ગૃહ મંત્રાલય

ભારત સરકારે દેશમાં કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા માટે લૉકડાઉનનો આદેશ જાહેર કર્યો

Posted On: 24 MAR 2020 9:10PM by PIB Ahmedabad

કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે.

ભારત સરકાર (GOI) તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ કડક કરવી, જાહેરજનતા માટે માર્ગદર્શિકા બહાર પાડવી, ક્વૉરેન્ટાઇન સુવિધા ઉભી કરવી, વાયરસ દ્વારા અસરગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વિવિધ સામાજિક અંતરના પગલાંથી શરૂઆત કરીને આ બીમારીને નિયંત્રણમાં લેવા માટે સક્રીય, સુરક્ષાત્મક અને શમનકારી પગલાં લઇ રહી છે. આ વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. સરકારે મેટ્રો અને રેલવે સેવાઓ તેમજ ઘરેલું એર ટ્રાફિકને હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

પરિસ્થિતિની સતત માનનીય પ્રધાનમંત્રીના સ્તરે સમીક્ષા કરવામાં આવી રહી છે. માનનીય પ્રધાનમંત્રીએ સુરક્ષાત્મક પગલાંની જરૂરિયાત બાબતે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો છે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે.

ઘણા દેશોમાં આ બીમારીના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે તેમનાથી વિપરિત, કોવિડ-19ના ફેલાવાને સફળતાપૂર્વક નિયંત્રણમાં લાવનારા દેશોના વૈશ્વિક અનુભવ પર જે નિષ્ણાતો નજર રાખી રહ્યા છે તેઓ સુચવે છે કે, સામાજિક અંતર જાળવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે તે આ મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવી શકાય છે.

રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવેલા પગલાં સાચી દિશામાં હોવા છતાં, અપનાવવામાં આવેલા આ પગલાઓમાં એકસમાનતા તેમજ તેના અમલીકરણના અભાવના કારણે, વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લેવાનો જે ઉદ્દેશ્ય છે તે સિદ્ધ થતો નથી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005ની કલમ 6(2)(i)ની સત્તાનો ઉપયોગ કરીને, ભારત સરકારના મંત્રાલયો/વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય/કેન્દ્ર શાસિત સત્તામંડળોને દેશમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે અસરકારક પગલાં લેવાનો નિર્દેશ આપે છે.

NDMAના આ આદેશના અનુપાલનમાં, ગૃહમંત્રાલય (MHA) દ્વારા આપત્તિ વ્યવસ્થાન અધિનિયમની કલમ 10(2)(I) અંતર્ગત 24.03.2020ના રોજ ભારત સરકારના મંત્રાલયો/વિભાગો, રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય/કેન્દ્ર શાસિત સત્તામંડળોને કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે સામાજિક અંતર રાખવાનું સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેવાના નિર્દેશ આપતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ દેશના તમામ ભાગોમાં 25.03.2020થી 21 દિવસ સુધી અમલમાં રહેશે.

ભારત સરકારના મંત્રાલયો/વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત વહીવટી તંત્રોને આ આદેશોનું ચુસ્તપાલન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશોના અમલીકરણ પર કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/Gujarati Translation of Lockdown Guidelines & Annexure.pdf

SD/DS/GP/RP


(Release ID: 1608005) Visitor Counter : 372