પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રીય રાજમાર્ગ–66 પર કોલ્લમ બાયપાસનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 15 JAN 2019 9:00PM by PIB Ahmedabad

કેરળનાં મારા ભાઈઓ અને બહેનો,

મને ઈશ્વરનાં પોતાના ગણાતા આ દેશની મુલાકાત લેવાની ખુશી છે. અષ્ટમુડી તળાવનાં કિનારા પર કોલ્લમમાં મને ગયા વર્ષના પૂરની યાદો તાજી થઈ રહી છે. પણ આપણે કેરળનું પુનઃર્નિર્માણ કરવા માટે મહેનત કરવી પડશે.

હું આ બાયપાસ પૂર્ણ થવા બદલ તમને અભિનંદન આપુ છું, જે લોકો માટે જીવનને વધારે સરળ બનાવશે. લોકો માટે જીવનને સરળ બનાવવું – એ મારી સરકારની કટિબદ્ધતા છે. અમે સબ કા સાથ, સબ કા વિકાસમાં માનીએ છીએ. આ પ્રતિબદ્ધતા સાથે મારી સરકારે જાન્યુઆરી, 2015માં આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપી હતી. મને ખુશી છે કે, રાજ્ય સરકારનાં સાથસહકાર અને પ્રદાન સાથે અમે અસરકારક રીતે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. જ્યારે મારી સરકારે મે, 2014માં સત્તા સંભાળી હતી, ત્યારે અમે કેરળમાં માળખાગત સુવિધાઓને વિકસાવવા પ્રાથમિકતા આપી હતી. ભારતમાલા હેઠળ મુંબઈ-કન્યાકુમારી કોરિડોર માટે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં આ પ્રકારનાં ઘણાં પ્રોજેક્ટ વિકાસનાં વિવિધ તબક્કાઓમાં છે.

આપણા દેશમાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે માળખાગત સુવિધાઓ સાથેનાં વિવિધ પ્રોજેક્ટ શરૂ થયા પછી વિવિધ કારણોસર સ્થગિત થઈ જાય છે. ખર્ચ અને વધારે પડતા વિલંબને કારણે આ પ્રકારનાં પ્રોજેક્ટમાં રોકાણ વધી જાય છે અને જનતાનાં પૈસા વેડફાય છે. અમે નિર્ણય કર્યો હતો કે, સરકારી નાણાનો બગાડ કરતી આ પ્રકારની કાર્યશૈલી ચાલુ નહીં રહી શકે. પ્રગતિ મારફતે અમે વિવિધ પ્રકારનાં પ્રોજેક્ટને વેગ આપ્યો છે અને આ સમસ્યાનું સમાધાન કર્યું છે.

દર મહિનાનાં છેલ્લાં બુધવારે હું ભારત સરકારનાં તમામ સચિવો અને રાજ્ય સરકારોનાં મુખ્ય સચિવો સાથે બેસું છું તથા આ પ્રકારનાં વિલંબમાં પડેલા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરું છું.

મને એ જોઈને નવાઈ લાગી હતી કે, કેટલાંક પ્રોજેક્ટ 20-30 વર્ષ જૂના છે અને તેમાં વિલંબ થઈ રહ્યો છે. લાંબા સમય સુધી કોઈ પ્રોજેક્ટ કે યોજનાનાં લાભથી સામાન્ય નાગરિકને વંચિત રાખવો એક અપરાધ છે. અત્યાર સુધી મેં પ્રગતિ હેઠળ આશરે 12 લાખ કરોડ રૂપિયાનાં 250થી વધારે પ્રોજેક્ટની સમીક્ષા કરી છે.

મિત્રો,

અટલજી વિવિધ વિસ્તારો વચ્ચે જોડાણની ક્ષમતાને જાણતા હતાં અને અમે એમનાં વિઝનને જ આગળ વધારી રહ્યાં છીએ. રાષ્ટ્રીય રાજમાર્ગથી લઈને ગ્રામીણ માર્ગો સુધી નિર્માણની ગતિ અગાઉની સરકારની સરખામણીમાં લગભગ બમણી થઈ છે.

જ્યારે અમે સરકાર બનાવી હતી, ત્યારે ફક્ત 56 ટકા ગ્રામીણ વિસ્તારો રોડ સાથે જોડાયેલા હતા. અત્યારે 90 ટકાથી વધારે ગ્રામીણ વિસ્તારો રોડ સાથે જોડાઈ ગયા છે. મને ખાતરી છે કે, અમે ટૂંક સમયમાં 100 ટકાનો લક્ષ્યાંક સિદ્ધ કરીશું.

માર્ગ ક્ષેત્રમાં મારી સરકારે રેલવે, જળમાર્ગો અને હવાઈ માર્ગોને પ્રાથમિકતા આપી છે. વારાણસીથી હલ્દિયા સુધીનો રાષ્ટ્રીય રાજમાર્ગ શરૂ થઈ ગયો છે. આ પર્યાવરણને અનુકૂળ, સ્વચ્છ પરિવહન સુનિશ્ચિત કરશે અને ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણનું સંરક્ષણ કરશે. છેલ્લાં ચાર વર્ષમાં પ્રાદેશિક ધોરણે હવાઈ જોડાણમાં ઘણો સુધારો પણ થયો છે. વીજળીકરણનાં દરને બમણો કરવો અને નવાં ટ્રેક પાથરવામાં મોટો સુધારો જોવા મળ્યો છે. આ તમામ રોજગારીનાં સર્જન તરફ પણ દોરી જાય છે.

જ્યારે અમે માર્ગો અને પુલોનું નિર્માણ કરીએ છીએ, ત્યારે અમે ગામડાઓ અને શહેરોને જ જોડતાં નથી. અમે સફળતાઓ સાથે આકાંક્ષાઓ, અવસરો સાથે આશાવાદ અને ખુશીઓ સાથે અપેક્ષાઓને પણ જોડીએ છીએ.

હું મારા દરેક દેશવાસીઓનાં વિકાસ માટે કટિબદ્ધ છું. છેવાડાનો માણસ મારી પ્રાથમિકતા છે. મારી સરકારે મત્સ્ય ક્ષેત્ર માટે રૂ. 7,500 કરોડનું નવું ભંડોળ મંજૂર કર્યું છે.

આયુષમાન ભારત હેઠળ અમે દર વર્ષે દરેક ગરીબ પરિવારને રૂ. 5 લાખનો રોકડ રહિત આરોગ્ય વીમો પ્રદાન કરીએ છીએ. અત્યાર સુધીમાં આ યોજનાથી 8 લાખથી વધારે દર્દીઓને લાભ થયો છે. અત્યાર સુધીમાં સરકારે રૂ. 1,100 કરોડથી વધારેનું ભંડોળ મંજૂર કર્યું છે. હું કેરળની સરકારને આ યોજનાનાં ઝડપી અમલ માટે વિંનતી કરું છું, જેથી કેરળની જનતાને એનો લાભ મળી શકે.

કેરળનાં આર્થિક વિકાસનો આધાર પ્રવાસન ઉદ્યોગ પર છે અને રાજ્યનાં અર્થતંત્રમાં આ ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન કરે છે. મારી સરકાર પ્રવાસન ક્ષેત્રમાં ઘણું કામ કરે છે અને એનાં ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે. અત્યારે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ (વિશ્વ યાત્રા અન પ્રવાસન પરિષદ)નાં વર્ષ 2018નાં અહેવાલમાં નવા પાવર રેન્કિંગમાં ભારત ત્રીજુ સ્થાન ધરાવે છે. આ મોટી સફળતા છે, જે દેશમાં સંપૂર્ણ પ્રવાસન ક્ષેત્ર માટે લાભદાયક છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટિવ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 65થી સુધરીને 40મો થયો છે.

ભારતમાં વિદેશી પ્રવાસીઓનું આગમન વર્ષ 2013માં આશરે 70 લાખથી વધીને વર્ષ 2017માં આશરે 1 કરોડ થઈ ગયું હતું. એ 42 ટકાનો વધારો છે! પ્રવાસનને કારણે ભારત દ્વારા વિદેશી વિનિમયની આવક વર્ષ 2013માં 18 અબજ ડોલરથી વધીને વર્ષ 2017માં 27 અબજ ડોલર થઈ હતી! આ 50 ટકાનો વધારો છે! હકીકતમાં ભારત વર્ષ 2017માં વિશ્વમાં પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં સૌથી વધુ વધારામાંનો એક હતો. જ્યારે વર્ષ 2016માં આ 14 ટકાનો વધારો હતો, ત્યારે એ જ વર્ષે વિશ્વનાં દેશોમાં પ્રવાસીઓન સંખ્યામાં સરેરાશ 7 ટકાનો વધારો થયો હતો.

ભારતીય પ્રવાસન ક્ષેત્ર માટે ઇ-વિઝાની શરૂઆત ગેમ ચેન્જર છે. અત્યારે આ સુવિધા દુનિયાભરમાં 166 દેશોમાં ઉપલબ્ધ છે.

મારી સરકારે પ્રવાસન, વારસા અને ધાર્મિક સ્થળો સાથે સંબંધિત મૂળભૂત માળખાગત સુવિધાઓ ઊભી કરવા બે મુખ્ય કાર્યક્રમો શરૂ કર્યા છે – સ્વદેશ દર્શનઃ વિષય-આધારિત પ્રવાસન સર્કિટનો સંકલિત વિકાસ અને પ્રસાદ.

કેરળનાં પ્રવાસનની સંભવિતતાને ઓળખીને અમે સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજનાઓ હેઠળ રાજ્યમાં અંદાજે રૂ. 550 કરોડનાં ખર્ચ ધરાવતાં 7 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આજે હું શ્રી પહ્મનાભસ્વામીમાં આ પ્રકારનાં એક પ્રોજેક્ટનું ઉદઘાટન કરીશ.

તિરુવનંતપુરમાં મંદિર છે. કેરળનાં લોકો અને દેશનાં અન્ય ક્ષેત્રનાં લોકોનાં કલ્યાણ માટે હું ભગવાન પહ્મનાભ સ્વામીનાં આશીર્વાદ પણ લઈશ.

મેં ‘કોલ્લમ કન્ડાલિલ્લામવેન્દા’ શબ્દ સાંભળ્યો છે, જેનો અર્થ છે, એક વાર કોલ્લમમાં આવો, તો તમે ઘર જેવી જ લાગણી અનુભવશો. હું પણ આ જ પ્રકારની લાગણી અનુભવી રહ્યો છું.

હું કોલ્લમ અને કેરળનાં લોકોનાં પ્રેમ અને હૂંફ માટે આભારી છું. હું વિકસિત અને મજબૂત કેરળ માટે પ્રાર્થના કરું છું.

નાન્ની, નમસ્કારમ

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1560319) Visitor Counter : 243