પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી દાદરા અને નગર હવેલીના સિલવાસાની મુલાકાતે


રૂ. 1400 કરોડની વિકાસ યોજનાઓનુ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

દાદરા અને નગર હવેલીની સૂચના પ્રૌદ્યોગિકી નિતીનુ વિમોચન કર્યું

Posted On: 19 JAN 2019 6:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દાદરા અને નગર હવેલીનાં સિલવાસામાં વિવિધ વિકાસ યોજનાઓનુ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે દાદરા અને નગર હવેલીમાં સાયલી ખાતે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ દાદરા અને નગર હવેલીની સૂચના પ્રૌદ્યોગિકી નિતીનુ વિમોચન કર્યું હતુ અને એમ-આરોગ્ય મોબાઈલ એપ તથા ઘેર-ઘેરથી કચરાના એકત્રીકરણ, પૃથ્થકરણ અને પ્રસંસ્કરણ પ્રક્રિયા પણ શરૂ કરાવી હતી. તેમણે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ગોલ્ડ કાર્ડનું વિતરણ કર્યું હતુ તથા લાભાર્થીઓને વન અધિકાર પત્રોનુ વિતરણ પણ કર્યુ હતુ.

પ્રધાનમંત્રીએ આજે રૂ. 1400 કરોડની યોજનાઓના પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે એકત્ર જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે આ બધા પ્રોજેક્ટ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે નવી ઔદ્યોગિક નીતિ અને નવી આઈટી નિતી ઉદ્યોગોને વેગ આપવા માટે શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ નાગરિકોના કલ્યાણ માટેની સરકારની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે કામ કરી રહ્યા છીએ.

તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલી બંનેને ખુલ્લમાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરાયા છે. બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેરોસીનથી પણ મુક્ત જાહેર કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં દરેક ઘરમાં એલપીજી, વીજળી અને પાણીનાં જોડાણો છે.

તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગરીબ નાગરિકોને આવાસ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પ્રકાન કરતા ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા 3 વર્ષ દરમિયાન બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રૂ. 9,000 કરોડથી વધુ મૂડીરોકાણ કરવામાં આવ્યુ છે. આ બાબત સંખ્યાબંધ વિકાસ યોજના તરફ દોરી ગઈ છે. તેમણે જણાવ્યું કે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વિસ્તાર માટેની મેડિકલ કોલેજનો શિલાન્યાસ થવાને કારણે આ વિસ્તારને પ્રથમ મેડિકલ કોલેજ મળી છે. તેમણે કહ્યું કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ મેડિકલ કોલેજ આ વર્ષે જ ચાલુ કરી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોનમાં એક વર્ષમાં માત્ર 15 મેડિકલ બેઠકો મળતી હતી. મેડિકલ કોલેજની સ્થાપના થવાને કારણે હવે 150 બેઠકો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે મેડિકલ કોલેજને કારણે લોકોને વધુ સારી તબીબી સુવિધાઓ પ્રાપ્ત થશે.

આયુષ્યમાન ભારત યોજના અંગે વાત કરતાં તેમણે કહ્યું કે વિશ્વનો આ સૌથી મોટો આરોગ્યલક્ષી કાર્યક્રમ છે અને દરરોજ 10 હજાર ગરીબ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના શરૂ થયાના માત્ર 100 દિવસમાં જ 7 લાખથી વધુ ગરીબ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરો અને ગામડાંમાં લોકોને કાયમી આવાસ પ્રદાન કરવામાં આવી રહી છે.

તેમણે અગાઉની સરકારની કામગીરી સાથે તુલના કરતાં કહ્યું કે અગાઉનાં 5 વર્ષમાં માત્ર 25 લાખ મકાનો બાંધવામાં આવ્યા હતા જ્યારે અમે પાંચ વર્ષમાં 25 લાખથી વધુ મકાનો તૈયાર કર્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે માત્ર દાદરા અને નગર હવેલીમાં જ 13 લાખ મહિલાઓને વિના મૂલ્યે ગેસનાં જોડાણો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આદિવાસી લોકોના કલ્યાણ અંગેના પ્રયાસો થઈ રહયા છે. વન ધન યોજના હેઠળ વન્ય પેદાશોમાં મૂલ્ય વૃદ્ધિ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે પણ કેટલાક કદમ ઉઠાવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દાદરા અને નગર હવેલી પ્રવાસન માટે મોટી ક્ષમતા ધરાવે છે. આ વિસ્તારને પ્રવાસનના નકશામાં મુકવા માટે કેટલાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બ્લુ રિવોલ્યુશન હેઠળ માછીમારોની આવક વધારવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે રૂ. 7500 કરોડના ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 125 કરોડ ભારતીયો તેમનો પરિવાર છે અને તેમના કલ્યાણ માટે કામ કરવા તેઓ કટિબદ્ધ છે.

 

RP



(Release ID: 1560642) Visitor Counter : 242