માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ એકીકૃત ઑનલાઇન જંકશન ‘સ્કૂલ એજ્યુકેશન શગુન’નો શુભારંભ કર્યો

Posted On: 28 AUG 2019 5:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ શાળાકીય શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂતી આપવાના હેતુથી વિશ્વના સૌથી મોટા ઑનલાઇન જંકશનોમાં સામેલ એકીકૃત જંકશન ‘સ્કૂલ એજ્યુકેશન શગુન’નો આજે નવી દિલ્હીમાં પ્રારંભ કર્યો હતો. આ ઑનલાઇન જંકશન દ્વારા શાળાકીય શિક્ષણ સંબંધિત ઑનલાઇન પોર્ટલ્સ અને વેબસાઇટ્સ જોડવાની પહેલ કરવામાં આવી છે. આ પ્રસંગે માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજય શામરાવ ધોત્રે પણ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે સારા શિક્ષણ વગર કોઇપણ રાષ્ટ્ર, સમાજ અથવા પરિવારની પ્રગતિ શક્ય નથી. શિક્ષણ પ્રગતિનો પાયો છે અને પાયો જેટલો વધુ મજબૂત હશે એટલી જ ઇમારત વધુ મજબૂત બનશે. ‘સ્કૂલ એજ્યુકેશન શગુન’ એક આવું જ પ્લેટફોર્મ છે, જેના દ્વારા શિક્ષણનો પાયો વધુ મજબૂત બનાવી શકાશે. ‘શગુન’માં શ અક્ષર શાળા સાથે સંકળાયેલો છે જેનો મતલબ શાળાના તબક્કાથી જ, જ્યારે ગુન શબ્દ ગુણવત્તા દર્શાવે છે.

 

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે 1200 કેન્દ્રીય યુનિવર્સિટી, 600 નવોદય વિદ્યાલયો, CBSE સાથે જોડાયેલી 18000 શાળાઓ, 30 SCERT અને NCTE સાથે જોડાયેલી 19000 સંસ્થાઓની વેબસાઇટને ‘સ્કૂલ એજ્યુકેશન શગુન’ પોર્ટલ સાથે જોડવામાં આવી છે. આ ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા 15 લાખ શાળાઓ, 92 લાખ શિક્ષકો અને અંદાજે 26 કરોડ વિદ્યાર્થીઓની માહિતી મળી શકે છે. તેના દ્વારા યોજનાઓની માહિતી મેળવવાની સાથે સાથે લોકોને શાળાઓ સંબંધિત નવી સૂચનાઓ પણ પ્રાપ્ત થશે.


શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે કોઇના મનમાં કોઇ પ્રશ્ન હોય તો, આ પ્રશ્ન અમારા સુધી પહોંચી શકે. આ એકીકૃત ઑનલાઇન જંકશન દ્વારા લોકો શાળા અંગે પોતાની પ્રતિક્રિયાઓ અમારા સુધી પહોંચાડી શકશે. આ સાથે જ શાળાકીય શિક્ષણ સાથે સંકળાયેલા તમામ આંકડા એક જ જગ્યાએથી પ્રાપ્ત થઇ શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે નવા ભારતની કલ્પના કરી છે, તેમાં તેમણે હંમેશા કહ્યું છે કે શિક્ષણમાં ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરવો જોઇએ. તે દિશામાં ‘સ્કૂલ એજ્યુકેશન શગુન’ શાળાકીય શિક્ષણના સ્તરને નવી ઊંચાઇએ લઇ જવાનું કામ કરશે.


‘સ્કૂલ એજ્યુકેશન શગુન’ દ્વારા વિદ્યાર્થીઓને ઑનલાઇન વાંચવાની સામગ્રી મળવાની સાથે-સાથે તેમને વીડિયો આધારિત શિક્ષણની તક પણ મળશે. વેબસાઇટ દ્વારા એ પણ જાણી શકાય છે કે તમારા વિસ્તારમાં કઇ-કઇ શાળા છે અને ત્યાં કઇ સેવાઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી પોખરિયાલે ‘એકીકૃત રાષ્ટ્રીય શાળા ભંડોળ’ (INSET)ની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. તેના દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓ સાથે જોડાયેલી તમામ માહિતી એક મંચ પરથી પ્રાપ્ત થઇ શકશે.


કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજય શામરાવ ધોત્રેએ જણાવ્યું હતું કે ‘સ્કૂલ એજ્યુકેશન શગુન’ દ્વારા શાળાઓ સાથે સંકળાયેલી તમામ માહિતી એક સાથે મળી જશે. શાળાઓની સુવિધાઓ વિશે જાણવાની સાથે સાથે તેની તપાસ કરીને તેના વિશે સૂચનો પણ આપી શકાશે. શ્રી ધોત્રેએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ સારું પગલું છે. તેનાથી બાળકોના સર્વાંગી વિકાસમાં વધુ મદદ મળી શકશે.


આ પ્રસંગે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વિદ્યાલય શિક્ષણ વિભાગના સચિવ શ્રીમતિ રીના રે સહિત મંત્રાલયના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


શગુન પોર્ટલ આ લિંક પર ક્લિક કરીને જોઇ શકાય છે: http://seshagun.gov.in.

 

 

 

RP



(Release ID: 1583344) Visitor Counter : 448


Read this release in: Urdu , English , Hindi , Bengali