પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો

Posted On: 14 JUL 2018 4:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો.

અહીં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે આ શિલારોપણને રાજ્યનાં વિકાસની સફરમાં નવા પ્રકરણની શરૂઆત સમાન ગણાવ્યો હતો. તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નેતૃત્વની પ્રશંસા કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર ઉત્તરપ્રદેશનાં વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમાજનાં વિવિધ વર્ગોનાં ઉત્થાન માટે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 340 કિલોમીટરની લંબાઈ ધરાવતો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે જે શહેરો અને નગરોમાંથી પસાર થશે તેની કાયાપલટ થઈ જશે, આ એક્સપ્રેસ-વે દિલ્હી અને ગાઝીપુર વચ્ચે ઝડપથી જોડાણ પણ પ્રદાન કરશે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક્સપ્રેસ-વેની સમાંતર નવા ઉદ્યોગ અને સંસ્થાઓ વિકસી શકે છે, એક્સપ્રેસ-વેથી પ્રદેશમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થાનોમાં પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અત્યારે વિકાસ માટે જોડાણ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગની લંબાઈ ચાર વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ હવાઈ જોડાણ અને જળમાર્ગે જોડાણની પહેલો વિશે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશનાં પૂર્વીય વિસ્તારને વિકાસનો નવો કોરિડોર બનાવવા પ્રયાસ થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ સબકા સાથ, સબકા વિકાસનાં તેમનાં વિઝનને પુનઃવ્યક્ત કર્યું હતું તથા પ્રદેશનાં સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે ડિજિટલ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અત્યાર સુધી ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી એક લાખ પંચાયતોને જોડાણ પ્રદાન થયું છે, અત્યારે ત્રણ લાખ સામાન્ય સેવા કેન્દ્રો લાખો લોકોનાં જીવનને સરળ બનાવી રહ્યાં છે.

અહીં પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી પહેલો વિશે પણ વાત કરી હતી. તેમણે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં તાજેતરમાં થયેલાં વધારા વિશે પણ વાત કરી હતી, જેનાથી ખેડૂતોને લાભ થશે.

પ્રધાનમંત્રીએ ત્રણ તલાકથી મુસ્લિમ મહિલાઓને સંરક્ષણ પ્રદાન કરતાં કાયદાને અટકાવવાનો પ્રયાસ કરતાં કેટલાંક "ચોક્કસ પરિબળો"ની ટીકા કરી હતી. તેમણે આ કાયદાને વાસ્તવિક બનાવવાનાં પ્રયાસો દ્રઢતાપૂર્વક આગળ વધારવામાં આવશે એવું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકાર એમ બંને માટે દેશ અને તેનાં નાગરિકો સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ વિસ્તારનાં વણકરોનાં ઉત્થાન માટે પણ વિવિધ પહેલો હાથ ધરી છે. આ સંદર્ભમાં તેમણે આધુનિક મશીનો, ઓછા વ્યાજદર ધરાવતી લોન અને વારાણસીમાં વેપારી સુવિધા કેન્દ્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારની પણ વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

 

RP



(Release ID: 1538672) Visitor Counter : 93