પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ પર યુએનજીએની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું

Posted On: 23 SEP 2019 11:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2019નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ પર પહેલી વાર આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી હતી.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ હાંસલ કરવા માટે ભારતે લીધેલા સ્પષ્ટ પગલાં વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યનો અર્થ ફક્ત રોગોમાંથી મુક્તિ થતો નથી, પણ સ્વસ્થ જીવન થાય છે. સ્વસ્થ જીવન દરેક વ્યક્તિનો અધિકાર છે. નાગરિકોને સ્વસ્થ જીવન સુલભ અને સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતે આ વિષય પર આગેકૂચ કરવા સંપૂર્ણ, સર્વાંગી અભિગમ અપનાવ્યો છે અને અમે આરોગ્ય સેવાનાં ચાર મુખ્ય આધારસ્તંભ પર કામ કરીએ છીએઃ

- નિવારણાત્મક આરોગ્ય સેવા

- પરવડે તેવી આરોગ્ય સેવા

- પુરવઠાનાં પક્ષે સુધારો

- ઝડપી અમલીકરણ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં યોગ, આયુર્વેદ અને ફિટનેસ પર વિશેષ ભાર મૂકવાથી તથા 125,000થી વધારે વેલનેસ કેન્દ્રો ઊભા કરવાથી નિવારણાત્મક આરોગ્ય સેવાને પ્રોત્સાહન મળવામાં મદદ પ્રાપ્ત થઈ છે તેમજ ડાયાબીટિસ, બ્લડ પ્રેશર, ડિપ્રેશન વગેરે જેવા જીવનશૈલી સાથે સંબંધિત રોગોને નિયંત્રિત કરવામાં સહાય મળી છે. ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવાથી, સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અને રસીકરણ અભિયાનોએ દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો કરવામાં પણ યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વાજબી આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવા ભારતે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના – આયુષ્માન ભારત શરૂ કરી છે. આ યોજના અંતર્ગત 500 મિલિયન ગરીબોને વર્ષે રૂ. 5,00,000 (7000 ડોલરથી વધારે) સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા આપવામાં આવે છે. 5000થી વધારે ખાસ ફાર્મસીઓ છે, જેમાં 800થી વધારે પ્રકારની વિવિધ આવશ્યક દવાઓ વાજબી દરે ઉપલબ્ધ થઇ રહી છે.

તેમણે ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ અને તબીબી માળખાગત સુવિધાઓનો વિકાસ સુનિશ્ચિત કરવા ભારતે લીધેલા કેટલાંક ઐતિહાસિક પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો.

હેલ્થ ક્ષેત્રમાં યુદ્ધનાં ધોરણે શરૂ થયેલા કાર્યક્રમો વિશે પ્રધાનમંત્રીએ માતા અને બાળકમાં પોષણનું સ્તર સુધારવા રાષ્ટ્રીય પોષણ અભિયાનની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે ભારતમાં વર્ષ 2025 સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ને નાબૂદ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે વર્ષ 2030નાં વૈશ્વિક લક્ષ્યાંકથી પાંચ વર્ષ અગાઉ પૂર્ણ થશે. તેમણે હવાનાં પ્રદૂષણ અને પ્રાણીઓને કારણે ફેલાતાં રોગો સામે અભિયાન ચલાવવાનાં મહત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારતનાં પ્રયાસો પોતાનાં દેશ સુધી જ મર્યાદિત નથી. ભારતે વાજબી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે ટેલીમેડિસિન સહિત વિવિધ રીતે અન્ય દેશોને, ખાસ કરીને આફ્રિકન દેશોને પણ મદદ કરી છે.

આ બેઠક યુનિવર્સલ હેલ્થ કવરેજઃ મૂવિંગ ટૂગેધર ટૂ બિલ્ડ એ હેલ્ધિયર વર્લ્ડ વિષય અંતર્ગત યોજાઈ હતી, જેનો ઉદ્દેશ યુનિવર્સલ હેલ્થ કવરેજ (યુએચસી – સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ)ની દિશામાં પ્રગતિને વેગ આપવાનો છે તેમજ વર્ષ 2030 સુધીમાં સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ હાંસલ કરવાની આગેકૂચને વેગ આપવા સરકાર અને એનાં વડાઓ પાસેથી રાજકીય કટિબદ્ધતા સુરક્ષિત કરવા વૈશ્વિક સમુદાયને પ્રેરિત કરવાનો છે. આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રનાં લગભગ 160 દેશો પોતાના વિચારો પ્રસ્તુત કરશે.

વર્ષ 2015માં વિવિધ દેશોની સરકારો અને એનાં વડાઓએ વર્ષ 2030 સુધીમાં સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ હાંસલ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં નાણાકીય જોખમની સુરક્ષા, ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સેવાઓની સુલભતા અને તમામ માટે સલામત, અસરકારક ગુણવત્તાયુક્ત અને વાજબી આવશ્યક દવાઓ અને રસીઓ સુલભ કરવાની બાબતો સામેલ છે.

 

DK/J.Khunt/GP/RP



(Release ID: 1585996) Visitor Counter : 217