પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આંદામાનમાં


પોર્ટ બ્લેરમાં સેલ્યુલર જેલની મુલાકાત લીધી, ઉચ્ચ કાઠીએ ધ્વજ લહેરાવ્યો; નેતાજી સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલિ અર્પણ કરી, નેતાજી દ્વારા ભારતીય ભૂમિ પર તિરંગો લહેરાવવાનાં 75 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત સમારંભમાં ભાગ લીધો

Posted On: 30 DEC 2018 6:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પોર્ટ બ્લેરનો પ્રવાસ કર્યો હતો.

પોર્ટ બ્લેરમાં પ્રધાનમંત્રીએ શહીદ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી. સેલ્યુલર જેલમાં તેમણે વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓનાં કારાવાસની કોટડીની મુલાકાત લીધી હતી. તેમણે ઉચ્ચ કાઠીએ ધ્વજ લહેરાવ્યો હતો અને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ભારતીય ભૂમિ પર તિરંગો લહેરાવવાનાં 75 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ એક સ્મારક પોસ્ટ સ્ટેમ્પ, એક સિક્કો અને ફર્સ્ટ ડે કવર જાહેર કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઊર્જા, કનેક્ટિવિટી અને આરોગ્ય ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ યોજનાઓની એક શ્રેણીનું પણ અનાવરણ કર્યુ હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંદામાન અને નિકાબોર દ્વિપ સમૂહ ફક્ત ભારતની કુદરતી સુંદરતાનું પ્રતિક હોવાની સાથે ભારતીયો માટે યાત્રાધામ જેવું સ્થાન છે. તેમણે કહ્યું હતું કે, આંદામાન અને નિકાબોર દ્વિપ સમૂહ અમને અમારા સ્વતંત્રતા સેનાનીઓનાં સામૂહિક સંકલ્પની યાદ કરાવે છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વિપ સમૂહોને સશક્ત બનાવવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે વિકાસ યોજનાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે, એ શિક્ષણ, આરોગ્ય, કનેક્ટિવિટી, પર્યટન અને રોજગારનાં ક્ષેત્રોમાં આ લક્ષ્યાંકોને આગળ વધારશે.

પ્રધાનમંત્રીએ સેલ્યુલર જેલ અને જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ અગાઉ તિરંગો લહેરાવ્યો હતો એ પોઇન્ટનાં પોતાનાં પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હજારો સ્વતંત્રતા સેનાનીઓનું શોષણ થયું હતું એ સેલ્યુલર જેલ એમનાં માટે કોઈ યાત્રાધામથી ઓછું મહત્ત્વ ધરાવતું નથી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર ક્યારેય સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાનને નહીં ભૂલે.

નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં આહવાન પર આંદામાનનાં ઘણા યુવાનોએ પોતાનું જીવન ભારતની આઝાદી માટે સમર્પિત કરી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, 150 ફીટ ઊંચા મસ્તૂલ પર આજનાં દિવસે નેતાજીએ 1943માં તિરંગો લહેરાવ્યો હતો, તેની સ્મૃતિમાં આજે ફરી તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે રૉસ દ્વિપ સમૂહનું નામ હવે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વિપ રાખવામાં આવશે, નીલ દ્વિપ સમૂહને હવે શહીદ દ્વિપ તરીકે ઓળખવામાં આવશે અને હેવલોક ટાપુનું નામ હવે સ્વરાજ દ્વિપ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં વિઝનને અનુરૂપ એક મજબૂત ભારતનું નિર્માણ કરવાની દિશામાં અત્યારે ભારતનાં લોકો કામ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશભરમાં કનેક્ટિવિટીને સુદ્રઢ કરવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાનાં નાયકોને યાદ કરવા અને એમનું સન્માન કરવું એકીકરણની અમારી ભાવનાને મજબૂત કરવામાં સહાયતા કરે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આપણા ઇતિહાસનાં દરેક ગૌરવશાળી પ્રકરણને રેખાંકિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રીય પોલીસ મેમોરિયલ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે સંબંધિત પંચતીર્થનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલનાં નામે રાષ્ટ્રીય પુરસ્કારોની ઘોષણા પણ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મહાન નેતાઓની પ્રેરણા સાથે જેનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતનાં કેન્દ્રમાં વિકાસ છે.

તેમણે કહ્યું હતું કે, સરકાર પર્યાવરણની જરૂરિયાતોને અનુરૂપ ટાપુ સમૂહોનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસનાં એક ભાગ સ્વરૂપે પર્યટન, ખાદ્ય પ્રસંસ્કરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી સંભવ છે, ત્યાં સુધી આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહોને સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે પોર્ટ બ્લેર ડૉકયાર્ડ વિસ્તારની વાત કરી હતી, જે મોટા જહાજોની જાળવણી કરવામાં સક્ષમ બનશે. તેમણે બે અઠવાડિયાની અંદર દ્વિપ સમૂહોમાં ગ્રામીણ માર્ગોની સ્થિતિ પર એક અહેવાલ માંગ્યો હતો અને કહ્યું હતું કે, અહેવાલની ચકાસણી કર્યા પછી તુરંત કેન્દ્ર સરકાર શક્ય તમામ સહાયતા કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક નવા સંપૂર્ણ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ચેન્નાઈથી દરિયાની અંદર ઓપ્ટિકલ ફાઇબર કેબલ સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. તેમણે પાણી, વીજળી, સ્વચ્છ ઊર્જા અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1557967) Visitor Counter : 278