પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રજાસત્તાક કોરિયા માટે રવાના થતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

Posted On: 20 FEB 2019 6:06PM by PIB Ahmedabad

હું રાષ્ટ્રપતિ મૂન જે-ઇનનાં આમંત્રણ પર પ્રજાસત્તાક કોરિયાની મુલાકાત લેવા જઈ રહ્યો છું. આ પ્રજાસત્તાક કોરિયાની મારી બીજી મુલાકાત હશે અને રાષ્ટ્રપતિ મૂન સાથે મારું બીજુ શિખર સંમલેન હશે.

આપણે ગયા વર્ષે જુલાઈમાં ભારતમાં રાષ્ટ્રપતિ મૂન જે-ઇન અને પ્રથમ મહિલા શ્રીમતી કિમ જૂંગ-સૂકને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. પ્રજાસત્તાક કોરિયાની મારી મુલાકાત આપણા બંને દેશો વચ્ચેનાં સંબંધોનાં મહત્ત્વને સૂચવે છે.

આપણે પ્રજાસત્તાક કોરિયાને મહત્વપૂર્ણ મિત્ર ગણીએ છીએ. પ્રજાસત્તાક કોરિયા એવુ રાષ્ટ્ર છે, જેની સાથે આપણે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી ધરાવીએ છીએ. સાથીદાર લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત અને પ્રજાસત્તાક કોરિયા એકસમાન મૂલ્યો ધરાવે છે તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સહિયારું વિઝન ધરાવે છે. સાથી બજાર અર્થતંત્રો તરીકે આપણી જરૂરિયાતો અને ક્ષમતાઓ એકબીજાની પૂરક છે. પ્રજાસત્તાક કોરિયા આપણી મેક ઇન ઇન્ડિયાપહેલ તેમજ સ્ટાર્ટ અપ ઇન્ડિયાઅને ક્લીન ઇન્ડિયાપહેલોમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણુ જોડાણ પ્રોત્સાહનજનક છે, જેમાં આપણા સંયુક્ત સંશોધનો મૂળભૂતથી અત્યાધુનિક વિજ્ઞાન સુધી ફેલાયેલા છે.

આપણુ લોકોથી લોકોનું જોડાણ અને આદાન-પ્રદાન હંમેશા આપણા મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયો રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં અયોધ્યામાં દીપોત્સવતહેવારની ઉજવણી થઈ હતી, જેમાં વિશેષ પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ મૂનનાં પ્રથમ મહિલાને મોકલવાનો નિર્ણય આપણને સ્પર્શી ગયો હતો.

આપણા સંબંધોમાં વધતું ઊંડાણ અને વિવિધતા આપણી એક્ટ ઇસ્ટ પોલિસી અને પ્રજાસત્તાક કોરિયાની નવી સધર્ન નીતિ વચ્ચે સમન્વય સ્થાપિત કરીને એને ગાઢ બનાવે છે. સંયુક્તપણે કામ કરીને આપણે આપણા સંબંધોને લોકો માટે ભવિષ્યલક્ષી પાર્ટનરશિપ, સમૃદ્ધિ અને શાંતિતરીકે ગાઢ બનાવવા આતુર છીએ.

આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મૂન સાથે મારી ચર્ચા ઉપરાંત હું ઉદ્યોગપતિઓ, ભારતીય સમુદાયનાં સભ્યો અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં પ્રસિદ્ધ લોકોને મળીશ.

મને ખાતરી છે કે, આ મુલાકાત આપણી આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને વધારે મજબૂત કરવામાં મદદરૂપ થશે.

 

RP



(Release ID: 1565678) Visitor Counter : 206