ગૃહ મંત્રાલય

કેબિનેટ સચિવનાં અધ્યક્ષપદે ચક્રવાતી તોફાન ‘ફેની’થી ઊભા થયેલા સ્થિતિસંજોગો સામે પૂર્વતૈયારીનાં પગલાંની સમીક્ષા કરવા એનસીએમસીની બેઠક યોજાઈ

Posted On: 29 APR 2019 1:21PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-04-2019

 

કેબિનટ સચિવના અધ્યક્ષપદ હેઠળ આજે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠક યોજાઈ હતી, જેમાં ચક્રવાતી તોફાન ફેનીને કારણે ઊભા થયેલા સ્થિતિસંજોગોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવો/અગ્ર સચિવો વીડિયો કોન્ફરન્સ મારફતે સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રાલયો/સંસ્થાઓનાં વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠક દરમિયાન રાજ્ય સરકારના તમામ સંબંધિત અધિકારીઓએ ચક્રવાતી તોફાનને કારણે ઊભા થનારા કોઈપણ સ્થિતિ સંજોગોનો સામનો કરવાની તેમની સંપૂર્ણ તૈયારી હોવાની પુષ્ટિ કરી હતી. ઉપરાંત રાજ્ય સરકારોએ માછીમારોને દરિયામાં સાહસ ન ખેડવાની પર્યાપ્ત ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે, પ્રજનનનો સમયગાળો હોવાનાં કારણે 14મી જૂન સુધી દરિયામાં માછીમારી પર સિઝનલ પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારોને આ પ્રતિબંધનો અસરકારક અમલ કરવાની સલાહ આપવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને તેમની વિનંતી પ્રમાણે એસડીઆરએફનાં હપ્તાની આગોતરી ચૂકવણી કરવાની ખાતરી આપી હતી.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાતી તોફાન ફેની અત્યારે ચેન્નાઈનાં દક્ષિણ પૂર્વમાં 880 કિમીનાં અંતરે સ્થિત છે. 30 એપ્રિલ સુધીમાં અતિ ગંભીર ચક્રવાતી તોફાન ઊભું થવાની શક્યતા છે. આ તોફાન 1 મે, 2019 સુધી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને પછી ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ પુનઃવળાંક લેશે. સરકાર પૂર્વનાં દરિયાકિનારે સ્થિત રાજ્યો પર એની અસર પર બારીક નજર રાખી રહી છે.

એનડીઆરએફ અને ભારતીય તટરક્ષક દળને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે તથા રાજ્ય સરકારનાં સત્તામંડળો સાથે સંકલન કરે છે. તેમણે યોગ્ય તૈયારીઓ કરી છે. માછીમારોને દરિયામાં ન જવાની નિયમિત ચેતવણીઓ 25 એપ્રિલ, 2019થી રજૂ થાય છે જે દરિયો ખેડવા ગયેલા છે એમને કિનારે પરત ફરવા જણાવ્યું છે. આઇએમડી સંબંધિત તમામ રાજ્યોને તાજેતરની આગાહી સાથે ત્રણ કલાકનું બુલેટીન પ્રસ્તુત કરે છે. ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની સંબંધિત સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં પણ છે.

પ્રધાનમંત્રી આ સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યાં છે, એમનાં સૂચનને પગલે એનસીએમસીની બેઠક યોજવામાં આવી હતી. હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવતીકાલે એનસીએમસીની બેઠક ફરી યોજાશે.

 

DK/NP/JKhunt/GP                                         



(Release ID: 1571289) Visitor Counter : 256