પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝાંસીની મુલાકાત લીધી


ઉત્તરપ્રદેશમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યો

ભારત પાકિસ્તાનનાં આ અધમ કૃત્યનો યોગ્ય આપશેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ બુંદેલખંડને પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો

પહાડી ડેમ આધુનિકરણ પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું

Posted On: 15 FEB 2019 7:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝાંસીની મુલાકાત લીધી હતી. તેમણે ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યું હતો તથા વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે,આપણા પડોશીઓનાં ઇરાદાઓને ભારતની જનતા ઇંટનો જવાબ પત્થરથી આપશે. આપણી સાથે દુનિયાની તમામ મહાસત્તાઓ છે અને તેઓ આપણને સમર્થન આપે છે. મને પ્રાપ્ત થયેલા સંદેશા દર્શાવે છે કે, તેઓ દુઃખી હોવાની સાથે ક્રોધિત પણ છે. દરેક પ્રકારનાં આતંકવાદનો અંત કરવાની તરફેણ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા બહાદૂર સૈનિકોએ તેમનાં જીવનનું બલિદાન આપ્યું છે અને તેમની આ શહીદી એળે નહીં જાય. તેમણે પુલવામા હુમલાનાં ષડયંત્રકારોને સજા કરવામાં આવશે એવું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણો પડોશી દેશ એ ભૂલી જાય છે કે, આ નવું ભારત છે. પાકિસ્તાન એનો કટોરો લઈને દુનિયામાં ફરી રહ્યો છે, પણ એને દુનિયામાંથી મદદ મળતી નથી.

પ્રધાનમંત્રીએ ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, ઝાંસી આગ્રા પટ્ટામાં ડિફેન્સ કોરિડોર આ વિસ્તારનાં યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે. સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઘણી વિદેશી અને સ્થાનિક કંપનીઓ આ વિસ્તારમાં રોકાણ કરશે. તેઓ આ વિસ્તારમાં વર્કફોર્સની કુશળતા વિકસાવશે એવું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટનાં મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, યુવાનોને તેમનાં નગરની નજીકમાંથી રોજગારી મળી શકશે અને તેમને સ્થળાંતરણ કરવાની જરૂર નહીં પડે. તેમણે ઉમેર્યું હતું કે, ડિફેન્સ કોરિડોર સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને સ્વનિર્ભર બનાવવામાં મદદ પણ કરશે.

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ પ્રદેશનાં ગ્રામીણ વિસ્તારો માટે પાઇપ દ્વારા પાણીની યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાઇપલાઇન પ્રોજેક્ટ હોવાની સાથે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની જીવાદોરી પણ છે. એનાથી આપણા માતાઓ અને બહેનોને દૂરથી પાણી મેળવવા જવું નહીં પડે અને પીવાનું પાણી દરેક કુટુંબને પાઇપ કનેક્શન મારફતે પહોંચાડવામાં આવશે.

અમૃત યોજના હેઠળ પ્રધાનમંત્રીએ ઝાંસી સિટી ડ્રિન્કિંગ વોટર સ્કીમનાં બીજા તબક્કાનું શિલારોપણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઝાંસી અને તેની આસપાસનાં ગામડાઓ માટે પીવાનાં પાણી માટે બેતવા નદીનાં પાણીનો ઉપયોગ કરવા માટે આ રૂ. 600 કરોડનો પ્રોજેક્ટ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 425 કિલોમીટર લાંબી ઝાંસી-માણિકપુર અને ભીમસેન-ખૈરાર લાઇનનું ડબલિંગ કરવા તથા ઝાંસીમાં કોચ રિફર્બિશિંગ વર્કશોપનું શિલારોપણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઝાંસી-ખૈરાર સેક્શનનાં 297 કિલોમીટરની લંબાઈ ધરાવતાં સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટથી રોજગારીની ઘણી તકો ઊભી થશે અને બુંદેલખંડ ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસ તરફ દોરી જશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બુંદેલખંડ ક્ષેત્રને ગુજરાતનાં કચ્છની જેમ વિકસશે એવી શુભેચ્છા પાઠવી હતી.

પશ્ચિમ ઉત્તરપ્રદેશને વીજળીનો સાતત્યપૂર્ણ પુરવઠો સુનિશ્ચિત કરવા આજે વેસ્ટ-નોર્થ ઇન્ટર-રિજન પાવર ટ્રાન્સમિશનને મજબૂત કરવાનો પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે લાંબા ગાળે આ ક્ષેત્રની વીજળીની માગ પૂર્ણ કરશે.

અન્ય એક પ્રસંગે પહાડી ડેમનાં આધુનિકરણ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી ખેડૂતોને લાભ થશે, ડેમમાંથી પાણીનું લીકેજ ઘટશે અને ખેડૂતોને વધારે પાણી ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સંમેલન નિધિ યોજના ખેડૂતોનાં બેંક ખાતાઓમાં આશરે રૂ. 7.5 લાખ કરોડની થાપણ સીધી જમા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે સબસિડી, શિષ્યાવૃત્તિ વગેરેનું હસ્તાંતરણ લાભાર્થીનાં બેંક ખાતાઓમાં સીધું થવાથી રૂ. 1 લાખ કરોડની બચત થઈ છે.

 

RP


(Release ID: 1564839)