પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતમાં સુરત એરપોર્ટ ખાતે ટર્મિનલ ભવનના વિસ્તરણનાં શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 JAN 2019 8:55PM by PIB Ahmedabad

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

આજે પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે અને આજે હું આ પછી દાંડીમાં બાપુના મીઠાના સત્યાગ્રહને લઇને બનેલા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરવા જઈ રહ્યો છું. કર્મયોગીઓના આ શહેર સુરતથી હું બાપુને શ્રદ્ધાસુમન આપું છું, તેમને અર્પણ કરું છું. સુરતનો બાપુના મીઠાના સત્યાગ્રહ સાથે ખૂબ ઊંડો સંબંધ રહ્યો છે. સુરતના સેંકડો સત્યાગ્રહીઓ તો બાપુની સાથે જોડાયેલા હતા જ, સાથે જ તે દેશના તે પ્રથમ કેન્દ્રોમાનું એક હતું જ્યાં દાંડી માર્ચથી પણ પહેલા મીઠાના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, તે સુરતે કર્યું હતું.

સુરતે ગાંધીજીના મુલ્યોને હંમેશા સન્માન આપ્યું છે. સ્વચ્છતા હોય, સ્વાવલંબન હોય કે પછી સ્વદેશી, ગાંધીજીના દર્શનને સુરતે જમીન પર ઉતાર્યું છે. અને મને ખુશી છે, હું જોઈ રહ્યો છું તે ધવલની આખી ટીમ. ધવલ મને મળ્યો હતો દિલ્હીમાં, આ બધા જ નવયુવાનો, કોઈ એન્જીનીયર છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ શિક્ષક છે, કોઈ વેપારી છે. મનમાં ધારી લીધું સફાઈનું કામ કરીશું અને તેમણે સફાઈની માટે પોતાની જાતને સમર્પિત કરી છે, હું આ બધા જ નવયુવાનોને અભિનંદન આપું છું. આજે હીરા અને કપડાની સાથે-સાથે અનેક નાના-નાના ઉદ્યોગો વડે મેઇક ઇન ઇન્ડિયાને આ શહેર સશક્ત કરી રહ્યું છે.

સાથીઓ, સુરતના જુસ્સાને વધુ મજબૂતી આપવા માટે આજે સેંકડો કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમાં સુરત એરપોર્ટનું વિસ્તૃતીકરણ તો છે જ, સાથે-સાથે શહેરને સ્માર્ટ બનાવવા માટે ડઝનબંધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યા છે. વિકાસ સાથે જોડાયેલ આ બધા જ પ્રોજેક્ટ માટે સુરતવાસીઓને, આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.

સાથીઓ, અમારી સરકાર દેશમાં જીવન જીવવાની સરળતા અને વેપાર કરવાની સરળતાની નવી સંસ્કૃતિ વિકસિત કરવામાં લાગેલી છે. તેના માટે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટરનો વિકાસ, કનેક્ટિવિટીના વિકાસ પર જોર, એ અમારી પ્રાથમિકતાઓ છે. સુરત તો દેશના એ શહેરોમાંથી એક છે જે વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલી આપણી અર્થવ્યવસ્થામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

હમણાં તાજેતરમાં આવેલ એક આંતરરાષ્ટ્રીય અહેવાલના વિષયમાં દરેક સુરતવાસી જાણે છે, પરંતુ કદાચ દેશવાસીઓને ખબર નહી હોય અને તે અહેવાલમાં આવ્યું છે કે, આવનારા 10-15 વર્ષોમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થનારા ટોચના દસ શહેરોમાં, દુનિયાના ટોચના દસ, તે દરેકે દરેક 10, હિન્દુસ્તાનના છે અને ખુશીની વાત એ છે કે તેમાં પણ સૌથી ટોચ પર, સૌથી ટોચ ઉપર કોણ છે? સુરતને ગર્વ થઇ રહ્યો છે? સુરતને અભિનંદન.

એટલે સ્પષ્ટ છે કે આવનારો સમય સુરતનો છે, ભારતના શહેરોનો છે. તે માત્ર ભારત જ નહીં, સમગ્ર દુનિયાની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવાનું છે. અહિં દુનિયાભરમાંથી રોકાણ થવાનું છે, વેપાર અને કારોબાર અનેક ગણો વધવાનો છે, લાખો યુવાન સાથીઓને રોજગારના અવસર ઊભા થવાના છે.

સાથીઓ, જ્યારે દુનિયા ભારતના શહેરોને લઇને આટલી આશાવાદી છે, તો તે આપણું પણ કર્તવ્ય છે કે આ શહેરોને વર્તમાનની સાથે સાથે ભવિષ્યની માટે પણ તૈયાર કરવામાં આવે. અને એ પણ સાચું છે કે આપણે સુરતને ભવિષ્ય માટે તૈયાર કરવાનો અર્થ છે કે અહિંના માળખાગત બાંધકામ, અહિંની વ્યવસ્થાઓ, અહિંનું શિક્ષણ, અહિંનું આરોગ્ય; એ બધું તો છે જ છે, અહિયાંના માનવીના મનને પણ તે ઊંચાઈ પર લઇ જવાનો છે. અને એ જ વિચારધારાની સાથે દેશભરમાં દરેક પ્રકારના સંપર્કને એક પછી એક પ્રોજેક્ટ અમે લગાવતા જઈ રહ્યા છે.

સુરતનું આ એરપોર્ટ, હવે ગુજરાતનું ત્રીજું સૌથી મોટું એરપોર્ટ, એટલે કે વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. આજથી નવા ટર્મિનલનું જે કામ શરુ થયું છે, જ્યારે તે પૂરું થઇ જશે ત્યારે અહિં 1200 સ્થાનિક અને 600 ઇન્ટરનેશનલ મુસાફરોની વ્યવસ્થા કરવાની ક્ષમતા તૈયાર થઇ જશે. તેનો અર્થ એ થયો કે એક દિવસમાં આ એરપોર્ટ 1800 યાત્રીઓની વ્યવસ્થા કરી શકશે. સુરત એરપોર્ટની ક્ષમતા પણ વાર્ષિક ચાર લાખ યાત્રીઓની છે. જે પ્રકારના વિસ્તૃતીકરણનું કામ અહિં થઇ રહ્યું છે, તે પછી ભવિષ્યમાં એરપોર્ટની ક્ષમતા વધીને ચાર લાખથી 26 લાખ યાત્રી કરતા વધુ થઇ જશે.

મુસાફરો સિવાય અહિયાંની કાર્ગો ક્ષમતા પણ વધવાની છે. એટલે કે આવનારા સમયમાં આપ સૌને પોતાના વેપાર કારોબારની માટે દેશ વિદેશમાં સુવિધા મળશે. બહારથી પણ વ્યવસાય માટે જે અહિયાં વેપારીઓ આવે છે, તેમના સમયની પણ બચત થશે.

સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે કેટલાક જ દિવસોમાં અહિયાંથી શારજાહ માટે એર ઇન્ડિયા એક્સપ્રેસની સીધી ફ્લાઈટ પણ શરુ થવાની છે. શરૂઆતમાં આ સુવિધા અઠવાડિયામાં બે દિવસ રહેશે, પરંતુ માર્ચથી તેને અઠવાડિયામાં ચાર દિવસ કરી દેવામાં આવનાર છે. આ ફ્લાઈટ વડે આપ સૌને વેપારની દ્રષ્ટિએ પણ ખૂબ મદદ મળવા જઈ રહી છે. તેની માટે પણ હું તમને અભિનંદન અને શુભકામનાઓ આપું છું.

સાથીઓ, સરકાર હવાઈ જોડાણ વડે સમગ્ર દેશને જોડવામાં લાગેલી છે અને તેની માટે વીતેલા ત્રણ ચાર વર્ષોમાં ઝડપી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. અને તેનું જ પરિણામ છે કે 17 એરપોર્ટસને અપગ્રેડ અથવા વિસ્તૃત કરી દેવામાં આવ્યા છે અને બીજા અનેક એરપોર્ટ ઉપર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી ચાર વર્ષમાં દેશભરના 50 એવા એરપોર્ટસને વિકસિત કરવામાં આવે કે જે કાં તો હજુ સેવામાં નથી આવ્યા અથવા તો પછી ખૂબ ઓછા ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

સાથીઓ, મારું તો એ સપનું છે કે, હવાઈ ચપ્પલ પહેરનારો પણ હવાઈ મુસાફરી કરી શકે. તેના માટે જ ‘ઉડે દેશનો સામાન્ય નાગરિક’ એટલે કે ઉડાન યોજના શરુ કરવામાં આવી છે. આજે મને એ જણાવતા ખુશી થાય છે કે ઉડાને દેશને દુનિયાના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા ઉડ્ડયન બજારમાં સામેલ કરવામાં મોટી મદદ કરી છે. ઉડાન યોજના વડે દેશના હવાઈ ક્ષેત્રમાં 12 લાખ બેઠકો ઓછી કિંમતે ઉપલબ્ધ થઇ છે.

આ યોજના અંતર્ગત દેશભરમાં આશરે 40 એરપોર્ટ દેશના ઉડ્ડયન નકશામાં જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ચાર રૂટ પોરબંદર-મુંબઈ, કંડલા-અમદાવાદ, કેશોદ-અમદાવાદ અને પોરબંદર-અમદાવાદને ઉડાન-1 અને ઉડાન-2 અંતર્ગત જોડવામાં આવ્યા છે.

હવે ઉડાન-૩ના માધ્યમથી ભવિષ્યમાં સુરત સહિત ગુજરાતના લગભગ એક ડઝન નાના અને મોટા એરપોર્ટસને દેશના જુદા જુદા શહેરોની સાથે જોડવામાં આવશે. તેમાં સાબરમતી રીવર ફ્રન્ટ, શેત્રુંજય ડેમ અને સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા વોટર ડ્રોમ કે વોટર એરપોર્ટની સંભાવનાવાળા ક્ષેત્રો પણ સામેલ છે. જે લોકો ભાવનગર જવા માંગતા હોય, તીર્થ યાત્રા કરવા માંગતા હોય, તેઓ સી-પ્લેન વડે શેત્રુંજય ડેમથી થઈને સરળતાથી પહોંચી શકશે. એટલે કે ભવિષ્યમાં સાબરમતી રીવર ફ્રન્ટથી ઉડીને વિમાન સરદાર સરોવર પાણીના ડેમમાં ઉતરે, એ પ્રકારની પરિયોજના પર વિચાર થઇ રહ્યો છે.

સાથીઓ, હવાઈ જોડાણની સાથે સાથે એ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે પાસપોર્ટની માટે લોકોને મોટા શહેરોના આંટા ના મારવા પડે. વર્ષ 2014માં દેશમાં પાસપોર્ટ કેન્દ્રોની કુલ સંખ્યા આશરે 80 હતી. સુરતના લોકો યાદ રાખશે- આપણા આટલા મોટા દેશમાં, આટલી મોટી જનસંખ્યા, આઝાદીના 60-65 વર્ષ દરમિયાન, આપણા દેશમાં પાસપોર્ટ આપનારી ઓફીસ માત્ર 80 હતી. કેટલી? તમારી ગુજરાતીમાં બોલો- કેટલી? એંશી.

તમને ખુશી થશે કે પાછલા ચાર વર્ષમાં જે અમે અભિયાન ચલાવ્યું છે, તે આંકડો હવે 400ને પાર કરી ચૂક્યો છે. ક્યાં 80 અને ક્યાં 400. મોટું વિચારવું, વધુ કરવું, સારી રીતે કરવું, સમયસર કરવું; અને ગુજરાતવાળાઓ તો જાણે જ છે મને. તે સિવાય ‘એમ પાસપોર્ટ સેવા મોબાઈલ એપ’ જેવા માધ્યમથી પાસપોર્ટની માટે અરજી કરવી વધુ સરળ બની છે. વધુ સંખ્યામાં પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ નિયમોને સરળ બનાવવાના કારણે અંતરમાં વધુ સમયમાં, બંનેમાં ખૂબ ઘટાડો થયો છે.

સાથીઓ, કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વ્યક્તિના જીવનને સરળ અને સુગમ બનાવવામાં પૂરે પૂરી ઈમાનદારી સાથે જોડાયેલી છે. અમારો પ્રયાસ છે કે આપણા શહેરો સ્વચ્છ રહે, ટ્રાફિક જામની સમસ્યા ના રહે, પાણી અને ગટરવ્યવસ્થા સાથે જોડાયેલ સુવિધાઓ વધુ સારી હોય, સીસીટીવી કેમરાઓના માધ્યમથી સુરક્ષાનો અહેસાસ મળે, કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી હોય; આ બધી જ વ્યવસ્થાઓ ‘સ્માર્ટ સીટી મિશન’ અને ‘અમૃત યોજના’ના માધ્યમથી સાકાર કરવામાં આવી રહી છે. એક ધ્યાનપૂર્વકના અભિગમ સાથે મિશન મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ, આજે અહિયાં જે ડઝનબંધ પ્રોજેક્ટ્સ તેમનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે અમારા આ અભિયાનને વધુ ગતિ આપવાના છે. તેમાં ગટર વ્યવસ્થા, પાણી, ફ્લાયઓવર, રસ્તાઓ, શિક્ષણ સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટ છે. તે સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હજારો ઘરોનું પણ આજે અહિયાં ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ બધા જ ઘર સુરતના ગરીબ બહેન ભાઈઓના જીવનને સમૃદ્ધ કરવાના છે.

ભાઈઓ અને બહેનો, વીતેલા સાડા ચાર વર્ષોમાં શહેરમાં રહેનારા ગરીબ ભાઈ બહેનોની માટે 13 લાખથી વધુ ઘર બનાવી દેવામાં આવ્યા છે, 37 લાખ ઘરો ઉપર કામ ચાલી રહ્યું છે અને શહેરોમાં નવા 70 લાખ વધુ બનાવવા માટે સરકાર સ્વીકૃતિ આપી ચૂકી છે. એ જ રીતે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પણ વર્ષ 2014 પછીથી એક કરોડ 30 લાખથી વધુ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેઓ તે ઘરોમાં રહેવા માટે જતા રહ્યા છે, આ દિવાળી પણ તેમણે પોતાના ઘરોમાં ઉજવી છે.

આ સંખ્યા પોતાનામાં જ કેટલી મોટી છે, તેનો અંદાજ તમે આનાથી જ લગાવી શકો છો કે પહેલાની સરકારે, અને આ આંકડો પણ જરા સુરતના લોકો યાદ રાખે, તેમના કાર્યકાળમાં 25 લાખ ઘરો બનાવડાવ્યા હતા. કેટલા? 25 લાખ. જરા બોલો તો કેટલા? 25 લાખ ઘરો બનાવડાવ્યા હતા. ગરીબને, પોતાના બેઘર ભાઈ બહેનોને પાક્કું છાપરું મળે, તેની માટે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક કરોડ 30 લાખ મકાનો બનાવી દીધા છે. તેમના કાર્યકાળમાં ક્યાં 25 લાખ અને અમારા ચાર વર્ષમાં ક્યાં એક કરોડ 30 લાખ.

જો હું જેટલુ કામ કરી રહ્યો છું, તેટલું તેમને કરવાનું હોત તો વધુ 25 વર્ષ લાગી જાત. એટલું જ નહી, આ જ સરકારે પહેલીવાર મધ્યમ વર્ગની માટે પણ, અને હું સુરત અને શહેરોના લોકોને આગ્રહ કરીશ કે આ વાતને સમજે કેટલી મોટી મદદ તમને મળી શકે છે, તેનો ફાયદો તમે ઉઠાવો.

પહેલીવાર, આપણા દેશમાં આ યોજના અમારી સરકાર બન્યા પહેલા નહોતી, જો મધ્યમ વર્ગના પરિવારનો વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માંગે છે, બાળકો મોટા થયા છે, નવું ઘર લેવા માંગે છે; કોઈ વ્યવસ્થા નહોતી. મધ્યમ વર્ગને તેમના નસીબ પર છોડી દેવામાં આવ્યો હતો.

અમે આવીને પહેલીવાર મધ્યમ વર્ગની માટે પણ ઘરોની એક નવી શ્રેણી બનાવીને તેને વ્યાજમાં રાહતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. અને તેનાથી ફાયદો શું થાય છે, એક અનુમાન અનુસાર જો મધ્યમ વર્ગનો વ્યક્તિ 20 લાખ રૂપિયાની લોન લે છે અને તે 20 લાખ રૂપિયાની લોન વડે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા જાય છે, તો તેના વ્યાજમાં કપાત કરવામાં આવશે અને તેનું પરિણામ એ આવશે કે, જ્યારે આખા મકાનના પૈસા બેંકને પાછા આપશે ત્યારે લગભગ 6 લાખ રૂપિયાની બચત થઇ રહી છે તેને. એટલે કે મધ્યમ વર્ગના પરિવારને એક ઘર બનાવવામાં 6 લાખ રૂપિયાની બચત.

હિન્દુસ્તાનમાં આટલી સરકારો આવીને ગઈ, ના તો કોઈ સરકારે વિચાર્યું હતું, ના કોઈ સરકારે કર્યું હતું. એ આપણામાં હિંમત છે કે ભારતના વધતા જતા મધ્યમવર્ગીય પરિવારોની અમે ચિંતા કરી રહ્યા છીએ અને તેની સાથે સૌથી મોટો લાભ મધ્યમ વર્ગના તે યુવાનોને મળ્યો છે જેઓ કેરિયરના શરૂઆતી વર્ષોમાં જ પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા રાખે છે.

કેટલાક લોકો સવાલ પૂછે છે કે નોટબંધીથી શું ફાયદો થયો? તેમને એ સવાલ તે યુવાનોને પણ પૂછવો જોઈએ જેમના ઘરના સપના હવે સાકાર થવાના શક્ય બન્યા છે. નહિતર નોટબંધીની પહેલા તો આ પ્રકારના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાળા છવાયેલા હતા અને સુરતવાળાઓને તો આ અંગે ખૂબ સારી રીતે જાણ છે. મોટા મોટા દિગ્ગજ લોકોના નામ જાણો છો તમે.

ભાઈઓ અને બહેનો, અમારી સરકારે ‘રેરા કાયદો’ બનાવીને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમાણી હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ફસાવી ન જોઈએ. ‘રેરા કાયદા’ અંતર્ગત 30-35 હજાર બિલ્ડરોએ પોતાની નોંધણી કરાવી છે અને નિર્ધારિત નિયમ અનુસાર લાખો ઘરોનું નિર્માણ કરી રહ્યા છે.

સાથીઓ, હવે સરકારમાં અને જ્યારે સરકારમાં ઈચ્છાશક્તિ હોય તો કેવા પરિવર્તનો આવે છે, તેનું એક ઉદાહરણ એલઈડી બલ્બ પણ છે. પહેલા જે એલઈડી બલ્બ 350 રૂપિયા સુધીમાં મળતો હતો, હવે તેને 40-45 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. હવે તમે મને ના પૂછતાં કે 40-45નો બલ્બ 350માં વેચાતો હતો તો વચ્ચેના પૈસા ક્યાં જતા હતા, તે મને ન પૂછતાં. તેનો જવાબ રાજીવ ગાંધી આપીને ગયા છે. તેમણે કહ્યું છે કે, એક રૂપિયો જાય છે તો 15 પૈસા પહોંચે છે, 85 પૈસા કયો પંજો ખાતો હતો, તે આખી દુનિયા જાણે છે.

વીતેલા સાડા ચાર વર્ષમાં સરકારે 32 કરોડ એલઈડી બલ્બ વિતરિત કર્યા છે, તે કારણથી લોકોના વીજળીના બીલમાં વાર્ષિક લગભગ સાડા 16 હજાર એટલે કે 16 હજાર 500 કરોડ રૂપિયાની બચત થઇ છે. આ પૈસા મોટાભાગે મધ્યમ વર્ગના પરિવારોમાં બચ્યા છે.

એ જ રીતે અમારી સરકારની મુદ્રા યોજનાએ ગરીબ અને નિમ્ન-મધ્યમ વર્ગના યુવાનોના સપનાઓને નવી ઉડાન આપી છે. પહેલા યુવાનો જો પોતાનો રોજગાર કરવાના વિષયમાં વિચારતા હતા તો તેને બેંકમાંથી ધિરાણ લેતી વખતે ગેરંટીની સમસ્યા આવતી હતી.

અમારી સરકારે મુદ્રા યોજના અંતર્ગત અત્યાર સુધી 15 કરોડથી વધુ લોન કોઇપણ બેંકની બાહેંધરી વિના આપી ચુકી છે. તમે વિચારો, તે અંતર્ગત લોકોને પોતાનો રોજગાર શરુ કરવા માટે બેંક બાહેંધરી વિના સાત લાખ કરોડ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવ્યા છે. તેમાંથી 4 કરોડ 25 લાખથી વધુ એવા લોકો છે જેમણે પહેલીવાર ધિરાણ લીધું છે. એટલે કે વીતેલા સાડા ચાર વર્ષમાં દેશને 4 કરોડ 25 લાખ નવા ઉદ્યમીઓ પણ મળ્યા છે.

ભાઈઓ અને બહેનો, આ વ્યાપક યોજનાઓ અને મોટા નિર્ણયોની પાછળ સૌથી મોટુ કારણ છે, તમારા એક એક વોટની તાકાતથી બનેલી સંપૂર્ણ બહુમતની સરકાર. તમને લાગતું હશે, અત્યારે જ્યારે હું મકાનની ચાવી આપી રહ્યો હતો, તમને લાગતું હશે આ મકાન મોદી આપી રહ્યા છે; કોઈને લાગે છે કે આ મકાન ભારત સરકાર આપી રહી છે.

જી ના, આ મકાન ના તો મોદી આપી રહ્યા છે, ના ભારત સરકાર આપી રહી છે; આ મકાન તમે આપી રહ્યા છો. આ તમારા એક વોટની તાકત છે કે ગરીબને ઘર મળ્યા છે. આ તમારા વોટનું મહત્વ છે જે ગરીબને ઘર આપવાની વ્યવસ્થા આપે છે. અને એટલા માટે આ જે પરિવર્તન આપ જોઈ રહ્યા છો, તે પરિવર્તન તમારા વોટની તાકાતના કારણે છે, મોદીની તાકાતના કારણે નથી.

ભાઈઓ અને બહેનો, તમને ખબર છે કે 30 વર્ષ સુધી આપણા દેશમાં અસ્થિરતાનો સમયગાળો રહ્યો. ત્રિશંકુ પાર્લામેન્ટ બની, કોઈને પૂર્ણ બહુમત નથી મળ્યો. જોડ તોડ કરીને સરકારો ચલાવવામાં આવી છે. જેને ઈચ્છા થાય, તે બાજુ ખેચતા ગયા. દેશ ત્યાંનો ત્યાં જ અટકીને રહી ગયો અને કેટલીક વાતોમાં પાછળ રહી ગયો. પાછલા ચાર સાડા ચાર વર્ષથી આપણે આગળ વધી રહ્યા છીએ, તેનું એક પ્રમુખ કારણ છે- દેશની જનતાએ સમજદારીથી વોટ નાખ્યો અને ત્રિશંકુની 30 વર્ષ જુની બીમારીમાંથી દેશને મુક્ત કરી દીધી, પૂર્ણ બહુમતીની સરકાર બનાવી દીધી અને નવી પેઢી જોઈ શકે છે કે પૂર્ણ બહુમતીની સરકાર કડક નિર્ણયો પણ લઇ શકે છે, મોટા નિર્ણયો પણ લઇ શકે છે; હિંમતની સાથે દેશને આગળ વધારી શકે છે અને આ કામ અમે કર્યું છે.

પૂર્ણ બહુમતીની સરકારનું એ મહત્વ છે, પૂર્ણ બહુમતીની સરકાર જવાબદાર પણ હોય છે. આજે કોઇ પણ મને પૂછી શકે છે, કહો મોદીજી, સાડા ચાર વર્ષમાં શું કર્યું. જો પૂર્ણ બહુમતીની સરકાર ન હોત તો મોદી આરામથી કહી દેત, અરે શું કરીએ ભાઈ, તે ભેગી થયેલી સરકાર છે, કોઈ નિર્ણય કરવો અઘરો હોય છે, ચાલી જાય છે ગાડી; પરંતુ ન દેશની જનતાએ પૂર્ણ બહુમતીનો નિર્ણય કરીને દુનિયામાં દેશનું નામ વધાર્યું છે અને એટલા માટે એક એક મતદાતા પોતાના મતની તાકાત સમજે છે, દેશને આગળ વધારવામાં તેની ભાગીદારી જુએ છે. તો દેશ કેવી રીતે વધી રહ્યો છે, તે ચાર સાડા ચાર વર્ષમાં અમે જોયું છે.

તમે યાદ કરો, સરકારો કેવી રીતે ચાલતી હતી. મને જણાવો, આજે સુરત એરપોર્ટ પર 70-72 વિમાનો ચાલી રહ્યા છે. હમણાં સી. આર. પાટીલજી જણાવી રહ્યા હતા કે 70-72 વિમાનો આવતા જતા હોય છે. પરંતુ શું આપણે ક્યારેય ભૂલી શકીએ છીએ કે કઈ રીતે અહિયાં એરપોર્ટની માટે આંદોલન કરવા પડતા હતા, મેમોરેન્ડમ આપવા પડતા હતા, દિલ્હી સરકાર સુધી દરવાજા ખખડાવવા પડતા હતા. હું પણ તે સમયની દિલ્હી સરકારને મુખ્યમંત્રી તરીકે ચિઠ્ઠીઓ લખી લખીને થાકી ગયો હતો, પરંતુ તેમના મગજમાં કોઈ રાજનૈતિક ઈરાદો હતો કે સુરતને આ સુવિધા નહોતી આપવામાં આવતી, પથ્થર નાખવામાં આવતા હતા.

હું તેમને સમજાવતો હતો, સુરતમાં તાકાત છે, એરલાઈન્સનો ફાયદો થશે, દેશને ફાયદો થશે; સાંભળવા માટે તૈયાર નહોતા. તમે મને જણાવો, ચાર લાખ મુસાફરો 26 લાખ મુસાફરોની ક્ષમતા કરવાની નોબત આવી ગઈ, આ કેટલી તાકાત હતી, જે આપણને દેખાતું હતું. સુરતવાળાઓને દેખાતું હતું, તેમને નહોતું દેખાતું; કારણ કે અમે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ મંત્રને લઈને કામ કરનારા લોકો છીએ.

સાથીઓ, એક બાજુ અમે સંપૂર્ણ શક્તિ વડે જૂની વ્યવસ્થાની ખામીઓને બદલવામાં લાગેલા છીએ, નવું ભારત બનાવવામાં લાગેલા છીએ; ત્યાં જ બીજી બાજુ- કેટલાક એવા પણ લોકો છે જે અમારા આ પ્રયાસોની મજાક ઉડાવતા રહે છે. તે લોકો જેમણે વીતેલા છ-સાત દાયકામાં દેશની ખબર નથી લીધી, માત્ર પોતાની ચિંતા કરી, તે બદલાતા આ ભારતને જોઈ નથી શકતા. આવા નકારાત્મક વિચારવાળા લોકોની પરવા કર્યા વિના અમે આગળ વધનારા લોકો છીએ. નવા ભારતની નવી ઉર્જાને અમે વિકાસમાં જ લગાવનારા છીએ.

હું ફરી એકવાર આપ સૌને જીવન અને કારોબારને સરળ બનાવનારી આ પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

તમે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા, તેના માટે પણ હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. મારી સાથે સંપૂર્ણ તાકાત સાથે બોલો-

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ખૂબ-ખૂબ આભાર!



(Release ID: 1563735) Visitor Counter : 526


Read this release in: English , Hindi , Marathi , Assamese