પર્યાવરણ અને વન મંત્રાલય

ભારત આગામી 3 વર્ષ સુધી સ્થળાંતર કરતી પ્રજાતિઓના UNના સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે


વન્યજીવોનું સંરક્ષણ અને આવાસ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક નીતિનો હિસ્સો છે: પ્રધાનમંત્રી

ભારતમાં COP સાથે જૈવ વિવિધતાના સુપર યરનો શુભારંભ

ભારતમાં COPના આયોજનથી સ્થળાંતર કરતી પ્રજાતિઓ અને તેમના આવાસ પર ધ્યાન આપવાની શરૂઆત થશે: પર્યાવરણ મંત્રી

Posted On: 17 FEB 2020 2:05PM by PIB Ahmedabad

ગાંધીનગર ખાતે આજે સ્થળાંતર કરતી પ્રજાતિઓનાં સંરક્ષણ માટેના તેરમા કોન્ફરન્સ ઑફ પાર્ટિઝનો શુભારંભ થયો હતો. 130 દેશોમાંથી આવેલા વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પર્યાવરણવિદો, કાર્યકર્તાઓ, સંશોધકો અને જૈવ વૈવિધ્યતા અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સંમેલનનો પ્રારંભ થયો હતો.

આ મહત્વપૂર્ણ UN સમિટનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, CMS COP13 ખાસ કરીને ભારત માટે મહત્વ ધરાવે છે કારણ કે ભારત તેના ભવ્ય જૈવ વૈવિધ્ય અને સૌથી વધુ વિવિધતા ધરાવતા સાત પ્રદેશોમાંથી એક પ્રદેશ તરીકે પોતાની ઓળખ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ચાર જૈવ વૈવિધ્ય હોટસ્પોટ – પૂર્વીય હિમાલય, પશ્ચિમી ઘાટ, ઇન્ડો મ્યાનમાર મેદાની પ્રદેશો તેમજ અંદામાન અને નિકોબાર ટાપુઓ છે અને સમગ્ર દુનિયામાંથી આવતા 500 જેટલા સ્થળાંતર કરતા પક્ષીઓની પ્રજાતિઓનું આશ્રય સ્થાન છે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર ટકાઉ જીવનશૈલીના સમર્થન, સંરક્ષણ અને હરિત વિકાસના મોડેલ માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષ સુધી COPના અધ્યક્ષ તરીકે ભારતની ભૂમિકાથી મધ્ય એશિયન ઉડાન માર્ગના સંરક્ષણ પર ધ્યાન આપવામાં આવશે. આ હાંસલ કરવા માટે, ભારતે રાષ્ટ્રીય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સંદર્ભે એક્શન પ્લાન તૈયાર કરવા માગતા અન્ય દેશોને સુવિધા પૂરી પાડવામાં ભારતને આનંદ થશે અને દરેકના સક્રિય સહકારથી સંરક્ષણમાં નવું ઉદાહરણ સ્થાપિત કરવાનો ભારતનો ઉદ્દેશ્ય છે.

અધ્યક્ષ તરીકે, ભારત ઇન્ડો-પેસિફિક પ્રવૃત્તિઓ માટે આશિયાન દેશો સાથે સહકાર વધુ મજબૂત બનાવવા પર અને દરિયાઇ જૈવ વૈવિધ્યના સંરક્ષણ પર ધ્યાન આપશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ભારતે માઇક્રો પ્લાસ્ટિકના કારણે દરિયાઇ ઇકો-સિસ્ટમમાં ફેલાતા પ્રદૂષણની સમસ્યા ઉકેલવા માટે દરિયાઇ કાચબા નીતિ અને દરિયાઇ સ્થાઇ વ્યવસ્થાપન નીતિ તૈયાર કરી છે. સરહદપારથી સહકાર, ઇકો-ડેવલપમેન્ટ સમિતિની સ્થાપના વગેરે જેવી અન્ય બાબતો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ સંમેલનથી "પર્યાવરણ માટે સુપર વર્ષ”નો પ્રારંભ થયો છે જેમાં સપ્ટેમ્બર મહિનામાં UN બેઠક અને 2020ના અંતમાં UN જૈવ વૈવિધ્ય સંમેલનનો પણ સમાવેશ થશે જેમાં આગામી દાયકા માટે 2020 પછી વૈશ્વિક જૈવ વૈવિધ્ય માળખુ અપનાવવામાં આવશે.

જૈવ વૈવિધ્યતાની સમસ્યાઓનો ઉકેલ લાવવાના સહિયારા અભિગમ સાથે આજે ભારતે આગામી ત્રણ વર્ષ માટે COPની અધ્યક્ષતા સંભાળી છે. આ અધ્યક્ષતા સંભાળતા કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, CMS ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને વિકાસની ખૂબ ઉત્સાહજનક ક્ષણ છે અને ભારતમાં COPના આયોજનથી સ્થળાંતર કરતી પ્રજાતિઓના સંરક્ષણ અને તેમના આવાસ પર ધ્યાન આપવાનું શરૂ થશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “સ્થળાંતર કરતા પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને દરિયાઇ પ્રજાતિઓ પર તેમના સ્થળાંતરના માર્ગો પર જીવનું જોખમ વધી રહ્યું છે અને તેમના સંરક્ષણ માટે તમામ દેશો સાથે મળીને કામ કરવાની જરૂર છે. ભારત માટે, આ પ્રજાતિઓની સંભાળ લેવીએ પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓ અને કુદરતી જીવોની સુરક્ષાની નીતિનો હિસ્સો છે. CMS COP13ની યજમાની કરવામાં ભારતને ખૂબ ખુશી થઇ છે.”

આવી પ્રજાતિઓની સુરક્ષા માટે સહિયારા પગલાં લેવાની તાકીદની જરૂરિયાત હોવાનું ભારપૂર્વક જણાવતા CMSના એક્ઝિક્યુટીવ સચિવ સુશ્રી એમી ફ્રેન્કલે જણાવ્યું હતું કે, “સાતત્યપૂર્ણ નિવાસમાં થઇ રહેલા ઘટાડા અને પ્રજાતિઓની ઘટતી સંખ્યા વચ્ચે વન્યજીવોના સંરક્ષણ માટે COP13નું આયોજન નિર્ણાયક સમયે થયું છે.”

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તેમજ પર્યાવરણ અને વન રાજ્ય મંત્રી શ્રી બાબુલ સુપ્રિયો સહિત અન્ય મહાનુભવો પણ આ સંમેલનના ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળાંતર કરતી પ્રજાતિઓ માટેનું સંમેલન એકમાત્ર એવી બહુપક્ષીય સંધિ છે જે વૈશ્વિક સ્તરે સ્થળાંતર કરતી પ્રજાતિઓની જરૂરિયાતો ઉકેલવા અને તેમના આવાસ પર ધ્યાન આપવા માટે સમર્પિત છે. આ સંમેલનમાં સ્થળાંતર કરતી પ્રજાતિઓની બહેતર સુરક્ષા માટે જરૂરી પગલાંનો સેટ તૈયાર કરવામાં આવશે જે આવી પ્રજાતિઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બહુપક્ષીય સહકાર પર આધારિત હશે.

વન્યજીવોની સ્થળાંતર કરતી પ્રજાતિઓ વર્ષ દરમિયાન ભોજન, સૂર્યપ્રકાશ, તાપમાન, આબોહવા વગેરે જેવા વિવિધ પરિબળોના કારણે અલગ અલગ સમયે તેમના મૂળ નિવાસથી અન્યત્ર સ્થળાંતર કરે છે. સ્થળાંતર કરતા કેટલાક પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ તેમના આ સ્થળાંતર દરમિયાન કેટલીક વખત હજારો કિલોમીટર/માઇલથી પણ વધુ દૂર નીકળી જાય છે. તેમના સ્થળાંતરનો આ માર્ગમાં લાક્ષાણિક રીતે તેમને રહેવાની જગ્યા, પ્રજોત્પતિની જગ્યા, વિવિધ પ્રકારના પસંદગીના ખોરાકની ઉપલબ્ધતા આધારિત હોય છે. તેમના દરેક સ્થળાંતર પહેલાં અને પછી ત્યાં અનુકૂળ આવાસની ઉપલબ્ધતા જરૂરી હોય છે.

ભારત બરફીલા પ્રદેશોના દીપડા, એમુર બાઝ, પટ્ટાવાળા હંસ, કાળી ડોક વાળા બગલાં, દરિયાઇ કાચબા, ડંગોંગ, ખૂંધવાળી વ્હેલ વગેરે સહિત કેટલીક સ્થળાંતર કરતી વન્યજીવોની પ્રજાતિઓ માટે નિવાસસ્થાન રહ્યું છે.

DK/SD/DS/GP/RP



(Release ID: 1603438) Visitor Counter : 382


Read this release in: English , Hindi , Marathi , Tamil