નાણા મંત્રાલય

વચગાળાનાં બજેટ 2019-20ની મુખ્ય બાબતો સાથે સાર

આજે સંસદમાં 2019-20 માટે વચગાળાનું બજેટ રજૂ થયું, જેમાં ખેડૂતો માટે મોટી યોજના રજૂ કરવામાં આવી અને મધ્યમ વર્ગનાં લોકો માટે કરમુક્તિની મર્યાદા વધારવામાં આવી

નાણાં મંત્રીએ જણાવ્યું કે, આ વચગાળાનાં બજેટને દેશ માટે પ્રગતિશીલ માર્ગ માટેનાં માધ્યમ તરીકે જોવામાં આવશે

શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે, સરકાર મોંઘવારીનો સરેરાશ દર ઘટાડીને 4.2 ટકા સુધી નીચે લાવી, જે અગાઉની કોઈ પણ સરકારનાં શાસનકાળની સરેરાશ મોંઘવારી કરતાં ઓછો છે

Posted On: 01 FEB 2019 1:50PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2019

 

આજે કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયૂષ ગોયલે નાણાકીય વર્ષ 2019-20 માટેનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેમાં ખેડૂતો માટે મુખ્ય યોજના ઉપરાંત કરમુક્તિની મર્યાદાઓમાં મોટી છૂટછાટ અને આગામી વર્ષો માટે વિકાસલક્ષી કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી.

વર્ષ 2019નાં વચગાળાનાં બજેટની મહત્ત્વપૂર્ણ બાબતોમાં આ સામેલ છે – 12 કરોડ લઘુ અને સીમાંત ખેડૂતો માટે આવકને સીધો ટેકો આપવાની સાથે નવી દરખાસ્ત, અસંગઠિત ક્ષેત્રનાં 10 કરોડ કામદારો માટે પેન્શનની અભૂતપૂર્વ પહેલ, આવકવેરામાં મુક્તિની મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવી, સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા, સંરક્ષણ ક્ષેત્ર માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 3 લાખ સુધીની અંદાજપત્રીય ફાળવણી, ઉત્તર પૂર્વનાં રાજ્યોનાં વિકાસ માટે રૂ. 58,166 કરોડની વિક્રમ જોગવાઈ, હરિયાણા માટે નવી એઈમ્સ, વિદેશી ફિલ્મનિર્માતાઓની જેમ ભારતીય ફિલ્મ નિર્માતાઓ માટે સિંગલ વિન્ડો ક્લીઅરન્સ, શિક્ષણ, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ માટે ઊંચી અંદાજપત્રીય ફાળવણી તથા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સહિત નબળાં વર્ગોનાં કલ્યાણ માટે ઊંચી જોગવાઈ, 1.5 કરોડ માછીમારોનાં કલ્યાણ માટે મત્સ્યપાલનનો અલગ વિભાગ ઊભો કરવો.

 

 

મુખ્ય યોજનાઓ

 “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતાં ખેડૂતોને પરિવારદીઠ દર વર્ષે રૂ. 6,000 સુધીની પ્રત્યક્ષ આવક સહાય કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયૂષ ગોયલે વર્ષ 2019-20 માટે વચગાળાનું બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, અમારી સરકારે નાણાકીય વર્ષ 2019-2020 માટે રૂ 75,000 કરોડનાં ખર્ચ સાથે ઐતિહાસિક યોજના પીએમ-કિસાન શરૂ કરી છે અને નાણાકીય વર્ષ 2018-19નાં સંશોધિત અંદાજમાં રૂ. 20,000 કરોડની જોગવાઈ કરી છે.

 

      ભારત સરકારનું ભંડોળ ધરાવતી આ યોજના અંતર્ગત 12 કરોડ લઘુ અને સીમાંત ખેડૂત પરિવારોનાં બેંક ખાતાઓમાં ત્રણ સમાન હપ્તામાં રૂ. 2,000-રૂ. 2,000 હસ્તાંતરિત કરવામાં આવશે. આ યોજનાનો અમલ 1 ડિસેમ્બર, 2018થી શરૂ થશે અને પ્રથમ હપ્તાનો ગાળો 31 માર્ચ, 2019 સુધીનો હશે, જેને ચાલુ વર્ષ દરમિયાન જ ચુકવવામાં આવશે એવું પિયૂષ ગોયલે કહ્યું હતું.

 

Agriculture.jpg

 

મત્સ્યપાલન ક્ષેત્રનાં વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરીને સરકારે અલગ મત્સ્યપાલન વિભાગ ઊભો કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ પગલાંથી સરકાર આ ક્ષેત્ર પર નિર્ભર આશરે 1.45 કરોડ માછીમારોની આજીવિકા વધારવા અને આ ક્ષેત્રની 7 ટકાથી વધારે વૃદ્ધિ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.

 

નાણાં મંત્રીએ પશુપાલન અને મત્સ્યપાલનની વિવિધ કામગીરી કરતાં ખેડૂતોને વ્યાજમાં 2 ટકા માફી આપવાની જાહેરાત કરી હતી, જેમણે કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે લોનનો લાભ લીધો છે. ઉપરાંત લોનની સમયસર ચુકવણીનાં કેસમાં તેમને વ્યાજમાં વધુ 3 ટકાની માફી પણ મળશે.

 

 

Quote_7.jpg

 

ચાલુ વર્ષમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે રૂ. 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાયની સતત આનુવંશિકતા સુધારવા તથા ગાયનું ઉત્પાદન અને એની ઉત્પાદકતા વધારવા રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવાની જાહેરાત પણ થઈ છે. આયોગ ગાય માટે કાયદા અને કલ્યાણકારક યોજનાઓનાં અસરકારક અમલ પર પણ નજર રાખશે.

 

Quote_5.jpg

 

અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત 10 કરોડ શ્રમિકો અને કામદારોને પેન્શનનો લાભ આપવા પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન નામની યોજનાની જાહેરાત થઈ છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં આ દુનિયાની સૌથી મોટી પેન્શન યોજના બની જશે. આ યોજના માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શ્રી ગોયલે ઉમેર્યું હતું કે, જો જરૂર પડશે, તો વધારે ભંડોળ ફાળવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાનો અમલ ચાલુ વર્ષથી થશે.

 

આવકવેરાનો લાભ

જે વ્યક્તિગત કરદાતા રૂ. પાંચ લાખ સુધીની કરવેરાને પાત્ર આવક ધરાવે છે, તેમને હવે આવકવેરો ચુકવવાની જરૂર નહીં પડે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિઓ રૂ. 6.50 લાખ સુધીની આવક ધરાવે છે, તેઓ જો પ્રોવિડન્ટ ફંડ, ચોક્કસ સેવિંગ્સ અને વીમા વગેરેમાં રોકાણ કરતાં હશે, તો તેમને કરવેરો ભરવો નહીં પડે. વર્ષ 2019-20 માટેનાં વચગાળાનાં બજેટમાં રૂ. 2 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ, શૈક્ષણિક લોન પર વ્યાજ, રાષ્ટ્રીય પેન્શન યોજનામાં પ્રદાન, મેડિકલ વીમો અને વરિષ્ઠ નાગરિકો પર મેડિકલ ખર્ચ વગેરે માટે વધારાની કરમુક્તિ પણ પ્રદાન કરવામાં આવી છે. આ રીતે મધ્યમ વર્ગનાં આશરે 3 કરોડ લોકો તથા સેલ્ફ-એમ્પ્લોયડ, નાનાં વેપારીઓ, પગારદારો, પેન્શનર્સ અને વરિષ્ઠ નાગરિકો સહિત નાનાં કરદાતાઓને રૂ. 18,500 કરોડ સુધીનાં કરવેરાનો લાભ મળશે.

 

પગારદાર વ્યક્તિઓ માટે પ્રમાણભૂત કરમુક્તિ હાલનાં રૂ. 40,000થી વધારીને રૂ. 50,000 કરવામાં આવી છે. એનાથી 3 કરોડથી વધારે પગારદારો અને પેન્શનર્સને રૂ. 4,700 કરોડનો કરવેરામાં વધારાનો લાભ થશે.

 

હવે પોતાની માલિકીનાં બીજા ઘર પર અનુમાનિત ભાડાં પર આવકવેરા પર મુક્તિની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. અત્યારે જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીનાં એકથી વધારે ઘરનો કબજો ધરાવતી હોય, તો તેમને અનુમાનિત ભાડા પર આવકવેરો ચુકવવો પડે છે.

 

બેંક/પોસ્ટ ઓફિસની ડિપોઝિટ પર વ્યાજની આવક પર ટીડીએસ મર્યાદા રૂ. 10,000થી વધારીને રૂ. 40,000 કરવામાં આવી છે.

 

નાનાં કરદાતાઓને રાહત આપવા માટે ભાડાં પર કરમુક્તિ માટે ટીડીએસની મુક્તિમર્યાદા રૂ. 1,80,000થી વધારીને રૂ. 2,40,000 કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

 

 

Taxation.jpg

 

નાણાં મંત્રીએ જણાવ્યું કે, સરકાર ઘરનાં ગ્રાહકો પર જીએસટીનું ભારણ ઘટાડવા ઇચ્છે છે અને એ મુજબ જીએસટી પરિષદે વહેલામાં વહેલી તકે આ સંબંધમાં ચકાસણી કરવા અને ભલામણો કરવા મંત્રીઓનાં જૂથની નિમણૂક કરી હતી.

શ્રી ગોયલે કહ્યું હતું કે, ટૂંક સમયમાં વ્યવસાયો સહિત 90 ટકાથી વધારે જીએસટી દાતાઓને ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાની સુવિધા મળશે.

 

મોંઘવારી

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ મોંઘવારીનો દર સફળતાપૂર્વક ઘટાડીને 4.6 ટકા રાખ્યો હતો, જે અન્ય કોઈ પણ સરકારનાં શાસનકાળ દરમિયાન સૌથી ઓછો સરેરાશ મોંઘવારીનો દર છે. હકીકતમાં ડિસેમ્બર, 2018માં મોંઘવારી ઘટીને ફક્ત 2.19 ટકા જોવા મળી હતી. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, જો અમે મોંઘવારી નિયંત્રણમાં ન લાવી શકીએ, તો આપણાં પરિવારોનો ખર્ચ  ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રવાસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હાઉસિંગ વગેરે જેવી મૂળભૂત જરૂરિયાતો પર હાલનાં કરતાં આશરે 35થી 40 ટકા વધારે હોત. વર્ષ 2009-2014નાં પાંચ વર્ષ દરમિયાન મોંઘવારીનો સરેરાશ દર 10.1 ટકા હતો તેવું પણ તેમણે ધ્યાન દોર્યું હતું.

Quote_2.jpg

 

 

રાજકોષીય ખાધ

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, મહેસૂલી વર્ષ 2018-19માં રાજકોષીય ખાધ ઘટીને 3.4 ટકા થઈ ગઈ છે, જે સાત વર્ષ અગાઉ લગભગ 6 ટકા હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ ખાતાની ખાધ (સીએડી) છ વર્ષ અગાઉ 5.6 ટકા હતી, જે ચાલુ વર્ષે જીડીપીનાં 2.5 ટકા રહેવાની શક્યતા છે. શ્રી ગોયલે કહ્યું હતું કે, અમે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખી હતી. નાણાં પંચે ભલામણ ન કરવા છતાં કેન્દ્રિય કરવેરાઓમાં રાજ્યોનો હિસ્સો 32 ટકાથી વધારીને 42 ટકા કર્યો છે. આ રીતે અમે સહકારી સંઘવાદની ખરી ભાવનાને જાળવી રાખી છે, જેથી રાજ્ય સરકારોને નોંધપાત્ર રીતે વધારે રકમનું હસ્તાંતરણ કરી શકાશે.

 

વૃદ્ધિ અને એફડીઆઇ

નાણાં મંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આધુનિક અને અભૂતપૂર્વ માળખાગત સુધારાઓ હાથ ધરીને આગામી દાયકાઓ માટે ઊંચી વૃદ્ધિ માટેનો પાયો નાંખવામાં આવ્યો છે, જેમાં ચીજવસ્તુઓ અને સેવા વેરો (જીએસટી) અને કરવેરા સાથે સંબંધિત અન્ય સુધારાઓ સામેલ છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દેશમાં વિસ્તૃત આર્થિક સ્થિરતાનો શ્રેષ્ઠ તબક્કો જોવા મળ્યો હતો. નાણાં મંત્રીએ પોતાનાં બજેટ ભાષણની શરૂઆતમાં ભારપૂર્વક ટિપ્પણી કરી હતી કે, દુનિયામાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રોમાં સામેલ છે. વર્ષ 1991માં આર્થિક સુધારા શરૂ થયા પછી અત્યાર સુધીની કોઈ પણ સરકાર કરતાં હાલની સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં વધારે વૃદ્ધિ કરી છે. વર્ષ 2013-14માં દુનિયામાં 11 સૌથી મોટાં અર્થતંત્રમાંથી અત્યારે ભારતનું અર્થતંત્ર દુનિયામાં છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિર અને અંદાજિત નિયમનકારી માળખા, વિકસતાં અર્થતંત્ર અને મજબૂત ફંડામેન્ટલ જેવા પરિબળોને કારણે ભારતે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 239 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) મેળવ્યું છે, જેમાં મોટાં ભાગની એફડીઆઈને ઓટોમેટિક રુટ મારફતે મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્ય યોજનાઓ માટે ફાળવણીમાં વધારો

      નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20 માટે અંદાજપત્રીય અંદાજ માટે મહાત્મા ગાંધી નરેગા માટે રૂ. 60,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં જરૂર પડશે તો વધારે ફાળવણી કરવામાં આવશે.

અંદાજપત્રીય અંદાજ 2019-20માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય)માં રૂ. 19,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે સુધારેલા અંદાજ 2018-19માં રૂ. 15,500 કરોડ હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2014થી વર્ષ 2018 દરમિયાન કુલ 1.53 કરોડ મકાનોનું નિર્માણ થયું છે.

માર્ચ, 2019 સુધીમાં તમામ મકાનોને વીજળીનો પુરવઠો પ્રદાન કરવામાં આવશે. અત્યાર સુધી યુદ્ધનાં ધોરણે 143 કરોડ એલઇડી બલ્બ પ્રદાન કરવામાં આવ્યાં છે, જેનાં પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગ માટે રૂ. 50,000 કરોડની બચત થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશનાં આશરે 50 કરોડ લોકોને તબીબી સારવાર પ્રદાન કરવા વિશ્વનાં સૌથી મોટાં હેલ્થકેર પ્રોગ્રામ આયુષ્માન ભારત મારફતે આશરે 10 લાખ દર્દીઓને તબીબી સારવાર માટે નિઃશુલ્ક સારવારનો લાભ આપવામાં આવ્યો છે, નહીં તો તેમને રૂ. 3,000 કરોડનો ખર્ચ વેઠવો પડ્યો હતો. નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગનાં લાખો લોકોને આવશ્યક દવાઓ, કાર્ડિયાક સ્ટેન્ટ અને ની ઇમ્પ્લાન્ટની કિંમતમાં ઘટાડાનો લાભ પણ મળ્યો છે તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મારફતે વાજબી કિંમતે દવાઓ સુલભ થઈ છે.

શ્રી ગોયલે એવું પણ જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે સ્થાપિત કે કાર્યરત 21 એઈમ્સમાંથી 14 એઈમ્સની જાહેરાત વર્ષ 2014 પછી થઈ છે. તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે, હરિયાણામાં નવી અને 22મી એઈમ્સ સ્થાપિત થશે.

 

Health.jpg

 

સંકલિત બાળ વિકાસ યોજના (આઇસીડીએસ) માટે ફાળવણી સુધારેલા અંદાજ 2018-19માં રૂ 23,357 કરોડથી વધારીને  અંદાજપત્રીય અંદાજ 2019-20માં રૂ. 27,584 કરોડ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ માટે ફાળવણીમાં નોંધપાત્ર વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અંદાજપત્રીય વર્ષ 2018-19માં અનુસૂચિત જાતિ માટે રૂ. 56,619 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેને સુધારેલા અંદાજમાં વધારીને રૂ. 62,474 કરોડ કરવામાં આવી હતી, જે અંદાજપત્રીય વર્ષ 2019-20 માટે વધારીને રૂ. 76,801 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. આ વર્ષ  અંદાજપત્રીય અંદાજ 2018-19 માટે 35.6 ટકાની વૃદ્ધિ છે. અનુસૂચિત જનજાતિઓ માટે પણ 2019-20  અંદાજપત્રીય અંદાજમાં પ્રસ્તાવિત ફાળવણી રૂ. 50,086 કરોડની કરવામાં આવી છે, જે  અંદાજપત્રીય અંદાજ 2018-19માં રૂ. 39,135 કરોડથી 28 ટકાની વૃદ્ધિ છે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ડિ-નોટિફાઇડ, વિચરતાં અને અર્ધવિચરતાં સમુદાયોને લાભ આપવા માટે વિશેષ વ્યૂહરચના બનાવવા વેલ્ફેર ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપિત કરવામાં આવશે, જે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે, નીતિ આયોગ હેઠળ સમિતિ ડિ-નોટિફાઇડ, વિચરતાં અને અર્ધવિચરતાં સમુદાયોની ઓળખ કરવાની કામગીરીને હજુ ઔપચારિક રીતે વર્ગીકૃત કરવામાં આવી નથી.

 

Reaching out to the most deprived.jpg

 

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના મારફતે 8 કરોડ ફ્રી એલપીજી જોડાણ આપવાનો ઉદ્દેશ છે, જેમાંથી 6 કરોડ કનેક્શન અપાઈ ગયા છે અને બાકીનાં કનેક્શન આગામી વર્ષ સુધીમાં આપવામાં આવશે.

Women.jpg

 

નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, નેશનલ આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટલ ટૂંક સમયમાં નેશનલ પ્રોગ્રામ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભાગ બનશે.

 

 

Quote_8.jpg

 

હવે ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગનું નામ બદલીને ઔદ્યોગિક અને આંતરિક વેપારનાં પ્રોત્સાહન માટેનો વિભાગ કરવામાં આવ્યું છે.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, હાલની સરકારે બે વર્ષ અગાઉ ઊભા કરેલા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)ને પરિણામે સરેરાશ 25થી 28 ટકાની બચત થઈ છે અને આ પ્લેટફોર્મ હવે તમામ સીપીએસઈ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. અત્યાર સુધી રૂ. 17,500 કરોડનાં નાણાકીય વ્યવહારો થયા છે.

નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, પહેલી વાર દેશનાં સંરક્ષણ ક્ષેત્ર માટે રૂ. 3 લાખ કરોડથી વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

નાણાં મંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું , છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ડોમેસ્ટિક એર ટ્રાફિક પેસેન્જર્સની સંખ્યા બમણી થઈ છે, જેનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થયું છે. સિક્કિમમાં પાકયોંગ એરપોર્ટ શરૂ થવાથી કાર્યરત એરપોર્ટની સંખ્યા 100નાં આંકડાને વટાવી ગઈ છે. અરુણાચલ પ્રદેશ તાજેતરમાં એર મેપમાં આવ્યું છે તથા મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ ભારતનાં રેલવે મેપમાં પહેલી વાર આવ્યાં છે.

 

 

Infrastructure.jpg

 

ભારતીય રેલવે માટે મૂડી સમર્થન 2019-20  અંદાજપત્રીય અંદાજ (અંદાજપત્રીય વર્ષ)માં રૂ. 64,587 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રેલવેનો સંપૂણ મૂડીગત ખર્ચનો કાર્યક્રમ રૂ. 1,58,658 કરોડ છે. રેલવે મંત્રાલયનો પોર્ટફોલિયો પણ ધરાવતાં નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2017-18માં કાર્યકારી રેશિયો 98.4 ટકાથી સુધરીને 2018-19  અંદાજપત્રીય અંદાજ (અંદાજપત્રીય વર્ષ)માં 96.2 ટકા થશે તથા વર્ષ 2019-20 ( અંદાજપત્રીય અંદાજ)માં 95 ટકા થશે.

 

Railway.jpg

Railway-Budget-at-a-Glance-English.jpg

 

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં દસ ગણાથી વધારે વૃદ્ધિ થઈ છે. આ અંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે, પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવાની અમારી કટિબદ્ધતા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપનામાં દેખાય છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરનું આંતર-સરકારી સમજૂતી ધરાવતું ગઠબંધન છે, જેનું હેડક્વાર્ટર ભારતમાં છે. અત્યારે આ ક્ષેત્રમાં લાખો નવી રોજગારીનું સર્જન થઈ રહ્યું છે.

નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, રોજગારીનું મોટાં પાયે સર્જન કરતા મનોરંજન ઉદ્યોગમાં નિયમનકારી જોગવાઈઓ હવે સ્વજાહેરાતો પર વધારે આધારિત હશે. મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અત્યારે વિદેશી નિર્માતાનિર્દેશકો માટે ઉપલબ્ધ સિંગલ વિન્ડો ક્લીઅરન્સ સિસ્ટમ હવે ભારતીય નિર્માતાનિર્દેશકોને પણ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, અમે પાઇરસીને નિયંત્રણમાં લેવા સિનેમેટોગ્રાફ ધારામાં એન્ટિ-કેમકોર્ડિંગ જોગવાઈઓ પણ પ્રસ્તુત કરીશું.

 

તેમણે જણાવ્યું હતું કે આપણે આગામી પાંચ વર્ષ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર અને પછી આગામી આઠ વર્ષમાં 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છીએ. શ્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, વર્ષ 2017-18માં પ્રત્યક્ષ કરવેરાની આવકમાં 18 ટકાની વૃદ્ધિ થઈ છે અને નાણાકીય વર્ષ 2017-18માં પહેલી વાર 1.06 કરોડ લોકોએ આવકવેરાનાં રિટર્ન ફાઇલ કર્યા છે, જેથી કરદાતાઓનો આધાર વધ્યો છે, જે માટે ડિમોનેટાઇઝેશન મુખ્યત્વે જવાબદાર છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, તેઓ ફાઇનાન્સ બિલ મારફતે કોઈ પણ એક વ્યવહાર સાથે સંબંધિત એક માધ્યમ પર સ્ટેમ્પ ડ્યુટીનાં કાયદામાં અને સ્ટોક એક્સચેન્જો મારફતે એક સ્થળે આવક સાથે સંબંધિત જરૂરી સુધારા કરવાની દરખાસ્ત રજૂ કરે છે. તેમણે કહ્યુ હતું કે, આ રીતે એકત્ર કરવેરાની આવક ખરીદ કરનાર ક્લાયન્ટનાં ડોમિસાઇલને આધારે રાજ્ય સરકારો સાથે વહેંચવામાં આવશે.

મહેસૂલી વર્ષ 2018-19માં કુલ ખર્ચ રૂ. 24,57,235 કરોડથી વધીને 2019-20  અંદાજપત્રીય અંદાજમાં રૂ. 27,84,200 કરોડ થશે. આ રીતે રૂ. 3,26,965 કરોડ કે અંદાજે 13.30 ટકાનો વધારો થશે. આ ઓછી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઊંચા વધારાને પ્રતિબિંબિત કરે છે. વર્ષ 2019-20ની રાજકોષીય ખાધ અંદાજે જીડીપીની 3.4 ટકા થશે.

 

 

Railway-Budget-at-a-Glance-English.jpg

 

નાણાં  મંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, રાજકોષીય ખાધને કોન્સોલિડેટ કરવાનો પ્રોગ્રામ પૂર્ણ થયાં પછી સરકાર હવે ડેટ કોન્સોલિડેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે, અમે વર્ષ 2020-21 સુધીમાં રાજકોષીય ખાધને 3 ટકા કરવાનાં અમારાં લક્ષ્યાંક તરફ અગ્રેસર છીએ. ભારતમાં જીડીપીમાં ડેટનો રેશિયો વર્ષ 2017-18માં 46.5 ટકા હતો. એફઆરબીએમ ધારામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં જીડીપીમાં ડેટનો રેશિયો વર્ષ 2024-25 સુધીમાં ઘટાડીને 40 ટકા કરવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોષીય ખાધને કોન્સોલિટેડ કરવાનો પ્રોગ્રામ પૂર્ણ થયા પછી હવે અમે ડેટ કોન્સોલિડેશન પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

 

NP/J.KHUNT/GP                  



(Release ID: 1562288) Visitor Counter : 1202