પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો
પ્રધાનમંત્રીએ કહ્યું, નવું ભારત ફિટ ભારત પણ હોવું જોઇએ
પ્રધાનમંત્રીની ભારતીયોને અપીલ, તમારી જીવનશૈલી બદલો, ફિટનેસને રોજિંદી ટેવ બનાવો
ફિટનેસ આપણા ઐતિહાસિક વારસાનો ભાગ છેઃ પ્રધાનમંત્રી
સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ નવા ભારતને ફિટ ભારત બનાવવા માટે આવશ્યક છેઃ પ્રધાનમંત્રી
Posted On:
29 AUG 2019 2:24PM by PIB Ahmedabad
આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમત દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશના લોકોને ફિટનેસને તેમની જીવનશૈલી બનાવવા અપીલ કરી હતી.
મેજર ધ્યાનચંદની જન્મ જયંતી પ્રસંગે લોક અભિયાનની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની રમત અને તકનિકો દ્વારા સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરનાર ભારતીય રમતના આદર્શ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દેશના યુવા રમતવીરોને પણ અભિનંદન પાઠવ્યાં હતા જેઓ પોતાના પ્રયત્નો થકી વિશ્વ મંચ પર દેશનો ત્રિરંગો લહેરાવતા રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તેમના ચંદ્રકો માત્ર તેમની સખત મહેનતનું પરિણામ નથી પરંતુ નવા ભારતના નવા ઉત્સાહ અને નવા આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ રાષ્ટ્રીય લક્ષ્યાંક અને તેની મહત્ત્વાકાંક્ષા બનવું જોઇએ. રાષ્ટ્રને પ્રેરિત કરવાનો પ્રયત્ન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા અભિયાન ભલે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હોત પરંતુ આખરે તે લોકોએ જ તેની આગેવાની લેવી પડશે અને તેને સફળ બનાવવું પડશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું કે, “સફળતાને ફિટનેસ સાથે સંબંધ છે, જીવનના કોઇપણ ક્ષેત્રનાં આદર્શ લોકોની સફળતાનું આ એક સામાન્ય લક્ષણ છે કે તેમાના મોટાભાગના લોકો ચૂસ્ત હોય છે, તેઓ ફિટનેસ પર ધ્યાન આપે છે અને ફિટનેસના શોખીન હોય છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ટેક્નોલોજીએ આપણી શારીરિક ક્ષમતામાં ઘટાડો કર્યો છે અને આપણી રોજિંદી સ્વસ્થ ટેવો આપણી પાસેથી ઝૂંટવી લીધી છે અને આજે આપણે આપણી પરંપરાગત પ્રણાલીઓ અને જીવનશૈલીથી જાગૃત નથી જે આપણને ચૂસ્ત રાખી શકી હોત. સમયની સાથે આપણા સમાજમાં ફિટનેસની પ્રાથમિકતામાં ઘટાડો થઇ રહ્યો છે. અગાઉ વ્યક્તિ અનેક કિલોમીટર ચાલવાનું અથવા સાઇકલ ચલાવવાનું પસંદ કરતો હતો, આજે મોબાઇલ એપ આપણને જણાવે છે કે આપણે કેટલાં પગલાં ચાલ્યાં છીએ.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે ભારતમાં જીવનશૈલી સંબંધિત રોગોના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે, જે યુવાનોને પણ પ્રભાવિત કરી રહ્યાં છે. ડાયબીટિસ અને તણાવના કેસો વધી રહ્યાં છે અને ભારતનાં બાળકોમાં પણ આ બાબતો સામાન્ય બની છે. પરંતુ આપણી રોજિંદી કાર્યશૈલીમાં નાનો સુધારો કરી આ જીવનશૈલીને લગતી બિમારીઓ નિવારી શકાય છે. ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ આ જીવનશૈલીને લીધે થઇ રહેલી બિમારીઓને નિવારવાનો નાનો પ્રયાસ છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોઇપણ વ્યવસાયના લોકો તેમના વ્યવસાય માટે પોતાને કાર્યક્ષમ બનાવી શકે છે જો તેઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોય. જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે માનસિક રીતે પણ ફિટ રહેશો. ફિટનેસ સાથે રમતોને સીધો સંબંધ છે પરંતુ ‘ફિટ ઇન્ડિયા અભિયાન’નો હેતુ ફિટનેસથી વધારે છે. ફિટનેસ માત્ર એક શબ્દ નથી પરંતુ તંદુરસ્ત અને સમૃદ્ધ જીવનનો આવશ્યક પાયો છે. જ્યારે આપણે આપણા શરીરોને યુદ્ધ માટે તૈયાર કરીએ છીએ ત્યારે આપણે દેશને પોલાદ જેટલો મજબૂત બનાવીએ છીએ. ફિટનેસ આપણા ઐતિહાસિક વારસાનો ભાગ છે. રમત-ગમત ભારતની ગલીએ ગલીએ રમવામાં આવે છે. શરીરને ફાયદો કરાવવાની સાથે-સાથે તે મગજને પણ તાલીમ આપે છે, જેના કારણે ધ્યાન અને શરીરના અંગોના સંકલનમાં વધારો થાય છે. સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ નવા ભારતને ફિટ ભારત બનાવવા માટે આવશ્યક છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ, તે જ ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનો રસ્તો છે. આજે રાષ્ટ્રીય રમત દિવસે આપણે ફિટ ઇન્ડિયા અભિયાનને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લઇએ.”
DK/J. Khunt/GP/RP
(Release ID: 1583474)
Visitor Counter : 391