પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુએનજીએના 74માં સત્ર દરમિયાન ક્લાઇમેટ એક્શન સમિટ 2019માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 23 SEP 2019 9:27PM by PIB Ahmedabad

નમસ્તે,

મહાનુભાવો,

હું ગ્લોબલ ક્લાઇમેટ સમિટનાં આયોજન માટે સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ગયા વર્ષે ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ મળ્યાં પછી સંયુક્ત રાષ્ટ્રમાં આ મારું પ્રથમ સંબોધન છે અને આ સુખદ જોગાનુજોગ પણ છે કે, ન્યૂયોર્કની મુલાકાતમાં મારી પ્રથમ સભા આબોહવાનાં વિષય પર થઈ રહી છે.

મહાનુભાવો,

જળવાયુ પરિવર્તનને લઈને દુનિયાભરનાં અનેક દેશોમાં વિવિધ પ્રયાસો થઈ રહ્યાં છે. પણ આપણે એ વાત સ્વીકારવી પડશે કે આ ગંભીર પડકારનો સામનો કરવા માટે આપણે એટલું કાર્ય નથી કર્યું, જેટલું કામ કરવાની જરૂર છે.

અત્યારે શિક્ષણ, મૂલ્યો અને જીવનશૈલીથી લઈને વિકાસલક્ષી વિચારધારા સામેલ હોય એવા સંપૂર્ણ અભિગમની જરૂર છે. આજે વર્તણૂંકમાં પરિવર્તન લાવવાની જરૂર છે, જે માટે વિશ્વવ્યાપક જન આંદોલન ઊભું કરવું પડશે. પ્રકૃતિ પ્રત્યે આદરભાવ અને કુદરતી સંસાધાનોનું સંરક્ષણ – આ આપણી પરંપરા અને વર્તમાન પ્રયાસોનો હિસ્સો છે. આપણે જરૂરીયાત નહીં, લોભથી દૂર રહેવું જોઈએ એ અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે. એટલે અત્યારે ભારત આ વિષય પર ફક્ત વાતો કરવા નહીં, પણ એક વ્યવહારિક વિચાર અને રોડમેપ સાથે આવ્યું છે. અમે માનીએ છીએ કે, શિખામણો આપવા કરતાં થોડો અમલ કરવો વધારે ઉચિત છે.

અમે ભારતમાં મિશ્ર ઇંધણમાં બિનઅશ્મિભૂત ઇંધણનો હિસ્સો વધારી રહ્યાં છીએ. અમે વર્ષ 2022 સુધી પુનઃપ્રાપ્ય ઊર્જામાં પોતાની ક્ષમતા 175 ગીગાવોટ સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને અમે એને 450 ગીગાવોટ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. અમે અમારાં પરિવહન ક્ષેત્રમાં ઇ-મોબિલિટીને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ. અમે પેટ્રોલ અને ડિઝલમાં જૈવઇંધણનાં મિશ્રણનાં પ્રમાણમાં મોટા પાયે વધારો કરી રહ્યાં છીએ.

અમે 150 મિલિયન કુટુંબોને સ્વચ્છ રાંધણ ગેસ જોડાણ આપ્યું છે. અમે જળ સંરક્ષણ, વરસાદનાં પાણીનો સંચય અને જળ સંસાધનોનાં વિકાસ માટે મિશન જલ જીવન શરૂ કર્યું છે. આગામી થોડાં વર્ષોમાં એનાં પર લગભગ 50 અબજ ડોલરનો ખર્ચ કરવાની અમારી યોજના છે.

મહાનુભાવો,

જો આંતરરાષ્ટ્રીય મંચની વાત કરીએ, તો લગભગ 80 દેશ અમારા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલ સાથે જોડાયા છે. મને આનંદ છે કે, ભારત અને સ્વીડન અન્ય સહભાગીઓ સાથે મળીને ઉદ્યોગમાં પરિવર્તનનાં માર્ગે અગ્રેસર થવા લીડરશિપ ગ્રૂપને શરૂ કરી રહ્યાં છે. આ પહેલ સરકારો અને ખાનગી ક્ષેત્રને સાથે લઈને ઉદ્યોગો માટે કાર્બનનાં ઓછા ઉત્સર્જન માટેનો માર્ગ મોકળો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

વૈશ્વિક માળખું કુદરતી આપત્તિનો સામનો કરી શકે એ માટે ભારત કુદરતી આપત્તિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સંગઠનની શરૂઆત કરી રહ્યું છે. હું તમામ સભ્ય દેશોને તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપું છું.

આ વર્ષે ભારતનાં સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટનાં રોજ અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવા માટે જન આંદોલન શરૂ કરવાની અપીલ કરી હતી. મને આશા છે કે, એનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ વધશે.

મહાનુભાવો,

મને તમને જણાવતાં આનંદ થાય છે કે, સંયુક્ત રાષ્ટ્રના આ ભવનમાં આવતીકાલે આપણે ભારત દ્વારા લગાવેલી સૌર પેનલનું ઉદ્ઘાટન કરીશું. વાતો કરવાનો સમય પૂરો થઈ ગયો છે, દુનિયાને અત્યારે કશું કરી દેખાડવાની જરૂર છે.

તમારો આભાર, ખૂબ-ખૂભ આભાર.

 

DK/J.Khunt/RP

 


(Release ID: 1586135) Visitor Counter : 191