ગૃહ મંત્રાલય

જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા બે સંકલ્પ અને બે બિલ રાજ્યસભામાં પસાર થયા


ઘાટીનાં લોકોને પણ 21મી સદીની સાથે જીવવાનો અધિકાર છે – કેન્દ્રીય ગૃહ મંત્રી

કલમ 370 દૂર થવાની સાથે જમ્મુ-કાશ્મીરમાં રક્તપાત યુગનો અંત થશે – શ્રી અમિત શાહ

મોદી સરકારની ઇચ્છાશક્તિ ખૂબ મજબૂત છે, દેશ માટે નિર્ણય કરવાનું સાહસ છે – કેન્દ્રીય ગૃહ મંત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આખો દેશ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થાય એવું ઇચ્છે છે

જમ્મુ-કાશ્મીર ભારતનો મુકુટમણિ છે અને રહેશે – શ્રી અમિત શાહ

Posted On: 05 AUG 2019 7:20PM by PIB Ahmedabad

ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા માટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 અંતર્ગત બે સંકલ્પ અને બે બિલ વિચારણા અને પસાર થવા માટે રજૂ કર્યા હતાં -

1. 370 (1)ની જોગવાઈ અનુસાર જમ્મુ અને કાશ્મીર માટે બંધારણનો વટહુકમ

2. 370 (3) અનુસાર 370ને નાબૂદ કરવાનો સંકલ્પ

3. જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠન માટેનું વિઘેયક

4. જમ્મુ-કાશ્મીરમાં ઇડબલ્યુ (આર્થિક રીતે નબળાં વર્ગો)ને 10 ટકા અનામતનો લાભ આપવા માટેનું બિલ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ઘાટીનાં લોકોને પણ 21મી સદીની સાથે જીવવાનો અધિકાર છે. કલમ 370ને કારણે સરકારે બનાવેલા કાયદા જમ્મુ-કાશ્મીર રાજ્યમાં લાગુ થતાં નથી. તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય આપવા ઇચ્છે છે, તેમને સારું શિક્ષણ, સારી રોજગારી આપવા ઇચ્છે છે, તેમને સાધનસંપન્ન બનાવવા ઇચ્છે છે, જેથી ભારતનાં અન્ય રાજ્યોનો જે રીતે વિકાસ થયો એ જ રીતે ઘાટીનો પણ વિકાસ થાય.

શ્રી અમિત શાહે વિપક્ષનાં આરોપોનો જવાબ આપતાં કહ્યું હતું કે, હાલ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે અને આ અધિકાર અંતર્ગત રાષ્ટ્રપતિને બંધારણીય આદેશ 2019 (જમ્મુ-કાશ્મીર માટે) પર સંસદનાં આ ગૃહમાં પ્રસ્તુત કરવામાં આવે છે.

શ્રી શાહે કહ્યું હતું કે, કલમ 370 તો અગાઉથી જ કામચલાઉ છે અને કામચલાઉ વ્યવસ્થાને 70 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંશોધનથી કલમ 370ની ફક્ત એક જોગવાઈને છોડીને બાકીની જોગવાઈ લાગુ નહીં થાય. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ રાજ્યોનો દરજ્જો નાબૂદ કરવા માટે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની સાથે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે, જ્યારે લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

શ્રી શાહે પ્રસ્તાવનો વિરોધ કરનાર સભ્યોને પૂછ્યું હતું કે, જ્યારે ઐતિહાસિક સ્વરૂપે કેન્દ્રીય ધનનો મહત્તમ હિસ્સો જમ્મુ-કાશ્મીરને આપવામાં આવ્યો, છતાં એનાથી રાજ્યમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, રોજગારની તકો વગેરે જેવા વિકાસનાં કાર્યો કેમ થઈ શક્યાં નથી? રાજ્ય દેશનાં અન્ય રાજ્યોની જેમ વિકસિત કેમ ન થયું? શ્રી શાહે કહ્યું હતું કે, રાજકીય લાભ ખાટવા માટે યુવા ધનનો ઉપયોગ થઈ રહ્યો છે અને રાજ્યનાં યુવાનોની ઉપેક્ષા કરીને મુઠ્ઠીભર અભિજાત વર્ગ આ ભંડોળમાંથી વ્યક્તિગત લાભ મેળવી રહ્યો છે. ઉપરાંત મંત્રીએ લિંગ, વર્ગ, જાતિ અને મૂળ સ્થાનનાં આધારે કલમ 370ની જોગવાઈઓને ભેદભાવયુક્ત ગણાવી હતી. બિલનો વિરોધ કરનાર સભ્યોને તેમણે પૂછ્યું હતું કે, ફક્ત  રાજકીય કારણોથી વિરોધ ન કરો, પણ કલમ 370થી દેશને કેટલું નુકસાન થઈ રહ્યું છે એ મુદ્દે ચર્ચા કરો.

શ્રી શાહે કહ્યું હતું કે, જમ્મુ, કાશ્મીર, લદાખ અને ખાસ કરીને ઘાટીને કલમ 370થી શું શું નુકસાન થયું છે આ વાતની કોઈએ દરકાર કરી નથી. તેમણે કહ્યું હતું કે, કલમ 370ને કારણે ઘરે-ઘરે ગરીબી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે હંમેશા જમ્મુ-કાશ્મીરને પ્રતિ વ્યક્તિ વધારે ધન ઉપલબ્ધ કરાવ્યું છે, છતાં વિકાસને વેગ મળ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલા કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં વહી ગયા. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે, કલમ 370ને કારણે જમ્મુ-કાશ્મીરમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત થઈ નથી, આ ધારા મહિલાવિરોધી, ગરીબવિરોધી, આદિવાસીવિરોધી છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્ર વિકસિત થયું નથી, ભ્રષ્ટાચાર વધીને ચરમ સીમા પર પહોંચ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થવાથી કોઈને કશો સંબંધ નથી. ત્યાં ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે એટલે આટલો વિરોધ થઈ રહ્યો છે.

શ્રી શાહે કહ્યું હતું કે, કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ખાનગી રોકાણનાં દ્વાર ખુલી જશે, જેનાં પગલે રાજ્યમાં વિકાસની સંભાવનાઓ વધશે. રોકાણમાં વૃદ્ધિથી રોજગારનાં સર્જનમાં વૃદ્ધિ થશે અને રાજ્યમાં સામાજિક-આર્થિક માળખાગત સુવિધાઓમાં વધારે સુધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, જમીન ખરીદવા ખાનગી લોકો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ રોકાણ કરશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.

શ્રી અમિત શાહે ગૃહમાં આશ્વાસન આપ્યું હતું કે, ઉચિત સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે વિપક્ષનાં સભ્યોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ મુદ્દા પર ચર્ચા કરો અને ગૃહને કલમ 370 નાબૂદ કરવા એક સેકન્ડથી પણ વધુ સમય ન લેવો જોઈએ.

 

RP    (Release ID: 1581323) Visitor Counter : 664