પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેરળની મુલાકાત લીધી, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી

Posted On: 18 AUG 2018 11:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કેરળમાં પૂરને કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લીધી હતી. તેમણે સમીક્ષા બેઠકનું આયોજન કર્યા પછી રાજ્યનાં કેટલાંક અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાનને આધારે કેટલાંક વિસ્તારોમાં પૂરનાં કારણે થયેલાં નુકસાનનું આકલન કરવા હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પ્રધાનમંત્રીની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી, શ્રી કે જે આલ્ફોન્સ (રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી) અને અધિકારીઓ સામેલ થયા હતાં.

પ્રધાનમંત્રી પૂરને કારણે જાનમાલને થયેલા નુકસાન પર દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કેરળનાં મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને રાજ્ય સરકારનાં અધિકારીઓ સાથે સાથે બેઠક દરમિયાન પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી.

પ્રધાનમંત્રીએ સમીક્ષા કર્યા પછી રાજ્યને રૂ. 500 કરોડની નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી હતી. આ 12.08.2018નાં રોજ ગૃહ મંત્રીએ કરેલી રૂ. 100 કરોડની સહાયની જાહેરાત ઉપરાંત છે. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને એવી ખાતરી પણ આપી હતી કે અનાજ, દવા વગેરે સહિત રાહત સામગ્રી જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ મૃત્યુ પામેલી વ્યક્તિનાં પરિજનોને મૃતકદીઠ રૂ. 2 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂ. 50,000ની સહાય પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી આપવાની જાહેરાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ અસરગ્રસ્ત પરિવારો/લાભાર્થીઓને સમયસર વળતર મળે એ માટે ઝડપથી નુકસાનની આકારણી કરવા વિશેષ કેમ્પ યોજવાની સૂચના વીમાકંપનીઓને આપી હતી. ખેડૂતોને ફસલ બિમા યોજના હેઠળ દાવાનું વહેલાસર વળતર મળે એ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઈ)ને પ્રાથમિકતાનાં ધોરણે પૂરને કારણે નુકસાનગ્રસ્ત મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગોને રિપર કરવાની સૂચના આપી છે. એનટીપીસી અને પીજીસીઆઇએલ જેવી કેન્દ્ર સરકારની કંપનીઓએ પણ વીજળીની લાઇનો પુનઃસ્થાપિત કરવા શક્ય તમામ સહાય ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી.

વિનાશક પૂરમાં જે લોકોનાં કાચાં મકાનો તૂટી ગયાં છે એ ગ્રામીણજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ પ્રાથમિકતાનાં ધોરણે મકાનો પૂરાં પાડવામાં આવશે, જે માટે પીએમએવાય-જીની પરમેનન્ટ વેઇટ લિસ્ટને ધ્યાનમાં લેવામાં નહીં આવે.

મહાત્મા  ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના હેઠળ શ્રમ બજેટ 2018-19માં 5.5 કરોડ માનવદિવસોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યની અંદાજિત જરૂરિયાત મુજબ માનવદિવસોમાં વધારો કરવાની રાજ્ય સરકારની વિનંતી પર વિચાર કરવામાં આવશે.

 

સંકલિત બાગાયતી વિભાગ માટેનાં અભિયાન હેઠળ ખેડૂતોને નુકસાન પામેલા બાગાયતી પાકોનાં પુનઃવાવેતર માટે સહાય પ્રદાન કરવામાં આવશે.

કેરળમાં પૂરની સ્થિતિ પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે. રાજ્ય સરકારને તમામ મુશ્કેલ સ્થિતિસંજોગોનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પૂરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં છે.

પ્રધાનમંત્રીની સૂચના પર રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી કિરેન રિજિજુ, શ્રી કે જે આલ્ફોન્સ, રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા ઉચ્ચ-સ્તરીય કેન્દ્રીય ટીમે 21.07.2018નાં રોજ અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાઓનાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ પૂરની, રાહતનાં પગલાંની સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્ત લોકોને મળ્યાં હતાં.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહે 12 ઓગસ્ટનાં રોજ શ્રી કે જે આલ્ફોન્સ, રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન અને વરિષ્ઠ અધિકારીઓએ કેરળનાં પૂરગ્રસ્ત અને જમીન ધસી પડી હોય એ વિસ્તારોની મુલાકાત લીધી હતી તથા કેરળનાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓએ લીધાં તપાસ, રાહત અને બચાવ કામગીરીનાં પગલાંની સમીક્ષા કરી હતી તથા હવાઈ સર્વે હાથ ધર્યો હતો. ગૃહ મંત્રીએ એનડીઆરએફમાંથી રૂ. 100 કરોડની આગોતરી સહાયની પણ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે 21.07.2018નાં રોજ સુપરત કરેલા મેમોરેન્ડમ મુજબ, આંતર-મંત્રીમંડળીય સેન્ટર ટીમ (આઇએમસીટી)એ 7થી 12 ઓગસ્ટ, 2018 સુધી નુકસાનીની આકારણી કરવા માટે રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

એનડીઆરએફની 57 ટીમ તૈનાત કરવામાં આવી છે, જેનાં આશરે 1300 અધિકારીઓ અને 435 બોટ શોધખોળ અને રાહત કામગીરીમાં સંકળાયેલી છે. બીએસએફ, સીઆઇએસએફ અને આરએએફની પાંચ (5) કંપનીઓને રાજ્યમાં રાહત અને  બચાવ કામગીરી હાથ ધરવા કામે લગાવવામાં આવી છે.

રાજ્યમાં શોધખોળ અને બચાવ કામગીરીમાં મદદ કરવા સેના, હવાઈ દળ, નૌકાદળ તથા તટરક્ષક દળ તૈનાત કરવામાં આવી છે. રાહત અને  બચાવ કામગીરી માટે કુલ 38 હેલિકોપ્ટર્સ તૈનાત કરવામાં આવ્યાં છે. ઉપરાંત 20 વિમાનનો પણ સંસાધનો પહોંચાડવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. સેનાએ 10 કોલમ અને 10 ટીમ એન્જીનિયરીંગ ટાસ્ક ફોર્સ (ઇટીએફ) તૈનાત કરી છે, જેમાં 790 કુશળ અધિકારીઓ સામેલ છે. નૌકાદળે 82 ટીમ પૂરી પાડી છે. તટરક્ષક દળે 42 ટીમ, 2 હેલિકોપ્ટર અને 2 જહાજ પૂરાં પાડ્યાં છે.

એનડીઆરએફ, સેના અને નૌકાદળે સંયુક્તપણે 9મી ઓગસ્ટથી 6714 લોકોને બચાવ્યાં છે/સ્થળાંતરિત કર્યા છે અને 891 વ્યક્તિઓ તબીબી સહાય પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારનાં અસાધારણ સ્થિતિને કારણે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવાનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે હજુ પણ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે એ જોયું હતું. ભારત સરકાર રાજ્ય સરકારને તેનાં તમામ પ્રયાસોમાં સાથસહકાર આપવાનું ચાલુ રાખશે.

 

RP



(Release ID: 1543331) Visitor Counter : 119