પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઑલ ઇન્ડિયા રેડિયો પર 28.07.2019ના રોજ ‘મન કી બાત 2.0’ના દ્વિતીય એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 JUL 2019 11:33AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતની હંમેશાંની જેમ, મને પણ અને તમને પણ પ્રતીક્ષા રહે છે. આ વખતે પણ મેં જોયું કે ઘણા બધા પત્રો, કૉમેન્ટ, ફૉન કૉલ મળ્યા છે- ઘણી બધી વાર્તાઓ છે, સૂચનો છે, પ્રેરણાઓ છે- દરેક વ્યક્તિ કંઈ ને કંઈ કરવા માગે છે અને કહેવા પણ માગે છે- એક લાગણી અનુભવાય છે અને તે બધાંમાં ઘણું બધું છે, જે હું સમેટવા માગીશ, પરંતુ સમયની એક સીમા છે, તેથી તેને સમેટી પણ શકતો નથી. એવું લાગી રહ્યું છે કે તમે મારી બહુ કસોટી કરી રહ્યા છો. તેમ છતાં, તમારી જ વાતોને આ મન કી બાતમાં પરોવીને ફરીથી એક વાર તમારી વચ્ચે વહેંચવા માગું છું.

તમને યાદ હશે કે ગયા વખતે મેં પ્રેમચંદજીની વાર્તાઓના એક પુસ્તક વિશે ચર્ચા કરી હતી અને આપણે નક્કી કર્યું હતું કે જે પણ પુસ્તક વાંચીએ તેના વિશે કંઈક વાતો NarendraModi Appના માધ્યમથી બધાની સાથે વહેંચીશું. હું જોઈ રહ્યો હતો કે મોટી સંખ્યામાં લોકોએ અનેક પ્રકારના પુસ્તકોની જાણકારી વહેંચી છે. મને સારું લાગ્યું કે લોકો વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, ઇનોવેશન, ઇતિહાસ, સંસ્કૃતિ, વેપાર, જીવનચરિત્ર એવા અનેક વિષયો પર લખાયેલાં પુસ્તકો પર અને તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો મને એમ પણ સલાહ આપી કે હું બીજાં પુસ્તકો વિશે પણ વાત કરું. ઠીક છે, હું જરૂર કેટલાંક બીજાં પુસ્તકો વિશે તમારી સાથે વાત કરીશ. પરંતુ એક વાત મારે સ્વીકારવી પડશે કે હવે હું પુસ્તકો વાંચવામાં બહુ વધુ સમય આપી શકતો નથી. પરંતુ એક ફાયદો એ જરૂર થયો છે કે તમે લોકો જે લખીને મોકલો છો તો અનેક પુસ્તકો વિશે મને જાણવાની તક જરૂર મળી રહી છે. પરંતુ ગત મહિનાના અનુભવ પરથી મને લાગે છે કે તેને આપણે આગળ વધારવાનું છે. શા માટે આપણે NarendraModiApp પર એક કાયમી Book’s corner ન બનાવી દઈએ? અને જ્યારે પણ આપણે નવાં પુસ્તકો વાંચીએ તેના વિશે ત્યાં લખીએ, ચર્ચા કરીએ. અને તમે આપણા આ Book’s corner માટે સારું નામ પણ સૂચવી શકો છો. હું ઈચ્છું છું કે આ Book’s corner વાચકો અને લેખકો માટે એક સક્રિય મંચ બની જાય. તમે વાંચતા રહો, લખતા રહો અને મન કી બાતના બધા સાથીઓ સાથે તેને વહેંચતા પણ રહો.

સાથીઓ, એવું લાગી રહ્યું છે કે જળસંરક્ષણ... મન કી બાતમાં જ્યારે મેં આ વાતને છેડી હતી... પરંતુ કદાચ આજે હું અનુભવ કરી રહ્યો છું કે મારા કહેતા પહેલા પણ જળસંરક્ષણ તે વિષય તમારા હૃદયને સ્પર્શનારો વિષય હતો, સામાન્ય માનવીની પસંદનો વિષય હતો. અને હું અનુભવ  કરી રહ્યો છું કે પાણીના વિષયે આજકાલ હિન્દુસ્તાનનાં દિલોને હચમચમાવી નાખ્યાં છે. જળસંરક્ષણ અંગે દેશભરમાં અનેક પ્રકારના પ્રભાવી પ્રયાસો ચાલી રહ્યા છે. લોકોએ પરંપરાગત રીતો અને ઉપાયો વિશે જાણકારીઓ તો જણાવી જ છે. મિડિયાએ પણ જળસંરક્ષણ પર અનેક નવીન ઝુંબેશો આદરી છે. સરકાર હોય, એનજીઓ હોય, બધાં યુદ્ધસ્તર પર કંઈક ને કંઈક કરી રહ્યાં છે. સામૂહિકતાનું સામર્થ્ય જોઈને મનને બહુ સારું લાગી રહ્યું છે, બહુ સંતોષ થઈ રહ્યો છે. જેમ કે ઝારખંડમાં રાંચીથી કેટલેક દૂર, ઓરમાંઝી પ્રખન્ડના આરા કેરમ ગામમાં, ત્યાંના ગ્રામીણોએ જળપ્રબંધન વિશે જે ઉત્સાહ દેખાડ્યો છે તે દરેક માટે ઉદાહરણ બની ગયું છે. ગ્રામીણોએ શ્રમ દાન કરીને પહાડથી વહેતા ઝરણાને એક નિશ્ચિત દિશા આપવાનું કામ કર્યું. તે પણ શુદ્ધ દેશી પદ્ધતિ. તેનાથી ન માત્ર માટીની કપાત અને પાકનો વેડફાટ રોકાયો છે, પરંતુ ખેતરોને પણ પાણી મળી રહ્યું છે. ગ્રામીણોનું આ શ્રમદાન હવે પૂરા ગામ માટે જીવનદાનથી ઓછું નથી. તમને સહુને એ જાણીને પણ ઘણી ખુશી થશે કે ઈશાન ભારતનું સુંદર રાજ્ય મેઘાલય દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે પોતાની જળ નીતિ- વૉટર પૉલિસી તૈયાર કરી છે. હું ત્યાંની સરકારને અભિનંદન આપું છું.

હરિયાણામાં, તે પાકની ખેતીને પ્રોત્સાહન અપાય છે જેમાં ઓછા પાણીની જરૂર પડે છે અને ખેડૂતને પણ કંઈ નુકસાન થતું નથી. હું હરિયાણા સરકારને વિશેષ રૂપથી અભિનંદન આપવા માગું છું કે તેમણે ખેડૂતો સાથે સંવાદ કરીને તેમને પરંપરાગત ખેતીથી હટીને ઓછા પાણીવાળા પાક માટે પ્રેરિત કર્યા.

હવે તહેવારોનો સમય આવી ગયો છે. તહેવારોના પ્રસંગે ઘણા મેળા પણ યોજાય છે. જળસંરક્ષણ માટે શા માટે આપણે આ મેળાનો ઉપયોગ પણ ન કરીએ? મેળામાં સમાજનો દરેક વર્ગ પહોંચે છે. તે મેળામાં પાણી બચાવવાનો સંદેશ આપણે ઘણી જ પ્રભાવી રીતે આપી શકીએ છીએ, પ્રદર્શન યોજી શકીએ છીએ, શેરી નાટકો કરી શકીએ છીએ, ઉત્સવોની સાથેસાથે જળસંરક્ષણનો સંદેશ ઘણી સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ.

સાથીઓ, જીવનમાં કેટલીક વાતો આપણામાં ઉત્સાહ ભરી દે છે અને વિશેષ રૂપે બાળકોની ઉપલબ્ધિઓ, તેમનાં પરાક્રમો, આપણને બધાંને નવી ઊર્જા આપે છે અને આથી આજે મને, કેટલાંક બાળકો વિશે વાત કરવાનું મન થાય છે અને આ બાળકો છે – નીધિ બાઇપોટુ, મોનીષ જોશી, દેવાંશી રાવત, તનુષ જૈન,

હર્ષ દેવધરકર, અનંત તિવારી, પ્રીતિ નાગ, અથર્વ દેશમુખ, અરોન્યતેશ ગાંગુલી અને હૃતિક અલા-મંદા.

હું તેમના વિશે જે કહીશ તેનાથી તમારામાં પણ ગર્વ અને જોશ ભરાઈ જશે. આપણે બધાં જાણીએ છીએ કે કેન્સર એક એવો શબ્દ છે જેનાથી સમગ્ર દુનિયા ડરે છે. એવું લાગે છે કે મૃત્યુ દ્વાર પર ઊભું છે, પરંતુ આ બધાં દસ બાળકોએ પોતાની જિંદગીના જંગમાં, ન માત્ર કેન્સર જેવી ઘાતક બીમારીને પરાજિત કરી છે, પરંતુ પોતાના પરાક્રમથી પૂરી દુનિયામાં ભારતનું નામ ઉજાળ્યું છે. રમતોમાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે ખેલાડી સ્પર્ધા જીત્યા કે ચંદ્રક મેળવ્યા પછી ચેમ્પ્યિન બને છે પરંતુ આ એક દુર્લભ અવસર રહ્યો, જ્યાં આ લોકો ખેલ સ્પર્ધામાં ભાગ લીધા પહેલાં જ ચેમ્પિયન હતા અને તે પણ જિંદગીની જંગના ચેમ્પિયન.

હકીકતે, આ મહિને મૉસ્કોમાં વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ્સનું આયોજન થયું. આ એક એવી અનોખી રમત સ્પર્ધા છે જેમાં યંગ કેન્સર સર્વાઇવર એટલે કે એ લોકો જે જીવનમાં કેન્સરથી લડીને બહાર નીકળ્યા છે તે જ ભાગ લે છે. આ પ્રતિયોગિતામાં શૂટિંગ, ચેસ, સ્વિમિંગ, રનિંગ, ફૂટબૉલ અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આપણા દેશના આ બધા દસ ચેમ્પિયનોએ આ ટુર્નામેન્ટમાં ચંદ્રકો જીત્યા. તેમાં કેટલાક ખેલાડીઓએ તો એક કરતા વધુ રમતોમાં ચંદ્રકો જીત્યા.

મારા પ્રિય દેશવાસીઓ, મને પૂરો વિશ્વાસ છે કે તમને આકાશને પાર, અંતરિક્ષમાં, ભારતની સફળતા વિશે, જરૂર ગર્વ થયો હશે- હું ચંદ્રયાન-2ની વાત કરું છું.

રાજસ્થાનના જોધપુરના સંજીવ હરિપુરા, કોલકાતાના મહેન્દ્રકુમાર ડાગા, તેલંગણાથી પી. અરવિંદરાવ, આવા અનેક, દેશભરના અલગ-અલગ ભાગોથી, અનેક લોકોએ મને NarendraModi App  અને MyGov પર લખ્યું છે અને તેમણે મન કી બાતમાં ચંદ્રયાન-2 વિશે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો છે.

હકીકતે, અંતરિક્ષની દૃષ્ટિએ 2019 ભારત માટે ઘણું સારું રહ્યું. આપણા વૈજ્ઞાનિકોએ માર્ચમાં, A-SAT  છોડ્યો હતો અને તે પછી ચંદ્રયાન-2. ચૂંટણીની દોડાદોડીમાં તે સમયે A-SAT જેવા મોટા અને મહત્ત્વપૂર્ણ સમાચારની વધુ ચર્ચા થઈ નહોતી શકી. આપણે A-SAT મિસાઇલથી માત્ર ત્રણ મિનિટમાં, ત્રણસો કિલોમીટર દૂર સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી હતી. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારું ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો અને હવે 22 જુલાઈના રોજ સમગ્ર દેશે ગર્વની સાથે જોયું કે ચંદ્રયાન-2એ શ્રીહરિકોટાથી અંતરિક્ષની તરફ પોતાનાં ડગ ઉપાડ્યાં. ચંદ્રયાન-2ના પ્રક્ષેપણની તસવીરોએ દેશવાસીઓને ગૌરવ અને જોશથી, પ્રસન્નતાથી ભરી દીધા.

ચંદ્રયાન-2 મિશન અનેક રીતે વિશેષ છે. ચંદ્રયાન-2 ચંદ્ર વિશે આપણી સમજને વધુ સ્પષ્ટ કરશે. તેનાથી આપણને ચંદ્ર વિશે વધુ વિસ્તારથી જાણકારીઓ મળશે. પરંતુ જો તમે મને પૂછશો કે ચંદ્રયાન-2થી મને કઈ બે મોટી શીખામણ મળી, તો હું કહીશ, આ બે શીખામણ છે- ફેઇથ અને ફીયરલેસનેસ એટલે કે શ્રદ્ધા અને નિર્ભિકતા. આપણને આપણી ટેલન્ટ્સ અને કેપેસિટિઝ પર ભરોસો હોવો જોઈએ, આપણને આપણી પ્રતિભા અને ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ. તમને એ જાણીને આનંદ થશે કે ચંદ્રયાન-2 પૂરી રીતે ભારતીય રંગમાં ઢળેલું છે. તે ઉદ્દેશ્ય અને ભાવનાની રીતે ભારતીય છે. પૂરી રીતે તે એક સ્વદેશી મિશન છે. આ મિશને એક વાર ફરી એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા-નવા ક્ષેત્રમાં કંઈક નવીન કરી બતાવવાની હોય, નાવિન્યપૂર્ણ ઉત્સાહની હોય તો આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે, વિશ્વસ્તરીય છે.

બીજો મહત્ત્વપૂર્ણ પાઠ એ રહ્યો કે કોઈ પણ વિઘ્નથી ગભરાવું ન જોઈએ. જે રીતે આપણા વૈજ્ઞાનિકોએ વિક્રમી સમયમાં, દિવસ-રાત એક કરીને બધી ટૅક્નિકલ સમસ્યાઓને ઠીક કરીને ચંદ્રયાન-બેને લૉન્ચ કર્યું તે અભૂતપૂર્વ છે. વૈજ્ઞાનિકોની આ મહાન તપસ્યાને સમગ્ર દુનિયાએ જોઈ. તેના પર આપણને સહુને ગર્વ હોવો જોઈએ અને વ્યવધાન છતાં પણ પહોંચવાનો સમય તેમણે બદલ્યો નહીં. આ વાતનું પણ ઘણાને આશ્ચર્ય છે. આપણને આપણા જીવનમાં પણ ટેમ્પરરી સેટબેક્સ અર્થાત્ અસ્થાયી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હંમેશાં યાદ રાખો કે તેને પાર પાડવાનું સામર્થ્ય આપણી અંદર જ હોય છે. મને પૂરી આશા છે કે ચંદ્રયાન-2 અભિયાન દેશના યુવાઓને વિજ્ઞાન અને ઇનોવેશન માટે પ્રેરિત કરશે. છેવટે, વિજ્ઞાન જ તો વિકાસનો માર્ગ છે. હવે આપણને આતુરતાથી સપ્ટેમ્બર મહિનાની રાહ છે જ્યારે ચંદ્રમાની સપાટી પર લેન્ડર વિક્રમ અને રૉવર-પ્રજ્ઞાનનું ઉતરાણ થશે.

આજે મન કી બાતના માધ્યમથી, હું દેશના વિદ્યાર્થી દોસ્તોની સાથે, યુવા સાથીઓની સાથે પણ એક બહુ જ રસપ્રદ સ્પર્ધા વિશે જાણકારી વહેંચવા માગું છું અને દેશના યુવક-યુવતીઓને નિમંત્રિત કરું છું- એક ક્વિઝ કોમ્પિટિશન માટે. અંતરિક્ષ સાથે સંબંધિત જિજ્ઞાસાઓ, ભારતનું સ્પેસ મિશન, સાયન્સ અને ટૅક્નૉલૉજી- આ ક્વિઝ કોમ્પ્ટિશનના મુખ્ય વિષયો હશે, જેમ કે રૉકેટ છોડવા માટે શું-શું કરવું પડે છે. સેટેલાઇટને કેવી રીતે કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે અને સેટેલાઇટથી આપણે કઈ કઈ માહિતીઓ મેળવીએ છીએ, A-SAT શું હોય છે, ઘણી બધી વાતો છે. MyGov website પર પહેલી ઑગસ્ટે સ્પર્ધાની વિગતો આપવામાં આવશે.

હું યુવા સાથીઓને, વિદ્યાર્થીઓને, અનુરોધ કરું છું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લો અને પોતાની સહભાગિતાથી તેને રસપ્રદ, રોચક અને યાદગાર બનાવો. હું શાળાઓને, વાલીઓને, ઉત્સાહી આચાર્યોને અને શિક્ષકોને વિશેષ આગ્રહ કરું છું કે તેઓ પોતાની શાળાઓને વિજયી બનાવવા માટે ભરપૂર મહેનત કરે. બધા વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે અને સૌથી રોમાંચક બાબત એ છે કે દરેક રાજ્યમાંથી સૌથી વધુ ગુણાંક મેળવનારા વિદ્યાર્થીઓને ભારત સરકાર પોતાના ખર્ચે શ્રીહરિકોટા લઈ જશે અને સપ્ટેમ્બરમાં તેમને એ પળના સાક્ષી બનવાનો અવસર મળશે કે જ્યારે ચંદ્રયાન ચંદ્રમાની સપાટી પર ઉતરાણ કરી રહ્યું હશે. આ વિજયી વિદ્યાર્થીઓ માટે તેમના જીવનની આ ઐતિહાસિક ઘટના હશે. પરંતુ તે માટે તમારે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવો પડશે, સૌથી વધુ અંક પ્રાપ્ત કરવાના રહેશે, તમારે વિજયી થવાનું રહેશે.

સાથીઓ, મારું આ સૂચન તમને જરૂર ગમ્યું હશે- છે ને મજેદાર અવસર. તો આપણે ક્વિઝમાં ભાગ લેવાનું ન ભૂલીએ અને વધુમાં વધુ સાથીઓને પ્રેરિત પણ કરીએ.

મારા પ્રિય દેશવાસીઓ, તમે એક વાત નોંધી હશે. આપણી મનની વાતોએ સ્વચ્છતા અભિયાનને સમય સમય પર ગતિ આપી છે અને આ જ રીતે સ્વચ્છતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોએ પણ મન કી બાતને હંમેશાં પ્રેરણા આપી છે. પાંચ વર્ષ પહેલાં શરૂ કરાયેલી આ યાત્રા આજે જન-જનની સહભાગિતાથી, સ્વચ્છતા માટે નવા-નવા માનદંડ સ્થાપિત કરી રહી છે. એવું નથી કે આપણે સ્વચ્છતામાં આદર્શ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે, પરંતુ જે પ્રકારે ODFથી લઈને સાર્વજનિક સ્થળો સુધી સ્વચ્છતા અભિયાનને સફળતા મળી છે, તે એકસો ત્રીસ કરોડ દેશવાસીઓના સંકલ્પની તાકાત છે, પરંતુ આપણે આટલેથી અટકવાના નથી. આ આંદોલન હવે સ્વચ્છતાથી સુંદરતાની તરફ આગળ વધી રહ્યું છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ હું મિડિયામાં શ્રીમાન યોગેશ સૈની અને તેમની ટીમની વાત જોઈ રહ્યો હતો. યોગેશ સૈની એન્જિનિયર છે અને અમેરિકામાં પોતાની નોકરી છોડીને મા ભારતીની સેવા માટે પાછા આવ્યા છે. તેમણે કેટલાક સમય પહેલાં દિલ્હીને સ્વચ્છ જ નહીં, પરંતુ સુંદર બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમણે પોતાની ટીમ સાથે લોધી ગાર્ડનની કચરાપેટીઓથી શરૂઆત કરી. સ્ટ્રીટ આર્ટના માધ્યમથી, દિલ્હીના અનેક વિસ્તારોને, સુંદર ચિત્રકામથી સજાવવા-શણગારવાનું કામ કર્યું. ઑવર બ્રિજ અને શાળાઓની દીવાલોથી લઈને ઝૂંપડપટ્ટીઓ સુધી, તેમણે પોતાના કસબને કંડારવાનું શરૂ કર્યું તો લોકોનો સાથ પણ મળતો ગયો અને આ ક્રમ શરૂ થઈ ગયો. તમને યાદ હશે કે કુંભ દરમિયાન પ્રયાગરાજને પણ કઈ રીતે સ્ટ્રીટ પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું હતું. મને ખબર પડી ભાઈ યોગેશ સૈનીએ અને તેમની ટીમે તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. રંગ અને રેખાઓમાં કોઈ અવાજ ભલે ન હોય, પરંતુ તેનાથી બનેલી તસવીરોથી જે ઈન્દ્રધનુષ બને છે તેમનો સંદેશ હજારો શબ્દોથી પણ વધુ પ્રભાવકારી સિદ્ધ થાય છે અને સ્વચ્છતા અભિયાનની સુંદરતામાં પણ આ વાતનો અનુભવ આપણે કરીએ છીએ. આપણા માટે ઘણું જરૂરી છે કે વેસ્ટ ટૂ વેલ્થ બનાવવાની સંસ્કૃતિ આપણા સમાજમાં વિકસે. એક રીતે કહીએ તો, આપણે કચરાને કંચન બનાવવાની દિશામાં આગળ વધવાનું છે.

મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં MyGov પર મેં એક ઘણી જ રસપ્રદ ટીપ્પણી વાંચી. આ કૉમેન્ટ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેનારા ભાઈ મુહમ્મદ અસલમની હતી.

તેમણે લખ્યું- મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું ગમે છે. મને એ જણાવતાં ખુશી થાય છે કે મેં મારા રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં Community Mobilization Programme – Back To Village ના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી. આ કાર્યક્રમનું આયોજન જૂન મહિનામાં થયું હતું. મને લાગે છે કે આવા કાર્યક્રમ દર ત્રણ મહિને આયોજિત થવા જોઈએ. તેની સાથે જ, કાર્યક્રમની ઑનલાઇન મૉનિટરિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ. મારા વિચારથી તે આ પ્રકારનો પહેલો કાર્યક્રમ હતો, જેમાં જનતાએ સરકાર સાથે સીધો સંવાદ કર્યો.

ભાઈ મુહમ્મદ અસલમજીએ જે સંદેશ મને મોકલ્યો અને તેને વાંચ્યા પછી Back To Village કાર્યક્રમ વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ અને જ્યારે મેં આ વિશે વિસ્તારથી જાણ્યું તો મને લાગ્યું કે સમગ્ર દેશને પણ તેની જાણકારી હોવી જોઈએ. કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડાવા કેટલા આતુર છે, કેટલા ઉત્સાહી છે, તે આ કાર્યક્રમથી ખબર પડે છે. આ કાર્યક્રમમાં, પહેલી વાર મોટા-મોટા અધિકારીઓ સીધા ગામોમાં પહોંચ્યા. જે અધિકારીઓને કયારેય ગામના લોકોએ જોયા પણ નહોતા તેઓ સામે ચાલીને તેમના દરવાજે પહોંચ્યા જેથી વિકાસના કામમાં આવી રહેલાં વિઘ્નોને સમજી શકાય, સમસ્યાઓને દૂર કરી શકાય. આ કાર્યક્રમ અઠવાડિયા સુધી ચાલ્યો અને રાજ્યની બધી લગભગ સાડા ચાર હજાર પંચાયતોમાં સરકારી અધિકારીઓએ ગામના લોકોને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની વિસ્તારથી જાણકારી આપી. તે પણ જાણ્યું કે તેમના સુધી સરકારી સેવાઓ પહોંચે પણ છે કે નહીં. પંચાયતોને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય?  તેમની આવકને કેવી રીતે વધારી શકાય? તેમની સેવાઓ સામાન્ય માનવીના જીવનમાં શું પ્રભાવ પેદા કરી શકે છે? ગામના લોકોએ પણ નિઃસંકોચ પોતાની સમસ્યાઓ બતાવી. સાક્ષરતા, સેક્સ રેશિયો, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, જળસંરક્ષણ, વીજળી, પાણી, બાળકીઓનું શિક્ષણ, વૃદ્ધોના પ્રશ્નો...આવા અનેક પ્રશ્નો પર પણ ચર્ચા થઈ.

સાથીઓ, આ કાર્યક્રમમાં માત્ર નામપૂરતું નહોતું કે અધિકારીઓ દિવસભર ગામડામાં ફરીને પાછા આવી જાય પરંતુ આ વખતે અધિકારીઓએ બે દિવસ અને એક રાત પંચાયતમાં જ  વિતાવી. તેનાથી તેમને ગામમાં સમય પસાર કરવાની તક મળી. દરેકને મળવાનો પ્રયાસ કર્યો. દરેક સંસ્થા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તે કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે બીજી અનેક ચીજોને પણ સમાવિષ્ટ કરાઈ. ખેલો ઇન્ડિયા હેઠળ બાળકો માટે રમત સ્પર્ધા યોજવામાં આવી. વળી, સ્પૉર્ટ્સ કિટ, મનરેગાના જૉબ કાર્ડ અને એસસી-એસટી પ્રમાણપત્રો પણ વહેંચવામાં આવ્યા. Financial Literacy Camp લગાડવામાં આવ્યા. એગ્રિકલ્ચર, હૉર્ટિકલ્ચર જેવા સરકારી વિભાગોની તરફથી સ્ટૉલ લગાવવામાં આવ્યા અને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી. એક રીતે, આ આયોજન, એક વિકાસ ઉત્સવ બની ગયો, જનભાગીદારીનો ઉત્સવ બની ગયો, જનજાગૃતિનો ઉત્સવ બની ગયો. કાશ્મીરના લોકો વિકાસના આ ઉત્સવમાં મોકળાશથી ભાગીદાર બન્યા. આનંદની વાત એ છે કે ‘Back to villageકાર્યક્રમનું આયોજન એવાં અંતરિયાળ ગામોમાં પણ કરવામાં આવ્યું, જ્યાં પહોંચવામાં સરકારી અધિકારીઓને દુર્ગમ રસ્તાઓથી થઈને પહાડો ચડતાં-ચડતાં ક્યારેક તો એક દિવસ, દોઢ દિવસ પગપાળા યાત્રા પણ કરવી પડી. આ અધિકારીઓ તે સીમાવર્તી પંચાયતો સુધી પણ પહોંચ્યા, જે હંમેશાં સીમા પારથી થતા ગોળીબારોના ઓથારમાં રહે છે. એટલું જ નહીં, શોપિયાં, પુલવામા, કુલગામ અને અનંતનાગ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ અધિકારી કોઈ પણ ભય વગર પહોંચ્યા. કેટલાક અધિકારીઓ તો પોતાના સ્વાગતથી એટલા અભિભૂત થયા કે તેઓ બે દિવસથી વધુ સમય સુધી ગામડામાં રોકાઇ રહ્યા. તે વિસ્તારોમાં ગ્રામ સભાઓનું આયોજન થવું, તેમાં મોટી સંખ્યામાં લોકોનું ભાગ લેવું અને પોતાના માટે યોજનાઓ તૈયાર કરવી, આ બધું ઘણું સુખદ છે. નવો સંકલ્પ, નવો જોશ અને શાનદાર પરિણામો. આવા કાર્યક્રમો અને તેમાં લોકોની ભાગીદારી એ બતાવે છે કે કાશ્મીરનાં આપણાં ભાઈબહેન સુશાસન ચાહે છે. તેનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિકાસની શક્તિ બોમ્બ-બંદૂકની શક્તિ પર હંમેશાં ભારે પડે છે. તે સ્પષ્ટ છે કે જે લોકો વિકાસના માર્ગમાં નફરત ફેલાવવા માગે છે, અવરોધ પેદા કરવા માગે છે, તેઓ ક્યારેય પોતાના નાપાક ઈરાદાઓમાં સફળ નહીં થઈ શકે.

મારા પ્રિય દેશવાસીઓ, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રીમાન દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રેએ પોતાની એક કવિતામાં શ્રાવણ માસનો મહિમા કંઈક આ રીતે પ્રસ્તુત કર્યો છે.

આ કવિતામાં તેમણે કહ્યું છે-

होडिगे मडिगे आग्येद लग्नाअदराग भूमि मग्ना

અર્થાત્ વરસાદી વાછટ અને પાણીની ધારાનું બંધન અનોખું છે અને તેના સૌંદર્યને જોઈને પૃથ્વી મગ્ન છે.

સંપૂર્ણ ભારતવર્ષમાં અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષાઓના લોકો શ્રાવણ મહિનાને પોતપોતાની રીતે ઉજવે છે. આ ઋતુમાં આપણે જ્યારે પણ આપણી આસપાસ જોઈએ છીએ તો એવું લાગે છે કે જાણે, ધરતીએ હરિયાળી ચાદર ઓઢી લીધી હોય. ચારેકોર, એક નવી ઊર્જાનો સંચાર થવા લાગે છે. આ પવિત્ર મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા અને અમરનાથ યાત્રા પર જાય છે, જયારે અનેક લોકો, નિયમિત રીતે ઉપવાસ કરે છે અને ઉત્સુકતાપૂર્વક જન્માષ્ટમી અને નાગપંચમી જેવા તહેવારોની રાહ જુએ છે. આ દરમિયાન જ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે. શ્રાવણ મહિનાની જ્યારે વાત થઈ રહી છે ત્યારે તમને જાણીને ઘણો આનંદ થશે કે આ વખતે અમરનાથ યાત્રામાં છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ શ્રદ્ધાળુ સામેલ થયા છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ તીર્થયાત્રીઓ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરી ચૂક્યા છે. 2015માં પૂરા 60 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં જેટલા તીર્થયાત્રીઓ સામેલ થયા હતા, તેનાથી વધુ આ વખતે માત્ર 28 દિવસોમાં જ સામેલ થઈ ચૂક્યા છે.

અમરનાથ યાત્રાની સફળતા માટે, હું ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકો અને તેમના આતિથ્યની પણ પ્રશંસા કરવા માગું છું. જે લોકો પણ યાત્રાથી પાછા ફરે છે તેઓ રાજ્યના લોકોના ઉમળકા અને આત્મીયતાની ભાવનાના પ્રશંસક બની જાય છે. આ બધી ચીજો ભવિષ્યમાં પર્યટન માટે ઘણી લાભદાયક સાબિત થનારી છે. મને કહેવામાં આવ્યું કે ઉત્તરાખંડમાં પણ આ વર્ષે જ્યારથી ચારધામ યાત્રા શરૂ થઈ છે, ત્યારથી દોઢ મહિનાની અંદર આઠ લાખથી વધુ શ્રદ્ધાળુ કેદારનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. 2013માં આવેલી ભીષણ આપત્તિ પછી, પહેલી વાર આટલી રેકૉર્ડ સંખ્યામાં તીર્થયાત્રી ત્યાં પહોંચ્યા છે.

મારી આપ સહુને અપીલ છે કે દેશના તે હિસ્સાઓમાં આપ જરૂર જાવ, જેની સુંદરતા ચોમાસા દરમિયાન ખૂબ જ ખીલી ઊઠે છે. પોતાના દેશની આ સુંદરતાને જોવા અને પોતાના દેશના લોકોની લાગણીને સમજવા માટે પર્યટન અને યાત્રા, કદાચ, તેનાથી મોટો શિક્ષક બીજો કોઈ ન હોઈ શકે.

મારી આપ સહુને શુભકામના છે કે શ્રાવણનો આ સુંદર અને જીવંત મહિનો તમારા બધામાં નવી ઊર્જા, નવી આશા અને નવી અપેક્ષાઓનો સંચાર કરે. આ જ રીતે ઑગસ્ટ મહિનો ભારત છોડોની યાદ લઈને આવે છે. હું ઈચ્છીશ કે આપ સહુ 15 ઑગસ્ટની કંઈક વિશેષ તૈયારીઓ કરો. આઝાદીનું આ પર્વ મનાવવાની નવી રીત શોધો. જનભાગીદારી વધે. 15 ઑગસ્ટ લોકોત્સવ કેવી રીતે બને? જનોત્સવ કેવી રીતે બને? તેની ચિંતા આપ જરૂર કરો. બીજી તરફ આ જ એ સમય છે જ્યારે દેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક ભાગોમાં દેશવાસીઓ પૂરથી ગ્રસ્ત છે. પૂરથી અનેક પ્રકારનું નુકસાન પણ ઉઠાવવું પડે છે. પૂરના સંકટથી ઘેરાયેલા તમામ લોકોને હું આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર, રાજ્ય સરકારો સાથે મળીને, પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવાનું કામ ખૂબ ઝડપથી કરી રહ્યું છે. આમ તો આપણે જ્યારે ટીવી પર જોઈએ છે ત્યારે વરસાદનું એક જ પાસું આપણને દેખાય છે- બધી તરફ પૂર, ભરાયેલાં પાણી, ટ્રાફિક જામ. ચોમાસાની બીજી તસવીર- જેમાં આનંદિત થતો આપણો ખેડૂત, કલરવ કરતાં પક્ષી, વહેતાં ઝરણાં, હરિયાળી ચાદર ઓઢેલી ધરતી...આ બધું જોવા માટે તો તમારે પોતે જ પરિવાર સાથે બહાર નીકળવું પડશે. વરસાદ, તાજગી અને ખુશી અર્થાત ફ્રેશનેસ અને હેપ્પીનેસ- બંનેને પોતાની સાથે લાવે છે. મારી કામના છે કે આ ચોમાસું તમને બધાને અવિરત ખુશીઓથી ભરતું રહે. આપ સૌ સ્વસ્થ રહો.

મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાત ક્યાં શરૂ કરીએ, ક્યાં રોકાઈએ-ઘણું મુશ્કેલ કામ લાગે છે, પરંતુ છેવટે સમયની સીમા પણ હોય છે. એક મહિનાની રાહ પછી ફરી આવીશ. ફરી મળીશ. આખો મહિનો તમે મને ઘણી વાતો કહેજો. હું આવનારી મન કી બાતમાં તે બધાને જોડવાનો પ્રયાસ કરીશ અને મારા યુવા સાથીઓને ફરી યાદ અપાવું છું કે તમે ક્વિઝ કોમ્પિટિશનની તક છોડતા નહીં. તમે શ્રીહરિકોટા જવાની જે તક મળવાની છે તેને કોઈ પણ સ્થિતિમાં ગુમાવશો નહીં.

તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 


(Release ID: 1580574) Visitor Counter : 640