પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ કાનપુરની મુલાકાત લીધી; વિવિધ વિકાસ યોજનાઓનો શુભારંભ કર્યો

Posted On: 08 MAR 2019 4:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં કાનપુરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ લખનઉ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે પંકી થર્મલ પાવર પ્લાન્ટનું શિલારોપણ કર્યું હતું તથા કાનપુરમાં નિરાલાનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, કાનપુર ઘણાં બહાદૂર સૈનિકોની જન્મભૂમિ છે, જેમણે દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે, આજે શરૂ થયેલા વિવિધ પ્રોજેક્ટ કાનપુર અને ઉત્તરપ્રદેશનાં લોકોનાં જીવનની કાયાપલટ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કાનપુરમાં વીજળીની ઉપલબ્ધતા વધારવા ઘણી મહેનત કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે પંકી થર્મલ પાવર પ્લાન્ટનો ઉલ્લેખ કર્યો હતો તથા કાનપુર અને ઉત્તરપ્રદેશમાં વીજળીની ઉણપની સ્થિતમાં પરિવર્તન આવશે, સૌભાગ્ય યોજના હેઠળ ઉત્તરપ્રદેશમાં 76 લાખથી વધારે જોડાણ આપવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ ગંગા નદીને સ્વચ્છ કરવા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ ગંગા નદીને સ્વચ્છ કરવાનો વિચાર અશક્ય લાગતો હતો, પણ અત્યારે તેમની સરકારે આ અશક્યને શક્ય બનાવ્યું છે, કેટલીક કામગીરીઓ સુએઝ વોટર ટ્રીટમેન્ટ માટે હાથ ધરવામાં આવી છે, જે નદી સુધી પહોંચતી ગંદકીને અટકાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં આકાર લઈ રહેલા ડિફેન્સ કોરિડોરથી કાનપુરનાં લોકોને મોટો લાભ થશે. તેમણે કહ્યું હતું કે, જમીન માર્ગ, હવાઈ માર્ગ અને રેલ માર્ગમાં મુખ્ય માળખાગત સુવિધાઓનું નિર્માણ થયું છે, જેમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ રાજ્યમાં શરૂ થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી ઉત્તરપ્રદેશનું પરિવર્તન થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં દેશમાં દરેક કુટુંબ પાસે મકાન હશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે 1.5 કરોડ ઘરોનું નિર્માણ થયું છે.

પ્રધાનમંત્રીએ પુલવામા હુમલામાં અને બુડગામ ક્રેશમાં જેમણે પોતાના જીવ ગુમાવ્યાં એવા કાનપુરનાં બહાદૂર સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આતંકવાદ સામે મજબૂત કામગીરી કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં એકતાનું વાતાવરણ જાળવવું મહત્વપૂર્ણ છે. તેમણે તાજેતરમાં કાશ્મીરીઓ સામે થયેલા હુમલા કરનાર લોકો સામે ઝડપથી કામગીરી કરવા બદલ ઉત્તરપ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે તમામ રાજ્ય સરકારોને આ પ્રકારનું કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કામગીરી કરવા અપીલ કરી હતી.

 

RP



(Release ID: 1568390) Visitor Counter : 161