ્વારા સામાજિક સંગઠન સાંસ્કૃતિક સંગઠનો, ધાર્મિક સંગઠન, રાજનૈતિક સંગઠન, બધા જેઓ પણ કાર્ય કરી રહ્યા છે તેમને વધુમાં વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તમે વિચારો દવાખાનામાં લોકો 18-18 કલાક કામ કરી રહ્યા છે. કેટલીય જગ્યાઓ પર આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને 2 કે કલાકથી વધુ ઊંઘવા નથી મળી રહ્યું. સોસાયટીના લોકો છે જેઓ ગરીબોની મદદ માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં આવા લોકોને આપણે નમન કરવા જોઈએ. હા, બની શકે છે કેટલીક જગ્યાઓ પર અમુક ખામીઓ હોય, કોઈએ બેદરકારી કરી હોય પરંતુ આવી ઘટનાઓને શોધી શોધીને તેમની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને આધાર બનાવીને તેમનો પ્રચાર પ્રસાર કરવો, તે ક્ષેત્રને બદનામ કરવું, તેમને હતાશ કરી નાખવા, તેનાથી આવા સમયમાં ક્યારેય કોઈ લાભ નથી થતો. હું તો આગ્રહ કરીશ કે આપણે સમજીએ કે નિરાશા ફેલાવવા માટે હજારો કારણો હોઈ શકે છે. હું એવું નથી કહી રહ્યો કે બધા ખોટા હોય છે પરંતુ જીવન તો આશા અને વિશ્વાસ વડે ચાલે છે. નાગરિક તરીકે કાયદા અને વહીવટને જેટલો વધુ સહયોગ આપશો તેટલા વધુ સારા પરિણામો નીકળશે. આપણા બધાનો પ્રયાસ હોવો જોઈએ કે શાસનવ્યવસ્થા ઉપર ઓછામાં ઓછું દબાણ નાખવામાં આવે. શાસનનો સહયોગ કરવામાં આવે. દવાખાનામાં કામ કરનારા લોકો, પોલીસ અધિકારીઓ, સરકારી કચેરીઓમાં અત્યારે જે લોકો કામ કરી રહ્યા છે, જે આપણા મીડિયા કર્મીઓ છે, બધા શું કોઈ બહારના લોકો છે, બહારથી આવેલ છે શું, આપણા લોકો છે જી. આટલો મોટો બોજ તેમની ઉપર આવ્યો છે તો થોડો બોજ આપણે પણ ઉપાડવો જોઈએ, આપણે તેમનો ઉત્સાહ વધારવો જોઈએ. જેઓ મુશ્કેલ સ્થિતિમાં કામ કરી રહ્યા છે. અખિલેશજી વેપાર જગતમાં રહીને ગરીબોની ચિંતા કરવાની તમારી ભાવના અને દેશ આવા અખિલેશોથી ભરેલો છે જી. દેશમાં આવા અખિલોની ઉણપ નથી. ચાલો, આપણે સાથે મળીને ગરીબોનું પણ ભલું કરીએ, જવાબદારી ઉપાડીએ અને લડાઈને જીતીએ, ચાલો બીજા પણ કોઈ સવાલ હશે.

પ્રશ્ન- નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું ડોક્ટર ગોપાલ નાથ, પ્રોફેસર માઈક્રોબાયોલોજી વિભાગ, ચિકિત્સા વિજ્ઞાન સંસ્થાન બનારસ હિંદુ યુનિવર્સિટિમાંથી છું. કોરોનાના ડાયગ્નોસિસ લેબનો ઇન્ચાર્જ પણ છું તો 16 જીલ્લાઓની જવાબદારી સંભાળી રહ્યો છું અને સાથે માં ગંગાના જળ વડે બેક્ટેરિયોફેજીસ.. જે સમસ્યા પર હું સવાલ પૂછવા જઈ રહ્યો છું, હું તેની વૈકલ્પિક વ્યવસ્થા પર સંશોધન કરી રહ્યો છું. પ્રધાનમંત્રીજી આપણે ત્યાં સામાન્ય રીતે લોકોને આદત હોય છે કે તેઓ પોતે ડોક્ટરી કરવા લાગી જાય છે, તેમણે ક્યાંકથી વાંચી લીધું, ક્યાંકથી સાંભળી લીધું, પોતાની જાતે ઈલાજ કરવા લાગી જાય છે, કે જે એક ખૂબ ભયાવહ સ્થિતિ તરફ દોરી જાય છે. હું એક માઈક્રોબાયોલોજીસ્ટ હોવાના નાતે કહી શકું છું. કોરોનાની બીમારીમાં એક સ્થિતિ વધારે ભયાનક થઇ જાય છે કારણ કે આપણે જાણીએ છીએ, ના તો હજુ રસી બની શકી છે કે ના તોકોઈ ચોક્કસ દવા શોધી શકાઈ છે, તેમ છતાં પણ જાત જાતની ભ્રાન્તિઓ સમાજમાં ફેલાયેલી છે. શું આપણે સમાજને દિશામાં હજુ વધુ જાગૃત કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ.

પ્રોફેસર સાહેબ, તમે તો પોતે ક્ષેત્રના નિષ્ણાત છો અને એટલા માટે તમે સાચું શું છે, ખોટું શું છે તે ખૂબ સારી રીતે પકડી શકો છો. વિષયમાં અમારા કરતા વધુ જ્ઞાન તમારી પાસે છે અને તેમ છતાં પણ તમને ચિંતા થવી ખૂબ વ્યાજબી છે. આપણે ત્યાં ડોકટરોને પૂછ્યા વિના શરદી, ખાંસી તાવની દવા લેવાની આદત છે. રેલવેના ડબ્બામાં જો આપણે મુસાફરી કરીએ છીએ અને એક બાળક રડવા લાગે છે અને લાંબા સમય સુધી રડ્યા કરે છે અને બંધ ના કરે તો બધા ડબ્બામાંથી લોકો આવીને સલાહ આપવા લાગશે કે લઇ લો, પેલું લઇ લો, આપી દો, ખવડાવી દો. આવું આપણે રેલવેના ડબ્બાઓમાં જોયું હશે. મને લાગે છે કે આપણે આવી આદતોથી બચવું જોઈએ. કોરોનાના ચેપનો ઈલાજ પોતાના સ્તર પર બિલકુલ નથી કરવાનો. ઘરમાં રહેવાનું છે અને જે કંઈ પણ કરવાનું છે તે માત્ર અને માત્ર ડોક્ટર્સની સલાહ અનુસાર કરવાનું છે. ટેલીફોન પર તમારા ડોક્ટરની સાથે વાત કરો. તેને પૂછો, તમારી તકલીફ જણાવો કારણ કે લગભગ લગભગ બધા પરિવારોમાં કોઈ ને કોઈ ડોક્ટરનો પરિચય હોય છે. આપણે વાતનું ધ્યાન રાખવાનું છે કે હજુ સુધી કોરોના વિરુદ્ધ કોઇપણ દવા, કોઇપણ દવા, કોઇપણ રસી આખી દુનિયામાં નથી બની. તેની ઉપર આપણા દેશમાં પણ અને અન્ય દેશોમાં પણ આપણા જેટલા પણ વૈજ્ઞાનિકો છે, સંશોધન કરનારા લોકો છે તેઓ ઝડપથી કામ કરી રહ્યા છે, કામ ચાલી રહ્યું છે અને એટલા માટે હું કહીશ દેશવાસીઓ, જો તમને કોઈ વ્યક્તિ કોઇપણ પ્રકારની દવાની સલાહ આપે તો કૃપા કરીને તમારા ડોક્ટરની સાથે પહેલા વાત કરી લો. માત્ર ડોક્ટરની સલાહ લીધા પછી તમે દવા ખાવ. તમે સમાચારોમાં પણ જોયું હશે કે દુનિયાના કેટલાક દેશોમાં પોતાની મરજી પ્રમાણે દવા લેવાના કારણે કઈ રીતે જીવન જોખમમાં મુકાઇ ગયું છે. આપણે બધાએ બધા પ્રકારની અફવાઓથી, અંધવિશ્વાસથી બચવાનું છે. ડોક્ટર ગોપાલજી તમારો આભારી છું કે કારણ કે તમે તો વિજ્ઞાનની સાથે જોડાયેલા છો અને ગંગાજીની પણ ચિંતા કરી રહ્યા છો અને સમાજ જીવનમાં જે ચાલી રહ્યું છે તેની ચિંતા કરી રહ્યા છો. જે તમને ચિંતા પરંતુ મને વિશ્વાસ છે કે આપણે લોકોને સમજાવવા પડશે. ચાલો, ગોપાલજીનો આભાર પ્રગટ કરીને બીજો એક સવાલ લઇ લઈએ છીએ.

પ્રશ્નનમસ્કાર પ્રધાનમંત્રીજી. મારું નામ અંકિતા ખત્રી છે અને હું એક ગૃહિણી હોવાની સાથે સાથે જુદા જુદા રચનાત્મક કાર્યોમાં સક્રિય છું. વર્તમાન સમયમાં તમારી પ્રેરણાથી સોશ્યલ મીડિયા પર કુછ ક્રીએટીવ કરો_ના હેશટેગ સાથે એક અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેમાં કાશીના જુદા જુદા રચનાકારો, કલાકારોને આહ્વાહન કરી રહી છું.

સરસ, તમે પણ મારી જેમ પોસ્ટર દેખાડી દીધું.

બધું તમારી પ્રેરણા વડે માનનીય પ્રધાનમંત્રીજી અને તમારી પ્રેરણા વડે અભિયાનનો પ્રારંભ કર્યો છે કારણ કે હંમેશા રચનાત્મકતા કામમાં આવે છે, તમે પોતે આટલા રચનાત્મક, હકારાત્મક છો, આવી નકારાત્મક પરિસ્થિતિમાં પણ, મેં ક્યાંક સાંભળ્યું હતું કે જે રચના કરે છે તે બચે છે. તમારી પ્રેરણા વડે અભિયાનનો આરંભ કર્યો છે. તે અંતર્ગત કાશીના જુદા જુદા રચનાકારોને, લેખકોને, કવિઓને, ચિત્રકારોને આમંત્રિત કરી રહી છું અને પ્રયાસ રહેશે કે 21 દિવસનો જે સમયગાળો છે તેમાં તેનું સંકલન થાય, તેનું પ્રકાશન થાય અને કાશી તરફથી અમે તમને સમર્પિત કરી શકીએ. પરંતુ એક ગૃહિણી હોવાના નાતે મારો પ્રશ્ન છે અને એક ચિંતા પણ છે જેને તમારી સાથે વહેંચવા માંગું છું. લોકડાઉનની સ્થિતિમાં બધા બાળકો ઘરમાં છે અને બાળકોને સંભાળવા અઘરું કાર્ય થઇ રહ્યું છે, પડકારજનક કામ બની રહ્યું છે, એવામાં કેટલાક બાળકો એવા પણ છે જે જેમની પરીક્ષાઓ ઉપર અસર પડી છે. મારો પોતાનો દીકરો બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો અને તેનું એક પેપર રોકાઈ ગયું છે તો ઘરના લોકોને થોડી ચિંતા થઇ રહી છે તો આમાં શું કરી શકાય.

અંકિતાજી પહેલી વાત તો છે કે તમે રચનાત્મક કામને ખૂબ સારી રીતે કરી રહી છે અને તેના લીધે જીવનમાં ઉર્જા રહે છે પરંતુ તમે કહ્યું કે બધા રચનાકારોને એકત્રિત કરી રહ્યા છો. મારી વિનંતી છે કે કોઈને પણ એકત્રિત ના કરો, સામાજિક અંતર, સામાજિક દુરી સૌથી પહેલી વાત છે. હા, તમે ઓનલાઈન બધા પાસેથી માંગો, તેમની કળાનું સંકલન કરો અને કલ્પના સારી છે. જે આવી ભાવનાવાળા લોકો છે તેમની રચનાઓ, તેમની ચીજો જરૂરથી દેશને કામમાં આવશે અને વાત સાચી છે કે આપદા બહુ મોટી છે પરંતુ આપદાને અવસરમાં બદલવી માનવ જીવનની ખાસિયત છે. વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયામાં તમને લોકડાઉનની એક બીજી પણ અસર જોવા મળી રહી છે. ઘણા બધા લોકો ટ્વીટર પર, ફેસબુક પર, ઈન્સ્ટાગ્રામ પર વિસ્તારપૂર્વક જણાવી રહ્યા છે કે કઈ રીતે તેઓ પોતાના બાળકોની સાથે વધુ સમય વિતાવી રહ્યા છે. વાત સાચી છે કે પહેલા સંયુક્ત પરિવારો રહેતા હતા તો બાળકોને સંભાળવાનું કામ દાદા દાદી કરી લેતા હતા. આજે જરા નાના પરિવારો થયા તો તકલીફ પડવી સ્વાભાવિક છે પરંતુ તમે જોયું હશે કે ટીવીમાં ઈલેક્ટ્રોનિક મીડિયામાં રેડિયો પર તેને લઈને કેટલાય નવા નવા શો બની રહ્યા છે. આપણા દેશના મીડિયામાં પણ રચનાત્મકતા છે. તેમણે લોકોને વ્યસ્ત રાખવા માટે, લોકોને ઘરોમાં છે તો શું કરવું જોઈએ, ખૂબ સારી રીતે આટલા મોટા સમયમાં જે કર્યું અને લોકડાઉનમાં નવી નવી વાતો તેઓ દેખાડી રહ્યા છે, શીખવાડી રહ્યા છે.

બધાની વચ્ચે મારા મનને કેટલીક અન્ય વાતોએ પણ ઘણી પ્રભાવિત કરી છે. હું જોઈ રહ્યો છું કે માનવ જાતિ કઈ રીતે વૈશ્વિક સંકટ સામે જીતવા માટે એકસાથે આવી ગઈ છે. અને તેમાં પણ સૌથી મોટી ભૂમિકા નિભાવી રહી છે આપણી બાળ સેના, આપણા બાળકોની સેના, મેં એવા વિડીયો જોયા છે જેમાં ચાર ચાર પાંચ પાંચ વર્ષના બાળકો માતા પિતાને સમજાવી રહ્યા છે કે કઈ રીતે હાથ ધોવાના છે, બહાર નથી જવાનું, આમ નથી કરવાનું, તેમ નથી કરવાનું. બાળકો સમજાવી રહ્યા છે. નાના નાના બાળકો બાળકીઓ સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હું આવા વિડીયો સોશ્યલ મીડિયામાં ખાસ્સો જોડાયેલો રહું છું, ક્યારેક ક્યારેક મને ગમે છે કે સામાન્ય જન સાથે જોડાઉં છું. તો હમણાં તાજેતરના દિવસોમાં મેં જોયું કેટલાય પરિવારોએ પોતાના પરિવારના બાળકોની વસ્તુઓને સોશ્યલ મીડિયા પર મૂકી છે અને ઘરમાં બાળકોની વિડીયો બનાવી બનાવીને અને હવે તો મોબાઇલ ફોન પર બની જાય છે વિડીયો. મેં જે વિડીયો જોયા છે, જો ડીલીટ ના થઇ ગઈ હોય તો હું તેમને એકત્રિત કરીને જરૂરથી શેર કરી આપીશ. જો આજે અવસર મળી ગયો તો આજે કરીશ અને તમે લોકો જોજો, જરૂરથી જુઓ અને જરૂરથી જુઓ કે બાળકોએ કેવી કમાલ કરી દીધી. તમને યાદ હશે જ્યારે મેં સ્વચ્છતાની વાત કરી હતી, સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું હતું તો તમે દરેક ઘરમાં જોયું હશે, બાળકોએ એક રીતે અભિયાનની કમાન સંભાળી લીધી હતી, આજના બાળકોની, આજની યુવા પેઢીની શક્તિ મને તો ખૂબ પ્રભાવિત કરે છે. હું તેમની પ્રતિભા, તેમની વિચારવાની રીત મને ખૂબ આનંદ થાય છે અને હા કેટલાક માતાપિતાઓને એવી ચિંતા સતાવી રહી હશે કે આટલા લાંબા સમય સુધી ઘરમાં રહેવાના કારણે ક્યાંક બાળકો તેમને બેસાડીને ભણાવવાનું શરુ ના કરી દે, તેમને આવી બીક લાગી રહી છે. જો કે મને પૂરો વિશ્વાસ છે કે બાળકો તેમના માં બાપને કંઇક ને કંઇક ભણાવીને રહેશે, 21 દિવસોમાં ઘણું બધું શીખવાડી દેશે.

જોકે સાથીઓ, નમો એપ પર આપ સૌના સૂચનો અને પ્રતિભાવો પણ વાંચી રહ્યો છું. શ્રી ઓમ પ્રકાશ ઠાકુરજી, મુકેશ દાસજી, પ્રભાંશુજી, અમિત પાંડેજી, કવિતાજી, દેશના જુદા જુદા ભાગોમાં, જુદા જુદા લોકોએ પોત પોતાની રીતે જુદા જુદા સૂચનો આપ્યા છે કે લોકડાઉનને કડકાઈની સાથે અને લાંબા સમયની માટે લાગુ કરવામાં આવે. માત્ર તમે નહી પરંતુ આખા દેશમાંથી તમારી જેમ હજારો બુદ્ધિજીવી નાગરિકોએ પણ ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર મહામારી સામે લડવા માટે સલાહ આપી છે, વિનંતી કરી છે. જ્યારે આપણા દેશવાસીઓમાં જાતે સંકલ્પ અને સમજદારી હોય કે પડકાર સામે ઝઝૂમવાની દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો મને પૂરો ભરોસો છે કે દેશ મહામારીને જરૂર જરૂરથી હરાવશે.

અંતમાં ફરી તમને કહીશ કે તમે બધા, મારા કાશીવાસીઓ, હું જરા નથી આવી શક્યો તમારી વચ્ચે મને ક્ષમા કરી દેજો. પરંતુ તમે તમારી જાતને સુરક્ષિત રાખો, દેશને પણ સુરક્ષિત રાખો, એક મોટી લડાઈ છે જેમાં બનારસના લોકોને પણ પોતાનું પૂરેપૂરું યોગદાન આપવું પડશે. આખા દેશને માર્ગ ચિંધવો પડશે. બધા કાશીવાસીઓને આજે ફરી એકવાર દિલ્હીમાંથી પ્રણામ કરું છું અને મને વિશ્વાસ છે કે તમે હંમેશાથી કાશીને સંભાળી છે આગળ પણ તમે કાશીને સંભાળશો, એવો મને પૂરો વિશ્વાસ છે.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

DS/GP


(Release ID: 1608764) Visitor Counter : 464