પ્રધાનમંત્રીનું કાર્યાલય

જી20 શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 28 JUN 2019 8:50AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 28-06-2019

મહાનુભાવો,

સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ બોલ્સનારોને બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવા માટે અભિનંદન પાઠવું છું. અને બ્રિક્સ પરિવારમાં એમનું હું સ્વાગત કરું છું. હું રાષ્ટ્રપતિ બોલ્સનારોને આ બેઠકનાં આયોજન માટે હાર્દિક ધન્યવાદ પણ આપું છું. આ પ્રસંગે અમારા મિત્ર રામાફોસાને દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ પુનઃ ચૂંટાવા બદલ અભિનંદન અને શુભકામનાઓ આપું છું.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલન દરમિયાન

બ્રિક્સની બેઠકને સંબોધન કરી રહ્યાં છે.


મહાનુભાવો

આ પ્રકારની અનૌપચારિક ચર્ચાવિચારણામાંથી આપણને જી-20નાં મુખ્ય વિષયો પર એકબીજા સાથે સમન્વયની તક મળે છે. આજે હું ત્રણ મુખ્ય પડકારો પર ધ્યાન આપીશ. પ્રથમ, વૈશ્વિક અર્થતંત્રમાં મંદી અને અનિશ્ચિતતા. નિયમો પર આધારિત બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થા પર એકતરફી નિર્ણય અને સ્પર્ધા હાવી થઈ રહ્યાં છે. જોકે બીજી તરફ, સંસાધનોની ખેંચ એ હકીકતમાં જોવા મળે છે કે, વિકાસશીલ બજારોનાં અર્થતંત્રનાં માળખગત રોકાણમાં અંદાજે 1.3 ટ્રિલિયન ડોલરની ખેંચ છે.

બીજો મોટો પડકાર છે વિકાસ અને પ્રગતિને સર્વસમાવેશક અને સાતત્યપૂર્ણ બનાવવાનો. ડિજિટલાઇઝેશન જેવી ઝડપથી બદલાતી ટેકનોલોજી અને અને જળવાયુ પરિવર્તન જેવી બાબતો ફક્ત આપણા માટે જ નહીં, આગામી પેઢીઓ માટે પણ ચિંતાનો વિષય છે. જ્યારે આ અસમાનતામાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં યોગદાન આપવામાં આવશે, ત્યારે ખરાં અર્થમાં વિકાસ થશે. આતંકવાદ સારી માનવતા માટે મોટો ખતરો છે. એ નિર્દોષોનો જીવ લેવાની સાથે આર્થિક પ્રગતિ અને સામાજિક સ્થિરતા પર બહુ ખરાબ પણ પાડે છે. આપણે આતંકવાદઅને જાતિવાદીઓને સમર્થન અને સહાયતાનાં તમામ માર્ગો બંધ કરવા પડશે.

મહાનુભાવો

આ સમસ્યાઓનું સમાધાન સરળ નથી, પણ સમયની મર્યાદા હોવાથી 5 મુખ્ય સૂચનો કરવા ઇચ્છું છું:

  1. બ્રિક્સ દેશો વચ્ચે તાલમેળ સ્થાપિત થવાથી એકતરફી નિર્ણયોનાં ખરાબ પરિણામોનું નિદાન અમુક હદ સુધી થઈ શકે છે. આપણે સુધારેલા બહુપક્ષીયવાદ માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વેપારી સંસ્થાઓ અને સંગઠનોમાં જરૂરી સુધારાં પર ભાર મૂકતાં રહીશું.
  2. સતત આર્થિક વિકાસ માટે જરૂરી ઊર્જાનાં સંસાધનો, જેમ કે ઓઇલ અને ગેસ ઓછી કિંમતો પર ઉપલબ્ધ થવા જોઈએ.
  3. ન્યુ ડેવલપમેન્ટ બેન્ક દ્વારા સભ્ય દેશોનાં ભૌતિક અને સામાજિક માળખું તથા પુનઃપ્રાપ્ય ઊર્જાના કાર્યક્રમોમાં રોકાણને પ્રાથમિકતા મળવી જોઈએ. ભારતની પહેલ કુદરતી આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેનું સંગઠન એ અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશોને કુદરતી આપત્તિઓનો સામનો કરવા માટેના ઉચિત માળખામાં સહાયક બનશે. હું તમને આ સંગઠનમાં સામેલ થવા અપીલ કરું છું.
  4. વિશ્વમાં કુશળ કારીગરોની અવરજવર સરળ હોવી જોઈએ. એનાથી એ દેશોને પણ લાભ થશે, જ્યાં વસતિનો એક મોટો ભાગ કામકાજની ઉંમર વટાવી ગયો છે.
  5. મેં તાજેતરમાં જ આતંકવાદ પર એક વૈશ્વિક પરિષદની અપીલ કરી છે. આતંકવાદ સામે લડાઈ માટે જરૂરી સહમતિનો અભાવ આપણે નિષ્ક્રિય રાખી ન શકે. આતંકવાદ વિરૂદ્ધ સંઘર્ષને મુખ્ય પ્રાથમિકતાઓમાં સ્થાન આપવા માટે હું બ્રાઝિલની પ્રશંસા કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકામાં બ્રિક્સના નેતાઓ સાથે દ્રશ્યમાન થાય છે

 

મહાનુભાવો

બ્રાઝીલિયામાં બ્રિક્સ શિખર સંનેલનની હું આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યો છું. આ શિખર સંમેલનને સફળ બનાવવા માટે ભારત સંપૂર્ણ સહયોગ કરશે.

તમારો ખૂબ-ખૂબ આભાર.

 

DK/NP/GP



(Release ID: 1576200) Visitor Counter : 315