પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના હિંમતવાન અને લાગણીશીલ બહેનો અને ભાઇઓને વંદન કર્યા


કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પર આ સીમાચિહ્નરૂપ બિલ પસાર થવું એ સંસદીય લોકશાહીમાં મહત્વપૂર્ણ ઘટના છે

Posted On: 06 AUG 2019 8:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીર સંબંધિત બિલને પસાર થવાની ઘટનાને આવકારી હતી અને તેને “આપણી સંસદીય લોકશાહીની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના” ગણાવી હતી.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, “આપણે સાથે મળીને ઉભા થઇશું અને સાથે મળીને 130 કરોડ ભારતીયોનાં સપનાં પૂર્ણ કરી શકીશું!”

તેમણે કહ્યું કે, “હું મારા જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના બહેનો અને ભાઇઓની હિંમત અને લવચીકતાને વંદન કરું છું.”

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “વર્ષોથી, ભાવનાત્મક બ્લેકમેઇલ કરવામાં માનતા પોતાના સ્થાપિત હિતો ધરાવતા સમૂહોએ ક્યારેય લોકોના સશક્તીકરણની દરકાર લીધી જ નથી. જમ્મુ અને કાશ્મીર હવે તેમના સકંજામાંથી મુક્ત છે. નવી પરોઢ, બહેતર આવતીકાલ આપણી પ્રતિક્ષા કરી રહી છે!”

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ સંબંધિત બિલથી અખંડિતતા અને સશક્તીકરણ સુનિશ્ચિત થશે. આ પગલું યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવશે અને તેમને પોતાનું કૌશલ્ય તેમજ આવડત બતાવવા માટે અસંખ્ય તકો પૂરી પાડશે. સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો આવશે.”

તેમણે ખાસ કરીને લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાની તેમની લાંબા સમયની માંગણી પરિપૂર્ણ થઇ હોવાથી આ ખૂબ જ આનંદની બાબત છે. આ નિર્ણય આ પ્રદેશના લોકોની એકંદરે સમૃદ્ધિને પ્રોત્સાહિત કરશે અને તેમના માટે વિકાસની વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત થશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ સંબંધિત મહત્વપૂર્ણ બિલ પસાર થવા એ મહાન નેતા સરદાર વલ્લભભાઇ પટેલ કે જેમણે ભારતની એકતા માટે કામ કર્યું હતું, ડૉ. બાબાસાહેબ આંબેડકર કે જેઓ પોતાના અભિપ્રાયો માટે ખ્યાતનામ હતા અને ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કે જેમણે ભારતની એકતા અને એકીકૃતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેમને સર્વોત્તમ શ્રદ્ધાંજલી છે.”

તેમણે કહ્યું કે, “સંસદમાં રાજકીય પક્ષો આ પ્રસંગે સાથે ઉભા રહ્યા, પોતાની વિચારધારાઓ અને મતભેદો બાજુ મુકીને એવી મજબૂત ચર્ચામાં ભાગ લીધો જેણે આપણી સંસદીય લોકશાહીનું ગૌરવ વધાર્યું છે. આ માટે, હું તમામ સાસંદો, વિવિધ રાજકીય પક્ષો અને તેમના નેતાઓને અભિનંદન પાઠવું છું.”

પ્રધાનમંત્રીએ એક અલગ ટ્વીટમાં લખ્યું હતું કે, “જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને એવા સાંસદો પર ગર્વ થશે જેઓ આ પ્રદેશના ભવિષ્ય માટે તેમજ અહિં શાંતિ સ્થાપવા, પ્રગતિ લાવવા અને તેમની સમૃદ્ધિ વધારવા માટે મતભેદો બાજુએ મુકીને ચર્ચા કરી. અંતિમ આંકડાઓમાં વ્યાપકપણે મળેલો સહકાર સ્પષ્ટ દેખાઇ આવે છે. રાજ્યસભામાં 125:61 અને લોકસભામાં 370:70.”

તેમણે કહ્યું કે, “ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ ગારુ તેમજ અધ્યક્ષ ઓમ બિરલાજીએ બંને ગૃહોની પ્રક્રિયા ખૂબ જ અદભૂત રીતે પાર પાડી છે, જેના માટે તેઓ સમગ્ર દેશ વતી પ્રશંસાને પાત્ર છે.”

તેમણે ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આપણા ગૃહમંત્રી અમિત શાહજી જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોનું જીવન બહેતર બને તે સુનિશ્ચિત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે. આ બિલ પસાર થયા તેમાં તેમની કટિબદ્ધતા અને ખંત સ્પષ્ટ દેખાઈ આવે છે. હું અમિતભાઇને વિશેષરૂપે અભિનંદન પાઠવું છું.!”

 

RP


(Release ID: 1581401)