પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સામાન્ય વર્ગોનાં ગરીબો માટે 10 ટકા અનામતનું બિલ એક ઐતિહાસિક પગલું છે, જે ગરીબો માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે


પ્રધાનમંત્રીએ આસામ અને પૂર્વોત્તરનાં લોકોને આશ્વાસન આપ્યું કે તેમનાં અધિકારોનું રક્ષણ કરવામાં આવશે

ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ વિરૂદ્ધ સરકારનું અભિયાન ચાલુ રહેશેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ નવા રાષ્ટ્રીય રાજમાર્ગ-52નાં સોલાપુર-તુળજાપુર-ઉસ્માનાબાદ સેક્શન ફોર લેનનું લોકાર્પણ કર્યું

સોલાપુર-ઉસ્માનાબાદ વાયા તુળજાપુર રેલવે લાઇનને મંજૂરીઃ પ્રધાનમંત્રી

સોલાપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબો માટે 30,000 ઘરોનું નિર્માણ કરવામાં આવશે

Posted On: 09 JAN 2019 4:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)નાં ગરીબો માટે 10 ટકા અનામત ઉપલબ્ધ કરાવવા માટે બંધારણમાં સંશોધનનું બિલ ગરીબોનાં ઉત્થાન માટે એક ઐતિહાસિક પગલું છે, જે સબ કા સાથ સબ કા વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મહારાષ્ટ્રનાં સોલાપુરમાં એક જનસભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોકસભાએ આ બિલને પસાર કર્યુ છે, જે લોકો તેના સંબંધમાં જૂઠાણાં ફેલાવી રહ્યાં છે એમને ઇંટનો જવાબ પત્થરથી છે. તમણે આશા વ્યક્ત કરી હતી કે, આ બિલ રાજ્યસભામાં પસાર થઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે ગઇકાલે લોકસભામાં સામાન્ય વર્ગનાં આર્થિક રીતે નબળાં વર્ગો માટે 10 ટકા અનામત ઉપલબ્ધ કરાવવા માટે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. આ સબ કા સાથ સબ કા વિકાસનાં અમારા સંકલ્પને મજબૂત બનાવે છે.

નાગરિક સંશોધન બિલ વિશે પ્રધાનમંત્રીએ આસામ અને પૂર્વોત્તરનાં લોકોને ખાતરી આપી હતી કે, તેમનાં અધિકારો અને અવસરોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતાં ભારત માતાનાં પુત્રો અને પુત્રીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ઇતિહાસનાં ઉત્થાન અને પતનને જોયા પછી આપણા આ ભાઈઓ અને બહેનો ભારતમાં સામેલ થવા ઇચ્છે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સામે સરકારનું અભિયાન તેમની સામે દોષારોપણ કરવા છતાં ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ દેશની જનતાનાં આશીર્વાદ અને સમર્થનથી ભ્રષ્ટાચાર અને વચેટિયા સામે લડવામાં સાહસપૂર્વક પોતાની ફરજ અદા કરતાં રહેશે.

પ્રધાનમંત્રીએ અનેક વિકાસલક્ષી યોજનાઓની શરૂઆત અને શિલાન્યાસ કર્યા પછી જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 30,000 મકાનોનાં નિર્માણનો શિલાન્યાસ પણ કર્યો હતો. એનાથી કચરો વીણતા, રિક્ષાચાલકો, બીડીનાં કામદારો જેવા ગરીબો અને બેઘર લોકોને લાભ મળશે. આ યોજનાનો ખર્ચ રૂ. 1811.33 કરોડ છે. તેમણે કહ્યું હતું કે, આજે અમે ગરીબો, મજૂરોનાં પરિવાર માટે 30,000 ઘરોની યોજનાનું ઉદઘાટન કર્યું છે. આ યોજનાથી કારખાનામાં કામ કરતાં, રિક્ષા ચલાવતાં અને ઑટોચાલકો વગેરેને લાભ મળશે. હું તમને ખાતરી આપું છું કે, તમારા હાથમાં બહુ ઝડપથી તમારા ઘરની ચાવીઓ હશે, મધ્યમ વર્ગનાં પરિવારો માટે સસ્તાં મકાનો બનાવવાનો પણ પ્રયાસ ચાલુ છે. હવે તેઓ 20 વર્ષનાં ગાળાની હોમ લોન પર રૂ. 6 લાખ સુધીની બચત કરી શકે છે. આ આરામ સાથે રહેવા માટે સરકારનાં પ્રયાસોને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ આ યોજનાઓનું ઉદઘાટાન કરશે, જેનું તેમણે શિલારોપણ કર્યું છે અને આ એમની પ્રતિબદ્ધતા છે. પ્રધાનમંત્રીએ નવા રાષ્ટ્રીય રાજમાર્ગ-52નો 98.717 કિલોમીટર લાંબો માર્ગ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ માર્ગથી સોલાપુરની મરાઠવાડા વિસ્તાર સાથે કનેક્ટિવિટી વધારે સારી થશે. સોલાપુર-તુળજાપુર-ઉસ્માનાબાદ, રાષ્ટ્રીય રાજમાર્ગ – 52 ફોર લેન ધરાવતો માર્ગ છે. તેનો અંદાજિત ખર્ચ રૂ. 972.50 કરોડ છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રીય રાજમાર્ગ-52માં બે મોટા અને 17 નાના પુલ છે. તેમાં સુરક્ષા વિશેષતાઓ સામેલ કરવામાં આવી છે. એમાં 4 વાહન અને 10 પેડેસ્ટ્રિયન અંડરપાસ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તુળજાપુરમાં 3.4 કિલોમીટરનો બાયપાસ બનાવવામાં આવ્યો છે, જે શહેરની પરિવહન વ્યવસ્થાને સરળ બનાવશે.

શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને જીવનને સરળ બનાવવા માટે રાજમાર્ગોનાં વિસ્તાર પ્રત્યે સરકારનાં વિઝનને રેખાંકિત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન લગભગ 40,000 કિલોમીટરનાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ થયું છે. એનો ખર્ચ લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા છે. લગભગ 52,000 કિલોમીટરનાં રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ ચાલી રહ્યું છે.

આ વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીને શ્રેષ્ઠ બનાવવાની જાહેરાત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે સોલાપુર-ઉસ્માનાબાદ વાયા તુળજાપુર રેલવે લાઇનને મંજૂરી આપી દીધી છે. તેનો અંદાજિત ખર્ચ 1000 કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યું હતું કે, ઉડાન યોજના અંતર્ગત સોલાપુરથી પ્રાદેશિક એર કનેક્ટિવિટી હેતુ માટે એર ટ્રાવેલ પણ શરૂ કરવામાં આવશે.

સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતનાં વિઝન અંતર્ગત પ્રધાનમંત્રીએ સોલાપુરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને ત્રણ સુએઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેનાથી શહેરનું સુએઝ કવરેજ વધશે અને ઉત્તમ સ્વચ્છતા રહેશે.

પ્રધાનમંત્રીએ પાણીનાં પુરવઠા અને સુએઝ વ્યવસ્થા સાથે સંબંધિત એક સંયુક્ત યોજનાનું શિલારોપણ પણ કર્યું હતું. આ યોજના સોલાપુર સ્માર્ટ સિટીનાં ક્ષેત્ર આધારિત વિકાસનો ભાગ છે. ઉજાણી બંધથી સોલાપુર શહેરની પીવાનાં પાણીનાં પુરવઠાની વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવવા અને અમૃત મિશન અંતર્ગત ભૂગર્ભ ગટર સિસ્ટમનું નિર્માણ આ યોજનાનું મુખ્ય અંગ છે.

આશા છે કે, આ યોજનાઓથી માર્ગ અને પરિવહન કનેક્ટિવિટી, પાણીનો પુરવઠો, સ્વચ્છતા વધારે સારી થશે તથા સોલાપુર અને તેની આસપાસનાં વિસ્તારોમાં રહેતાં લોકોને રોજગારીની તકો મળશે.

 

RP



(Release ID: 1559309) Visitor Counter : 228