પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભૂટાનના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

Posted On: 28 DEC 2018 1:39PM by PIB Ahmedabad

આદરણીય મહાનુભાવ, પ્રધાનમંત્રી ડૉક્ટર લોટે શેરિંગ,

ભૂટાનથી અહિં પધારેલા તમામ વિશેષ અતિથીગણ,

મિત્રો,

આ વર્ષ ભારત અને ભૂટાનના રાજનૈતિક સંબંધોની સુવર્ણ જયંતિનું વર્ષ છે. આ ઐતિહાસિક અને શુભ વર્ષમાં પ્રધાનમંત્રી ડૉક્ટર લોટેનું ભારતમાં હાર્દિક સ્વાગત કરવું એ મારા માટે પ્રસન્નતાનો વિષય છે. ભૂટાનમાં આ વર્ષે ત્રીજી સામાન્ય ચુંટણીના સફળ સંચાલન માટે ભૂટાન સરકાર અને ભૂટાનની જનતા, બંનેને હું સહૃદય અભિનંદન પાઠવું છું. આ ચૂંટણીઓમાં સફળતા માટે પ્રધાનમંત્રી ડૉક્ટર લોટેને મારા તરફથી ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં ભૂટાન સફળતા અને ખુશાલીના માર્ગ પર પ્રગતિ કરતું રહેશે.

મિત્રો,

પ્રધાનમંત્રી ડૉક્ટર લોટેએ ભૂટાન માટે તેમના “નેરોઈંગ ધ ગેપ” વિઝનના વિષયમાં મને વિસ્તારપૂર્વક જાણકારી આપી. હું તેમની દુરંદેશીતાની પ્રશંસા તો કરું જ છું, પરંતુ મને એટલા માટે પણ ઘણી પ્રસન્નતા છે કે તેમનું વિઝન અમારા “સૌનો સાથ, સૌનો વિકાસ”ના વિઝન સાથે મેળ ધરાવે છે. મેં પ્રધાનમંત્રીજીને ખાતરી આપી છે કે ભૂટાનના વિકાસમાં ભારત હંમેશાની જેમ એક ભરોસાપાત્ર મિત્ર અને ભાગીદારની ભૂમિકા નિભાવશે. ભૂટાનની 12મી પંચવર્ષીય યોજનામાં ભારત ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાનું યોગદાન આપશે. આ યોગદાન ભૂટાનની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને અનુરૂપ હશે.

મિત્રો,

ભારત અને ભૂટાનના સહયોગના લાંબા ઈતિહાસમાં હાયડ્રો પ્રોજેક્ટ્સમાં સહયોગ એક મહત્વનો ભાગ રહ્યો છે. આજે અમે આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં તમામ સંલગ્ન પ્રોજેક્ટમાં અમારા સહયોગની સમીક્ષા કરી. એ ખુશીની વાત છે કે માન્ગ-દેછૂ પ્રોજેક્ટ પર કામ ખૂબ ઝડપથી પૂરું થવાનું છે. આ પ્રોજેક્ટના ટેરીફ પર પણ સહમતિ થઈ છે. અન્ય યોજનાઓ પર પણ કાર્ય સંતોષજનક રીતે પ્રગતિ કરી રહ્યું છે. અને અમે બંને પક્ષો તમામ યોજનાઓને હજુ વધારે ગતિ આપવા માંગીએ છીએ. અમારા સહયોગમાં એક નવું પાસું અંતરીક્ષ વિજ્ઞાનનું છે. મને ખુશી છે કે સાઉથ એશિયન સેટેલાઈટ વડે લાભ મેળવવા માટે ઈસરો દ્વારા ભૂટાનમાં બનાવવામાં આવી રહેલ ગ્રાઉન્ડ સ્ટેશન પણ ખૂબ ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ભૂટાનના દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પણ હવામાનની જાણકારી, ટેલિ મેડિસીન અને આપત્તિ નિવારણ જેવા કાર્યોમાં મદદ મળશે.

મિત્રો,

આજે પ્રધાનમંત્રી ડૉક્ટર લોટેએ મને એક શુભ સમાચાર પણ આપ્યા છે. ભૂટાન સરકારે ટૂંક સમયમાં જ રૂપે કાર્ડને જાહેર કરવાનો નિર્ણય લીધો છે. મહાનુભાવ, આ નિર્ણય માટે હું તમારો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. મને વિશ્વાસ છે કે તેનાથી બંને દેશોની વચ્ચે લોકોના લોકો સાથેના સંબંધને વધુ બળ મળશે.

મહાનુભાવ,

તમે તમારી પહેલી વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કર્યો અને ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી તરીકે મારી પહેલી વિદેશ યાત્રા પણ ભૂટાનની જ હતી. એક-બીજા સાથે સહયોગ મજબૂત કરવા માટે વિકાસના માર્ગ પર કદમથી કદમ મિલાવીને આગળ વધવા માટે અમારી પારસ્પરિક પ્રતિબદ્ધતાનું આ પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તમારી આ ભારત યાત્રા આપણા સંબંધોને એક નવી ગતિ આપવામાં સફળ થશે. આ જ શબ્દો સાથે હું ફરી એકવાર ભારતમાં તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.

આભાર!

તાશી દેલેગ!

 

NP/J.Khunt/RP



(Release ID: 1557571) Visitor Counter : 217