મંત્રીમંડળ

મંત્રીમંડળે મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી

Posted On: 21 MAR 2020 4:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ઉત્પાદન પ્રોત્સાહન યોજના (PLI)ને મંજૂરી આપી હતી. આ યોજનામાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો અને મોબાઇલ ઉત્પાદન તેમજ એસેમ્બલી સહિત નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક ભાગોના ઉત્પાદન, પરીક્ષણ, માર્કેટિંગ અને પેકેજિંગ (ATMP) એકમોમાં મોટાપાયે રોકાણ આકર્ષવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત ભારતમાં ઉત્પાદિત માલ અને લક્ષિત વર્ગોમાં આવરીત માલના વધતા વેચાણ પર (મૂળ વર્ષ પર) યોગ્યતા ધરાવતી કંપનીઓને પરિભાષિત મૂળ વર્ષ પછીના પાંચ (5) વર્ષના સમયગાળા માટે 4% થી 6% વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

સૂચિત યોજનાથી મોબાઇલ ઉત્પાદન અને નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક ભાગોનો ક્ષેત્રમાં 5-6 મોટા વૈશ્વિક ખેલાડીઓને લાભ મળવાની તેમજ કેટલાક સ્થાનિક માંધાતાઓને ફાયદો થવાની શક્યતા છે અને તેનાથી ભારતમાં મોટાપાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન લાવી શકાશે.

આર્થિક અસરો

સૂચિત યોજના માટે કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 40,995 કરોડ (રૂપિયા ચાળીસ હજાર નવસો પંચાણુ કરોડ) છે જેમાં રૂપિયા 40,951 કરોડ (રૂપિયા ચાળીસ હજાર નવસો એકાવન કરોડ) પ્રોત્સાહક ખર્ચ અને રૂપિયા 44 કરોડ (રૂપિયા ચુમાળીસ કરોડ) વહીવટી ખર્ચ સામેલ છે.

ફાયદા

આ યોજનાથી આગામી 5 વર્ષમાં 2,00,000થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું નિર્માણ થવાની સંભાવના છે. જોકે, આ યોજનાથી દેશમાં મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના દ્વાર ખુલશે અને તેના કારણે રોજગારીની ખુબ જ વિપુલ તકોનું નિર્માણ થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ઉદ્યોગના અનુમાનો પ્રમાણે પ્રત્યક્ષ રોજગારી કરતા ત્રણ ગણી સંખ્યામાં પરોક્ષ રોજગારીઓનું સર્જન પણ થશે. આમ આ યોજનાથી અંદાજે 8,00,000 નવી રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

પૃષ્ઠભૂમિ

દેશમાં વર્ષ 2014-15માં મોબાઇલ ફોનનું ઉત્પાદન INR 18,900 કરોડ (USD 3 બિલિયન) હતું જે 2018-19માં નોંધપાત્ર પ્રમાણમાં વધીને INR 1,70,000 કરોડ (USD 24 બિલિયન) થયું છે અને મોટાભાગની સ્થાનિક માંગ સ્થાનિક સ્તરે થતા ઉત્પાદનથી જ પૂર્ણ કરવામાં આવે છે.

“મેક ઇન ઇન્ડિયા” સાથે “એસેમ્બલ ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ”ને એકીકૃત કરીને, ભારત ઉત્પાદનના આઉટપૂટમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

ઇલેક્ટ્રોનિક ભાગો ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટે મૂળભૂત નિર્માણ બ્લૉક હોય છે. ઇલેક્ટ્રોનિક એસોસિએશન ઓફ ઇન્ડિયા (ELCINA) અનુસાર, ભારતમાં ઇલેક્ટ્રોનિક ભાગોનું બજાર વર્ષ 2015-16માં INR 68,342 કરોડ (USD 11 બિલિયન) હતું જે વર્ષ 2018-19માં વધીને INR 1,31,832 કરોડ (USD 20.8 બિલિયન) થયું છે. ઇલેક્ટ્રોનિક ભાગોનું સ્થાનિક ઉત્પાદન અંદાજે INR 63,380 કરોડ (USD 10 બિલિયન) મૂલ્યનું છે જેમાંથી અંદાજે INR 48,803 કરોડ (USD 7.7 બિલિયન) નો વપરાશ સ્થાનિક બજારમાં જ થાય છે.

 

RP



(Release ID: 1607548) Visitor Counter : 212