પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવા ભારત માટેનું બજેટ દેશમાં આશા અને ઉત્સાહ વધારશેઃ પ્રધાનમંત્રી

બજેટ ગરીબોને સક્ષમ બનાવશે, ખેડૂતોને પ્રોત્સાહન આપશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપશેઃ પ્રધાનમંત્રી


12 કરોડ ખેડૂતો અને તેમનાં પરિવારો, 3 કરોડ મધ્યમ વર્ગ કરદાતાઓને સીધો લાભ મળશેઃ પ્રધાનમંત્રી


5 એકરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન નિધિથી મોટી મદદ મળશે


પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાથી અસંગઠિત ક્ષેત્રનાં હિતોનું વધારે રક્ષણ થશે


Posted On: 01 FEB 2019 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટની પ્રશંસા કરીને ન્યૂ ઇન્ડિયા માટેનું બજેટ ગણાવ્યું હતું જે દેશમાં આશા અને ઉત્સાહનો સંચાર કરશે.

 

વર્ષ 2019-20 માટે વચગાળાનું બજેટ પ્રસ્તુત થયા પછી શ્રેણીબદ્ધ ટ્વીટ અને નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 12 કરોડથી વધારે ખેડૂતો અને એમનાં પરિવારો, 3 કરોડથી વધારે મધ્યમ વર્ગનાં કરદાતા વ્યાવસાયિકો અને તેમનાં પરિવારો તથા 30થી 40 કરોડ શ્રમિકોને લાભ થશે, જે માટે  નવા ભારત માટેનું બજેટ જવાબદાર છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનડીએ સરકારની વિકાસલક્ષી પહેલોએ કેટલાંય લોકોના જીવનને સ્પર્શ કર્યો છે, જે ખેડૂતોનાં કલ્યાણથી મધ્યમ વર્ગ, કરમુક્તિની મર્યાદામાં વધારાથી લઈને માળખાગત સુવિધા માટેની, ઉત્પાદન ક્ષેત્રથી એમએસએમઇ ક્ષેત્રને પ્રોત્સાહન માટેની, હાઉસિંગથી હેલ્થકેર ક્ષેત્રને વધારે સુલભ બનાવવા માટેની દરખાસ્તોમાં જણાઈ આવે છે. ધરાવે છે.

 

તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વધુ લોકો ગરીબીનાં દુષ્ચક્રમાંથી બહાર આવ્યાં છે એ સારી વાત છે. આપણો નવમધ્યમ વર્ગ વધી રહ્યો છે અને તેમનાં સ્વપ્નો અને આકાંક્ષાઓમાં પણ વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કરવેરામાં રાહત માટે મધ્યમ વર્ગને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, હું દેશનાં વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ મધ્યમ વર્ગને સલામ કરું છું.

 

બજેટમાં ખેડૂતોનાં હિત માટેની પહેલો વિશે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં સાડાં ચાર વર્ષ દરમિયાન ઘણી પહેલો ખેડૂતો માટે હાથ ધરવામાં આવી છે, પણ કમનસીબે આ યોજનાઓનાં કવચ હેઠળ ઘણાં ખેડૂતો ક્યારેય આવ્યાં નથી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન નિધિ ખેડૂતોનાં કલ્યાણ માટે ઐતિહાસિક પગલું છે, જે 5 એકરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતોને મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પશુપાલન ક્ષેત્ર, મત્સ્યપાલન ક્ષેત્રનું નવા ભારત માટેનાં બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

 

અસંગઠિત ક્ષેત્રનાં કામદારોનાં હિતોનું રક્ષણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાથી એમને મોટી મદદ મળશે. આ ક્ષેત્રનાં કામદારોનાં હિતોનું રક્ષણ કરવાની વધારે જરૂર હતી અને નવા ભારત માટેનાં બજેટમાં આ કામગીરી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત યોજના અને સામાજિક સુરક્ષા યોજનાઓ આ લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

 

પ્રધાનમંત્રીએ પોતાની વાતનાં સમાપનમાં જણાવ્યું હતું , વિકાસનાં લાભ સમાજનાં તમામ વર્ગોને મળે એવું બજેટમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “બજેટ ગરીબોને સક્ષમ બનાવશે, ખેડૂતોને પ્રોત્સાહન આપશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1562291) Visitor Counter : 291