પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વૃંદાવનમાં વંચિત બાળકોને 3 અબજમું ભોજન પીરસ્યું

Posted On: 11 FEB 2019 4:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી. તેમણે વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં ત્રણ અબજમું ભોજન પીરસ્યાની તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વંચિત બાળકોને 3 અબજમું ભોજન પીરસ્યુ હતું. તેમણે ઈસ્કોનના આચાર્ય શ્રીલ પ્રભુપાદના વિગ્રહને પુષ્પાંજલી પણ અર્પિત કરી હતી.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીરામ નાઇક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન સ્વામી મધુ પંડિત દાસ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યું હતું કે, દૈનિક 1500 બાળકોને ભોજન પીરસવાથી શરૂ થયેલી આ ઝુંબેશ અત્યારે દેશભરમાં શાળાઓના 17 લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન પિરસે છે. તેમણે એ બાબતની સહર્ષ નોંધ લીધી હતી કે પ્રથમ ભોજન અટલ બિહારી વાજપેયીજીના શાસનકાળ દરમિયાન પીરસવામાં આવ્યું હતું અને તેમને ત્રણ અબજમું ભોજન પીરસવાની તક મળી છે. તેમણે જણાવ્યું કે સારૂં પોષણ અને તંદુરસ્ત બાળપણથી નૂતન ભારતનો પાયો નંખાયો છે.

પ્રધાનમંત્રીએ આરોગ્યના ત્રણ પાસા એટલે કે પોષણ, રસીકરણ અને સ્વચ્છતાને ભારત સરકાર તથા રાષ્ટ્રીય પોષણ મિશન દ્વારા અગ્રતા આપી રહી હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મિશન ઈન્દ્રધનુષ અને સ્વચ્છ ભારત અભિયાન એ મહત્વનાં પગલાં છે. રાષ્ટ્રીય પોષણ મિશનનો પ્રારંભ ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. આ મિશન દરેક માતા અને બાળકને પૂરતું પોષણ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે જો દરેક માતા અને દરેક બાળકને પોષણની યોજના હેઠળ આવરી લેવામાં સફળ થઈશું તો દર વર્ષે દરેક બાળક અને અનેક જીવ બચી જશે.

મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યક્રમમાં 5 વધુ રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3 કરોડ 40 લાખ સગર્ભા મહિલાઓને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ મેડિકલ જર્નલમાં ઉત્તમ 12 પ્રણાલિઓમાં મિશન ઈન્દ્રધનુષનો ઉલ્લેખ કરાયો હોવાની વાત કરીને આ કામગીરીની પ્રશંસા કરી હતી.

સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા અંગે વાત કરતાં તેમણે નોંધ લીધી હતી કે એક આંતરરાષ્ટીય અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે શૌચાલયનો ઉપયોગ કરવાથી 3 લાખ લોકોના જીવન બચવવામાં મદદ મળી છે. સ્વચ્છ ભારત અભિયાન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાનમંત્રીએ સરકારની અન્ય યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના હેઠળનું રાષ્ટ્રીય ગોકુલ મિશન સહિતના વિવિધ મિશન દ્વારા માત્ર ઉત્તરપ્રદેશમાં જ એક કરોડ જેટલા ગેસના જોડાણો આપવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે ગાયોની સાચવણી, સુરક્ષા અને વિકાસ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવામાં આવી છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોને સહાય કરવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અપાતી સહાય વધારીને રૂ. 3 લાખ સુધીની કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ઉદ્દેશ ખેડૂતોના કલ્યાણનો છે અને આ યોજના દ્વારા ઉત્તરપ્રદેશના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે, કારણ કે રાજ્યના મોટા ભાગના ખેડૂતો 5 એકરથી ઓછી જમીન ધરાવે છે.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશન દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે 'હું' થી 'અમે' તરફનું પરિવર્તન દર્શાવે છે, જેમાં આપણે પોતાની જાતથી આગળ વધીને સમાજ અંગે વિચારવાનું શરૂ કરતા હોઈએ છીએ.

અક્ષયપાત્ર ફાઉન્ડેશન માનવ સંસાધન વિકાસ વિભાગ અને રાજ્ય સરકારો સાથે મળીને ગુણવત્તાયુક્ત શુદ્ધ અને પોષક આહાર મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ લાખો લોકોને પૂરૂ પાડી રહ્યું છે. આ ફાઉન્ડેશન 12 રાજ્યોની 14,702 શાળાઓને આવરી લઈને 1.76 મિલિયન બાળકોને ભોજન પૂરૂ પાડી રહ્યું છે. વર્ષ 2016માં અક્ષયપાત્ર ફાઉન્ડેશને તે સમયના ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે બે અબજમું ભોજન પીરસ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શાળાઓના વંચિત બાળકોને 3 અબજમું ભોજન પિરસીને સંસ્થાએ સમાજના ગરીબ અને સિમાંત સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

 

RP

 



(Release ID: 1563891) Visitor Counter : 214