માહિતી અને પ્રસારણ મંત્રાલય

ઉપરાષ્ટ્રપતિએ ભારતના રાષ્ટ્રપતિના પસંદ કરાયેલા ભાષણોનો સંગ્રહ – ‘લોકતંત્ર કે સ્વર’ અને ‘ધ રિપબ્લિક એથિક’નો દ્રિતીય ગ્રંથ પ્રસિદ્ધ કર્યો


ભારતે ક્યારેય અન્ય દેશ પર હુમલો કર્યો નથી પરંતુ જો કોઇ આપણા પર હુમલો કરશે તો, આપણે જડબાતોડ જવાબ આપીશું જે તે જીવનભર ક્યારેય ભૂલી શકશે નહિં: ઉપરાષ્ટ્રપતિ

ઇ-મોડમાં વાંચવાનું પસંદ કરતા વાચકોની માંગણી પુરી કરવા પુસ્તકો કિન્ડલ અને એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ થશેઃ માહિતી અને પ્રસારણ મંત્રી

Posted On: 06 SEP 2019 1:11PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેકૈયા નાયડુએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં પુસ્તકો લોકતંત્ર કે સ્વર (ખંડ 2)’ અને ધ રિપબ્લિક એથિક (ભાગ-2)’ પ્રસિદ્ધ કર્યા હતા. આ પુસ્તકો ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના બીજા વર્ષના કાર્યકાળ (જુલાઇ 2018 થી જુલાઇ 2019) દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલા 95 ભાષણોનો સંગ્રહ છે. તેને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે.

 

આ પ્રસંગે પોતાની વાત રજૂ કરતાં, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણો દેશની આશાઓ, મહત્ત્વાકાંક્ષાઓ અને વિચારો વ્યક્ત કરે છે અને નવા ભારતની રૂપરેખાનું પ્રતિબિંબ દર્શાવે છે. આ પુસ્તકો તેમની વિશ્વદૃષ્ટિની વિદ્વતા અને દૂરંદેશિતાની ફળશ્રુતી છે. તેમણે આ પુસ્તકોને ભારતની ક્ષમતામાં વિશ્વાસના પુરાવા તરીકે લેખાવી હતી. શ્રી નાયડુએ પુસ્તકના કેટલાંક મહત્ત્વના ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો હતો અને રાષ્ટ્રપતિના કાર્યકાળના બીજા વર્ષ દરમિયાન મહત્ત્વપૂર્ણ પ્રસંગોએ તેમણે આપેલા ભાષણો ટાંક્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ યુવાન અધિકારીઓ માટે કેવી રીતે પ્રેરણારૂપ કામગીરી કરે છે તે અંગે પોતાની વાત રજૂ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ પુસ્તકના માધ્યમથી રાષ્ટ્રપતિના વિચારો અને ખ્યાલો યુવા પેઢી સુધી પહોંચશે.

 

રાષ્ટ્રપતિના ભાષણમાંથી વસુદૈવ કુટુમ્બકમ્ની વિચારધારા પર ખાસ ભાર મૂકતા શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ભારત માને છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે જેમાં અન્ય દેશો સાથે લડવાનું કોઇ કારણ નથી. આ વિચારધારાના કારણે ભારતે આજ સુધી અન્ય દેશ પર ક્યારેય હુમલો કર્યો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં ભારે ઉશ્કેરણી છતા ભારત શાંતિપૂર્ણ અને સંવાદિતતાથી રહેવાના પોતાના મત પર અડગ રહ્યું છે. જોકે તેમણે ઉમેર્યુ હતું કે, જો કોઇ દેશ આપણા પર હુમલો કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે જે હુમલો કરનાર દેશ પોતાના બાકીના જીવન દરમિયાન ક્યારેય ભૂલી શકશે નહિં અને આ વાત ભારતને ઉશ્કેરી રહેલા લોકો સહિત તમામે સારી રીતે સમજી લેવી જોઇએ.

 

કેન્દ્રીય મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ પોતાનું જીવન સામાજિક ન્યાય માટે સમર્પિત કર્યુ છે, જે બાબત તેમના પુસ્તકમાં રજૂ કરેલા ભાષણોમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે શ્રી રામનાથ કોવિંદ લોકોના રાષ્ટ્રપતિ છે. તેમણે શિક્ષણ, મહિલા સશક્તીકરણ, સુશાસન, સંસ્કૃતિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ, સમાવેશી વિકાસ, ગરીબ અને પછાત લોકોના ઉદ્ધાર સહિત અનેક પાસાઓ અને ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો જેના પર રાષ્ટ્રપતિ દ્વારા તેમના ભાષણોમાં ખાસ ભાર મુકવામાં આવ્યો છે.  તેમણે રાષ્ટ્રપતિના જીવન અંગે પણ વાત કરી હતી જેમાં તેઓ અનેક પડકારોનો સામનો કરીને તેમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યાં છે.

 

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુસ્તકો બહાર પાડવા બદલ પ્રકાશન પ્રભાગના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇ-મોડમાં પુસ્તક વાંચવાનું પસંદ કરતા વાચકો માટે ખાસ તેમની માંગણી પૂર્ણ કરવા માટે આ પુસ્તકોને કિન્ડલ અને એપ સ્ટોર જેવા તમામ ઇ-પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ બનાવાશે. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણોને 8 શ્રેણીઓમાં વહેચવામાં આવ્યાં છેઃ રાષ્ટ્રને સંબોધન, વિશ્વની બારી, શિક્ષિત ભારતઃ સજ્જ ભારત, જાહેર સેવાનો ધર્મ, આપણાં સૈનિકોનું સન્માન,બંધારણ અને કાયદાનો આત્મા,શ્રેષ્ઠતાની સ્વીકૃતિ અને મહાત્મા ગાંધીઃ નૈતિક આદર્શ, પથદર્શક પ્રકાશ.

 

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેએ જણાવ્યું હતું કે રજૂ કરાયેલા ભાષણો રાષ્ટ્રપતિના વિશ્વલક્ષી ખ્યાલો અને વિચારોથી લોકોને જ્ઞાનસભર માહિતી પુરી પાડશે.

 

J. Khunt/RP

 


(Release ID: 1584370) Visitor Counter : 299