પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિવિધ શહેરી માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો; કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ દ્વારા વહેંચાયેલા અનુભવોના સાક્ષી બન્યા; જયપુરમાં જનસભાને સંબોધન કર્યું

Posted On: 07 JUL 2018 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં એક જનસભાને સંબોધન કર્યું હતું.

તેમણે રાજસ્થાન રાજ્ય માટે 13 શહેરી માળખાગત પરિયોજનાઓનાં શિલારોપણની તકતીનું અનાવરણ કર્યું હતું.

પછી તેમણે ભારત સરકાર અને રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનાં પસંદગી પામેલા લાભાર્થીઓનાં અનુભવોનું દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ નિહાળ્યું હતું. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.

મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉત્સાહી જનમેદનીને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન મહેમાનોની આગતા સ્વાગતા કેવી રીતે કરે છે એ તેમને આજે પ્રત્યક્ષપણે જોવા મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રવાસીઓ રાજ્યની પ્રગતિનું સાચું ચિત્ર જોઈ શક્યા છે. તેમણે રાજસ્થાનને વીરોની ભૂમિ ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કુદરત સાથે સંવાદિતા સાધીને જીવવાની વાત હોય કે આપણાં દેશનું રક્ષણ કરવાની વાત હોય, રાજસ્થાને આપણને હંમેશા માર્ગ દેખાડ્યો છે.

રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે રાજ્યની કાર્યશૈલી બદલી નાંખી છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર રાજસ્થાનનાં વિકાસ માટે ખભેખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આજની પ્રસ્તુતીમાં જોવા મળેલા લાભાર્થીઓની ખુશી અત્રે ઉપસ્થિત તમામ લોકોને અનુભવવા મળી હતી.

કેન્દ્ર સરકાર ખેડૂતોનાં કલ્યાણ માટે કેવી રીતે કામ કરી રહી છે એ વિશે પ્રધાનમંત્રીએ વિગતવાર વાત કરી હતી. તેમણે ચાલુ વર્ષના ખરીફ પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારા વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં સ્વચ્છ ભારત અભિયાન, જન ધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના સામેલ છે.

રાજસ્થાન આગામી વર્ષે 70 વર્ષ પૂર્ણ કરશે એ વાતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ રાજસ્થાનનો વિકાસ કરવાની પ્રતિબદ્ધતા પ્રતિપાદિત કરવા લોકોને અપીલ કરી હતી, જે નવા ભારતનાં નિર્માણમાં પથપ્રદર્શક ભૂમિકા નિભાવશે.

RP



(Release ID: 1538080) Visitor Counter : 182


Read this release in: English , Marathi , Assamese , Tamil