પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અમદાવાદમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો

અમદાવાદ મેટ્રોનાં પ્રથમ તબક્કાને લીલી ઝંડી આપી; નવી સિવિલ હોસ્પિટલ અને નવી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

Posted On: 04 MAR 2019 8:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આજે અમદાવાદનાં વસ્ત્રાલ ગામ સ્ટેશનમાં અમદાવાદ મેટ્રો સેવાનાં પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. તેમણે અમદાવાદ મેટ્રોનાં બીજા તબક્કા માટેનો શિલાન્યાસ પણ કર્યો હતો. વન નેશન, વન કાર્ડ મોડલ પર આધારિત ભારતની પ્રથમ સ્વદેશી પેમેન્ટ ઇકોસિસ્ટમ અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. પછી તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને તેમાં સફર કરી હતી.

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં 1200 પથારી ધરાવતી નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર હોસ્પિટલ, દાંતની હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે દાહોદ રેલવે વર્કશોપ તથા પાટણ-બિંદી રેલવે લાઇન દેશને અર્પણ કરી હતી તથા લોથલ મેરિટાઇમ મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ બી. જે. મડિકલ કોલેજનાં મેદાનમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમદાવાદ મેટ્રોનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે જણાવ્યું હતું કે, મેટ્રો અમદાવાદનાં લોકો માટે પરિવહનનું સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ બનશે. વર્ષ 2014 અગાઉ દેશમાં મેટ્રોનું નેટવર્ક ફક્ત 250 કિલોમીટરની લંબાઈ ધરાવતું હતું, જ્યારે અત્યારે 655 કિલોમીટરની લંબાઈ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ થયું છે, જે મેટ્રોમાં સફર કરવા માટે વિવિધ કાર્ડની જરૂરિયાતને દૂર કરે છે અને દેશભરમાં પરિવહનનાં અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, આ કાર્ડ મોબિલિટી માટે વન નેશન, વન કાર્ડસુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં બનેલું કાર્ડ આ પ્રકારનાં કાર્ડ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય નિર્ભરતાને દૂર કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત દુનિયાના એવા દેશોમાંનું એક છે, જે પરિવહન માટે વન નેશન વન કાર્ડ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો વિશે પણ વાત કરી હતી, જેમ કે પાણીનાં પુરવઠાની યોજના, તમામ માટે વીજળી, માળખાગત સુવિધાનો વિકાસ, તમામ માટે મકાન અને ગરીબો માટે વિવિધ યોજનાઓ. તેમણે રાજ્યમાં આદિવાસી સમુદાયનાં કલ્યાણ માટે હાથ ધરવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિગતે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં એકથી બે દાયકામાં ગુજરાતનું પરિવર્તન રાજ્યનાં લોકોનાં સર્વોત્તમ આયોજન અને મહેનતનું પરિણામ છે, ગુજરાતનાં વિકાસને એક કેસ સ્ટડી તરીકે લેવો જોઈએ કે કોઈ પણ રાજ્યમાં વિકાસ કેવી રીતે હાથ ધરવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાતમાં માળખાગત વિકાસ સાથે સંબંધિત વિવિધ પ્રકારનાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જે રાજ્યમાં મોટા પાયે પરિવર્તનનો પવન ફૂંકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પૂર્ણ થતાં પ્રાચીન ભારતની દરિયા સાથે સંબંધિત વેપાર-વાણિજ્યની ક્ષમતા પ્રદર્શિત થશે. તેમણે કહ્યું હતું કે, આ મ્યુઝિયમમાં વૈશ્વિક કક્ષાની સુવિધા હશે અને રાજ્યમાં પ્રવાસન સાથે સંબંધિત સંભવિતતામાં વધારો થશે.

કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપી હોવાનું જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશભરમાં વેલનેસ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજોનું નિર્માણ કરીને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઊભી કરી રહી છે. તેમણે સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓનાં નિર્માણનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મેડિસિટીનું નિર્માણ પૂર્ણ થતાં આશરે 10,000 દર્દીઓને સેવા મળશે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દેશમાં તમામ પ્રકારની સમસ્યાઓ સામે લડવા પ્રતિબદ્ધ છે, જેમાં ભ્રષ્ટાચારથી લઈને આતંકવાદ સુધીનાં પડકારો સામેલ છે. તેમણે લોકોને ખાતરી આપી હતી કે, દેશવિરોધી અનિષ્ટ તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. તેમણે દેશની સુરક્ષા પર મતબેંકનું રાજકારણ ન રમવા વિપક્ષને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની કામગીરીથી સૈન્ય દળોનો જુસ્સો તૂટી જાય છે અને દુશ્મનોનું મનોબળ વધે છે.

 

RP



(Release ID: 1567402) Visitor Counter : 352