પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

Posted On: 21 FEB 2019 7:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

 

ભારતીય સમુદાયે તેમને સિઓલમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બદલ તેમણે ભારતીય સમુદાયનાં સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

તેમણે જણાવ્યું હતું કે, ભારત અને કોરિયા વચ્ચેનાં સંબંધો ફક્ત વ્યાવસાયિક સંપર્કો પર આધારિત નથી. બંને દેશો વચ્ચેનાં સંબંધોનો મુખ્ય આધાર લોકો વચ્ચેનો સીધો સંપર્ક છે.

 

પ્રધાનમંત્રીએ ભારત અને કોરિયા વચ્ચે સદીઓ જૂનાં જોડાણનો સંદર્ભ ટાંક્યો હતો તથા કોરિયાનાં રાજા સાથે લગ્ન કરવા મહારાણી સૂર્યરત્નાએ અયોધ્યાથી હજારો કિલોમીટરની સફર કરી હતી એ પ્રસંગને યાદ કર્યો હતો. તેમણે એ બાબત પણ યાદ કરી હતી કે તાજેતરમાં દિવાળીનાં પ્રસંગે કોરિયાનાં પ્રથમ મહિલા કિમ જૂંગ-સૂકે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે બૌદ્ધ સંપ્રદાયે મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતાં.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સમુદાય કોરિયામાં વિકાસ, સંશોધન અને નવીનતામાં પ્રદાન કરી રહ્યો છે એ જાણીને તેમને આનંદ થયો છે.

 

તેમણે કોરિયામાં યોગ અને ભારતીય તહેવારોની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરિયામાં ભારતીય વાનગીઓ અને વ્યંજનો ઝડપથી લોકપ્રિયતા પણ હાંસલ કરી રહ્યાં છે. તેમણે એશિયન ગેમ્સમાં ભારતીય રમત-કબડ્ડીમાં કોરિયાનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિશે પણ વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ દુનિયાભરમાં વસતાં ભારતીય સમુદાયનાં સભ્યોને ભારતનાં પ્રતિનિધિઓ ગણાવ્યાં હતાં, જેમની આકરી મહેનત અને શિસ્તથી દુનિયામાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત ચાલુ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાએ બાપૂ વિશે જાણવું જોઈએ અને એમનાં જીવનકવન વિશે દુનિયાને જણાવવાની આપણી જવાબદારી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરિયા સાથે ભારતનો સંબંધ ગાઢ બની રહ્યો છે અને બંને દેશો વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્તપણે કાર્યરત છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો, ભારતની વિવિધ બ્રાન્ડ હવે કોરિયામાં જોવા મળે છે અને કોરિયાની વિવિધ બ્રાન્ડ ભારતમાં ઘરે-ઘરે જાણીતી છે.

 

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ભારતમાં થયેલા આર્થિક વિકાસની વિગતવાર વાત કરી હતી.

 

તેમણે જણાવ્યુ હતું કે, ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.

 

તેમણે વેપાર વાણિજ્યને સરળ બનાવવા અને જીવનને સરળ બનાવવામાં અભૂતપૂર્વ પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે જીએસટી (ચીજવસ્તુઓ અને સેવા વેરા) અને કેશલેસ અર્થતંત્ર જેવા સુધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દુનિયા ભારતમાં નાણાકીય સમાવેશનની ક્રાંતિ જોઈ રહી છે. આ સંદર્ભમાં તેમણે બેંક ખાતાઓ, વીમો અને મુદ્રા લોન વિશે વાત કરી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, કેટલીક સફળતાઓને કારણે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. તેમણે ગરીબો માટે નિઃશુલ્ક સારવાર, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડિજિટલ ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતનાં વિકાસ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના વિશે પણ વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારતમાં નવી ઊર્જા જોવા મળે છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, આવતીકાલે તેઓ ભારતનાં લોકો અને વિદેશમાં વસતાં ભારતીય સમુદાય વતી સિઓલ પીસ પ્રાઇઝ પ્રાપ્ત કરશે.

 

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં ચાલતાં કુંભ મેળાની વાત કરી હતી અને કહ્યું હતું કે, દુનિયા ચાલુ કુંભ મેળામાં જાળવવામાં આવેલી સ્વચ્છતા વિશે વાતો કરી રહી છે. તેમણે ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અંગત પ્રયાસો કરવા બદલ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી.

 

J.Khunt

 



(Release ID: 1566222) Visitor Counter : 144