પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમેઠીમાં સંયુક્ત સાહસ ઇન્ડો-રશિયન રાયફલ્સ પ્રા. લિમિટેડનું લોકાર્પણ કર્યું

Posted On: 03 MAR 2019 7:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં આજે કૌહર અને અમેઠીની મુલાકાત લીધી હતી. તેમણે અમેઠીમાં કલાશ્નિકોવ એસોલ્ટ રાયફલનુ ઉત્પાદન કરનાર સંયુક્ત સાહસ ઇન્ડો-રશિયન રાયફલ્સ પ્રા. લિમિટેડનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અમેઠીમાં વિવિધ વિકાસ યોજનાઓનો શુભારંભ તથા શિલાન્યાસ પણ કર્યા હતા.

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામને વાંચી સંભળાવેલા ખાસ સંદેશમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે “આ સંયુક્ત સાહસ વિશ્વ પ્રસિદ્ધ કલાશ્નિકોવ એસોલ્ટ રાયફલ્સની સૌથી નવી 200 શ્રૃંખલાનુ ઉત્પાદન કરશે અને આગળ જતાં આ એકમ સંપૂર્ણપણે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરતુ થઈ જશે. આ રીતે નાના શસ્ત્રોની શ્રેણીમાં રશિયન ટેકનોલોજીને આધારે ભારતના સંરક્ષણ-ઔદ્યોગિક ક્ષેત્ર રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની જરૂરિયાત પૂરી પાડશે.”

જાહેર મેદનીને સંબોધન કરતાં આ ભાગીદારી બદલ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમેઠીનું આ એકમ લાખો રાયફલોનુ ઉત્પાદન કરશે અને તેનાથી આપણાં સુરક્ષાદળોને બળ મળશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિકાસમાં ખૂબ જ વિલંબ થયો છે. આધુનિક રાયફલના ઉત્પાદનમાં આટલો વિલંબ ખરેખર આપણા જવાનોને અન્યાય સમાન છે. તેમણે કહ્યું કે વર્ષ 2009માં બુલેટપ્રૂફ જેકેટની જરૂરિયાત અંગે જાણ કરાયા છતાં વર્ષ 2014 સુધી આવાં કોઈ જેકેટ ખરીદવામાં આવ્યાં નહોતા. કેન્દ્ર સરકારે હવે આ જરૂરિયાત પૂર્ણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ અન્ય મહત્વનાં શસ્ત્રો મેળવવાની બાબતમાં પણ આવો જ વિલંબ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે રાફેલ ફાયટર પ્લેનનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પ્રયાસોને પરિણામે હવે આ વિમાનો થોડા જ મહિનામાં આપણા વાયુદળમાં જોડાશે.

તેમણે વિવિધ અવરોધનો સામનો કરી રહેલી અમેઠીની અન્ય વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો કે અને જણાવ્યું હતું કે આ અવરોધો દૂર કરવામાં આવ્યા છે, જેથી આ પ્રોજેકટસ કાર્યરત કરી શકાશે અને લોકોને રોજગારી પૂરી પાડી શકાશે. તેમણે જણાવ્યું હતું કે અમેઠીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના અને શૌચાલયોના નિર્માણ જેવી યોજનાઓ લોકોનું જીવન સરળ બનાવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબોનુ સશક્તીકરણ કરી રહી છે અને તેમને ગરીબીમાંથી બહાર નીકળવા માટે મદદ કરી રહી છે, એ જ પ્રકારે ખેડૂતોનુ પણ સશક્તીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ યોજના સુનિશ્ચિત કરશે કે મારફતે આગામી દસ વર્ષમાં કે રૂ. 7.5 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચે.

 

RP



(Release ID: 1567257) Visitor Counter : 171