પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 23 ઓગસ્ટનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે

Posted On: 22 AUG 2018 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટ, 2018નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી વલસાડ જિલ્લાનાં જુજવા ગામમા એક વિશાળ જનસભામાં કેન્દ્ર સરકારની તમામ માટે મકાનની મહત્ત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓના સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનશે.

ગુજરાતમાં એક લાખથી વધારે મકાનોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. રાજ્યનાં 26 જિલ્લાઓમાં લાભાર્થીઓ આ મકાનોમાં એકસાથે ગૃહપ્રવેશ કરશે. વલસાડમાં દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લા વલસાડ, નવસારી, તાપી, સુરત અને ડાંગનાં લાભાર્થીઓ એકત્ર થશે. બાકીનાં જિલ્લાઓમાં તાલુકા સ્તરે સંયુક્ત ગૃહપ્રવેશની ઉજવણી થશે. આ જિલ્લાઓમાં લાભાર્થીઓને વલસાડમાં મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાવામાં આવશે. આ કાર્યક્રમમાં 2 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે એવી અપેક્ષા છે.

આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને રોજગારીનાં પત્રો વહેંચશે, જેમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય વિકાસ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન સામેલ છે. તેઓ નિયુક્તિપત્રો અને મહિલા બેંક કોરસ્પોન્ડેન્ટને મિનિ-એટીએમનું વિતરણ કરશે. તેઓ જનસભાને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રી જૂનાગઢમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓમાં જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 13 પ્રોજેક્ટ અને ખોખરડામાં દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ સામેલ છે. તેઓ જનસભાને સંબોધિત પણ કરશે.

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં દીક્ષાંત સંબોધન આપશે. તેઓ દિલ્હી પરત જતાં અગાઉ ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

 

RP



(Release ID: 1543625) Visitor Counter : 270