પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતનાં અંતરિક્ષ વૈજ્ઞાનિકોનાં પ્રયાસોની પ્રશંસા કરી


ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમ પર આશાવાદી રહેવા અને સતત મહેનત કરવા તેમને પ્રોત્સાહન આપ્યું

Posted On: 07 SEP 2019 10:32AM by PIB Ahmedabad

ચંદ્રયાન-2 મિશનનો સંપર્ક ઇસરોનાં મુખ્યાલયનાં નિયંત્રણ કેન્દ્ર સાથે તૂટી ગયો છે, છતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગાલુરુમાં ઇસરોનાં વૈજ્ઞાનિકોની સાથે ચંદ્રયાન-2ને ચાંદ પર ઉતરવાનો કાર્યક્રમ જોઈને કહ્યું કે, ભારતને પોતાનાં વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે અને ભારતને હંમેશા ગૌરવ પ્રદાન કર્યું છે. આ સાહસની ક્ષણ છે અને આપણે સાહસિક બનીશું!’

વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ તમારી સાથે છે, હું તમારી સાથે છું. પ્રયાસ અને સફર બંને મહત્ત્વપૂર્ણ છે.

તમે ભારત માતાના વિજય માટે કામ કરો છો અને તમે આ માટે સંઘર્ષ કરો છો. ભારત માતાને ગૌરવ પ્રદાન કરવા માટે તમારી પાસે સંકલ્પ અને દ્રઢ ઇચ્છાશક્તિ છે.

ગઈકાલે રાતે મેં તમારી નિરાશા અને ભાવનાઓનો અનુભવ કર્યો. જ્યારે વ્હિકલનો સંપર્ક તૂટી ગયો હતો, ત્યારે હું તમારી સાથે હતો. ઘણાં પ્રશ્નોનો જવાબ મળ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે તમે જવાબ શોધી લેશો. હું જાણું છું કે આની પાછળ તમે આકરી મહેનત કરી છે.

આપણને આપણી સફરમાં એક આંચકો લાગ્યો છે, પરંતુ એનાથી આપણાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે આપણા ઉત્સાહ અને જોશમાં કોઈ ઘટાડો નહીં થાય.

આપણી ઇચ્છાશક્તિ વધારે મજબૂત થઈ છે.

આપણાં વૈજ્ઞાનિક બહેનો અને ભાઇઓની સાથે એકતા દેખાડવા માટે દેશ આખી રાત જાગ્યો. આપણે ચંદ્રની સપાટીની બહુ નજીક પહોંચ્યા અને આ પ્રયાસ અત્યંત પ્રશંસનીય રહ્યો છે.

આપણને આપણાં વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ કાર્યક્રમ પર ગર્વ છે, એમની આકરી મહેનત અને સંકલ્પે આપણા દેશનાં નાગરિકોની સાથે બીજા રાષ્ટ્રોને પણ એક ઉત્તમ જીવન સુનિશ્ચિત કર્યું છે. આ એમનાં ઉત્સાહનું પરિણામ છે, જેથી લોકોને આરોગ્યની ઉત્તમ સારવાર અને શિક્ષણ સહિત શ્રેષ્ઠ જીવનસ્તર પ્રાપ્ત થયું છે.

ભારત જાણે છે કે, ખુશીઓ ઉજવવાનાં અનેક અવસર આવશે.

જ્યારે અંતરિક્ષ કાર્યક્રમની વાત આવે છે, ત્યારે એની સર્વશ્રેષ્ઠ કામગીરી આપણે જોવાની બાકી છે.

આપણે નવા ક્ષેત્રોની શોધ કરવાની છે અને નવા સ્થાનો પર જવાનું છે. આપણે એને અનુરૂપ પ્રયાસ કરીશું અને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શીશું.

આપણા વૈજ્ઞાનિકો માટે હું કહેવા ઇચ્છું છું કે ભારત તમારી સાથે છે. તમે એવી જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં અત્યાર સુધી કોઈ પણ પહોંચી શક્યું નથી.

તમે જેટલા નજીક પહોંચી શકતા હતાં, ત્યાં સુધી પહોંચ્યા. હું ગર્વ સાથે કહી શકું છું કે પ્રયાસ અને સફર બંને મહત્ત્વપૂર્ણ છે.

આપણી ટીમે આકરી મહેનત કરી અને બહુ દૂર સુધી યાત્રાનો આ અનુભવ આપણી સાથે હંમેશા રહેશે.

આજનો અનુભવ આપણે મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે

હું અંતરિક્ષ વૈજ્ઞાનિકોનાં પરિવારજનોનો આભાર માનું છું. તેમનું મૌન પરંતુ અમૂલ્ય સમર્થન આપણા પ્રયાસની એક મહત્ત્વપૂર્ણ શક્તિ છે.

બહેનો અને ભાઈઓ, દ્રઢતા અને અનુકૂળતા ભારતીય પ્રકૃતિનાં કેન્દ્રમાં રહી છે. આપણાં ગૌરવયુક્ત ઇતિહાસમાં એવી ક્ષણો આવી છે, જેમાં આપણો પરાજય થયો હતો, પણ આપણે આપણાં પ્રયાસો જાળવી રાખ્યા. આ જ કારણે આપણી સભ્યતા અદ્વિતીય છે.

આપણે ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે. હું જાણું છું કે ઇસરો આ નિષ્ફળતાથી નબળી નહીં પડે.

એક નવી સવાર ઉગશે અને વધુ ઉજ્જવળ ભવિષ્યનો ઉદય થશે. પરિણામની ચિંતા કર્યા વિના આપણે આગળ વધીશું અને આ જ આપણો ઇતિહાસ રહ્યો છે.

મને તમારા તમામ લોકો પર વિશ્વાસ છે. તમારા સ્વપ્નો મારા સ્વપ્નો કરતાં વધારે મોટા છે. મને તમારી આશાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે.

હું પ્રેરણા મેળવવા માટે તમારી મુલાકાતે આવ્યો છું. તમે પ્રેરણામૂર્તિ છો અને પ્રેરણાનું જીવંત ઉદાહરણ છો.

હું તમને બધાને અભિનંદન આપું છું અને તમારા પ્રયાસો માટે શુભેચ્છા પાઠવું છું.

 

RP



(Release ID: 1584436) Visitor Counter : 248